વ્યવસાયે વકીલ પણ શબ્દો અને વિચારોથી સજ્જ લેખક

અજવાળું અજવાળું

તુષાર જોષી Wednesday 17th May 2023 05:41 EDT
 
 

‘કોઈકને માટે કશુંક છોડી શકાય, પરંતુ કોઈને પણ કશાક માટે ન જ છોડાય...’ ‘જે તમને પ્રેમ કરે તેને શે ધિક્કારાય? જે તમારામાં વિશ્વાસ મૂકે તેને કેમ છેતરાય..?’ ‘જીવનમાં કલ્યાણ મિત્ર મળવો દુર્લભ છે...’ આ અને આવા અનેક વાક્યો, અર્થપૂર્ણ વાક્યો એમના પુસ્તકોમાં લખાયા છે. આમ તો એમનું લેખન 12–15 વર્ષથી થયું છે, પરંતુ હમણાં અમદાવાદમાં રાજપથ રોડ પર આવેલી 079–Stories આર્ટ ગેલેરીમાં આર. આર. શેઠ દ્વારા પ્રકાશિત એમના દસ પુસ્તકોનું વિમોચન કરાયું. વ્યવસાયે 45 વર્ષના અનુભવી એવા ગુજરાતના મહેસુલ ક્ષેત્રના વરિષ્ઠ વકીલ, સમાજસેવી અને લેખક શ્રી અશોક દામાણી કહે છે, ‘હું ક્યાં સાહિત્યકાર છું, મારી પાસે શબ્દ ભંડોળની તંગી યે વળી છે જ.’ પરંતુ એમના દસ પુસ્તકોમાંથી પસાર થનારને એ વાતનો અનુભવ થાય છે કે મોટા ભાગે દરેક પુસ્તકોમાં શબ્દો - ભાષા, ઘટનાઓનો લય બિલકુલ અલગ પણ છે અને સાહજિક પણ છે. મારો એમની સાથે એકાદ દાયકાનો પારિવારક પરિચય. એમના અનેક કાર્યક્રમોમાં પણ હું સાથે રહું, છતાં વિમોચન કાર્યક્રમમાં મેં પૂછી જ લીધું કે, ‘એક વકીલ આટલી શબ્દ સજ્જતા કેવી રીતે કેળવી શક્યા?’

પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ‘નવગુજરાત સમય’ અખબાર જૂથના ગ્રુપ એડિટર – પત્રકાર – લેખક – વિશ્લેષક શ્રી અજયભાઈ ઉમટ અને જાણીતી હિન્દી ફિલ્મો ‘મિર્ચ મસાલા’ અને ‘હોલી’ તથા ગુજરાતી ફિલ્મ ‘ભવની ભવાઈ’ના એસોસિએટ ડાયરેક્ટર શ્રી પરેશ નાઈકે આવા અનેક પ્રશ્નો બાબતે - લેખકની શૈલી બાબતે - એમની વેદના - સંવેદના બાબતે લેખક સાથે માંડીને વાતો કરી. જરા જુદી રીતે ડિઝાઈન થયેલા આ કાર્યક્રમમાં વરિષ્ઠ સાહિત્યકારો, સમાજના વિધવિધ વર્ગના મહાનુભાવો ઉપસ્થિત હતા.
એક સામાન્ય બોન્ડ રાઈટરથી શરૂ કરીને આજે ‘દામાણીઝ’ નામે કોર્પોરેટ હાઉસ ઊભું કરવાની યાત્રાના અનેક સંસ્મરણો લેખકે કહ્યા હતા. એક રેવન્યુ એડવોકેટની ચેમ્બરમાં અનેક પ્રસંગો બનતા હોય, જેમની સંવેદના આ વકીલના હૃદયમાં રહેલા લેખકને સ્પર્શે અને પછી એ ‘ચેમ્બર કથા’ અને ‘ચેમ્બર અનુભવ’ પુસ્તકો લખે. એમાં એમણે બહુ સૂચક વાત લખી છે કે ‘મને વિચાર આવે છે કે એક માણસના મગજમાં ભગવાન કેટકેટલી હોંશિયારી ઠાંસી-ઠાંસીને ભરી હશે?’
‘જે રાહ જુએ છે તે મા’ પુસ્તકમાં લેખક 90 વર્ષી માતા કમુબાના દેહાવસાન પછી ઊંઘ નથી આવતી ત્યારે કલ્પના અને ઘટનાઓને મેળવીને પત્રો દ્વારા મા-દીકરાનો સંવાદ રચે છે. એવી જ ભાવ સંવેદના વ્યક્ત થાય છે, ‘અનપોસ્ટેડ લેટર્સ’ પુસ્તકમાં. હૃદયના ઊંડાણમાં રહી ગયેલી સંવેદનની અભિવ્યક્તિ અહીં પાને પાને પ્રગટ થઈ છે.
અશોક દામાણી નિયમિતરૂપે સાંપ્રત સમયને અનુરૂપ સમાજલક્ષી વિષયો પર રચનાત્મક નિબંધો લખે છે. મોટા ભાગે વાચકના આંતરમન સુધી પહોંચવામાં લેખક સફળ થાય છે.
એક જગ્યાએ તેઓ લખે છે કે ‘કોઈ સફળતાની વાતો સાંભળવા કરતાં નિષ્ફળતાની વાતો સાંભળવી વધુ સારી છે.’
કાર્યક્રમમાં જાણીતા ક્રિકેટર અને એમના દીકરા કીરાત દામાણીએ એમના પિતાના જીવનમાંથી ભાઈ–બહેન શું શું સંદેશ પામ્યા? આચરણમાં ઉતાર્યા? એની સહજ વાતો કરી હતી.
મારી માહિતી ખાતાની ત્રણ દાયકાની કારકિર્દીમાં અને એટલા જ સમયની કલાકાર – એન્કર તરીકેની કારકિર્દીમાં એવા અનેક વ્યક્તિત્વો મળવાનું બન્યું છે, જેઓ પોતાના કાયમી ક્ષેત્રમાં તો શ્રેષ્ઠ પ્રદાન કરી જ રહ્યા હોય, પરંતુ સાથે સાથે એમના માંહ્યલામાં રહેલો શબ્દ – સૂર કે કલાના અન્ય સ્વરૂપો પ્રત્યેનો પ્રેમ સતત અભિવ્યક્ત થયા જ કરતો હોય. જ્યારે જ્યારે આવું અનુભવાય, આવી રીતે કોઈ કાર્યક્રમનો હિસ્સો બનવા મળે ત્યારે મનમાં આનંદના અજવાળા રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter