દર્દીઓની સેવા થકી માનવતાની સેવા

અજવાળું અજવાળું

તુષાર જોષી Thursday 25th October 2018 04:57 EDT
 

‘ચાલો માણસ બનીએ’ પુસ્તકનું શિર્ષક જ આકર્ષિત કરી ગયું. પહેલી નજરે લાગ્યું કે આપણે માણસ તો છીએ જ! તોયે પાછા માણસ બનવાનું?? પણ સત્ય ઘટનાઓનું સંકલન હતું, જે લેખિકા સોનલ મોદીએ કર્યું છે. એક બેઠકે પુસ્તકની આરપાસ પસાર થઈ જવાનું બન્યું. પુસ્તક વાંચ્યા બાદની અનુભૂતિની વાત આગળ કરીશું.

માનવતાના કાર્યો સતત કરતા રહેવાથી આપણને પોતાનું જીવન અર્થપૂર્ણ બનતું લાગે એ ભાવ પુસ્તકના કેન્દ્રમાં છે. અમદાવાદમાં કાર્યરત ‘દર્દીઓનું રાહતફંડ’ નામની માનવતાના કાર્યો કરતી સંસ્થાના સંસ્થાપકની વાત, સંસ્થાના આરંભની વાત અને સંસ્થા દ્વારા ક્યાંક-કોઈને મદદરૂપ થવાનું બન્યું હોય એવા કેટલાક દર્દીઓની સત્યકથાઓ પુસ્તકમાં છે. જે નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત કર્યું છે. ૧૯૬૪માં માત્ર રૂ. ૨૦ના દાન સાથે શરૂ થયેલી આ સંસ્થાનો આરંભ નગીનભાઈ શાહે કર્યો હતો. નિઃસ્વાર્થ ભાવે અને ઉદાર દિલે દર્દીઓની સખાવત સંસ્થા દ્વારા કરાય છે. દર વર્ષે રૂ. એક કરોડથી વધારે રકમ આ માર્ગે વાપરવામાં આવે છે.
આપણે બધાએ સરકારી હોસ્પિટલોમાં ગરીબ દર્દીઓને દાખલ થતા જોયા છે, દર્દી સાજો થાય એની ચિંતાની સાથે સાથે જ દર્દીની ચિકિત્સાના, સારવારના, દવાના, ફળફળાદી કે સાથે આવેલા વ્યક્તિના ભોજન-નિવાસના રોજિંદા ખર્ચાની ચિંતા એને એથી વધુ હોય છે. અનેક જાતની વિટંબણા સહન કરવી પડે છે. આ ગરીબ અને અભણ દર્દીને અને તેના સગાંઓને... આ દૃશ્યોમાં સમાયેલી કરુણતા, લાચારી, ન વહેલા આંસુ, પ્રેમ, મજબૂરી, માનસિક યાતના... એ તો જેણે અનુભવ કર્યો હોય તે અથવા કોઈ સહૃદય માનવીએ આ દૃશ્યોને લાગણીભીની આંખે જોયા હોય તે જ સમજી શકે!
આવા ગરીબ દર્દીઓની મદદ કોણ કરે? એમના તો સગાં-વ્હાલાં પણ એમના જેવા જ ગરીબ હોય! કોણ કોને ટેકો આપે? પણ સમય બદલાયો છે, લોકો આવકના ૧૦ ટકા નહીં તો બે-પાંચ ટકા પણ ગરીબોને દાનરૂપે આપતા થયા છે. સમર્પિત ભાવે કામ કરનારા લોકો અને આવી સંસ્થાઓ છે જે ઉત્તમ સેવા કાર્ય કરી રહી છે. ભાવનાશીલ ડોક્ટરો છે, કેમિસ્ટો છે, સ્વયંસેવકો છે જે આવા દર્દીઓની પડખે તન-મન-ધનથી ઊભા રહે છે.
બાંટવાથી જૂનાગઢ અને ત્યાંથી અમદાવાદ આવેલો એક પરિવાર એમની વ્હાલસોયી દીકરીની સારવાર માટે કાનની વાળી વેચવાની અસહાય સ્થિતિમાં આવે... સમાજના ઘડવૈયા જેવો શિક્ષક લકવાની બિમારીમાં સપડાય, ગામડાં ગામમાંથી રૂ. ૪૦૦ ઉધાર લઈને નીકળેલા પરિવારનો દર્દી કમળીના રોગની સારવાર લેતો થાય, ધોળકા તાલુકાના લોલીયા ગામની દીકરીને ધનુર થાય અને અમદાવાદ આવે ત્યારે સારવાર-દવા તો ઠીક, ઘરે જાય ત્યારે પણ ૧૦ દિવસની દવા અપાય. અમરેલીના પિયાવા ગામના દીકરાને મગજના રોગની સારવાર માટે અમદાવાદ લવાયો તો પાંચ માસ અને સાત દિવસ એની સારવાર કરાવી. ખેડા જિલ્લાના એક દર્દીની સારવાર પૈસાના અભાવે અટકે એમ હતી, એની પડખે સંસ્થા ઊભી રહી. સાડા ચાર મહિના પછી સાજા થઈને એ ઘરે પરત ગયો ત્યારે વસવસો વ્યક્ત કરતા હતા કે દર્દીઓના રાહત ફંડમાં મારે પૈસા આપવા જોઈએ, એના બદલે મારે તેની મદદ લેવી પડી... રાજપીપળાના એક ભાઈની સારવાર કરવાની વાત આવી તો દર્દી સાજો થયો ત્યાં સુધીની જવાબદારી સંસ્થાએ ઊપાડી.
આવા તો અનેક કિસ્સાઓ છે - ૫૪ વર્ષના ઈતિહાસમાં... એક દળદાર ગ્રંથ બને. સંસ્થાએ એમના દાતાઓ દ્વારા વિશ્વાસથી અપાતા એક-એક પૈસાનો યોગ્ય અને સમુચિત ઉપયોગ સાચા દર્દીની જરૂરિયાતો પૂરી કરવા કર્યો છે.
દર્દીઓનું રાહત ફંડ જેવી કેટલીય સંસ્થાઓ-વ્યક્તિઓ બીમાર દર્દીઓની સારવાર માટે દવા માટે તેમને સહાય કરે છે. પૂર્ણપણે સમર્પિત ભાવે, કોઈપણ જાતની પ્રસિદ્ધિના મોહ વિના માનવધર્મ બજાવી રહેલા, ‘દીધું હોય તો દેતો જાજે....’ના ન્યાયે પોતાના જીવનમાં અમલમાં મૂકી રહેલા આવા લોકો આવી સંસ્થાને કોઈ એવોર્ડ મળતા નથી. એમને જોઈતા પણ નથી, પરંતુ જ્યારે જ્યારે આવી ઘટનાઓ વિશે જાણીએ ત્યારે માનવતાના દીવડા પ્રગટી રહ્યા છે અને એનાં અજવાળાં સમાજમાં રેલાઈ રહ્યા છે એ સ્પષ્ટ અનુભવાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter