સમય સાથે તાલ મિલાવી શક્ય છે પરંપરાનું જતન

અજવાળું અજવાળું

તુષાર જોષી Sunday 19th January 2020 07:33 EST
 

‘સાચ્ચે જ જાણે શબ્દની અલખ આરાધના થતી હોય એવું લાગ્યું...’ ‘અહીં અલખ કાર્યક્રમમાં જાણે પ્રેમનો મલક સૂર-શબ્દથી અનુભવાયો...’ ‘કલાકારોની પ્રસ્તુતિમાં પ્રાચીન સંતવાણી માટેનો એમનો પ્રેમ પણ ઝલકતો હતો...’ કાર્યક્રમ પૂરો થયે શ્રોતાઓ પરસ્પરને આવા વાક્યોમાં પોતાની સંવેદના કહેતા હતા અને કાર્યક્રમને બિરદાવતા હતા.
કાર્યક્રમ હતો અમરેલીમાં. આયોજન હતું રાજીવ હરિયાણીના કન્સેપ્ટ સાથે મ્યુઝિકલ સોલ્સ ૧૮નું અને ‘અલખ’ શિર્ષક હેઠળ રજૂ થયા હતા સૂફી પરંપરાના, પ્રાચીન ભજનવાણીના, લોકગીતોના પારંપારિક અમૂલ્ય ખજાનામાંથી સ્મરણીય ગીતો.
હીરેન દુધરેજિયા, ધર્મિષ્ઠા દુધરેજિયા, વૈભવ ત્રિવેદી, મનીષ દુધરેજિયા, ગોપાલ દુધરેજિયા, જનક ગોંડલિયા, તપોધન શર્મા અને પ્રણવ પંડ્યાની પ્રસ્તુતિથી પરંપરા અને આધુનિકતાનો સમન્વય સર્જાયો હતો. પૂ. બાપુના સાનિધ્યમાં ચિત્રકૂટધામ ખાતે પ્રસ્તુતિના મંગલાચરણ પછી સૌ પ્રથમ વાર આ કાર્યક્રમની જાહેર પ્રસ્તુતિ થઈ હતી.
રાજીવ પોતાની વાત માંડતા કહે છે કે ‘મારો ઉછેર મારા સદ્ગુરુના સાંનિધ્યમાં થયો એટલે બાળપણથી જ ભજન અને સંતવાણી સાથે માંહ્યલો જોડાયેલો રહ્યો. શ્રેષ્ઠ ભજનિકોને સાંભળતો ત્યારે થતું કે સંતવાણીના શબ્દોમાં સત પડેલું છે, નવી પેઢી સુધી આ શબ્દો પહોંચે, તેઓ એને સમજે એને પામે તો આનંદ થાય. અને એ માટે મેં Music Souls 18નો આરંભ કર્યો.’
રાજીવ અને હીરેન મૂળ શબ્દોને સાચવીને કંપોઝીશન્સ પોતાની રીતે કરતા ગયા. ‘શેરી વળાવી...’ (નરસિંહ મહેતા), ‘પ્રેમનગર...’ (બ્રહ્માનંદજી), ‘મેં તો શુદ્ધ રે જાણીને...’ (અમર મા), ‘બીનતી સુનિયે...’ (પંડિત નરેન્દ્ર શર્મા), ‘ભોલે તેરી જટા મેં...’, ‘ગુરુજી આવા ગોતીયે...’, ‘ગગન ગઢ...’ (સવારામ ભગત), ‘સોનલ મા...’ (કાગ બાપુ), ‘સ્વયંવર સદગુરુ...’ના (સવારામ ભગત), ‘રબ માને...’, વિશ્વંભરી સ્તુતિ અને ‘માડી તારું કંકુ...’ (અવિનાશ વ્યાસ) જેવા ગીતોનું નવું વર્ઝન તૈયાર કર્યું.
ખુબ સારો પ્રતિસાદ મળ્યો. ફોક મીટ્સ અર્બનના હેતુ સાથે મ્યુઝિક કોન્સર્ટ્સ કરી જેમાં ઓસમાણ મીર, કીર્તિદાન ગઢવી, જીગરદાન ગઢવી, જહાન્વી શ્રીમાંકર, હિમાલી વ્યાસ-નાયક, ફકીરા ખેતાખાન, પારસ ધાર, ગાર્ગી વોરા, ધરા શાહ, દીપક હરિયાણી, તેજદાન ગઢવી, નારણ ઠાકર, વિજય ચુડાસમા, વસંત દુધરેજિયા જેવા કલાકારોએ મનભાવન પ્રસ્તુતિ કરી.
આવનારા સમયમાં આ કલાકારો પરંપરાગત પ્રાચીન સંતવાણી-સૂફી સંગીત, લોકગીતોની ધરોહરને નવી પેઢી સુધી પહોંચાડવા માટેના અનેક કાર્યક્રમનું આયોજન ઉલ્લાસ સાથે કરી રહ્યા છે.
ભજનવાણીના મુખ્ય ઘાટ એવા મહામાર્ગ, નાથયોગ, સગુણ-નિર્ગુણ, સંતપરંપરાના તથા અન્ય પારંપરિક ભજનો, લોકગીતો, ઋતુગીતો, સૂફી સંગીત વગેરેનો અભ્યાસ કરીને આ ક્ષેત્રમાં જેઓએ ઉત્તમ પ્રદાન કર્યું છે તેમની વૈશ્વિક ચેતનાને ઝીલીને ગાવા-સાંભળવાની મોજ આવે એવું કામ એમને કરવું છે.

•••

વાગે ભડાકા ભારી ભજનના, ગુરુ તારો પાર ન પાયો, કાયાના ઘડનારા ને તમે ઓળખો રે... શબ્દ-સ્વર અને વાજિંત્રોનો ધ્વનિ વાતાવરણમાં પ્રસરતો જાય અને ભજન વાણીના દીવડાનો પ્રકાશ રેલાતો જાય, વેદકાળના ઋષિથી લઈને આજના ભક્ત સુધીના લોકો ઉલટથી - આનંદથી સહજભાવે ભજન ગાય છે ત્યારે જાણે અલખનો પોકાર સંભળાય છે. સદીઓ બદલાય છે, પણ સનાતની મનુષ્યની ભજનની ભૂખ ક્યારેય ભાંગતી નથી. અલખની આરાધનાથી આત્મશુદ્ધિની, અનહદ આનંદની વણકથા અનુભૂતિ થાય છે.
પેઢીઓમાં સચવાયેલા ગૌરવ, સનાતન ધર્મ અને સંતવાણીના મૂળ સાથેનો સંબંધ, પરંપરા જાળવીને તેમાં પરિવર્તન ઝીલી કાંઈક નવીન પ્રસ્તુતિની વિભાવના સાથે જ્યારે યુવાનો માત્ર ને માત્ર મોજ માટે, આનંદ માટે, જાતની જાગૃતિ માટે આવા આયોજનો કરે, દાતાઓનો અને સંગીતપ્રેમીઓનો સહકાર મળે ત્યારે સાચ્ચે જ લાગે કે ‘ત્રાતારમ ઈન્દ્રમ’નો નાદ આજે પણ ગુંજે છે, મરજીવા સંતોની વાણીના-શબદના-સૂરના અજવાળા આપણી આસપાસ પથરાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter