મદદની આશા રાખનારને ક્યારેય નિરાશ ન કરવો

અજવાળું અજવાળું

તુષાર જોષી Sunday 28th April 2019 05:29 EDT
 

‘બેટા, તારી વાત સાચી છે, પરંતુ જે લોકો આપણા દ્વારા મળતી નિયમિત મદદની રાહ જોઈ બેઠા હશે એમનું શું? પૈસા ગમેત્યારે કમાઈ શકશો પણ બીજાને મદદ કરવાનો અવસર ફરી નહીં આવે એમ માનીને હંમેશા આપતા રહેવાનો ધર્મ નિભાવજો.’ આ શબ્દો જયંતીલાલ ઠક્કરે દીકરા સંજયને કહ્યા અને સંજયને પોતાની ભૂલ સમજાઈ. આ ભૂલ કઈ હતી? કયા સંજોગોમાં એ વાત બની એની જાણકારી માટે ખેડા જિલ્લામાંથી માનસિક પ્રવાસનો આરંભ કરીને કલમની આંગળીએ અમદાવાદ આવવું પડે.

નટવરલાલ ઠક્કર અને કાંતાબહેન ઠક્કરના દામ્પત્યજીવનના આરંભ પછીનો એ સમય. ખેડા જિલ્લાનું ગામ અસ્તામલી. નટવરભાઈ ત્યાં ખેતી કરે ને પ્રોવિઝન સ્ટોરનો વ્યવસાય કરે. બાળકોના શૈક્ષણિક વિકાસ અને પરિવારના આર્થિક વિકાસ માટે તેઓએ પહેરેલા કપડે એક દિવસ ગામ છોડ્યું અને પહોંચ્યા અમદાવાદ.

એ સમયે પણ અમદાવાદનો ઔદ્યોગિક વિકસિત શહેરનો દબદબો હતો. અહીં તેઓ બે-ત્રણ મહિના એમના સગાંને ત્યાં રહ્યાં, એકાઉન્ટન્ટની નોકરી કરી. પછી એમના પરિવારને ગામડેથી બોલાવીને સ્વતંત્ર રીતે રહેતા થયા. કન્ટ્રક્શનનો વ્યવસાય પણ કર્યો. બે દીકરા સંજય અને શશીકાંત તથા દીકરી ભાનુબહેન અને પત્ની રમીલા સાથે સંઘર્ષમય અને છતાં પ્રસન્નતાનું જીવન જીવી રહ્યા હતા.

દીકરા-દીકરીના નાના-નાના મોજશોખ પૂરા થાય, એમને જીવન વિકાસની ઉત્તમ તક મળે એ માટે તેઓ મૂળ નોકરી ઉપરાંત ઓવરટાઈમ પણ કરતા. બાળકોને આઈસ્ક્રીમ ભાવે, એ સહજ છે. તો ઓવરટાઈમના ‘રોકડા’ના પૈસામાંથી મોડી રાત્રે આઈસ્ક્રીમ લાવે, સહુને જગાડે અને ઘરમાં જેટલાં જણ હોય એટલા સરખા ભાગ પાડીને બધાને ખવડાવે. આમ, એક સમાન રીતે વહેંચીને ખાવું એ સંસ્કાર એમણે બાળકોને આપ્યા.

સંજયભાઈ સ્મરણો યાદ કરતા કહે છે કે, ‘એમના સ્વભાવમાં જ આપીને રાજી થવાનો આનંદ વણાયેલો હતો. તેઓ શાળાનું વર્ષ શરૂ થાય ત્યારે વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડા વહેંચતા. એ પરિવારોને કાયમી ટેકો હતો કે ચોપડા તો જયંતીકાકા જ આપશે. ધંધામાં ને શેરબજારમાં ખોટ ગઈ હતી. દેવામાં ડૂબેલો હતો, વ્યાજે પૈસા લાવતો હતો એવા સમયે બાપુજીએ ચોપડા માટે ૨૫ હજાર રૂપિયાની વ્યવસ્થા કરવા કહ્યું. મારાથી સહજભાવે કહેવાઈ ગયું કે અત્યારે આપણે જ આર્થિક મુશ્કેલીમાં છીએ. એક વર્ષ ન આપીએ તો?’ અને આ પ્રશ્નના ઉત્તરમાં લેખના આરંભમાં લખેલું વાક્ય સંજયભાઈના પિતાજીએ એમને કહ્યું હતું અને ઉમેર્યું હતું કે ‘આપણી ઉપર મદદની આશા માંડીને બેઠેલો, આપણા દ્વારે આવેલો માણસ ક્યારેય ખાલી હાથે ન જાય. તે વાતનું ધ્યાન આખી જિંદગી રાખજો.’

સંજયભાઈને પોતાની ભૂલ સમજાઈ, આર્થિક સ્થિતિ મુશ્કેલ હતી તો પણ વ્યાજે લાવીને તેઓએ ૨૫ હજાર રૂપિયા બાપુજીને આપ્યા અને એમાંથી જરૂરિયાતમંદોને ચોપડા મળ્યા.

જયંતીલાલએ ઘરડાં ઘરમાં પણ ખૂબ સેવા કરી. સ્વામીનારાયણ મંદિરના સત્સંગમાં અને પ્રવૃત્તિમાં સતત જોડાયેલા રહ્યા.

વાત નાની લાગે પણ એમાંથી મળતો જીવનનો સંદેશ અમૂલ્ય છે. વ્યાજે પૈસા લાવીને પણ સમાજના જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી, એમની પડખે ઊભા રહેવું એમાં આપવાનો આનંદ છે, ને એમાં માનવ ધર્મના દીવડા પ્રગટતા દેખાય છે. આવી ઘટનાઓ થકી જ સમાજમાં માનવ ધર્મના, માનવતાના અજવાળાં રેલાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter