શાનદાર પર્ફોર્મન્સના મૂળમાં હોય છે દૃઢ સંકલ્પબળ

- તુષાર જોષી Wednesday 03rd July 2024 06:22 EDT
 
 

ક્યારેક તો એવું લાગતું હતું કે શ્વાસ થંભી જશે, અવર્ણનીય રોલરકોસ્ટર રાઈડ જેવી એ મેચ રહી અને આખરે સાઉથ આફ્રિકાને હરાવીને ભારતે 2024નો ટી-20 વર્લ્ડકપ જીતી લીધો. એક પણ મેચ હાર્યા વિના ભારત અજેય રહ્યું. રોહિતની કેપ્ટન્સી, હેડ કોચ રાહુલ દ્રવિડનું માર્ગદર્શન, સપોર્ટ સ્ટાફની મહત્વની ટીપ્સ અને તમામ ખેલાડીઓનું વખતોવખતનું શ્રેષ્ઠ પર્ફોમન્સ એટલે ભારતના વિશ્વવિજેતા થવું. સૂર્યાનો કેચ, અર્શદીપ – બુમરાહ – હાર્દિક – અક્ષર અને કુલદીપની બોલિંગ. જાડેજાનું ઓલરાઉન્ડ પર્ફોમન્સ, રોહિત – કોહલી - સૂર્યા - પંતની બેટિંગ... એક એક ટીમ પ્લેયર જાણે કરો યા મરોની ભાવનાથી રમ્યા અને જીત્યા. કોઈ એક જ વ્યક્તિ નહીં પરંતુ બધાએ ક્યાંક ને ક્યાંક ઉત્તમ પર્ફોમન્સ આપ્યું ને ભારતનું સ્વપ્ન સાકાર થયું.
એ જ અરસામાં ભારતની મહિલા ટીમે સાઉથ આફ્રિકા સામે અકલ્પનીય પ્રદર્શન કરીને ઐતિહાસિક જીત મેળવી. ભારતની મહિલા ક્રિકેટ ટીમે મલ્ટીપલ રેકોર્ડ્સ આ મેચમાં બનાવ્યા. શેફાલી વર્માના 205, સ્મૃતિ મંધાનાના 149, એમના ઉપરાંત સ્નેહ રાણા સહિતની ખેલાડીઓનું બોલિંગ પર્ફોમન્સ જોરદાર રહ્યું.
માત્ર ક્રિકેટ વિશ્વમાં જ જો રિસર્ચ કરીએ તો આવી અનેક ઘટનાઓનું સ્મરણ થશે જેના માટે અવર્ણનીય, અકલ્પ્ય, અચરજપૂર્ણ, ચમત્કારિક જેવા જેવા અનેક વિશેષણ વાપરી શકીએ. ક્રિકેટ સિવાયની તમામ રમતોમાં પણ આવા કિસ્સાઓ સમયે સમયે બને છે. માત્ર રમતગમત જ નહીં, જીવનના તમામ ક્ષેત્રોમાં આવા કિસ્સાઓ બને છે જેમાં માનવ શરીર દ્વારા જાણે નજર સામે ચમત્કાર સર્જાયો હોય એવું લાગે. એ વ્યક્તિગત સિદ્ધિ પણ હોઈ શકે અને ટીમરૂપે સામૂહિક પણ હોઈ શકે. આવા તમામ કિસ્સામાં જે તે સિદ્ધિ કે સફળતા પાછળ જે તે વ્યક્તિ કે ટીમે લક્ષ્યપ્રાપ્તિ માટે કરેલા સંકલ્પનું બહુ મોટું પ્રદાન હોય છે.
વ્યક્તિગત કે સામૂહિક સિદ્ધિ પ્રાપ્ત કરવા માટેની એ ટુ ઝેડ તૈયારી, એ માટેનું મનોબળ, સાહસ અને ધીરજ, માઈન્ડ સેટ, હકારાત્મક વિચારધારા, સમયે સમયે થતું આયોજન અને બદલાતી રણનીતિ, લાખ્ખો દર્શકોના અવાજો વચ્ચે પણ માત્ર ને માત્ર પોતાના લક્ષ્ય તરફ જ ધ્યાન આપવાની એકાગ્રતા હોય તો જ સંકલ્પો સિદ્ધ થઈ શકે. દરેક રમતવીર રમતના મેદાન પર જીતવા માટે જ ઉતરતો હોય છે, જીત માટે છેલ્લી ક્ષણ સુધી લડતો હોય છે અને એમાંથી એને જીત મળે છે અથવા હાર મળે છે. એક જીતે છે એટલે બીજો હારે છે તે તો વાસ્તવિક્તા છે પરંતુ એના દરમિયાન જે ઉત્કૃષ્ટ રમત સર્જાય છે, જે બેસ્ટ પર્ફોમન્સ અપાય છે, તન–મનની તમામ શક્તિઓ કોઈ અગોચરપણાથી જાણે પ્રેરિત થઈને એ ખેલાડી પાસે પરફોર્મ કરાવે છે એના મૂળમાં છે વિજય માટે એમણે કરેલો સંકલ્પ. બહુ અઘરું હોય છે, ટકી રહેવું. સાવ કિનારે વહાણ પહોંચવામાં હોય અને એક ક્ષણ માણસ ને હાર સુધી લઈ જાય, વમળમાં ડૂબી જવાનું સંભવ થાય, એવા સમયે ટકી જવું - લડી લેવું. હિંમત, બુદ્ધિ, કુશાગ્રતા સાથે પરફોર્મ કરવું અને વિજય હાંસલ કરવો એમાં બહુ બહુ સંકલ્પબળની જરૂર હોય છે. જ્યાં સુધી મેદાન પર છીએ ત્યાં સુધી જીત સિવાય જેને કાંઈ દેખાય નહીં એ રમતવીર જ આખરે જીતતો હોય છે અને એ જીત પછી એની આંખોમાંથી હર્ષના આંસુ વહેતાં હોય છે, એ નાચે છે, ગાય છે, હસે છે, વહાલ કરે છે, વહાલ ઝીલે છે. આવા આવા દ્રશ્યો ટેકનોલોજીના માધ્યમથી આપણે ઘરે બેઠાં લાઈવ જોઈએ છીએ અને આપણી લાગણી પણ એમાં જોડાય છે. યાદ કરીએ આવી વિશ્વવિક્રમી ઘટના - જે આપણે જોઈ હોય અને એમાંથી ઝીલીએ આપણા જીવનમાં સંકલ્પના અજવાળાં.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter