વ્યસન છૂટશે તો જિંદગી બચશે

અજવાળું અજવાળું

તુષાર જોષી Wednesday 01st June 2022 07:33 EDT
 

જીવનના પાંચ દાયકા વટાવી ચૂકેલો એક માણસ એક આદતથી મજબૂર હતો. એ તમાકુવાળા માવા ખાવાનો બંધાણી હતો. જમવાનું ના મળે તો ચાલે, પણ માવો તો ખાવો જ પડે! એમના પત્નીનું કેન્સરની બીમારીમાં અવસાન થયું અને પછી તેમને સમજાવ્યા તો તમાકુના વ્યસનમાંથી છૂટવાનો સંકલ્પ લીધો.
એક ભાઈને દારૂ પીવાની ટેવ, રોજ રાતે ઘરે આવે, દારૂ પીવે. ઈન્કમટેક્સના કામે વકીલ પાસે વર્ષમાં ત્રણ-ચાર વાર જાય. એ વકીલ વ્યસનમુક્તિનું કામ કરે. બધાને વ્યસનોથી છોડાવે. પેલા ભાઈને થયું આમની ઓફિસે જવું હોય તો વ્યસન છોડવું પડે... આખરે ચમત્કાર થયો, વ્યસન છૂટ્યું અને એમણે પરિવાર ઊગરી ગયો એમ જણાવ્યું.
એક મંદિરના પૂજારીને માવો ખાવાની આદત. ઈચ્છે તો પણ એ એમાંથી મુક્તિ ના મેળવી શકે. એમને ક્યાંકથી વ્યસનમુક્તિનું અભિયાનવાળા વકીલનું સરનામું મળ્યું. બહુ સમજાવ્યા. આખરે એમણે માવા છોડ્યા, પોતે સ્વસ્થ થયા ને પરિવાર રાજી થયો. વ્યસનમુક્તિનું કામ કરનારા આ વકીલ એટલે ભાવનગરના શ્રી નવીનભાઈ રાજ્યગુરૂ.
એક અહેવાલ મુજબ, ધુમ્રપાન કરનારા બે વ્યક્તિમાંથી એકને કેન્સર - હૃદયરોગ જેવી બીમારી આવે છે. સીગારેટ, પાન-મસાલા, ગુટખા, ડ્રગ્સ વગેરેના માધ્યમથી ધીમું ઝેર ખાસ કરીને યુવાનોના અણમોલ જીવનને બરબાદ કરી રહ્યું છે. ભારતમાં તમાકુનું સેવન કરનારા લોકો સ્વયં પોતાના શરીરને તો નુકસાન કરે જ છે, સાથે સાથે એમના પરિવારને પણ આર્થિક રીતે બેહાલ કરે છે.
કોઈએ કહ્યું છે કે માણસને એટલી ખબર છે કે પાંચ-સાત લાખની ગાડીમાં કેરોસીન ના નંખાય તો પછી એ અમૂલ્ય એવા શરીરમાં શરીરને નુકસાનકારક પદાર્થો કેમ નાંખે છે?
ખરાબ આદત છોડવા માટે મૂહુર્ત જોવાનું ના હોય. જે ક્ષણે સમજાયું કે આ આદત ખોટી છે એ ક્ષણે જ એને છોડી દેવી જોઈએ. એક હિંમતભર્યો વિચાર એક વ્યક્તિને જ નહીં એક પરિવારને સાચી દિશામાં ગતિ આપે છે. વ્યસનરૂપી દાવાનાળ અનેક ઘરોને, પરિવારના બાળકો અને મહિલાઓને બરબાદ કરે છે. વ્યસનો છૂટશે તો જ જિંદગી બચશે એ સમજદારી સમાજમાં સતત પ્રસરતી રહે એ માટે પણ મહત્ત્વનું કામ થઈ રહ્યું છે. ગામેગામ કોઈને કોઈ લોકો એમાં જોડાયેલા છે.
ભાવનગરના ઈન્કમટેક્સ વકીલ શ્રી નવીનભાઈ રાજ્યગુરૂ એક સમયે ઈન્કમટેક્સ ઓફિસમાં નોકરી કરતા હતા. તે સમયથી જ રમતગમત, સમાજસેવા, વ્યસનમુક્તિ જેવા કાર્યો સાથે જોડાયેલા રહ્યા. નોકરીમાંથી સ્વૈચ્છિક રાજીનામું આપીને વકીલાત શરૂ કરી પછી વ્યસનમુક્તિ ક્ષેત્રે વધુ ધ્યાન આપ્યું. છેલ્લા પાંત્રીસ વર્ષથી વ્યસનમુક્તિ અંગે જાગૃતિ ફેલાવવાનું અને પ્રચારનું કાર્ય તેઓ ગુજરાતમાં કરતા રહ્યા છે. આજે 80 વર્ષની ઉંમરે પણ આ ક્ષેત્રે સ્વખર્ચે પ્રવૃત્ત છે અને લોકોને તમાકુના વ્યસનમાંથી મુક્તિ અપાવવા સતત કાર્યરત છે. એમની આવી કામગીરીને લક્ષમાં લઈને રાજ્ય કક્ષાની નશાબંધી અમલીકરણ સમિતિ તથા અન્ય સમિતિમાં પણ તેમને સ્થાન અપાયું છે. તો પૂ. મોરારિબાપુ તથા પૂ. પ્રમુખસ્વામી જેવા સંતોની ઉપસ્થિતિમાં તેમના માનવતાના કાર્ય માટે તેમનું સન્માન કરાયું છે.
નવીનભાઈ કહે છે કે ‘આપણને દુઃખ થાય કે ભણેલો-ગણેલો ને પ્રતિષ્ઠિત માણસ કેમ સમજતો નહીં હોય? કેમ એ જાત જાતના વ્યસનોમાં પોતાની જિંદગીને બરબાદ કરતો હશે? આખોયે પરિવાર હેરાન થશે એનો ડર પણ એને કેમ નહીં હોય? વ્યસનો પાછળ પાગલ લોકોને સમજાવવા બહુ અઘરા હોય છે પણ જ્યારે આવા બે-પાંચ લોકો પણ વ્યસન છોડે છે, બીજી વાર વ્યસન નહીં કરે એવો સંકલ્પ થાય છે ત્યારે આપણને પરમાત્માએ કોઈ સારા કાર્યમાં નિમિત્ત બનાવ્યા એવો અનુભવ થાય છે.
વ્યસનમુક્તિ અભિયાનના વિવિધ કાર્યક્રમો સરકાર દ્વારા અને સામાજિક સંસ્થાઓ દ્વારા યોજાતા રહે છે. આવા કાર્યક્રમોમાં સતત જોડાયેલા રહીને વ્યસનમુક્તિ ક્ષેત્રે પોતાનાથી થઈ શકે એટલું કામ કરનારા નવીનભાઈ જેવા અનેક સેવાભાવીઓ મારી ને તમારી આસપાસ હશે જ. એમના કાર્યને બિરદાવીએ, સપોર્ટ કરીએ... વ્યસનમાં રહેનાર વ્યસનીઓને આપણે પણ સમજાવીએ અને વ્યસનોથી મુક્તિ અપાવીએ ત્યારે સદ્કાર્યના અજવાળાં રેલાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter