સમજદારીમાં સમાયો છે દરેક સમસ્યાનો ઉકેલ

અજવાળું અજવાળું

- તુષાર જોષી Tuesday 01st August 2023 05:19 EDT
 
 

અખબાર ખોલો, ટેલિવિઝન શરૂ કરો કે મોબાઈલમાં સોશિયલ મીડિયાના ડિજિટલ ન્યૂઝ જુઓ, ક્યાંક ને ક્યાંક માર્ગ અકસ્માતના સમાચારો વાંચવા મળે અને એક ભયાનક દ્રશ્ય નજર સામે આવી જાય. માર્ગ અકસ્માતો સતત વધતા રહ્યા છે અને રોજ ક્યાંક ને ક્યાંક કોઈનું અકાળ મૃત્યુ થઈ રહ્યું છે. માત્ર આવા સમાચારો સાંભળીને, વાંચીને બેસી રહેવાથી નહીં ચાલે... શું થઈ શકે?

આ પ્રશ્નનો જવાબ અઘરો છે, સમસામયિક હોય છે, વ્યક્તિગત કે સામૂહિક હોય છે. શાસકોના પક્ષે પણ હોય છે અને નાગરિકોના પક્ષે પણ હોય છે. આપણે ત્યાં વાહન વ્યવહારની આખીયે સિસ્ટમમાં જે સારી અને ઉત્તમ બાબતો છે અને ઉણપો છે એનો કોઈ અભ્યાસ કરે તો કદાચ અનેક કારણો - જવાબો રૂપે આપણે સામે આવી શકે. પરંતુ અહીં વાત કોનો વાંક ને કોને સજા? એની નથી કરવી. કાયદાનું કામ કાયદો કરશે. આપણે એટલે કે પ્રત્યેક માણસ પોતે જે સ્થાન પર છે ત્યાં રહીને પોતાના ભૂમિકા આ દિશામાં કઈ રીતે નિભાવી શકે એ વિચારવું જરૂરી છે. વ્યક્તિગત અને સામૂહિક રીતે આપણે આ ક્ષણથી જ એવું કંઈક તો કરી શકીએ જે આવનારા સમયમાં માર્ગ અકસ્માતોથી આપણને કે બીજાને ઉગારી શકે.
રોજ સર્વસામાન્ય રીતે લોકો કારણ વિના, આદતના જોરે ટ્રાફિકના નિયમો તોડે છે, મનફાવે તેમ વાહનો ચલાવે છે, ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરે છે, કોઈ વળી ડ્રિન્ક કરીને ડ્રાઈવ કરે છે, ઓવર સ્પીડમાં ડ્રાઈવ કરે છે, ખોટી રીતે માર્ગો પર લેન બદલે છે, ગમે ત્યાં આડેધડ પોતાના વાહનો પાર્ક કરે છે, ડાબી બાજુની લેન ખુલ્લી નથી રાખતા, ત્રીજી લેનમાંથી પહેલી લેનમાં આવીને, ક્રોસ કરીને યુ ટર્ન લે છે, ડ્રાઈવિંગ કરતી વખતે ઓડિયો-વીડિયો સિસ્ટમ પર ધ્યાન વધુ આપે છે, હાઈ વે પર આગળની કારની લગોલગ ગાડી ચલાવે છે, આવા આવા તો કેટકેટલા ઉદાહરણો છે, જે આપણે બિલ્કુલ સામાન્ય રીતે નજર સામે જોઈએ છીએ. રોંગ સાઈડ વાહન ચલાવવા, નિષ્કાળજીપૂર્વક ઓવરટેઈક કરવું વગેરે પણ તેમાં ઉમેરી શકાય. આ બધાથી આપણે બચીએ, આપણા બાળકોને યોગ્ય તાલીમ બાદ – અધિકૃત લાઈસન્સ બાદ જ વાહન ચલાવવા આપીએ એ પણ એટલું જ જરૂરી છે.
સામા પક્ષે, સુશાસનનો પણ એ ભાગ હોય છે કે માર્ગો પર યોગ્ય રીતે ટ્રાફિક નિયમન થાય, યોગ્ય જગ્યાએ સ્પીડબ્રેકર, ડિવાઈડર લાગેલા હોય, સાઈન બોર્ડ એવા હોય જે દૂરથી દેખાય, રસ્તાના ખાડા તાત્કાલિક રિપેર થાય, ડાયવર્ઝન યોગ્ય રીતે થાય, માર્ગ મરામતના કામ જલ્દી થાય, આધુનિક સાધનોથી ટ્રાફિક અને વાહન વ્યવહારના ગુનાઓ થાય તો તેને કરનાર સામે પગલાં લેવાય.
દેશ–વિદેશમાં આપણે ફરતા હોઈએ છીએ એટલે સ્વાભાવિક રીતે સરખામણીઓ થયા કરે, પરંતુ સરખામણી કરવાના બદલે આપણા ગામ – રાજ્ય અને રાષ્ટ્રના સંદર્ભમાં આજે જાગૃતિપૂર્વક એક માણસ શું કરી શકે? આપણો નાગરિક ધર્મ શું હોઈ શકે? તે અંગે દરેક માણસ વિચારશે તો થોડો ફેર તો જરૂર પડશે. માત્ર સૂત્રો લખવાથી કે બોલવાથી નહીં, લેખ લખવાથી કે વાંચવાથી નહીં, પરંતુ વ્યક્તિગત રૂપે દરેક માણસે આ સંદર્ભે પોતાના જીવનમાં સાચી દિશાનો બદલાવ લાવીને, હકારાત્મક ઊર્જા સાથે જીવવું પડશે તો આ સંવેદનશીલ એવી બાબતમાં આપણે માણસાઈને ઊજાગર કરી શકીશું.
સમસ્યા ગમેતેટલી મોટી હોય, એમાં સમજદારીપૂર્વક જો આપણે વિચારીએ, સહુ પોતપોતાની યોગ્ય ભૂમિકા ભજવે તો એને ઉકેલની દિશામાં એકાદ દીવડો તો જરૂર પ્રગટાવી શકીએ અને એના અજવાળાંને પામી શકીએ.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter