ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર

તુષાર જોશી Tuesday 19th July 2016 14:30 EDT
 
 

‘અરે બહુ વાગ્યું તો નથી ને?’

‘તાત્કાલિક દવાખાને પહોંચી ગયા તે સારું થયું!’

‘હવે ક્યાંયે જતા નહીં, મારા ઘરે આરામ કરજો...’

આવા લાગણીભર્યાં પાંચ-સાત વ્યક્તિઓના પ્રેમાળ વાક્યોની જાણે કોઈ અસર ના થઈ હોય એમ સાંભળનારા આખરે એમને જ્યાં જવું હતું ત્યાં ગયા જ...

કારણમાં કોઈ સાહસ, પ્રલોભન કે લક્ષ્ય ન હતા, પરંતુ હૈયામાં છલકાતો એક અપૂર્વ અવસરનો આનંદ હતો.

ગુરુપૂર્ણિમાનો અવસર, એક મહામંગલકારી પર્વ. ગુ એટલે અંધકાર અને રુ એટલે દૂર કરનાર... શિષ્યના જીવનમાં વ્યાપેલા અજ્ઞાનના અંધકારને દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ પાથરે તે ગુરુ. આવા ગુરુને માનનારા એમના શિષ્યો અથવા એમના ભક્તો અથવા એમના શ્રોતાઓ ગુરુપૂર્ણિમાના પાવન અવસરે એમના શ્રદ્ધેય સુધી વંદન માટે જતા હોય છે.

૧૯૮૦ના દાયકાનો એ સમય. ધાર્મિક અને આધ્યાત્મિક-પારિવારિક સંસ્કારોથી પ્રેરિત પરિવારના ભાઈ-બહેન અને સાથે એમના એક મિત્ર નામે ગિરીશ જોશી વહેલી સવારે ભાવનગરથી મહુવા પહોંચ્યા. એ દિવસોમાં તલગાજરડામાં ચિત્રકૂટ ધામમાં પૂજ્ય મોરારિબાપુના સાંનિધ્યમાં ઊજવાતા ગુરુપૂર્ણિમાના ઉત્સવમાં જવાનો હરખ એમના હૈયે હતો. એસટી બસમાં મહુવા પહોંચીને ત્યાંની એક રીક્ષામાં તલગાજરડા જવા તેઓ નીકળ્યા.

અષાઢી આભ ઘેરાયેલું હતું. વરસાદ ધીમી ધારે વરસતો હતો. રીક્ષા ડ્રાઈવરે રસ્તામાંથી બીજા બે પેસેન્જર પણ લીધા. મૂળ મારગથી શરૂ થયો ગામ તરફ જવાનો સાવ સાંકડો રસ્તો. દેશ-વિદેશના ભક્તોના વાહનો પસાર થઈ રહ્યા હતા એમાં આમની રીક્ષા પણ જઈ રહી હતી. અચાનક શું થયું, એક પક્ષી રીક્ષામાં આ તરફથી આવ્યું ને બીજી તરફથી નીકળી ગયું, પરંતુ એમાં બેધ્યાન થતાં ડ્રાઈવરે રીક્ષાના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો. રીક્ષા ઊંધી પડી ને વળી થોડા ફૂટ ઘસડાઈ... પરમાત્માની કૃપા તે પાછળ આવતા અને સામેથી આવતા વાહનોને સમયસર બ્રેક લાગી.

તત્કાળ લોકો ભેગા થઈ ગયા. ઈજાગ્રસ્તોને બેઠા કર્યાં અને એક મેટાડોરમાં તાત્કાલિક મહુવા સરકારી દવાખાનામાં સારવાર માટે લઈ ગયા. વહેલી સવારના સમયે પણ ડોક્ટરો અને સ્ટાફે પૂરતી ચકાસણી કરી, પાટાપિંડી કર્યાં, કોઈ વિશેષ ઈજા નથી એની ખાતરી આપી. એ દરમિયાન લેખના આરંભે બોલાયેલા સંવાદનો આ યુવાનોએ સાંભળ્યા. એ બોલનારાનો એમણે આભાર માન્યો. જરૂરી સારવાર - દવા - ઇન્જેક્શનો લીધા.

ચા નાસ્તો કર્યા અને ફરી પાછા એક નવી રીક્ષામાં બેસીને એ જ માર્ગે આગળ વધ્યા અને પહોંચ્યા ગુરુપૂર્ણિમા ઉત્સવમાં. ભલે પહાડ જેવડી ન હતી, પરંતુ નાસીપાસ કરે એવી અને શારીરિક રીતે ઈજાગ્રસ્ત કર્યા એવી મુશ્કેલી તો આવી જ હતી છતાં હૃદયમાં પૂર્ણ શ્રદ્ધા હતી. વિશ્વાસ હતો એટલે ડર કે ભયના અંધકારની અસર ન થઈ અને ગુરુપૂર્ણિમાના પરમ પાવન પર્વનો આનંદ લઈ શક્યા. સાધક અને શ્રોતા તરીકેનો એમનો ભાવ વિશ્વાસને વધુ સંવર્ધિત કરતો ગયો.

•••

સંસ્કૃત સાહિત્યમાં લખાયું -

ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર,

ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ

કબીર સાહેબે દોહાવલીમાં લખ્યું -

સબ ધરતી કાગદ કરું, લેખની સબ બનરાય,

સાત સમુદ્ર કી મસિ કરું, ગુરુ ગુણ લિખા ન જાય.

દેશી ભજનવાણીના પદમાં દાસી જીવણે લખ્યું છે...

અજવાળું અજવાળું,

ગુરુજી તમ આવ્યે, મારે અજવાળું....

મંગળવારે ગુરુપૂર્ણિમાનો દિવસ ઉજવાયો. ભારતની ઋષિસંસ્કૃતિના સમયથી આજદિન સુધી આપણે ત્યાં સદ્ગુરુ મહિમા સચવાયો છે. સદ્ગુરુ કૃપાથી મનના દુર્ગુણો, કષાયો અને સંશયો મટે છે. એની કૃપાદૃષ્ટિથી અશક્ય શક્ય બને છે. સદ્ગુરુના ઉપદેશનું આચરણ કરવાથી અજ્ઞાનનું અંધારું દૂર થાય છે અને જીવનમાં પોઝિટિવિટીનો પ્રકાશ રેલાય છે.

સાચા સદ્ગુરુ મળવા એ જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ છે અને આવા સાચા સદ્ગુરુ જે બોલે તેનું આચરણ પહેલા કરે છે.

સદ્ગુરુનું ધ્યાન ધરવાથી મનની સ્થિતિ હકારાત્મક બને છે. હૃદયમાં સત્ય, પ્રેમ અને કરુણાના ઝરણાં વહે છે. સદ્ગુરુના શબ્દોને સાંભળીને - સમજીને એને પોતાના જીવનમાં આચરણમાં મુકે છે અને શિષ્યના જીવનમાં પ્રસન્નતાના દીવડા પ્રગટે છે અને સદ્ગુરુની કૃપાના અજવાળા એના જીવન પથ પર રેલાય છે.

લાઈટ હાઉસ

સદગુરુ મળિયા મારા સંશય ટળિયા

ને લખ રે ચોરાશીથી છોડાયો જી,

- રૂખડિયો


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter