માનવ ઘડતરમાં બહુમૂલ્ય પ્રદાન હોય છે બાલમંદિરનું

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 25th November 2019 04:45 EST
 

સભાગૃહમાં ઉપસ્થિત પચાસ ટકા દર્શક-શ્રોતાઓ ઝૂમતા હતા - નાચતા હતા ને સ્ટેજ પરથી શું રજૂ થઇ રહ્યું હતું?

બાળગીતો - હા, ગુજરાતી ભાષાના બાલમંદિરના બાળગીતો અહીં ઉપસ્થિત પ્રત્યેક વ્યક્તિ જેની ઊંમર ૨૫થી લઈને ૮૫ સુધીની હતી, પણ એ પોતાનામાં એ પળે છ – આઠ કે દસ વર્ષના બાળક હોવાનો અનુભવ કરી રહ્યો હતો. કરોડો દેતા ના મળે એ બચપણ જાણે થોડી વાર માટે પાછું મળ્યું હતું.
દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન ટ્રસ્ટ દ્વારા દક્ષિણામૂર્તિ બાલમંદિરના શતાબ્દિ વર્ષની ઊજવણી ચાલી રહી છે. એ નીમિત્તે અમદાવાદમાં દક્ષિણામૂર્તિના શુભેચ્છકો, પૂર્વ વિદ્યાર્થીઓ, પરિવારના સભ્યોનું સ્નેહમિલન યોજાયું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં દક્ષિણામૂર્તિ બાલમંદિર - ભાવનગરનો બાળ કેળવણીનો ગૌરવવંતો ઈતિહાસ પ્રતિબિંબિત થતો હતો.
ગુજરાતમાં બાળ-શિક્ષણના સહ અધ્યાપનના - ગ્રામ અધ્યાપનના પ્રણેતાઓ એવા સર્વશ્રી ગીજુભાઈ બધેકા, હરભાઈ ત્રિવેદી, નાનાભાઈ ભટ્ટ વગેરે સહિત અનેક શિક્ષકોનું વિચાર ઘડતર જેમને મળ્યું એવા આ સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓ આજે દેશ-વિદેશમાં પોતપોતાના કાર્યક્ષેત્રમાં મહત્ત્વનું પ્રદાન કરી રહ્યા છે અને પોતાની માતૃસંસ્થાનું ઋણ અદા કરવાનો અવસર આવે રાજી થઈને એમાં જોડાઈ રહ્યા છે.
આજે તો આ સંસ્થા એક વટવૃક્ષ બની ચુકી છે. આ સંસ્થા પરંપરા સાથે કદમ મિલાવીને - પરંપરા સાચવીને આધુનિક અભિગમ અને સુવિધાને પણ આવકારી રહી છે. શિક્ષાની સાથે સાથે જ અહીં વિદ્યાર્થી દીક્ષા પણ પામ્યા. અનુશાસન, પ્રકૃતિપ્રેમ, કલાના વિવિધ સ્વરૂપોમાં અભિરૂચિ વગેરેથી સમૃદ્ધ થયા છે વિદ્યાર્થીઓ.
અમદાવાદમાં આયોજિત દક્ષિણોત્સવ-૨૦૧૯ ઉપસ્થિત સહુના હૈયે વીતેલા વર્ષોના સંસ્મરણો છલકાતા હતા.
ઉલ્લેખનીય છે કે ભાવનગરના મહારાજા ભાવસિંહજી, કૃષ્ણકુમારસિંહજી અને દીવાન સર પ્રભાશંકર પટ્ટણીના સહયોગથી વર્ષ ૧૯૧૦માં દક્ષિણામૂર્તિ બાલમંદિર શરૂ કરાયું હતું.
આજે શાળાઓમાં વિદ્યાર્થીઓને મરાય નહીં તેવી વાત છે, પરંતુ ૧૦૦ વર્ષ પહેલાં આ બાલમંદિરમાં ગિજુભાઈ બધેકાની લાગણીથી બાળકોને હાથ પણ નહીં અડાડવાનો સંકલ્પ થયો હતો. મોન્ટેસરી પદ્ધતિ સાથેના મૂલ્યોનો અને ભારતીય પદ્ધતિનો અદ્ભૂત સમન્વય હતો આ સંસ્થામાં.
દક્ષિણામૂર્તિમાં બાળકોને હોમવર્ક માટે ક્યારેય દબાણ કરાયું નથી. ભાર વિનાના ભણતર પર અહીં છેક એ સમયથી ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. બાળરમતો - બાળગીતો - બાળકોને અનુકૂળ નાસ્તો - ક્લાસરૂમમાં જ નહીં, લીમડા કે વડના વૃક્ષ હેઠળ થતો અભ્યાસ, પહેલો વરસાદ પડે તો ભીંજાવા માટે આપવામાં આવતી મુક્તતાની રજા, ઘોડાગાડીમાં આવવાનું ને જવાનું, નૃત્ય-ગીત-સંગીતને હસ્તકલાની તાલીમ સાહજિકપણે મળે... આ બધ્ધું જ પામેલા દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓને પોતે એ વર્ષો જીવ્યાનો આનંદ છે એ વાતની પ્રતિતી તેમને જ્યારે જ્યારે મળીએ ત્યારે ત્યારે થાય છે.
બાલમંદિરથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીના અભ્યાસક્રમમાં એવા એવા શિક્ષકો અને આચાર્યો અહીં થયા કે જેઓના કાર્યકાળમાં વિદ્યાર્થી ભૂલ કરે તો એમના ઘડતરમાં મારી ભૂલ રહી ગઈ છે એમ કહીને પોતે ઉપવાસ કરતા.

•••

શિક્ષણ અને શિક્ષક બંને જ્યાં મળે એ સ્થાન એટલે વિદ્યાલય. વિદ્યાલય અને એમાં પણ બાલમંદિર કે કુમાર અવસ્થાનું શિક્ષણ. માણસના ઘડતરમાં બહુમૂલ્ય પ્રદાન કરે છે. શિક્ષકો દ્વારા મળતાં શિક્ષણ સાથે જ શાળામાં શિસ્ત – માનવધર્મ – સંઘશક્તિ - સમૂહજીવન આપવાના આનંદ - પ્રકૃતિ અને કલાના વિવિધ માધ્યમો તથા રમતગમત પ્રત્યેનો પ્રેમ... આ બધું વિકસે છે અહીં... વિદ્યા - વિનય - વિવેક એક સાથે જ્યાં મળે છે એ વિદ્યાલયોની શતાબ્દિ ઊજવાય, એના મૂળ સ્વરૂપને યથાવત્ રાખી નૂતન ગૃહનિર્માણની વાત થાય અને એમાં સહુ જોડાય. એ નિમિત્તે શિક્ષકોનું સ્મરણ થાય છે ત્યારે વિદ્યાના અજવાળાં રેલાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter