... તો જિંદગીની ડાયરી કોરી જ રહી જાય

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 31st December 2018 08:54 EST
 

‘ડેડી, આ શું લખ્યું છે?’ દીકરી સ્તુતિએ કહ્યું...

‘તમે આટલું તો ગુજરાતી વાંચી શકો છો બેટા, જાતે વાંચો.’ જવાબ આપ્યો ડેડીએ.

‘અરે પણ અહીં નામની જગ્યાએ તારીખ લખી છે, આપણા દૂધવાળાભાઈએ એમ કહું છું.’
વાત એમ બની હતી કે બાજુના ગામથી ઘરે દૂધ આપવા રોજ એક ભાઈ આવતા હતા. વહેલી સવારે સાડા પાંચ-છ વાગ્યે તો આવી જ ગયા હોય. ડોરબેલ વાગે એટલે દૂધ લઈ લેવાનું અને એક કાર્ડમાં તે લખી આપે કે કેટલું દૂધ લીધું.
દર મહિને એ મુજબ સરવાળો કરીને પૈસા ચુકવાય. આજે અચાનક દીકરીનું ધ્યાન પડ્યું કે નામની કોલમમાં એમણે તા. ૧-૧૨-૨૦૧૮ લખી છે. એટલે દીકરીએ આમ જ પૂછ્યું હતું. જવાબ આપ્યો કે ‘બેટા, પાંચ-પચ્ચીસ માણસોના નામ તો એ કેમ યાદ રાખે?’ એમને મન નામ નહિ, હિસાબ માટે મહિનો મહત્ત્વનો છે. સમય મહત્ત્વનો છે. એટલે આપણે પણ આમાંથી શીખવાનું કે નામ કરતાં સમય વધુ મહત્ત્વનો છે, જો આ ૨૦૧૮નું વર્ષ તો પૂરું થવામાં છે. હવે એ વહી જતાં, પસાર થઈ ગયેલા સમય પર નજર માંડીએ ત્યારે સમજાય છે કે સમયમાં માણસે જીવન ભરવાનું છે. અત્યારે જે સમય છે એમાં આપણે શ્રેષ્ઠ કામ કરીએ. આટલું કહીને ડેડી રાઈટિંગ ટેબલ ઉપરથી ઊભા થયા. દીકરી વહેલી સવારે ધોરણ ૧૨ની પરીક્ષાનું લેશન કરતાં કરતાં ડેડી સાથે ચા પી રહી હતી.
પુસ્તકોના ઘોડામાંથી એક નાનકડું પુસ્તક લઈ ડેડી આવ્યા. પ્રખ્યાત લેખક ફાધર વાલેસનું એ પુસ્તક હતું. દીકરીને બતાવીને કહ્યું, ‘જો સાંભળ બેટા, તારા અભ્યાસમાં જે શીખવા મળશે એના કરતાં પણ વધુ મૂલ્યવાન શીખ આપતી એક નાનકડી વાર્તા આ પુસ્તકમાં છે. માત્ર પાંચ મિનિટમાં સંભળાવું...’ એમણે વાર્તા સારરૂપે કહી.
એક પિતાએ નવા વર્ષે એના યુવાન પુત્રને ગિફ્ટ આપવાનું નક્કી કર્યું. એમણે બજારમાંથી એક નવી ડાયરી ખરીદી. નવા વર્ષની વહેલી સવારે દીકરાને બોલાવીને આપી અને કહ્યું, ‘આમાં તને જે કાંઈ અનુભવો થાય, કલ્પનાના વિશ્વમાં વિહાર કરતાં જે અનુભૂતિ થાય તે અથવા તમે ગમે તે લખજે.’ દીકરો રાજી થયો. કલમ-પેન લઈને બેઠો. શું લખું? શું લખું? વિચારો ઘણા આવ્યા પણ થયું કે, ‘ના ના કંઈક સારું લખીશ.’ બીજા દિવસે પણ આ સ્થિતિ થઈ. ત્રીજા - ચોથા ને પાંચમા દિવસે તો ઠીક, અઠવાડિયે ને મહિને પણ એ જ સ્થિતિ થઈ. કાંઈક સારું લખવાના વિચારમાં ને વિચારમાં દિવસો ગણતાં ગણતાં વર્ષ પસાર થઈ ગયું. ડાયરી સાવ કોરી રહી ગઈ.
વાર્તા પૂરી થઈ. દીકરી સમજી ગઈ. જે કાંઈ છે એ સમય છે. વર્તમાનમાં જો ના જીવીએ તો, કર્મ ના કરીએ તો જેમ પેલા યુવાનની ડાયરી કોરી રહી ગઈ એમ આપણું જીવન પણ કોરું રહી જાય. શ્રેષ્ઠ સર્જન કરવાની પ્રતિક્ષા કરવા કરતા, જે કાંઈ કરીએ તે શ્રેષ્ઠ જ કરીએ. સંવાદ પૂરો કરતાં ડેડીએ કહ્યું, ‘એટલે બેટા, તમારા માટે વર્તમાનમાં ભણવું ને શ્રેષ્ઠ પરિણામો મેળવવા એ મહત્ત્વની વાત છે ને મારા માટે મારું લેખન-વાંચન કે પુસ્તક સર્જન મહત્ત્વની વાત છે. ચાલો, આપણે બંને આપણા કામો શ્રેષ્ઠ રીતે કરીએ.’

•••

તીથલના દરિયાકિનારે રહીને જેમણે શબ્દ અને અધ્યાત્મ સાધના કરી, એવા બંધુત્રિપુટી પૈકીના જૈન મુનિશ્રી મુનિચંદ્ર વિજયજી મહારાજ સાહેબે લખેલી એક ગઝલનો ઉઘાડ આવો છે.

આ જાય સમય, ઓ જાય સમય,
પકડું પકડું થાય મને ને, હાથતાળી દઈ જાય સમય

સમય ક્યાં પસાર થઈ જાય છે એ ખબર પડતી નથી. વરસો જાણે અડધિયા થઈ ગયા હોય એવું લાગે છે. સમયને અર્થપૂર્ણ બનાવવો, સમયને જીવવો, સમય મળ્યો છે એમાં કરવાના કામો કરી લેવા, સમયને સાચવી લેવો એ જ આપણા જીવનમાં સૌથી પ્રથમ જરૂરિયાત છે. કોણ ક્યારે છુટા પડશે? કોણ ક્યારે કોને મળશે? કોનું ક્યારે શું થશે? કોઈને કંઈ ખબર નથી. આયોજનો ભલે પાંચ-દસ વર્ષ પછીના કરીએ, કરવા જ જોઈએ પણ જીવવાનું તો આ ક્ષણમાં જ છે. જીવનની આ સમજણ અનુસાર જીવાય ત્યારે ચારેકોર અજવાળાં અજવાળાં થાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter