લક્ષ્ય - એકાગ્રતા ને સમય સંચાલન એટલે સફળતાની ગેરન્ટી

અજવાળું અજવાળું

- તુષાર જોષી Wednesday 15th May 2024 05:46 EDT
 
 

ભાવનગરનો પ્રિયાંશ રાજ્યગુરૂ બાસ્કેટબોલમાં શ્રેષ્ઠ પરફોર્મ કરતા કરતા ધોરણ દસમાની પરિક્ષામાં પણ શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરે છે. RRR ફિલ્મની પ્લેબેક સિંગર રાગ પટેલ હ્યુમિનિટીઝ સ્ટ્રીમમાં બેસ્ટ માર્ક્સ લાવે છે.

શ્રમિક તરીકે કામ કરતા માતા-પિતાના અનેક સંતાનો ધોરણ દસ કે બારમાની પરીક્ષામાં સારામાં સારું પરિણામ મેળવે છે. ઘરમાં કોઈ સભ્યની બિમારી હોય કે પરિક્ષાના દિવસો આગળ જ પરિવારના કોઈ સભ્યનું નિધન થયું હોય અને તે છતાં વિચલિત થયા વિના પરીક્ષા આપીને સારા માર્ક્સ મેળવ્યા હોય એવા સમાચારો આપણી આસપાસ નિયમિત સાંભળવા મળે છે. અખબારોમાં આપણે વાંચીએ છીએ.
વિશેષરૂપે આપણે ત્યાં વધુ પ્રમાણમાં રમાતી કે જોવાતી ક્રિકેટની રમતમાં કેટલીયે વાર ખેલાડીઓ અનબિલીવેબલ એટલે કે માની ન શકાય એવો ઉત્કૃષ્ટ દેખાવ કરે છે. અન્ય રમતોના મેદાન પર પણ આવી ઘટનાઓ બનતી રહે છે.
કોઈ યુવા વ્યવસાયિક નાની ઉંમરમાં પોતાના સપનાં પુરા કરવા સ્ટાર્ટઅપ શરૂ કરે છે અને પુરુષાર્થ તથા બુદ્ધિશક્તિથી અપ્રતિમ સફળતા હાંસલ કરે છે.
આવી આવી ઘટનાઓ મારી ને તમારી આસપાસના જનજીવનમાં સતત આકાર લેતી રહે છે. આપણે ક્યાંકને ક્યાંક, કોઈકને કોઈક રીતે એને જાણીએ છીએ, અભિનંદન આપીને ભૂલી જઈએ છીએ. વાસ્તવમાં આવા ઉદાહરણોને એક સહજ કેસસ્ટડી રૂપે લઈએ, એ ઘટના કે એ પાત્રોના મૂળ સુધી થોડા જઈએ તો એમની આ સફળતાના થોડા કારણો આપણને સમજાય, જે કોઈ પણ ઉંમરે આપણા માટે પ્રેરણાદાયી બની શકે છે.
સફળતા મેળવનારા યુવાઓ માટે સાંપ્રત પરિસ્થિતિ ક્યારેય મહત્ત્વની હોતી નથી, અથવા તો તેઓ પોતાના માનસિક બળથી એ તમામ પરિસ્થિતિની ઉપરવટ જઈને સફળતા મેળવે છે. બીજું, એક મહત્ત્વનું કારણ એ દેખાય છે કે તેઓ ક્યારેય કોઈ બહાનાબાજીમાં નથી પડ્યા હોતા. બહાનાઓ બતાવીને પોતાની જાતને છેતરવાનું કામ તેઓ નથી કરતા. જે સ્થિતિ છે એ સ્થિતિમાંથી વધુ સારી સ્થિતિ તરફ જવા માટેનો પ્રયાસ તેઓ કરે છે અને આયોજનબદ્ધ રીતે એમ કરવાથી તેઓ સફળ પણ થાય છે.
સફળતા મેળવનારા વ્યક્તિ, કોઈ પણ ઊંમરે આપણે અભ્યાસ કરીએ તો ટાઈમ મેનેજમેન્ટમાં બહુ પાક્કા હોય છે. સમય, પૈસા, સુવિધા કે અન્ય કોઈ પણ પ્રકારનો બગાડ તેઓ નહીં જ કરતા હોય. જે માણસ સમયને સાચવે છે. તદઅનુસાર જીવે છે એને સામાન્ય રીતે સમય પણ સાચવી લેતો હોય એવું આપણે અનેકવાર જોયું છે.
એક મહત્ત્વનું પરિબળ એકાગ્રતા છે. સફળ થનાર માણસ એમના લક્ષ્ય તરફની યાત્રામાં એકાગ્રપણે કામ કરે છે. ઘડી અહીં અને ઘડી તહીં એમ કામ કરનારા ધારી સફળતા નથી મેળવતા. એમનું સમગ્ર વ્યક્તિત્વ, તન, મન, ધન, બધ્ધું જ એક નિયત જગ્યા કે સફળતા કે શિખર કે સિદ્ધિ પર ફોકસ થયેલા હોય છે અને પરિણામે તેઓ સફળતા મેળવવાના હક્કદાર બને છે.
રોજેરોજ આપણી આસપાસ એવી ઘટનાઓ બનતી જ રહે છે જેમાં કોઈ વ્યક્તિ એના ક્ષેત્રમાં સફળતા મેળવે છે એનો અભ્યાસ, સહજ અભ્યાસ, એનું અવલોકન કરવાથી આપણા જીવનમાં આપણને પ્રેરણા મળી શકે, આપણે હકારાત્મક ઊર્જા અનુભવી શકીએ, આપણે આજે જ્યાં છીએ ત્યાંથી બે ડગલાં આપણા જીવનમાં આગળ વધવા કાબેલિયત હાંસલ કરી શકીએ. આવું આપણને જ્યારે જ્યારે અનુભવાય ત્યારે ત્યારે માનવું કે આપણી આસપાસ પ્રગટેલા પ્રેરણાના એ દીવડાઓનો પ્રકાશ આપણને પણ સ્વાન્તઃ સુખાયના માર્ગ પર જરૂર લઈ જશે અને આપણે અજવાળાંને પામશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter