ચોમાસું આપણને સમજાવે છેઃ જિંદગી જીવવા જેવી છે અને કોઈના પ્રેમમાં ભીંજાવા જેવી છે...

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 25th July 2022 07:27 EDT
 
 

ચોમાસાની ઋતુ છે, ચારેતરફ શ્રીકાર વર્ષા થઈ રહી છે, નદી-નાળાં, તળાવ ને સાગર છલકાઈ રહ્યા છે. સમગ્ર વાતાવરણમાં મસ્તી ને મદહોશી છે. પ્રેમીઓના હૃદયની સંવેદનાને અભિવ્યક્ત કરતા ગીતો-ગઝલો-કવિતાઓ, લોકગીતો કેટકેટલાનું સ્મરણ થાય, જેમાં વરસાદ અને વરસાદી વાતાવરણ શબ્દ-સંગીતમાં અભિવ્યક્ત થયા હોય.

હિન્દી સીનેમાની કથાઓમાં વાર્તાના ભાગરૂપે, સ્ટોરી રનર તરીકે કે પ્રેમની અભિવ્યક્તિરૂપે, સ્મરણરૂપે કે નૃત્યરૂપે, આનંદરૂપે કે વિરહરૂપે અઢળક ગીતો વરસાદના મળે છે જે આપણા હૃદયમાં હૃદયસ્થ છે, આપણને વારંવાર સાંભળવા ગમે છે.
આવનારા દિવસોમાં મહાન ગાયક મોહમ્મદ રફી સાહેબની પુણ્યતિથિ છે ત્યારે સૌ પ્રથમ યાદ આવે ફિલ્મ લોફરનું મદહોશ ગીત... ‘આજ મૌસમ બડા બેઈમાન હૈ, આનેવાલા કોઈ તુફાન હૈ...’
મૌસમમાં ભીનાશ છે અને વાતાવરણમાં પહેલા વરસાદની માટીની સુગંધનો મઘમઘાટ છે ત્યારે યાદ આવે 1941માં બનેલી ફિલ્મ ‘ઝુલા’નું ગીત... ‘આજ મૌસમ સલોના સલોના રે...’
1943માં આવેલી ફિલ્મ તાનસેનમાં અમીરબાઈએ ગાયેલા ગીતમાં તો વાદળને વિનંતી કરવામાં આવી છેઃ ‘ધીરે ધીરે આ રે બાદલ ધીરે ધીરે આ, મેરા બુલબુલ સો રહા હૈ, શોર તું ના મચા...’
અને રાજકપૂરની ફિલ્મ બરસાતનું ગીત સૌના હૈયે જડાયેલું છેઃ ‘બરસાત મેં હમ સે મીલે તુમ સજન તુમ સે મીલ હમ બરસાત મેં...’
વરસાદ આવે એટલે બાળકો માટે છબછબીયાનો, વરસાદનાં ફોરાંને ઝીલવાનો, યુવાનો માટે પ્રિયજનને લઈને માર્ગ પર, પહાડોમાં કે તળાવ - નદીકિનારે ભીંજાવાનો અને વડીલો માટે અમે પણ અમારા જમાનામાં ચોમાસની મજા આમ લૂંટતા તેમ વાતો કરતાં કરતાં ઘરમાં બેસીને ભજીયાં-ગોટાં કે દાળવડાં ખાવાનો સમય. બ્રિટન-યુરોપમાં રહેતા વડીલો માટે એમની યુવાની દિવસોને યાદ કરવાના આ સમયે ગરમીની વચ્ચે ઠંડક આપી જનારો આ લેખ બની રહેતો હોય એવું લાગશે. બ્રિટનમાં કાળઝાળ ગરમી પછી હવે ગરમીનું જોર ઘટ્યું છે અને અહીં ગુજરાતીમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે.
સ્મરણોની ગલીઓમાં ફરતાં રહેનારાને તલત મહેમૂદનું ફિલ્મ એક ગાંવ કી કહાનીનું ગીત પણ યાદ આવે,
‘ઝુમે રે, મેરા દિલ ભી ઝુમે
ધરતી કો ચુમે રે
તુજકો યાદ કરકે
મેરા દિલ ભી ઝુમે...’
વરસાદી ગીતોનો ઉલ્લેખ થાય અને લતા મંગેશકરનું પરખ ફિલ્મનું ગીત હોઠ પર આવી જાય....
‘ઓ સજના બરખા બહાર આઈ રસ કી ફુહાર લાઈ,
અખિયોં મેં પ્યાર લાઈ...’
વાસ્તવમાં ચોમાસાની ઋતુ આપણા હૈયામાં પ્રકૃતિ માટે, પ્રિયજન માટે પ્રેમ જગાવે છે. રસ પેદા કરે છે. પરિસ્થિતિ દુઃખની પણ હોઈ શકે અને સ્થિતિ મુશ્કેલ પણ હોઈ શકે છે પરંતુ જીવનમાં આનંદ છે, પ્રેમ છે, પ્રકૃતિમાં પ્રસન્નતા છે. જિંદગી જીવવા જેવી છે અને કોઈના પ્રેમમાં ભીંજાવા જેવી છે એ વાત આપણને અર્થપૂર્ણ રીતે સમજાવે છે ચોમાસું. કેટલાક વળી સાવ કોરા જ રહેવા સર્જાયેલા હોય એમની વાત જુદી છે.
વરસાદની ઋતુ છે એ ઋતુમાં આપણે ભીંજાઈએ અને બીજાને પણ ભીંજવીએ ને પછી સાથે ગાઈએ જિંદગીભર નહીં ભૂલેગી વો બરસાત કી રાત... તો પછી જે સવાર પડે છે એ સવાર પ્રેમપૂર્ણ-અર્થપૂર્ણ-અજવાળાં જરૂર રેલાવશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter