સમય તો છે સતત વહેતું ઝરણું

અજવાળું અજવાળું

તુષાર જોષી Wednesday 05th January 2022 04:04 EST
 

આગે ભી જાને ના તુ,

પીછે ભી જાને ના તુ
જો ભી હૈ બસ યહી એક પલ હૈ...

આ ગીત મારું બારમાસી ગમતું ગીત છે, પણ અત્યારે સહજ સ્મરણ થયું એના મૂળમાં થોડા સમય પહેલાંની ઘટના છે. મારી સામે રહેતા પાડોશીએ મને ૨૦૨૦ના વર્ષની બે સાવ નવી અને કોરી ડાયરી આપી. એમણે કહ્યું, ‘તમારે લખવાનું બહુ હોય છે તો ભલે જૂની છે, પણ તમે લખી શકો એવી છે.’ મેં આભાર માની એનો સ્વીકાર કર્યો ને એમાં લખવાનું પણ શરૂ કર્યું. પછી મારા મનમાં સંવેદનો અનુભવાયા કે જૂની ડાયરીના પાનાં પર કાંઈક લખી શકાય, કબૂલ, પણ જૂના-વીતેલા સમયને જીવી ના શકાય. સમય તો સતત વહેતું ઝરણું છે એના પ્રવાહમાં ભળીને પળપળ માણી શકીએ તો જ જીવન છે અને એટલું જ જીવન છે.
જો ભી હૈ બસ યહી એક પલ હૈ...
ઈસવી સન ૨૦૨૨ના વર્ષનો આરંભ થયો છે. નવું વર્ષ, નવી હવા, નવી સવાર, નવા સંકલ્પો, નવા સપનાં, નવો પુરુષાર્થ અને નવી પ્રસન્નતા... નૂતન સિદ્ધિઓ. સ્વામીશ્રી આધ્યાત્માનંદજીએ એક વાર કહ્યું હતું કે ‘બંધાય તે ગંધાય’. આ વાક્ય જીવવા જેવું છે. જળનો પ્રવાહ જ્યાં જ્યાં બંધાય, અટકે, ત્યાં ત્યાં એ ગંધાય છે. આપણા જીવનનું પણ એવું જ છે, પ્રસંગ સુખનો હોય કે દુઃખનો એ સ્થિર નથી હોતો.
વિશ્વભરમાં પ્રસિદ્ધિની ક્ષણો હોય કે પરિવારના સ્વજનનું મૃત્યુ હોય, બંને ઘટનાઓ એક ચોક્કસ સમયની હોય છે. મિનિટો-કલાકો-દિવસો અને મહિનાઓ પુરા થાય જ છે. એની અસરોને ઝીલતા ઝીલતા આગળ વધવું જ પડે છે. માણસ ક્યાંયે - ક્યારેય સ્થિર થઈ શકતો નથી. અટકી શકતો નથી અને જો એવું થાય તો પછી એના જીવનમાં સ્થગિતતાની, વિષાદની, સોગીયાપણાની, મોહની ગંધ પ્રવેશી જાય છે. વિચારો કુંઠિત થઈ જાય છે, નવું કશું સૂઝતું નથી, આગળ વધવાનું ગમતું નથી. આ સ્થિતિ અતિ દુઃખદાયક પણ હોય છે અને જીવનની ગતિને અવરોધનારી પણ હોય છે. એટલે જ જાગૃતિપૂર્વક પળ પળ જીવવાની છે, પળ પળ ગતિ કરવાની છે.
નદીયા ચલે ચલે રે ધારા,
ચંદા ચલે ચલે રે તારા
તુજ કો ચલના હોગા....
મન્ના ડેએ ગાયેલા આ ગીતના શબ્દો આત્મસાત્ કરીને ૨૦૨૨ના વર્ષમાં પ્રવેશ કરવા જેવો છે. આપણો અનુભવ છે કે જ્યારે કોઈ પણ કામનો શુભારંભ હોય ત્યારે આપણે આયોજન કરીએ છીએ અને પછી અમલીકરણ કરીએ છીએ. આયોજન માટે જરૂરી છે આપણી જાત સાથે સંવાદ. મૌન રહીને જાત સાથે વાત કરીએ, આપણી આજની વાસ્તવિક્તા અને આપણી જરૂરિયાત વિશે સમજીએ તો સારું પ્લાનિંગ થઈ શકે. મોટા ભાગે સાધન-સંપન્ન અપર મિડલ ક્લાસના લોકોનો એ અનુભવ હોય છે કે એમની પાસેની કેટલીયે વસ્તુઓ કોઈ પણ પ્રકારના સ્પર્શ વિના બે-પાંચ વર્ષ આમને આમ પડી રહે છે અને પછી વહેંચવી પડે છે અથવા તો નક્કામી થઈ જતા ફેંકી દેવી પડે છે. વસ્તુ નક્કામી થાય તો ફેંકી શકાય, જીવન તો અણમોલ છે, એક એક પળ અણમોલ છે, એને વેડફી ના શકાય. જે અને જેટલી ક્ષણો મળે છે એને ભરપૂર રીતે જીવવી પડે, જીવવી જોઈએ. ગતિ કરવી પડે, પ્રગતિ કરવી પડે. ચરૈવેતિ, ચરૈવેતિ શબ્દને આત્મસાત્ કરીને સતત ચાલવું પડે.
નવા વર્ષને આવકારીએ, વધાવીએ, ગઈકાલના વિચારોને, ગઈકાલને ભૂલીએ, જે હતું તે હતું, હવે નથી. હવે તો માત્ર આંખ સામે આજ અને આવતીકાલને રાખીએ.
વર્તમાન સમયમાં આપણે ઉત્તમ આચરણ કરીએ, આપણી પાસે જે કાંઈ સ્કિલ છે, આવડત છે એને શ્રેષ્ઠ રીતે પ્રદાન કરીએ. જીવનની પળ પળને પ્રેમથી - આતીમિયતાથી - આનંદથી - પ્રસન્નતાથી સભર કરીએ. આપણી જાત સાથે, આપણા અંગો સાથે, આપણી આસપાસની પ્રકૃતિ સાથે પણ વાતો કરીએ, કોઈને કોઈ શોખ ડેવલપ કરીએ, જાગૃતિપૂર્વક એમાં જોડાયેલા રહીએ અને હા, નિરંતર અજવાળાંની આરાધના કરીએ. અજવાળાંને ઝીલીએ.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter