પહેલો ધર્મ તે નીતિ અને પ્રામાણિક્તા

અજવાળું અજવાળું

તુષાર જોષી Tuesday 24th January 2023 04:47 EST
 
 

‘અમે નાના હતા ને ત્યારે અમારા ઘરમાં અમારા વડીલો અમને કહેતા કે બેટા, એક વાતનું જીવનમાં ધ્યાન રાખજો કે અજાણ્યા હોય કે જાણીતા, ક્યારેય એમને જમાડવામાં જીવ ટૂંકો ના કરતા...’ સવિતાબહેને વાતવાતમાં કહ્યું. આ વાત કહેવા ઉપરાંત પછીથી એમણે એમના બાળકોને પણ એક વાત સમજાવી છે તે વાક્ય પણ કહ્યું, પરંતુ એ વાક્ય લખું એ પહેલાં મારે વાત કરવી છે આ ઘટનાના ઉદ્ભવસ્થાનની.

માણસ માત્રની પ્રાથમિક જરૂરિયાતોમાં એક મહત્ત્વની જરૂરિયાત એટલે અન્ન, ભોજન. મોટા ભાગના લોકો બે ટાઈમ કે એક ટાઈમ પોતાના ઘરે જમે, પરંતુ પરિવર્તન પામતા સમયની સાથે માણસ ઘરથી દૂર ધંધા - રોજગાર – વ્યવસાય – નોકરી અર્થે જતો થયો. એમને ગરમાગરમ ભોજન મળે એ માટે નાના ગામથી લઈને મેટ્રોપોલિટન સિટી સુધી ધીમે ધીમે શરૂ થયા વીશી, હોટેલ – લોજ કે રેસ્ટોરા. આ ભોજનાલયો ભોજનની સરસ સુવિધા આપે અને લોકો પૈસા ચુકવીને તાજું ભોજન પામે.
હવે છેલ્લા બે દાયકામાં એમાં ઉમેરાઈ છે ટિફીન સર્વિસ. કોઈ એક પરિવાર ઘરે જ ઉત્તમ ભોજન બનાવે, ટિફીનમાં ભરીને અગાઉથી નક્કી થયેલી વ્યક્તિને તેના ઘર – હોસ્ટેલ કે વ્યવસાયના સ્થળે પહોંચાડે. આ સવિતાબહેન એક ગામમાં આવી જ ટિફીન સર્વિસ એમના પરિવારના સભ્યોની મદદથી ચલાવે. એમની રસોઈ સ્વચ્છ, સ્વાદિષ્ટ, નિયમિત અને માનવી સંબંધોની ઉષ્માથી ભરીભરી મીઠાશવાળી એટલે એમનું કામ સારું ચાલે.
શાકભાજી - અનાજ – ઘી - ગોળ – ખાંડ – મસાલા ને દાળ–ઘઉં-ચોખાની પસંદગીમાં પણ તેઓ વધુ સારી ક્વોલીટીનો ખ્યાલ રાખે. ઘરના સભ્યો પણ ટિફીનની જે રસોઈ બને એ જ જમે, એટલે સાચ્ચે જ ઘર જેવી રસોઈ એ ટિફીન સર્વિસ મેળવનારને પણ મળે.
તેઓ વાતોએ વળગ્યા હતા અને એમના બાળપણની સરસ અને ભાવનાત્મક વાતો કહેતા કહેતા એમના લેખના આરંભે લખેલા શબ્દો કહ્યાં. એક ઘટના તેમણે કહી એમાં પણ એમનામાં રહેલા માનવતાના સંસ્કારોની સુગંધ અનુભવવા મળી. તેમના ઘરેથી કોઈ જગ્યાએ શાળાના વિદ્યાર્થીઓ માટે પણ 8-10 ટિફીન જતા હતા. તેઓ હંમેશા નિયત કરતાં થોડું વધુ ભોજન જ એ ટિફીનમાં ભરે. એવું વિચારે કે છોકરાઓ ભલે પ્રેમથી ખાય, એમના આશીર્વાદ જ આપણને રોટલા આપે છે.
હવે થયું એવું કે એ ટિફીનની સંખ્યામાં બે ટિફીન ઓછા થયા, જ્યારે છોકરાઓની સંખ્યા તો એટલી જ હતી. એમણે તપાસ કરી તો જાણવા મળ્યું કે ટિફીનમાં જે ભોજન આવે છે એમાં બે ઓછા હોય તો પણ બધા ધરાઈને ભોજન પામે છે એટલે પૈસા બચાવવા બે ટિફીન ઓછાં કર્યાં.
હવે અહીં લાગણીનું દ્રશ્ય જુઓ. બે ટિફીનની આવક ઓછી થતાં સવિતાબહેન દુઃખી ન થયા, રાજી થયા કે હાશ, છોકરાવને સંતોષ તો છે ને, ને વળી એમના બે પૈસા બચ્યા પણ ખરા.
આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં અનેક સદગુણોથી જીવવાની વાત છે એ પૈકી એક છે નીતિ અને પ્રામાણિકતા. સવિતાબહેન કહે છે કે અમે અમારા બાળકોને પણ સંસ્કાર આપ્યા છે કે ગમેતેવી મુશ્કેલી આવે પણ જીવનમાં ક્યારેય નીતિ અને પ્રામાણિકતાને છોડતાં નહીં. બાહ્ય રીતે ધર્મનું પાલન થાય તો ઉત્તમ પરંતુ આપણે જે કામ કરીએ તેમાં નીતિ અને પ્રમાણિક્તાને જ ધર્મ માનીને અનુસરજો.
આપણે ત્યાં અન્નને બ્રહ્મ માનવામાં આવે છે, એટલે જ એનો બગાડ ન થાય, તે યોગ્ય વ્યક્તિ સુધી એ પહોંચે એનો મહિમા છે. અન્નદાનનો મહિમા તો છે જ, પણ અહીં દાન નથી. અહીં વ્યવસાયના ભાગરૂપે અન્ન પકાવીને પીરસાય છે અને એમાં પણ પૂર્ણપણે નીતિ રાખવાની ભાવના છે જે અભિનંદનને પાત્ર છે. રસોઈ બનાવતી વખતે જો હૃદયમાં શુદ્ધ ભાવ હોય, પ્રેમ હોય, આનંદ હોય તો રસોઈમાં એ ભાવ ભળે છે અને એના આરોગનારને તૃપ્તિનો ઓડકાર અનુભવાય છે. જ્યારે જ્યારે આપણા ઘરમાં - મિત્રોમાં - પરિવારમાં કે વ્યવસાયમાં આવી રીતે પ્રેમપૂર્વક, પહોળા હાથે, ગણતરી વિના ભાવથી ભોજન પીરસાય છે ત્યારે આતિથ્યના અને સ્નેહના દીવડાં પ્રગટે છે, એ વ્યક્તિ પર મા અન્નપૂર્ણાના આશીર્વાદ વહે છે અને સંતોષના અજવાળાં રેલાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter