કાશ્મીર પછી હવે ચર્ચામાં આવે છે હૈદરાબાદના જોડાણનો મુદ્દો

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Monday 07th October 2019 09:55 EDT
 
 

જમ્મૂ-કાશ્મીરના મુદ્દાની ગાજવીજ હતી ત્યાં હવે નવો વળાંક આવ્યો છે: ‘ઓપરેશન પોલો’ જેવા પોલીસ પગલાં (હકીકતમાં તો લશ્કરી પગલા)થી સાતમા નિઝામ મીર ઉસ્માન અલી ખાનના વિશાળ રજવાડાને ૧૭ સપ્ટેમ્બર ૧૯૪૮ના રોજ ભારત સાથે જોડવામાં આવ્યાના સાત દાયકા પછી યુનાઇટેડ કિંગડમની અદાલતે નિઝામની રૂપિયા ૩૦૬ કરોડ જેટલી ત્યાંની બેન્કમાં જમા રકમ પરના પાકિસ્તાનના દાવાને ફગાવી દઈ આ રકમ ભારત સરકાર અને નિઝામના વંશજોને અડધી અડધી આપવા બાબત ચૂકાદો આપ્યો છે. હજુ પાકિસ્તાન બીજી ઓક્ટોબરના આ ચુકાદાને એકાદ મહિનામાં પડકારી શકે. નિમિત્ત ચુકાદાનું છે, પણ રાજકીય ચર્ચા એ વેળાના ભારતીય ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારી અને પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુથી લઈને નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલથી વર્તમાન સુધી લંબાશે.

નિઝામના હૈદરાબાદનું પતન થવામાં હતું એ ગાળામાં નિઝામની ૧ મિલિયન પાઉન્ડ જેટલી રકમ લઈને હૈદરાબાદ રિયાસતના નાણા પ્રધાન મોઈન નવાઝ જંગ લંડન ગયા હતા. હૈદરાબાદ ભારતમાં ભળ્યું એના વાવડ આવ્યા ત્યારે ત્યાંના પાકિસ્તાની હાઈકમિશનર હબીબ ઈબ્રાહીમ રહીમતુલ્લાના નામે નેશનલ વેસ્ટમિન્સ્ટર (નેટ વેસ્ટ) બેન્કમાં એ રકમ જમા કરાવાઈ હતી. ૧૯૫૪માં સાતમા નિઝામે એ રકમ માટે પોતાનો દાવો રજૂ કર્યો, પણ પાકિસ્તાને એ રકમ પોતીકી ગણાવીને એને વિવાદમાં લાવી મૂકી. સાત દાયકા પછી અદાલતે પાકિસ્તાનના દાવાને ખાળ્યો તો છે પણ હજુ વિવાદ શાંત થવાનું નામ લેવાનો નથી.

એક બાજુ, નિઝામના ૧૨૦ જેટલા વંશજોએ રકમમાં પોતાના ભાગ માટે લડવાના-ઝગડવાના અને બીજી બાજુ, હૈદરાબાદના ભારતમાં જોડાણનો મુદ્દો ફરીને નેહરુ વિરુદ્ધ સરદારના રાજકીય ખેલનો બની રહેવાનો. ભારતીય પ્રજાને ભૂતકાળના ઇતિહાસની સાચી-ખોટી વાતો થકી ભરમાવીને રાજકીય લાભ ખાટવાનો જાણે કે યુગ ચાલી રહ્યો છે. પ્રજાને સ્પર્શતા મુખ્ય મુદ્દાઓને કોરાણે મૂકીને ઇતિહાસના વિવાદોમાં જ એને અટવાવી દેવાની જ મહાકવાયત ચાલતી રહે છે.

નિઝામના ૧૬ દીકરા અને ૧૮ દીકરીઓમાંથી ૧૦ને તો સંતાનસુખ નહોતું. અત્યારે તેમનાં એક જ શાહજાદી હયાત છે. કુલ ૧૦૪ જેટલાં પૌત્ર-પૌત્રીઓ અને દોહિત્ર-દોહિત્રીઓ ધરાવતા નિઝામના વંશજોને ૧૯૯૫માં નિઝામના ઝવેરાતના વેચાણમાંથી ઉપજેલા ૨૦૬ કરોડમાંથી પણ હિસ્સો મળ્યો હતો.

વિશ્વમાં સૌથી ધનિક નિઝામ

કરોડોના હીરા જેના ટેબલ પર પેપરવેઇટ તરીકે મૂકવામાં આવતા હોય એવા ક્યારેક વિશ્વમાં સૌથી ધનિક લેખાતા સાતમા નિઝામ ફાટેલાં-સાંધેલાં કપડાં પહેરતા હોય કે પોતાના મહેમાનો પાસેથી માંગીને સિગારેટ પીતા હોય કે પછી એક સિગારેટના બે ટુકડા કરીને તેનો કસ ખેંચવા જેટલા કંજૂસ હોય એ પણ નવીનવાઈની વાત છે. એક તબક્કે તેમની સંપત્તિ ૨૩૦ બિલિયન ડોલર અંદાજાઈ હતી. વર્ષ ૧૯૧૧થી ૧૯૪૮ લગી બ્રિટિશ ઇન્ડિયાના સૌથી મોટા રજવાડા હૈદરાબાદ પર તેમણે રાજ કર્યું. અંગ્રેજોના અનન્ય મિત્ર લેખાતા હતા. મરાઠાઓની જેમ જ તેમના પૂર્વજોએ ટીપુ સુલતાન સામે લડવામાં અંગ્રેજોને સાથ આપીને ભારતમાં પગ જમાવવામાં મદદ કરી હતી.

અંગ્રેજો વિદાય લઇ રહ્યા હતા ત્યારે નિઝામને પોતાના રજવાડાની ૮૦ ટકા પ્રજા હિંદુ હોવા છતાં એને સ્વતંત્ર મુસ્લિમ રાષ્ટ્ર બનાવવું હતું. જોકે સરદાર પટેલે એમના આ સ્વપ્નને રોળી દીધું હતું. કંજૂસ નિઝામને સોનું અને ચલણી નોટો સંઘરવાનો ગાંડો શોખ હતો. તેમના ગોડાઉનમાંની ૯ મિલિયન પાઉન્ડની નોટો તો ઉંદર કાતરી ગયા હતા. તેમની પાસે ૧૦૦ મિલિયન પાઉન્ડનાં સોનાનાં ઘરેણાં હતાં. તેમના જનાનખાનામાં અનેક બેગમો હતી અને તેમને અનેક સંતાનો હતાં. જોકે એમણે પોતાના વારસ તરીકે પોતાના પાટવીકુંવરને બદલે પૌત્ર મુકર્રમ જાહને જ પસંદ કર્યાં હતા.

મામલો નિઝામની ડિપોઝીટનો

મુસ્લિમ દેશ સ્થાપવાના સ્વપ્ન સાથે વંકાયેલા નિઝામની સાન ઠેકાણે લાવવાનો નિર્ણય તો નેહરુ સરકારે ૧૯૪૮માં કર્યો હતો, પણ રાજાજી અને નેહરુ એટલા ઉતાવળે હૈદરાબાદ સર કરવાના પક્ષે નહોતા. સરદાર પટેલ નિઝામના અત્યાચારી શાસન અને રઝાકારોના હિંસાચારથી પ્રજાને સત્વરે મુક્ત કરાવી દેવાના મતના હતા. સામ્યવાદીઓ પરની બંધી નિઝામે ઉઠાવી લઈને તેમને પોતીકા કરી લીધા હતા. નિઝામ હૈદરાબાદને ભારતના નકશામાં મુસ્લિમ દેશ બનાવવાનાં સ્વપ્નાં સેવતો હતો. ગૃહ અને રિયાસત ખાતાના પ્રધાન સરદાર અને હૈદરાબાદમાં ડિસેમ્બર ૧૯૪૭થી સપ્ટેમ્બર ૧૯૪૮ સુધી ભારત સરકારના એજન્ટ જનરલ રહેલા ક.મા. મુનશીએ નિઝામના એ સ્વપ્નને કેવી રીતે રોળી નાંખ્યું એનું પ્રથમદર્શી બયાન મુનશીની કલમે હૈદરાબાદનાં સંસ્મરણો ‘એન્ડ ઓફ એન એરા’માં સુપરે મળે છે.

માત્ર ૪ દિવસ અને ૧૩ કલાકના જ ઓપરેશન પોલો થકી ૧૭ સપ્ટેમ્બર ૧૯૪૮ના રોજ નિઝામે સીઝ ફાયરનો આદેશ આપીને શરણાગતિ સ્વીકારવી પડી, પણ સરદારે તેમને રાજપ્રમુખ બનાવીને સંયુક્ત રાષ્ટ્રમાંથી ભારત વિરુદ્ધની ફરિયાદ પાછી ખેંચી લેવા પ્રેર્યા હતા. હૈદરાબાદ ભારતમાં ભળ્યું એના ત્રણ દિવસ પછી એટલે કે ૨૦ સપ્ટેમ્બર ૧૯૪૮ના રોજ નિઝામના ૧,૦૦૭,૪૯૦ પાઉન્ડ અને ૯ શિલિંગ લંડનના પાકિસ્તાની હાઈકમિશનરના ખાતામાં જમા થયા હતા. એ રકમ માટે પણ નિઝામે દાવો માંડ્યો. આ રકમ નિઝામે ભારતના આક્રમણ સામે બચાવ માટે પાકિસ્તાન કનેથી શસ્ત્રો ખરીદવા માટે આપ્યાનો કરાંચી-ઇસ્લામાબાદનો દાવો પણ બ્રિટિશ અદાલતે ફગાવ્યો છે.

લંડનની હાઇ કોર્ટના ન્યાયાધીશ માર્કસ સ્મિથે ૧૬૬ પાનાંના ચુકાદામાં પાકિસ્તાનના વારંવારના ભારતે હૈદરાબાદને ‘જોરજુલમથી પોતાનામાં ભેળવ્યું’ એવી દલીલને આ નાણાં સાથે અસંબંધિત લેખાવીને કોઈ ટિપ્પણ કરવાનું ટાળ્યું હતું. લગભગ ૧ મિલિયન પાઉન્ડ જેટલી એ રકમ વ્યાજ સાથે સાત દાયકામાં ૩૫ મિલિયન પાઉન્ડ થઇ છે. ભારત સરકાર અને સાતમા નિઝામ ઉસ્માન અલી ખાનના પૌત્ર અને આઠમા નિઝામ પ્રિન્સ મુકર્રમ જાહ અને તેમના નાના ભાઈ પ્રિન્સ મુફ્ફખમ જાહે સાથે મળીને પાકિસ્તાન સામે આ કેસ લડવાનું અને ૨૦૦૮માં અદાલતની બહાર સમાધાન કરવા માટે કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય કર્યા છતાં પાકિસ્તાનમાં સત્તાપલટા સાથે બદલાતી ભૂમિકાએ મામલાને ખૂબ લંબિત રાખ્યો હતો.

કોર્ટ બહાર સમાધાનના પ્રયાસ

વર્ષ ૨૦૦૮માં ડો. મનમોહન સિંહની કેબિનેટે અદાલતની બહાર સમાધાન કરીને આ વિવાદનો સત્વરે નિવેડો લાવવાનો નિર્ણય કર્યો હોવાનું ૧૧ એપ્રિલ ૨૦૦૮ના રોજ સત્તાવાર રીતે જાહેર કરાયું હતું. છ-છ દાયકાથી બ્રિટિશ બેન્કમાં પડેલી રકમના વિવાદને મંત્રણાઓ દ્વારા ૧૮ મહિનામાં જ ઉકેલવાનો નિર્દેશ ભારત સરકારે આપ્યા પછી પણ પાકિસ્તાનની અવળચંડાઇને કારણે છેક હમણાં અદાલતી ચુકાદાથી મામલો ઉકેલવાના સંકેત મળ્યા. જોકે હજુ પણ આ રકમની વહેંચણી કરવા બાબતે વિખવાદો તો રહેવાના. એટલું સ્પષ્ટ છે કે અડધી રકમ તો ભારત સરકારના ફાળે આવશે, પણ બાકીની અડધી રકમમાં નિઝામના વંશજો વચ્ચે સમાધાનકારી વહેંચણી થશે કે વધુ વિખવાદ ચાલશે એ કહેવું અત્યારે વહેલું છે.

પાકિસ્તાની આંખમાં સાપોલિયાં

ભારત, પાકિસ્તાન અને નિઝામના વંશજોના પ્રતિનિધિ વચ્ચે મંત્રણાઓ થકી સમાધાનની ભૂમિકા તૈયાર થવામાં હતી ત્યાં જ કાબુલ ખાતેના ભારતીય દૂતાવાસ પર બોમ્બ હુમલો અને મુંબઈમાં ૨૬/૧૧ની ઘટનાના ઘેર પ્રત્યાઘાતોએ તેમાં પલીતો ચોંપવાનું કામ કર્યું. ૨૦૧૩માં પાકિસ્તાનમાં ચૂંટણી પહેલાં પીપીપીના નિષ્ઠાવંત અને આસિફ અલી ઝરદારીના વિશ્વાસુ એવા લંડનમાંના પાકિસ્તાની હાઈકમિશનર વાજિદ શમ્સુલ હસને બ્રિટિશ અદાલતમાં ખટલો દાખલ કરવાનું પસંદ કર્યું. જોકે એમની અને ઈસ્લામાબાદની નોકરશાહી વચ્ચે મામલો ૨૦૧૬ સુધી અટવાતો રહ્યો. વડા પ્રધાન મિયાં નવાઝ શરીફે હસન પર દબાણ કર્યું કે અદાલતી ખટલો પાછો ખેંચી લેવામાં આવે, પણ અદાલતે એની મંજૂરી આપી નહીં.

આ સઘળા ઘટનાક્રમમાં પાકિસ્તાને તો એટલે સુધી દાવો કર્યો કે નિઝામે પાકિસ્તાનના રાષ્ટ્રપિતા અને ગવર્નર જનરલ મોહમ્મદ અલી ઝીણાને ભારતના આક્રમણનો પ્રતિકાર કરવા માટે શસ્ત્રો પૂરાં પાડવા માટે વિનંતિ કરી હતી. આ નાણાં એ માટે જમા કરાવ્યાં હતાં. બ્રિટિશ પાઈલટ ફ્રેડરિક સિડની કોટને કરાંચી અને હૈદરાબાદ વચ્ચે શસ્ત્રોની ખેપ પહોંચાડવા માટે ૩૫ વાર ફેરા માર્યાની દલીલ પણ કરાઈ હતી.

રાજવી દંપતીની મુલાકાત ટાણે

સંયોગ તો જુઓ કે બ્રિટિશ અદાલતનો ચૂકાદો પાકિસ્તાન વિરુદ્ધ જાય છે અને પાકિસ્તાન આંતરિક ઉથલપાથલના માહોલમાં છે ત્યારે જ બ્રિટિશ રાજવી દંપતી પ્રિન્સ વિલિયમ અને એમનાં પત્ની કેટ મિડલટનની પાકિસ્તાનની ઐતિહાસિક મુલાકાતની તૈયારી ચાલી રહી છે. આગામી ૧૪ ઓક્ટોબરથી પ્રિન્સ ચાર્લ્સ અને લેડી ડાયેનાના પુત્ર પ્રિન્સ વિલિયમ સપરિવાર પાકિસ્તાનના પ્રવાસે જઈ રહ્યા છે. એમણે પોતાના રાજમહેલમાં પાકિસ્તાનીઓને તેડાવીને જલસાનું આયોજન પણ કર્યું હતું.

પ્રિન્સ વિલિયમ પાકિસ્તાન ભણી વધુ ઢળતા લાગે છે. બ્રિટન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં મધુરતા લાવવા માટે પણ એ પ્રયત્નશીલ છે. જોકે બ્રિટનમાં રાજવી પરિવાર ભણી આદર જરૂર વ્યક્ત કરવામાં આવે છે, પણ રાજદ્વારી સંબંધોમાં એની દખલ નથી હોતી. છેલ્લાં દાયકામાં પહેલીવાર બ્રિટિશ રાજવી પરિવારના પહેલાં પાકિસ્તાન પ્રવાસ ભણી સૌની નજરો મંડાયેલી છે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter