સંયમ અને સમર્પણ જ દોરી જાય છે સફળતાના પંથે

અજવાળું અજવાળું

તુષાર જોષી Saturday 07th September 2019 05:53 EDT
 
 

ક્યારેય હાર ન માનવી, નિરાશ થવું નહિ, પરસેવાથી રેબઝેબ થઈને પણ શરીર પાસેથી પૂરતું કામ લેવું, મેદાન છોડવાની તો વાત જ નહિ કરવાની. પડ્યા પછી, ગબડ્યા પછી ત્યાં બેસવાનું નહિ, વધુ તાકાત સાથે ઉભા થવાનું, ફરી ઝઝૂમવાનું ને અંતે જીતવાનું ને જીતીને હર્ષના આંસુ સાથે રડવાનું, આનંદની ચીચીયારીઓથી આકાશને ગજવવાનું... 

આ બદ્ધેબદ્ધું જેણે કર્યું એ રમતવીરને દુનિયા આખી પી. વી. સિંધુના નામે ઓળખે છે. બેડમિંટનની રમતમાં બે બળીયા ખેલાડીઓ જ્યારે મેદાન પર હોય ત્યારે સતત એ રમતમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે, એવા જ ઉતાર-ચઢાવ એની કારકિર્દીમાં પણ આવ્યા, પણ હારથી એ ડગી નહિ, થાકી નહિ, એ હારને સિંધુએ મન પર સવાર થવા દીધી નહિ અને આખરે થોડાંક સમય પહેલા વિશ્વવિજેતા થઈ.
૫ જુલાઈ ૧૯૯૫ના રોજ આંધ્ર પ્રદેશના હૈદરાબાદમાં એનો જન્મ. ૫ ફૂટ ૧૦ ઈંચની ઉંચાઈ ધરાવનાર સિંધુના પિતા પી. વી. રમણ અને માતા પી. વિજ્યા વોલીબોલ ખેલાડી રહી ચૂક્યા છે એટલે રમત પ્રત્યેનો લગાવ અને સ્પોર્ટ્સમેન સ્પિરીટ તો એને જાણે લોહીમાં જ મળ્યા હતા.
બાળપણમાં પુલેલા ગોપીચંદની રમતથી આકર્ષિત થઈને એ બેડમિંટન રમવા તરફ વળી. આસપાસની આ રમતની તાલીમી સંસ્થાઓમાંથી થોડુંક શીખી અને પછી દાખલ થઈ પુલેલા ગોપીચંદની બેડમિંટન એકેડમીમાં.
તનતોડ મહેનત, એકમાત્ર લક્ષ્ય, બેડમિંટન માટે સમર્પિત જીવન અને માતા-પિતાના પ્રોત્સાહથી એની રમતના ચમકારા સ્ટેટ - નેશનલ અને પછી ઈન્ટરનેશનલ લેવલે થતા ગયા.
૨૦૧૨માં વિશ્વના ટોચ-૨૦ ખેલાડીઓમાં સ્થાન મેળવ્યું, ૨૦૧૩માં તેણે વર્લ્ડલેવલે મેડલ જીતનાર પ્રથમ ભારતીય બેડમિંટન ખેલાડી બની, ૨૦૧૫માં પદ્મશ્રી એવોર્ડ મળ્યો, ૨૦૧૬માં ઓલિમ્પિક ફાઈનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય મહિલા બની. ૨૦૧૬માં રજતચંદ્રકથી સંતોષ માન્યો. ૨૦૧૭માં અને ૨૦૧૮માં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર અને આખરે ૨૦૧૯માં વુમન્સ સિંગલ્સમાં સિંધુએ ગોલ્ડમેડલ મેળવ્યો.
સિંધુની કેટલીક યાદગાર મેચની વીડિયો જોનારને ખ્યાલ હશે કે અપ્રતીમ તાકાત, મનોબળ, દીર્ઘદૃષ્ટિ, પ્લાનિંગ અને બાજનજર તથા ચિત્તાની ઝડપથી એ મેદાન પર પોતાની રમત દરમિયાન સર્વસ્વ દાવ પર લગાવી દે છે. જ્યારે વર્લ્ડ કપનો ખિતાબ મળ્યો ત્યારે તેણે આ સન્માન પોતાની માતાને અર્પણ કર્યું હતું. એની માતાએ સિંધુની મહેનત, કૌશલ્ય અને પરિશ્રમનો ઉલ્લેખ કરીને એક સૂચક વાત કરી હતી કે છેલ્લા છ મહિનાથી સિંધુએ મોબાઈલનો ઉપયોગ પણ કર્યો ન હતો.
આ સંયમ અને સમર્પણ એ પૂરવાર કરે છે કે સફળતા આમનામ રસ્તામાં ચાલતા મળતી નથી, બગાસું ખાતા પતાસું મળી જાય એવા લોકોની સંખ્યા મારી ને તમારી આસપાસ કેટલી છે? અને એમની એવી સફળતા કેટલો સમય ટકી છે? સરવાળે એક જ વાત મહત્ત્વની છે અને એ છે કે ઘડિયાળના કાંટાની મર્યાદામાં રહ્યા વિના થતો અવિરત પુરુષાર્થ...
‘ગોલ્ડન ગર્લ’ બની ચુકેલી પી. વી. સિંધુ છેલ્લી છ ટુર્નામેન્ટની ફાઈનલમાં હારી ચુકી હતી. એક અર્થમાં મોઢાં સુધી આવેલો કોળિયો છીનવાઈ જવાના પ્રસંગો છ-છ વાર બન્યા હતા. સ્વાભાવિક છે કે એ પોતે અનહદ માનસિક દબાણ અનુભવતી હોય. આ દબાણ સામે ટક્કર લઈને, વિશ્વવિજેતા થવું એ કાંઈ જેવી તેવી વાત નથી અને સિંધુએ એ પૂરવાર કરી બતાવ્યું ત્યારે સમગ્ર વિશ્વના ભારતીયોએ એને શાબાશી આપી.
સિંધુએ પોતાની જીત બાદ એના કોચ ગોપીચંદ (જેની રમત જોઈને એ બેડમિંટન તરફ આકર્ષાઈ એ જ એના કોચ હોય એવું એનું સદ્ભાગ્ય છે) અને સાઉથ કોરિયન કોચ કિમ જી હ્યુનનો પણ આભાર માન્યો અને દર્શકોનો પણ આભાર માન્યો.
પી. વી. સિંધુ અને તેમના જેવા અનેક સફળ ખેલાડીઓના જીવનમાંથી આપણને જીવનમાં સતત ઝઝુમવાની-લડવાની પ્રેરણા મળે છે આ પ્રેરણા આપણા જીવનમાં આવતા સંઘર્ષોમાં ક્યારેય ન હારવા અને સફળતા તરફ આગળ વધવા ઉપયોગી થાય છે. આવું થાય ત્યારે રમતના મેદાન દ્વારા પણ અજવાળાં રેલાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter