શિષ્યને અંધકારથી પ્રકાશ તરફ લઇ જાય છે ગુરુ

Monday 23rd July 2018 05:17 EDT
 

કાશીમાં રામાનંદજી સ્નાન કરવા જઈ રહ્યા હતા. નદીના ઘાટ પર પગથિયાં ઉતરતા ઉતરતા એમનો પગ ત્યાં સુતેલા કબીર દાસને સ્પર્શી ગયો. એમના મુખથી રામ રામ શબ્દ નીકળ્યા. આ શબ્દને કબીરે દીક્ષામંત્ર માની લીધો અને રામાનંદજીને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા. કબીર લખે છેઃ ‘હમ કાશી મેં પ્રગટ હુએ, રામાનંદ ચેતાયે’. કબીરે ગુરુ મહિમાના અનેક દોહા લખ્યા એમાંના એકનું સહજ સ્મરણ ગુરુપૂર્ણિમાના મહિમાગાન સમયે થાય.

‘ગુરુ ગોવિંદ દોઉ ખડે, કા કે લાગું પાય,
બલિહારી ગુરુ આપને, ગોવિંદ દિયો બતાય.’
લોકોક્તિ કહે છે કે અષાઢ માસની પૂનમનો દિવસ મહર્ષિ વેદવ્યાસનો જન્મદિવસ છે. અને એમણે માનવજાતિને પ્રથમ વાર વેદનું જ્ઞાન આપ્યું હતું, પહેલી વાર વેદજ્ઞાન આપનારને પ્રથમ ગુરુ માનવામાં આવ્યા અને ત્યારથી આ દિવસ ગુરુપૂર્ણિમા રૂપે ભારતીય અધ્યાત્મ જગતમાં ઊજવાય છે.
ગુરુપૂજનની સમગ્ર વિધિ-પૂજન પણ નિર્દેશિત કરાયા છે જે શ્રદ્ધા આધારિત છે, અંધશ્રદ્ધા નહિ. ગુરુપૂજનથી મનને શાંતિ અને આનંદ મળે છે.
માનવમાત્રના જીવનમાં, ચાહે એ કોઈ પણ ક્ષેત્રમાં કાર્યરત હોય, ગુરુનું સવિશેષ મહત્ત્વ રહ્યું છે. આપણા મન-મસ્તિષ્કમાં રહેલા અંધકારને અજ્ઞાનને દૂર કરવાનું કામ ગુરુ કરે છે.
ગુરુ મહિમાથી ભારતીય સંસ્કૃતિનો ઈતિહાસ અને અધ્યાત્મ સભર છે. જેઓ જેઓ ગુરુ પરંપરામાં માને છે એમના માટે ગુરુ સર્વોપરી છે. સમયના કોઈપણ કાલખંડમાં ગુરુનું સ્થાન હિમાલયના શિખરો જેટલું ઊંચું અને પવિત્ર રહ્યું છે. ગુરુપૂર્ણિમા હિન્દુઓનો એવો તહેવાર છે, જેમાં શિષ્ય પોતાના ગુરુઓ પ્રત્યે પૂજનીય ભાવ અને શ્રદ્ધા પ્રગટ કરે છે. માતા-પિતા લાલનપાલન કરે છે, શિક્ષક વિદ્યા આપે છે અને ગુરુ જ્ઞાન આપે છે.
‘ગુ’ શબ્દનો અર્થ છે અંધકાર અને ‘રુ’ શબ્દનો અર્થ છે પ્રકાશ. ગુરુ શિષ્યને અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે. ગુરુની કૃપાથી શિષ્યના પુરુષાર્થમાં પ્રેમનું-પ્રાર્થનાનું બળ ભળે છે.
મહર્ષિ વાલ્મિકીના ગુરુ નારદજી, મહારાજા ચંદ્રગુપ્તના ગુરુ ચાણક્ય, છત્રપતિ શિવાજીના ગુરુ સમર્થ ગુરુ રામદાસ, સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ જેવા કેટલાય નામો એક પછી એક સ્મરણમાં આવે જ્યાં શિષ્યના જીવન ઘડતરમાં એમના અધ્યાત્મ ગુરુએ બહુમૂલ્ય પ્રદાન કર્યું હોય. દુનિયાને જોવાની દૃષ્ટિ બદલી આપે છે ગુરુ. મહારાજા દશરથ અને તેમના ગુરુ વશિષ્ઠજીનું જીવન જોઈએ ત્યારે સમજાય છે કે ગુરુનું કાર્ય નૈતિક-આધ્યાત્મિક-સામાજિક અને રાજનૈતિક સમસ્યાઓ હલ કરવાનું પણ છે.
ગુરુ શરીરથી આંખ સામે હોય કે ના હોય, મનમાં સતત એનું સ્મરણ રહે તો, એની કૃપાની અનુભૂતિ રહે તો એક જ દિવસ નહિ, રોજે રોજ શિષ્ય માટે ગુરુપૂર્ણિમાનો ઉત્સવ જ છે.

•••

ગુરુપૂર્ણિમાનો તહેવાર એટલે અંદર અંદર ભીંજાવાનો ઉત્સવ, મૌન બનીને સમર્પિત થવાનો ઉત્સવ. ગુરુપૂર્ણિમા સંદર્ભે વાંચતા-નિહાળતા કેટલુંયે વાંચ્યું-સાંભળ્યું અને અનહદ આનંદથી તરબતર થયો.
૨૦૧૫ની કેન્યામાં યોજાયેલી રામકથામાં પૂજ્ય મોરારિબાપુએ તત્કાલીન દિવસોમાં નજીક આવી રહેલા ગુરુપૂર્ણિમાના ઉત્સવ પ્રસંગે વિશ્વના તમામ બુદ્ધ પુરુષોને વંદન કરી કહ્યું હતું કે પ્રશ્ન આવે છે કે ગુરુ કોને કહેવા? એમણે કહ્યું હતું કે પાંચ વસ્તુઓ સાથે કાયમ સંબંધ રાખે તેને ગુરુ માનજો.
(૧) અગ્નિ તત્વ – જેનો અગ્નિ કાયમ પ્રગટ હોય, કારણ કે અગ્નિ પ્રકાશનું, પવિત્રતાનું પ્રતીક છે જે સાધકને જાગૃત રાખે છે.
(૨) પવન સાથે - અર્થાત્ હનુમાનજી - પ્રાણતત્વ - પવન સાથે જોડાયેલો હોય. વાયુ બિનસાંપ્રદાયિક છે તેને બધા ગ્રહણ કરે.
(૩) આકાશતત્વ - અર્થાત્ સીમાઓમાં બંધાયેલા ન હોય, અસીમ હોય, સિદ્ધાંતમાં સંકુચિત ના હોય.
(૪) જલતત્વ - જેની આંખ ભીંજાયેલી હોય, સાધનાથી બંદગીથી ભરેલી આંખ હોય.
(૫) પૃથ્વીતત્વ - ઊંચાઈ ગમે તેટલી હોય, ધરતી છોડે નહીં, પાંખ ભલે આવે ફુલાય નહીં.
આવા ગુરુ જ્યારે જીવનમાં મળે ત્યારે તે અભેદ કવચ આપે છે અને જીવનમાં અજવાળું અજવાળું ફેલાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter