મધુર દાંપત્યજીવનની સફળતાનું રહસ્ય

અજવાળું અજવાળું

તુષાર જોષી Tuesday 21st February 2023 05:05 EST
 

આજકાલ લગ્નની મૌસમ ભરપૂર ચાલી રહી છે. દરેક ઘરમાં બે-ચાર લગ્નકંકોત્રી તો આવી જ હોય. લગ્નમાં જવાનું એટલે અનેકવિધિ અને કાર્યક્રમોમાં જવાનું. જેવી જેની સગવડ અને રૂચિ, તદઅનુસાર લગ્નના કાર્યક્રમો યોજાતા રહે. છેલ્લા એક–બે દાયકાથી તો હવે આખોયે લગ્ન ઉત્સવ એક ઈવેન્ટ મેનેજમેન્ટ જ બની ગયો છે. ડેસ્ટિનેશન વેડીંગનું મહત્ત્વ વધ્યું છે. લગ્ન માટે નક્કી કરાયેલા હસ્તમેળાપના સમયને પાળવાની તકેદારી બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. એવું જ રિસેપ્શનનું છે, કેટલીયે વાર વર–વધુ જ નિયત સમયે આવ્યા ન હોય કારણ કે બ્યુટી પાર્લરમાં વધુ સમય જાય, કોઈ વળી ટ્રાફીકમાં ફસાય...

લગ્નના ઉત્સવોમાં કન્યા પક્ષ હોય કે વર પક્ષ હોય, સહુ આનંદમય થઈને રહે. એમાં જ્યારે જ્યારે સાહિત્ય અને સંગીતની વાત આવે, 30 – 40 કે 50 વર્ષનું સુખી દામ્પત્ય ધરાવતા વડીલો આશીર્વાદ આપતા જોવા મળે ત્યારે હૃદયમાં આનંદ સાથે એક સહજ પ્રશ્ન પણ હોય. સ્ત્રી અને પુરુષના દામ્પત્યમાં એવું તે શું છે? જે એમને આટઆટલા વર્ષોથી જોડી રાખે છે. ઘણી વાર સાહિત્યકારો - સેલિબ્રિટીને પણ આ સંદર્ભના પ્રશ્નો પુછતા હોય છે.
આપણી જ આસપાસના અને પોતાના દામ્પત્યજીવનનું અવલોકન કરનારને આના સમયે સમયે બદલાતા એવા અનેક જવાબોરૂપી દામ્પત્ય મળી આવશે. મધુર – સંવાદમય – ઠરેલું - અર્થપૂર્ણ – પ્રેમથી સભર – મંગલ દામ્પત્યના મૂળમાં એ કઈ અનુભૂતિઓ હોય છે? કઈ સંવેદનાઓ હોય છે? કઈ એવી સમજણ હોય છે જે પતિ-પત્નીને જોડી રાખે છે?
બ્યુટી પાર્લરમાં જનારને એ વાતનો ખ્યાલ હોવો જોઈએ કે બાહ્ય રૂપને અવસ્થા આવે જ છે. પ્રેમની અનુભૂતિમાં અવસ્થા નથી આવતી. પ્રેમ ક્યારેય ઘટી ના શકે, પ્રગટ ન થાય એ સમજી શકાય. આ પાયાની સમજણ કેળવાઈ જાય તો ભયો ભયો. એક વાર પતિ-પત્ની વચ્ચે ઘરમાં કોઈ વાત વિવાદ થયો. પત્નીએ છેલ્લા પચ્ચીસ વર્ષોની વાર્તા પાંચ મિનિટમાં ઉકળાટભેર કહી દીધી જેમાં સાર તત્વ એ કે બધું અમારે જ સહન કરવાનું, અમે જ ખોટા, અમને જ ખબર ના પડે... આવું આવું જોરશોરથી એ બોલવા માંડી. પતિ પાસે પણ આના જવાબો હતા જ, પણ આ સમયે જવાબો કરતાં વધુ મહત્ત્વ સમજણનું હતું. એમણે મૌન ધારણ કરીને થોડી વાર માટે કોઈ બીજા કામમાં મન પરોવ્યું. જો એમણે પણ શાબ્દિક હુમલો કર્યો હોત તો કોઈને વેણની ઈજા થઈ જાત.

રોજિંદા જીવનમાં સામાન્ય રીતે પત્ની એમના પતિ માટે એવું કહેતી હોય છે કે એમનો હાથ બહુ છુટ્ટો છે, પૈસા વધારાના જ વાપરે, હું તો ખરીદી કરવા જાઉં તો બિનજરૂરી કોઈ વસ્તુ ના ખરીદું... વગેરે વગેરે. પરંતુ પતિને ખબર હોય છે કે આટલી જ ચીવટથી એ કરકસર નથી કરતી, વસ્તુ તો ઠીક, સમયનો પણ ક્યારેય વેડફાટ કરે છે, પણ આ વાતની ચર્ચાથી જો એ દૂર રહે તો ઘરમાં શાંતિ ટકે છે.
કેટલાક પુરુષોને ઘરના રસોડામાં - ઘરની ઝીણી ઝીણી વાતોમાં માથું મારવાની આદત હોય છે. આ આદત પત્નીને નથી ગમતી હોતી, નાની વાતમાં પછી એનો અણગમો પ્રગટ થઈ જાય છે, પત્નીના પણ પોતાના વિચારો હોય, આયોજનો હોય જેને માન આપતા પતિએ શીખવું જોઈએ.

પતિ-પત્નીના સંબંધોમાં પતિને અધિકાર જોઈએ છે તો પત્નીને પ્રેમ. પતિને સુંદરતા ગમે છે તો પત્નીને એ સુંદરતાના મુખરિત શબ્દો ગમે છે. પત્ની ઘરમાં અદભૂત રસોઈ બનાવે એ એની જવાબદારી ભલે હોય, પણ પતિ જો એને એની રસોઈ માટે બે મીઠાં બોલ જાહેરમાં કહે તો એને ગમે જ છે. પ્રેમ જેટલું જ મહત્ત્વ કેટલાક કિસ્સામાં પ્રશંસાનું પણ હોય છે.

ઘટનાઓ બિલ્કુલ નાની હોય છે, સંવેદના સાહજિક હોય છે, પરંતુ એની અનુભૂતિ અસરદાર હોય છે. એટલે જ મધુર દામ્પત્યજીવનની કોઈ એક ચાવી નથી હોતી, જે હાથ આવે તો ભયો ભયો થઈ જાય. બંનેએ સતત સમર્પિત ભાવે સામેના પાત્રને રાજી રાખવાનો ભાવ કેળવવો પડે છે. એકસરખા વિચાર હોય, એક સરખા શોખ હોય એવું સંભવ ના જ હોય, એ પછી પણ સામેની વ્યક્તિને આદર આપીને પોતાના ગમા-અણગમાને પણ યોગ્ય રીતે વિકસિત કરતા રહેવાની સમજણ કેળવાય એ જરૂરી હોય છે. આખરે બંને એકબીજાના સ્વભાવને સમજી લે તો જીવનમાં જે આનંદ સર્જાય એના અજવાળાં આસપાસ પણ ફેલાય અને આસપાસના પ્રિયજનો પણ કહી ઊઠે કે કેવું સુંદર જોડું છે નહીં? અહીં ઊંમરનો તબક્કો કોઈ પણ હોઈ શકે. તાજગી અને ઉષ્માનું મહત્ત્વ છે, પ્રેમ અને પ્રસન્નતાનું મહત્ત્વ છે, એના અજવાળાં રેલાય છે અને અજવાળે અજવાળે જીવન જીવાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter