નવરાત્રિ પર્વ એટલે મ્યુઝિક, મસ્તી અને મિત્રતાનો ત્રિવેણીસંગમ

અજવાળું અજવાળું

તુષાર જોષી Wednesday 06th October 2021 09:11 EDT
 

મોહમયી નગરી મુંબઈના માર્ગો પર મોડી રાત્રે વાહનો અને માર્ગ પરની લાઈટોનો પ્રકાશ પથરાઈ રહ્યો હતો. આકાશમાં ભાદરવા વદના અંધારા રેલાયા હતા ને ક્યાંક ક્યાંક દેખાઈ આવતા ટમટમતા તારલા જાણે આસોના અજવાળાની આલબેલ પોકારતા હતા.
તોરલ ગરબાની પ્રેક્ટિસમાંથી આવીને, હળવું ભોજન લઈને ફ્રેશ થઈને જૂહુના દરિયાકિનારાને જોઈ શકાય એવા એના મોભાદાર ને મોંઘા ફ્લેટની ગેલેરીમાં બેઠી હતી. હીંચકો ધીરે ધીરે ઝુલતો હતો અને મનમાં રમતા ગરબાનો લય પણ જાણે એને ઝુલાવતો હતો. આકાશમાં ઊડતા પ્લેનનો અવાજ સાંભળીને એક ક્ષણ પછી તોરલે મોબાઈલમાં યુટ્યુબના માધ્યમથી એની મનપસંદ ગાયિકાના મીઠા સ્વરમાં નવરાત્રિના પારંપરિક ગરબા સાંભળવાના શરૂ કર્યા. એનું મન પળભરમાં તો પહોંચી ગયું સૌરાષ્ટ્રના એ ગામમાં જ્યાં એનો ઉછેર થયો. નવરાત્રિના એ દિવસો, સરખી સાહેલીઓ–પ્રિયજનો-પડોશીઓ અને રાત્રે બે-ત્રણ વાગ્યા સુધી ચાલતા ગરબા. બેઠા ગરબાનું એ દિવ્ય વાતાવરણ ચિત્તને પ્રસન્નતા આપી રહ્યું હતું. દાયકાઓ પહેલા જેની સાથે ગરબે ઘૂમી હતી એવી એક બહેનપણી હવે ખૂબ પ્રસિદ્ધ ગાયિકા થઈ ગઈ હતી અને એના જ સ્વરમાં એ ગરબા સાંભળી રહી હતી.
‘સાચી રે મારી સત રે ભવાની મા....’, ‘સાત સાત દેવીને વીર પૂજતા...’, ‘તું કાળી ને કલ્યાણી હો મા...’ ‘મા નો ગરબો રે રમે...’
કેવા મજાના એ દિવસો ને કેવી મજાની એ નવરાત... ને... એના ચહેરા સામે આવી ગયો એના મિત્રનો ચહેરો. એની એક ખાસ બહેનપણીનો કઝીન થાય, એને પહેલી વાર જોયો અને કંઈક વિશેષ અનુભવાયું હતું એની આંખોમાં... ના, એ જે તે ઉંમરનું આકર્ષણ નહોતું. આછકલાઈપૂર્ણ કોઈ ઈચ્છા તો નહીં જ પણ કોઈ કારણ વિના એ ગમી ગયો હતો. એ દિવસે તો કોઈ સંવાદ પણ થયો ન હતો. થોડા દિવસ પછી નવરાત્રિના ગરબાની પ્રેક્ટિસમાં એ આવ્યો. જાણે દરિયાના મોજાનો ઘૂઘવતો અવાજ, ગળામાં હલક અને મીઠાશ સાથે માર્દવતા પણ... અને સહુ કેસેટ પ્લેયર પર રેકોર્ડેડ નોન-સ્ટોપ ગરબાના સ્ટેપ કરતા હતા તે અટકાવીને કહે, ‘આવા સ્ટેપ્સ તો સહુ કોઈ કરે.... જુઓ હું પરંપરાના બેઠા ગરબા ગાઉં. તમે માત્ર સાંભળજો.’ ને એણે અમને ધરાર પરંપરાગત ગરબાઓ પ્રેમપૂર્વક સંભળાવ્યા. મસ્તીથી ગાયા, અમે ભાવથી સાંભળ્યા એના અવાજમાં - આંખો કોઈ અજબ આકર્ષણ હતું.
પછી તો પરિચય થયો, વાતો થઈ. કહે, ‘તું બહુ જ સુંદર છે ને એટલી જ ગરવાઈથી ગરબે રમે છે...’ તોરલ સાંભળીને રાજી રાજી... નિયમિત મળ્યા. નવરાત્રિ ગરબે ઘૂમ્યા, મોડી રાત્રે એ જ તોરલને એના ઘરે મૂકવા આવે એના સ્કૂટર પર. તોરલના મમ્મી કે પપ્પા બારણું ખોલે ત્યાં સુધી ઊભો રહે. હસતાં હસતાં કહે પણ ખરો, ‘આટલી સુંદર છોકરીને ઘરમાં જતાં જ કોઈ ઉપાડી જાય તો! ધ્યાન તો રાખવું પડે ને!’ રાત્રે બે વાગ્યે ક્યારેક નાસ્તો ને કોફી પણ કરે. એની મૈત્રીમાં ક્યાંય અધિકાર નહીં, આપખુદીપણું નહીં, બસ એક જ ભાવ હૃદયમાં કે તોરલ રાજી રહે... ક્યારેક બંને શાકમાર્કેટ જાય તો ક્યારેક સંગીતની મહેફિલમાં, ક્યારેક મેળામાં તો ક્યારેક મંદિરમાં... બંનેના હૈયામાં ક્યાંય પ્રેમના હસ્તાક્ષર પડ્યા જ નહીં, માત્રને માત્ર અર્થપૂર્ણ મૈત્રી જ રહી.
તોરલ પરણીને મુંબઈ આવીને એ અમદાવાદ સેટલ થયો. વરસે એકાદ-બે વાર મળવાનું થાય. હવે તો બંનેના પરિવારોમાં બાળકો પણ યુવાન થયા હતા, એમની દોસ્તી એ જનરેશનમાં પણ ઉતરી હતી.
નવરાત્રિ એટલે મ્યુઝિક ને મસ્તી છે એ વાત જેટલી સાચી છે એટલી જ સાચી વાત એ પણ છે કે નવરાત્રિ એટલે મૈત્રી. મૈત્રીના મેદાનમાં સાથે રમવાની અને સાથે ભમવાની મસ્તી જેમણે માણી હોય એમને એનો ખ્યાલ હોય. ભાવાવસ્થામાં તણાઈ ગયેલી તોરલે મોડી રાત્રે પણ એ મિત્રને ફોન જોડ્યો. ‘આ નવરાત્રિ શેરીગરબા રમવા અમદાવાદ આવું છું, તું ગરબા ગાજે ને હું ને તારી પત્ની રમીશું.’ અને સામેથી પણ એટલો જ પ્રેમાળ સ્વર મળ્યો - કહો તો આવતીકાલ સવારની ફ્લાઈટની ટિકિટ મોકલું... બંને ખૂબ હસ્યા. નવરાત્રિના દિવસોમાં ગરબાની રમઝટ શેરીઓમાં જામશે. આદ્યશક્તિની આરાધનાનો દીવડો પ્રગટશે ને એની સાથે મૈત્રીના પણ અજવાળાં રેલાશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter