સત્સંગનો સાચો સારઃ ધર્મ-અધ્યાત્મ-પ્રેમની સમજણ

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 22nd April 2019 05:27 EDT
 

‘સર, થોડી વાર અહીં કાર પાસે બહાર આવો ને...’ ડ્રાઈવરે ફોનમાં અતુલને કહ્યું.
અતુલ એક ધાર્મિક કાર્યક્રમમાં સત્સંગમાં બેઠો હતો. અચાનક ફોન આવ્યો એટલે એણે સાઈલન્ટ મોડમાં રહેલો ફોન રીસીવ કર્યો. જવાબ આપ્યો ‘અરે ભાઈ, તમને ખબર છે હું અહીં સત્સંગમાં છું.’ તો પણ ડ્રાઈવરે ફરી એ જ વાત કરી. એટલે અતુલને લાગ્યું કે મામલો કાંઈક ગરબડનો છે અને વિવેક જાળવીને, હળવે હળવે એ સત્સંગમાંથી બહાર આવ્યો.
અમદાવાદમાં રહેતા અતુલને પોતાનો સ્વતંત્ર વ્યવસાય હતો. વ્યવસાયમાં ધ્યાન દેવાની સાથે સાથે એ પોતાના આંતરિક વિકાસ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે યોગ-ધ્યાન-પ્રાણાયમ જેવી પ્રવૃત્તિઓમાં પણ પ્રવૃત્ત રહેતો હતો. આ ઉપરાંત બે દાયકા કરતાં વધુ સમયથી એની શ્રદ્ધા એક સદગુરુ સાથે જોડાયેલી હતી અને એટલે એ ત્યાં યોજાતા નિયમિત ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમોમાં હાજરી આપવા પણ જતો રહેતો હતો. ધાર્મિક સત્સંગથી એનું મન આનંદમાં અને પ્રસન્ન રહેતું હતું.
આવા જ એક પ્રસંગે આજે અમદાવાદથી વહેલી સવારે એ નીકળ્યો હતો. રસ્તામાં ચા-નાસ્તો કરીને એના ગંતવ્ય સ્થાને પહોંચ્યો હતો. એની સાથે ડ્રાઈવર તરીકે આવનાર વ્યક્તિ પણ સ્વભાવથી એના ડ્રાઈવિંગના કાર્યક્રમથી પરફેક્ટ હતી. સ્પીડમાં જરૂર ચલાવે, પરંતુ ક્યાંયે-ક્યારેય જોખમી ડ્રાઈવિંગ નહીં. ગાડીની જાળવણી પણ વ્યવસ્થિત કરે. અતુલ એને પૈસા આપવામાં પણ કચાશ રાખતો નહીં. આમ ડ્રાઈવર સાથે એનું ટ્યુનિંગ અને ડ્રાઈવરનું ગાડી સાથેનું ટ્યુનિંગ એકદમ બરાબર હતું.
આજે પણ જે સ્થળે સત્સંગ કરતો હતો ત્યાં પહોંચીને ડ્રાઈવર વ્યવસ્થિત ગાડી પાર્ક કર્યા બાદ એ અંદર ગયો હતો. એકાદ કલાક બાદ ડ્રાઈવરનો ફોન આવ્યો અને આગળ લખેલા સંવાદ મુજબ એ આશ્રમની બહાર આવ્યો. સામે જ ડ્રાઈવર મળ્યો.
‘શું થયું? કેમ આમ મને તાત્કાલિક બોલાવવો પડ્યો?’ અતુલે પૂછ્યું. ડ્રાઈવર કહે ‘ચાલો ગાડી પાસે, પાર્કિંગમાં વ્યવસ્થિત પડેલી ગાડીને કોઈ બીજી ગાડી અથડાઈ છે અને આપણી કારના આગળના ભાગને નુકસાન થયું છે, સ્વાભાવિક છે કે મારે તમને બોલાવવા જ પડે.’ આમ વાત કરતાં કરતાં બંને ગાડી પાસે પહોંચ્યાં.
વાત એમ બની હતી કે એક કાર ચલાવનાર ડ્રાઈવર એ કારને ટૂંકી જગ્યામાં ટર્નિંગ આપી રહ્યો હતો. આ માટે એણે ગાડી રિવર્સ લીધી. અતુલનો ડ્રાઈવર સતત હોર્ન મારે છે, આજુબાજુના રીક્ષાવાળા દેકારો કરીને પેલા ડ્રાઈવરને ચેતવે છે, પણ એ સાવ બેફિકરાઈથી સાંભળતો જ નથી અને ગાડી અથડાઈ છે. કોઈ મોટું નુકસાન નથી થયું, પણ કારની બોડીને ઘસારો લાગ્યો છે. પેલા છોકરડાં જેવા ડ્રાઈવર પર લોકો ગુસ્સે થયા તો સોરી કહીને કહે ‘હું શું કરું?’ એના માલિકને બોલાવ્યો તો એમણે કહ્યું કે ‘ડ્રાઈવરે સોરી કહ્યું, બહુ બહુ તો ગાડી રીપેર કરાવી આપું.’
એ સમયે અતુલે બહુ મહત્ત્વની વાત કરી, ‘જુઓ ભાઈ, આ ધરતી સાથે મારો દાયકાઓનો સંબંધ છે, આ ધરતી પ્રેમનો સંદેશ આપે છે, ઝઘડવાનો પ્રશ્ન જ નથી. પરંતુ તમારા ડ્રાઈવર પાસે લાયસન્સ પણ નથી, તો આવા ડ્રાઈવરને ગાડી ચલાવવા આપતા પહેલાં વિચાર કરજો. બીજું કે અહીં બેઠેલા શ્રદ્ધેય દેવતા અને સદગુરુની કૃપાથી ગાડી રિપેર કરાવી શકું એટલે પૈસા તો મારી પાસે પણ છે જ, હવે એક જ વિનંતી છે કે અત્યારે મારી જગ્યાએ તમારી ગાડી હોય તો તમે શું કરો?’ એ ભાઈ મૂંગા રહ્યા એટલે અતુલે વાત આગળ ચલાવીને એમનું નામ પૂછીને, નામજોગ કીધું કે ‘ભલા માણસ, હવે ક્યારેક તમારી ગાડી સાથે સાથે કોઈની ગાડી અથડાય તો ગુસ્સો ના કરતા, ઝઘડો ના કરતા, અને આ ઘટના યાદ કરીને અત્યારે મેં જેમ હસતાં હસતાં તમને જયશ્રી કૃષ્ણ કહ્યા છે ને, એમ તમે પણ એ સમયે હસતાં હસતાં અકસ્માતને સ્વીકારી લેજો.’
આમ, આટલા વર્ષો ધાર્મિક-આધ્યાત્મિક-પ્રેમ માર્ગે ચાલવાના શ્રવણ બાદ પોતે એ માર્ગે આજે એક ડગલું ચાલ્યો, સાહજિકરૂપે ઘટનાનો હસતાં હસતાં સ્વીકાર કર્યો એનો આનંદ મનમાં ભરીને એ પાછો સત્સંગમાં ગોઠવાઈ ગયો - આવું થાય ત્યારે સાચ્ચે જ સત્સંગનાં અજવાળાં રેલાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter