પ્રહલાદજી શેઠઃ એક જિંદગીમાં દસ જિંદગીના કામ કરી જનારું વ્યક્તિત્વ

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 11th April 2022 06:17 EDT
 

એ પરિવારના મોભી હતા, સમાજના મહાજન હતા. સ્વાતંત્ર્ય સેનાની હતા, કુશળ વ્યાપારી અને સાહસિક ઉદ્યોગપતિ હતા. રાષ્ટ્રપ્રેમી અને સમાજ સુધારક હતા. સમયને બદલનારા અને ડગલને પગલે માણસાઈથી ભર્યુંભર્યું જીવન જીવનારા માણસ હતા. એક જિંદગીમાં દસ જિંદગી જેટલું કામ કરી જનારા એ વ્યક્તિત્વનું નામ એટલે શ્રી પ્રહલાદભાઈ પટેલ, જેમને સમાજ શેઠશ્રી પ્રહલાદજીના નામે ઓળખે છે. હમણાં એમની 115મી જન્મજયંતી અવસરે બહુચરાજીમાં યોજાયેલ કાર્યક્રમમાં સંચાલક તરીકે જવાનું થયું ત્યારે એમના સદગુણોની વાતો સાંભળી અને એમના બહુઆયામી વ્યક્તિત્વમાંથી પ્રેરણા મળી.

જાણીતા પત્રકાર-લેખક-વક્તા શ્રી રમેશ તન્નાએ એમના જીવનનું પુસ્તક તૈયાર કર્યું, જેનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું. આ પુસ્તકમાં રિસર્ચ અને મુલાકાતના આધારે રમેશભાઈએ સરસ રીતે પ્રહલાદજી શેઠના જીવનપ્રસંગો લખ્યા છે.
એમનું મૂળ ગામ હતું ઘુમા. એમના વડવાઓ 260 વર્ષ પહેલાં ઘુમાથી માંડલ તાલુકાના સીતાપુરમાં આવી વસ્યા. પ્રહલાદભાઈનો જન્મ થયો તારીખ 4 એપ્રિલ 1907ના રોજ. પિતા હરગોવનદાસ અને માતા ઈચ્છાબાએ એમનામાં સંસ્કાર અને સાહસનું ઘડતર કર્યું. પ્રહલાદભાઈ 17 વર્ષની ઉંમરે પિતાની સાથે લાકડાના ધંધામાં જોડાયા ને પછીથી ‘પ્રહલાદજી શેઠની લાતી’ સુધીની અપ્રતિમ સફળતા હાંસલ કરી. એમના માટે લાતી એ માત્ર વ્યાપાર ન હતો, સામાજિક દાયિત્વ પણ હતું.
આઝાદીની લડત દરમિયાન 1930-32 અને 1942 એમ બે વાર તેઓએ સાબરમતી અને યરવાડામાં જેલવાસ ભોગવ્યો હતો. તેઓ જેલમાં હતા ત્યારે તેમના પિતાજીનું અવસાન થયું. બ્રિટિશ સરકારે શરતો સાથે તેમને પેરોલ પર છોડવાની તૈયારી બતાવી, માફીનામું લખવા કહેવાયું. પિતાના એકના એક પુત્ર હોવા છતાં તેઓ અડગ રહ્યા ને કહ્યું કે સ્વતંત્રતા માટે લડવું એ ગુનો નથી, મારા બદલે મારા પિતરાઈ ભાઈ પિતાના અગ્નિસંસ્કાર કરશે ને એમ જ થયું હતું.
ભૂદાન યજ્ઞમાં તેઓ વિનોબાજીના સમર્થક હતા. એક વાર ભૂદાન યજ્ઞની સભામાં ગયા હતા, જે તે સમયે એમની પાસેથી 500 વીઘા જેટલી જમીનમાંથી 200 વીઘા ભૂદાનમાં આપીને આવ્યા. માતાએ પૂછ્યું કે ‘ઘરમાં પૂછવું તો હતું? તેની કિંમત ખબર છે?’ તો કહે, ‘સારું ને સાચું કામ કરવામાં પૂછવાનું શું? કિંમત મને ખબર નથી, પણ મેં જમીન આપી ના હોત તો મારી કિંમત શૂન્ય થઈ જાત એની મને ખબર છે?’
1984માં એમને સ્ટ્રોક આવ્યો હતો. પીઠમાં દુઃખતું હતું. એમના પૌત્ર પિયૂષભાઈ પટેલ કહે છે કે મેં જોયું તો પીઠમાં ઘણાં ચાઠાં હતા, વાસ્તવમાં એ સ્વતંત્રતાની લડતના મારના ચિહ્નો હતા, પરંતુ દાદા કહે કે આ તો અંગ્રેજ સરકારે મને આપેલો સુવર્ણચંદ્રક છે.
સ્વાતંત્ર્ય સેનાની તરીકે મળતું પેન્શન પણ તેઓએ લીધું ન હતું. તેઓ માનતા હતા કે સ્વતંત્રતાની લડતમાં જોડાયા તેના મૂળમાં દેશપ્રેમ હતો, તેનું વળતર ના લેવાય.
સરદાર પટેલે રાજ્યો અને રજવાડાંના વિલિનીકરણનું કામ હાથ ધર્યું ત્યારે દસાડા, વણોદ અને જૈનાબાદ જેવા રજવાડાંને ભારત દેશમાં જોડવામાં તેઓએ મહત્ત્વનું પ્રદાન કર્યું હતું. 1962માં થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ચાણસ્મા (બેચરાજી) વિસ્તારના ધારાસભ્ય પણ બન્યા હતા. બેચરાજી પંથકના વિકાસમાં તેમનું પાયાનું યોગદાન રહ્યું છે. એમની જીપ અને ડ્રાઈવર લોકોની મેડિકલ ઈમર્જન્સી માટે હંમેશા તૈયાર જ હોય. આમ તેઓએ એ જમાનામાં જાણે 108નો પ્રારંભ કર્યો હતો. આજથી 60 વર્ષ પહેલાં તેઓએ પ્રાકૃતિક ખેતી કરી હતી. પ્રહલાદજી શેઠના બંને દીકરા સ્વ. શ્રી અરવિંદભાઈ અને સ્વ. શ્રી ભગુભાઈ પછી એમના પૌત્રો ગિરીશભાઈ, અનિલભાઈ, પિયૂષભાઈ, જયદીપભાઈ, દેવાંગભાઈ અને તે પછી તેમના પ્રપૌત્રો મૌર્યભાઈ, પ્રિયેનભાઈ અને સમગ્ર પરિવારે પ્રહલાદજીના શેઠના સત્કર્મો-સદ્ગુણોની જ્યોતને સતત પ્રજ્વલિત રાખી છે અને એ રીતે એમના વ્યક્તિત્વના અજવાળાં રેલાતા રહે છે જે સહુના માટે પ્રેરણાના પથદર્શક બની રહ્યા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter