મનોબળ મક્કમ હોય તો જીત મુશ્કેલ નથી

અજવાળું અજવાળું

- તુષાર જોષી Wednesday 19th July 2023 07:17 EDT
 
 

જાણીતી સ્પોર્ટ્સ મૂવી ‘ચક દે ઈન્ડિયા’માં શાહરુખ ખાન એક નાનકડો ડાયલોગ બોલે છે. ‘વાર કરના હૈ તો સામનેવાલ કે ગોલ પર નહીં, સામનેવાલે કે દિમાગ પર કરો, ગોલ ખુદ-બ-ખુદ હો જાયેગા.’

એક ઉત્તમ મોટિવેશનલ એવો આ ડાયલોગ સાંભળ્યો કે જોયો ના હોય, પરંતુ જીવી જનારા ખેલાડીઓ મેદાન પર હોય છે અને વિજેતા થાય છે. હમણાં આવી જ બે ઘટના બની, જે અખબારોમાંને અન્ય મીડિયામાં ધ્યાને ચડી. પ્રથમ ઘટનામાં કેન્દ્રસ્થાને ભારતીય ક્રિકેટ ટીમનો ઓફસ્પિનર આર. અશ્વિન છે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય તરીકે અશ્વિને પ્રથમ મેચમાં રમતાં પહેલા દાવમાં પાંચ અને બીજા દાવમાં સાત મળીને કુલ 12 વિકેટ ઝડપી અને અનેક રેકોર્ડ્ઝ પોતાને નામે કર્યા. આ રેકોર્ડ અશ્વિને બનાવ્યો એના બરાબર 38 દિવસ પહેલાં ભારત વર્લ્ડ ટેસ્ટ કપની ફાઈનલ ઈંગ્લેન્ડમાં ઓસ્ટ્રેલિયા સામે રમ્યું હતું અને આ મેચમાં તે રમવા માટે પ્રબળ દાવેદાર હોવા છતાં એને પડતો મુકાયો હતો. ક્રિકેટની ભાષામાં કહીએ તો ડ્રોપ કરાયો હતો. ભારત એ મેચ ખરાબ રીતે હાર્યું હતું. એ જ અશ્વિને વેસ્ટ ઈન્ડિઝમાં ક્લાસિક બોલિંગ કરીને પોતાની ક્ષમતા પૂરવાર કરી આપી.
હવે અહીંથી આપણને એકસાથે અનેક મોટિવેશનલ સૂત્રો યાદ આવતા જશે. આપણા બધાના જીવનમાં મુશ્કેલીઓ, પડકારો - આપત્તિઓ આવે જ છે. કેટલીક વાર હળવા વરસાદ જેવી હોય છે તો કેટલીક વાર વાવાઝોડાં અને તોફાન સાથે આવેલી એ મુશ્કેલી માણસના ચિત્ત પર સૌથી વધુ હુમલો કરે છે. જે તે વ્યક્તિ નિરાશ થાય, શક્તિહીન પોતે થઈ ગયો છે એવું અનુભવે અને સરવાળે એના જીવનની ગતિ - પ્રગતિ ત્યાં જ અટકી જાય. એવું ન થાય એ માટે આપણા મનને સાબૂત રાખવું પડે છે. મન સામેની વ્યક્તિના દિમાગ પર કામ કરે, તે પરિસ્થિતિ સામે લડવા, વધુ સારું પર્ફોમન્સ આપવા તરફ પ્રેરિત કરવું પડે છે. જો આમ કરીને મેદાન પર ટકી ગયા તો પછી સફળતા સાવ ઢુકડી થઈ શકે છે, પરંતુ શરત એ કે મન ફરીથી લડવા, આગળ જવા તૈયાર હોય.
બીજી ઘટના વિમ્બલ્ડન ટેનિસના મેદાનમાં બને છે. વિમ્બલ્ડન ફાઈનલની મેચ નિહાળી રહેલા અનેક સેલિબ્રિટીઓની આંખો આશ્ચર્યની પહોળી થાય એમ 36 વર્ષના ટેનિસના શહેનશાહ યોકોવિચને હરાવીને સ્પેનનો અલ્કારાઝ નામનો 20 વર્ષનો યુવાન વિમ્બલ્ડન વિજેતા બને છે. બંને ખેલાડીઓએ રમતમાં પોતાની શ્રેષ્ઠ તાકાત દાવ પર લગાડી હતી પરંતુ સામે આટલો મહાન ખેલાડી રમતો હોવા છતાં મનથી ડગ્યા વિના, સામેના માણસના દિમાગ પર જ જાણે વાર કરીને અલ્કારાઝ જીત્યો અને એક નવા યુગનો ટેનિસના મેદાન પર આરંભ કર્યો.
આમ સમયે સમયે, પળે પળે લેવાતા યોગ્ય નિર્ણયો, ત્વરિત નિર્ણયશક્તિ, ક્યારેય ન હારવાની મનની વૃત્તિ હોય અને સામેનો માણસ કે પરિસ્થિતને ગમે તેવે દુઃખના સમયે પણ મન પર ના હાવી થવા દેવાની તૈયારી હોય તો રમતનું મેદાન હોય કે જીવનનું મેદાન, એક વાર હાર્યા પછી કે સામે દિગ્ગજ અને મોટી શક્તિ હોવા છતાં વિજય પ્રાપ્ત થઈ શકે છે. આવું થાય છે ત્યારે માણસના મનની શક્તિના અજવાળાં એના જીવનમાં ફેલાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter