દિવાળીઃ પ્રેમ - સંવેદનાનો ઉજાસ ફેલાવવાનો અવસર

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 21st October 2019 07:03 EDT
 

‘ડેડી, દિવાળી ને નૂતન વર્ષ વિશે મને કાંઈક લખી આપોને...’ જવાબમાં કહ્યું, ‘બેટા, એ તો ઈન્ટરનેટ પર પણ મળશે.’ તો કહે, ‘ના, તમે કહો, પુસ્તક નહીં, જીવવાની વાત મારે સાંભળવી છે ને લખવી છે, અને હા, પછી આજે આપણે દર વર્ષની જેમ, આપણી આસપાસના કેટલાક લોકો માટે ગિફ્ટ્સની યાદી કરીએ છીએ એ પણ કરી લઈએ ને પછી એમને આપી આવીએ....’ દીકરીએ લાડથી કહ્યું.

અને પછી જવાબરૂપે હૃદયમાં જે કાંઈ ભાવ પ્રગટ થયા અને દિવાળીના પર્વે સંવેદનાના પ્રેમના-પ્રસન્નતાના - જોય ઓફ ગિવિંગના જે દીવડા પ્રગટ્યા ને મન-હૃદયમાં ઊજાસ ફેલાયો એનો આનંદ છવાયો.
ભારતીય સંસ્કૃતિમાં પ્રકાશની પૂજા થાય છે - દીવડામાં રહેલા તેજની પૂજા થાય છે. સમજણના, જ્ઞાનના, પ્રેમના - સંવેદનશીલતાના દીવડા પ્રગટાવવાનું પર્વ છે દિવાળી. નાના હતા ત્યારે જોડકણું ગાતા...
દિવાળીના દિવસમાં
ઘર ઘર દીવડા થાય,
ફટાકડા ફટ ફટ ફૂટે,
બાળક સહુ હરખાય.
સ્વાભાવિક છે કે દિવાળીનો આનંદ બાળકોને તો હોય જ, પરંતુ બાળક જેવી નિર્દોષતા, બાળક જેવું અચરજ અને બાળક જેવી ઉત્સવપ્રિયતા જેનામાં ઠાંસોઠાસ ભર્યા હોય એ તમામ માટે દિવાળી એટલે ઉજાસનું પર્વ, દિવાળી એટલે ઉલ્લાસનું પર્વ, દિવાળી એટલે આનંદનું પર્વ ને દિવાળી એટલે પ્રસન્નતાનું પર્વ. દિવાળી એટલે મીઠાશનું-પ્રગતિનું, દિવાળી એટલે સ્વચ્છતાનું, આયોજનનું, સંકલ્પોનું-પ્રવાસનું પર્વ.
દિવાળી એટલે બધ્ધું નવું નવું હોય, પહેરવાનાં કપડાં, ઘરવખરી, વાહનો, ઈલેક્ટ્રોનિક ઉપકરણો... જાતજાતની ખરીદી સહુ પોતપોતાની જરૂરિયાત અને ક્ષમતા મુજબ કરે. સરવાળે સ્પર્શ થાય નૂતનતાનો, કાંઈક વિશેષનો, દિવાળીમાં પ્રગટતો પ્રત્યેક દીવડો કેવળ ઉજાસ નથી આપતો, પણ નવીનતાનો સંદેશ પણ આપે છે.
દિવાળીના દિવસ પછી ઉજવાય છે નૂતન વર્ષનો પ્રથમ દિવસ. કારતક મહિનાથી શરૂ થાય ભારતીય કેલેન્ડર મુજબનું નવું વર્ષ. નવું વર્ષ એટલે નવી સવાર - નવો સૂરજ - નવી હવા - નવા સંકલ્પો - નવા સપનાંઓ - નવા મનોરથો અને નવું વર્ષ. શુભારંભ છે અને એ શુભારંભમાં ભળે છે વડીલોના આશીર્વાદ - સ્નેહીજનોની શુભેચ્છા અને પ્રિયજનોનો પ્રેમ.
વ્યાપારી જેમ નવા ચોપડા માંડે એમ આપણે પણ નવા વરસે આપણા જીવનમાં નિષ્ફળતા, - સફળતાના, ખીણ અને ટોચના, દુઃખ અને સુખના, વિષાદ અને આનંદની આવક-જાવકનો હિસાબ કરીએ. આખરે સરવાળામાં પ્રેમ-પ્રાર્થના ને પ્રસન્નતા જ વધે એ જોવાનું છે એ અનુભવ કરવાનો છે અને એ જ આપણી આસપાસ વહેંચવાના છે.
આપણે ત્યાં ભજન પરંપરામાં ગવાયું છેઃ ‘દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે...’ આ શબ્દોને આત્મસાત્ કરવાનો, જીવવાનો તહેવાર એટલે દિવાળી ને નૂતન વર્ષ. આપણી આસપાસ રહેલા માણસોમાં આપણે ત્યાં કામ કરનારા, શ્રમ કરનારા, આર્થિક રીતે જરૂરિયાતમંદ એવા લોકોને એમનું પૂર્ણ સ્વમાન સાચવીને, એમના બાળકોને જાતજાતની ભેટ આપીને, એમને ફટાકડાં કે મીઠાઈ કે કપડાં કે બીજી કોઈ વસ્તુ આપીને આપણે રાજી થવાનો અવસર એટલે દિવાળી ને નૂતન વર્ષ. જોય ઓફ ગિવિંગ બીજાને કંઈક આપીને પોતે રાજી થવાનો - ઈશ્વરે આપણને આ ઉમદા કાર્યમાં નિમિત્ત બનાવ્યા, આવી તક આપી એ માટે ઈશ્વર પ્રતિ આભાર પ્રગટ કરવાનું પર્વ એટલે દિવાળી અને નૂતન વર્ષ.
દિવાળી અને નૂતન વર્ષના પર્વે માટીના કોડિયા કે ઈલેક્ટ્રિક બલ્બની રોશનની અજવાળાં તો પથરીએ જ, સાથે સાથે માણસાઈના દીવડા પણ પ્રગટાવીએ અને એના અજવાળાં બહુજન સમાજ સુધી ફેલાય એની કાળજી લઈએ. આપણા સ્વજનો-પ્રિયજનોને હેપ્પી ન્યૂ યરની શુભકામના તો આપીએ જ, સાથે સાથે આપણી આસપાસના જરૂરિયાતમંદોને પણ લાગણીથી ભેટીએ - એમની પડખે ઊભા રહીએ અને એમને દિવાળીની ભેટ આપીએ એમના ચહેરા પર નૂતન વર્ષનું સ્મિત છલકાવવામાં નિમિત્ત બનીએ. આવું થાય ત્યારે સાચ્ચે જ પર્વનો ઉજાસ રેલાય છે ને અજવાળાં પથરાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter