કોરોનાની ગાજવીજમાં ૧૦૦ ટકા અનામત અંગે સુપ્રીમનો ઐતિહાસિક ચુકાદો

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Saturday 25th April 2020 05:24 EDT
 
 

દેશ અને દુનિયા કોરોના વાયરસગ્રસ્ત છે ત્યારે આપણી આસપાસ બનતી અત્યંત મહત્વની ઘટનાઓ પણ ક્યારેક નજરથી ઓજલ થતી હોય છે: હજુ હમણાં જ ૨૨ એપ્રિલ ૨૦૨૦ના રોજ દેશની સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની ખંડપીઠે અનામત અંગે અત્યંત મહત્વનો અને ઐતિહાસિક કહી શકાય એવો ચુકાદો આપ્યો, પણ કોરોનાના ઘૂઘવાટમાં દૂરગામી અસરો અને નવાં અનામત આંદોલન સંભવિત બનાવનાર આ ચુકાદા ભણી બહુ ઓછું ધ્યાન ગયું.

વર્ષ ૨૦૧૪માં આંધ્ર પ્રદેશનું વિભાજન થતાં રાજધાની હૈદરાબાદ સહિતનું અલગ તેલંગણ અને આંધ્ર પ્રદેશ એ બે રાજ્યો અમલમાં આવ્યાં. એ પહેલાં વર્ષ ૧૯૮૬માં અનુસૂચિત જાતિ (એસટી) માટેના બંધારણની પાંચમી અનુસૂચિ મુજબના ક્ષેત્રમાં શિક્ષકોની ભરતીમાં ૧૦૦ ટકા આદિવાસી અનામતનું ધોરણ અપનાવતા સરકારી આદેશને પડકારતી ચેબ્રોલુ લીલા પ્રસાદ રાવ અને અન્યોની અરજી સંદર્ભે અપાયેલા ચુકાદામાં જેમને વર્ષ ૧૯૮૬ અને વર્ષ ૨૦૦૦ના સરકારના ભૂલભરેલા અને ગેરબંધારણીય આદેશ હેઠળ નોકરીમાં લેવામાં આવેલાં છે તેમની નોકરી સુરક્ષિત રાખીને પણ સંબંધિત અનામત આદેશોને રદ કરાયા છે.

ન્યાયાધીશ અરુણ મિશ્રાના વડપણવાળી પાંચ ન્યાયાધીશોની ખંડપીઠમાં ન્યાયાધીશો ઇન્દિરા બેનરજી, વિનીત સરણ, એમ. આર. શાહ અને અનિરુદ્ધ બોઝનો સમાવેશ હતો. અવિભાજ્ય આંધ્ર પ્રદેશ અંગેના સંબંધિત ચુકાદામાં અદાલતે સ્પષ્ટ કર્યું છે કે બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કરીને ૧૦૦ ટકા અનામતનો અમલ કરવાની સત્તા આદિવાસી સંરક્ષકની ભૂમિકા નિભાવતા રાજ્યપાલને પણ નથી અને તેમણે ઇન્દિરા સાહનીના ચુકાદાના નિર્દેશ મુજબ ૫૦ ટકાની અનામત ટોચમર્યાદાનો અમલ કરવાનો રહે જ છે.

હવે આ બાબત નવા વિવાદો અને આંદોલન સર્જવાનું નિમિત્ત બની શકે. ખાસ કરીને આમ પણ દેશમાં અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)માં અનામત અંગે અજંપાભરી સ્થિતિ છે ત્યાં આ ચુકાદાએ ચિંતા વધારી દીધી છે. ઓછામાં પૂરું, હજુ હમણાં જ કેન્દ્ર સરકારે તથાકથિત સવર્ણોને અનામતનો લાભ આપવા માટે બંધારણ સુધારીને આર્થિક રીતે પછાતોને માટે ૧૦ ટકા અનામતની જોગવાઈ કરીને ઉજળિયાતો કે બિન-અનામત વર્ગનો આક્રોશ ટાઢો પાડેલો છે. એ પણ ભભૂકી ઊઠવાની શક્યતા નિર્માણ થઇ છે. આંધ્ર-તેલંગણમાં આદિવાસી અનુસૂચિ ક્ષેત્રમાં પણ અનામતની ટકાવારી ૫૦ ટકાથી ના વધે એવો આ ખંડપીઠનો ચુકાદો અન્યત્ર પણ લાગુ થશે કે કેમ એ ચર્ચા શરૂ થઇ ગઈ છે.

આંધ્રમાં શિક્ષકોની ભરતી

આંધ્ર પ્રદેશનો મામલો છે ખૂબ જૂનો અને ટ્રાયબ્યુનલ અને હાઇ કોર્ટમાં ગયા પછી વર્ષ ૨૦૦૨માં ચેબ્રોલુ લીલા પ્રસાદ રાવ અને બીજા અરજદારો એ સુપ્રીમે લઇ આવ્યા. હવેનાં બંને રાજ્યોમાં અનુસૂચિત જનજાતિ (એસટી) માટે ૬ ટકા અનામત અમલમાં છે, પણ આદિવાસી અનુસૂચિ ક્ષેત્રમાં શિક્ષકોની ભરતી કરવા માટે ૧૯૮૬ના સરકારી આદેશ મુજબ ૧૦૦ ટકા આદિવાસી અનામતનો અમલ કરવામાં આવ્યો હતો. આ મામલો વિવાદાસ્પદ બન્યો ત્યારે વર્ષ ૨૦૦૦માં એ સંદર્ભમાં પાછલી અસરથી અમલમાં આવે એ રીતે આદેશો કાઢીને એ વાજબી લેખાવવાના પ્રયાસો થયા હતા. મુદ્દો એ હતો કે આ આદિવાસી શિડ્યુલ્ડ એરિયામાં આદિવાસી ઉપરાંત બીજા અનુસૂચિત જાતિ, અન્ય પછાત વર્ગ અને બીજા લોકો વસે છે તેમને આદિવાસી માટેની ૧૦૦ ટકા અનામતને કારણે અન્યાય થયો છે. તેઓએ આ ભરતીની પ્રક્રિયાને પડકારી હતી.

મામલો દાયકાઓ સુધી ખેંચાતો ગયો અને હાઇ કોર્ટે પણ રાજ્ય સરકારના અનામત આદેશોને વાજબી લેખાવ્યા ત્યારે અરજદારો સુપ્રીમમાં આવ્યા. સુપ્રીમે આપેલા ચુકાદામાં આંધ્ર પ્રદેશ અને તેલંગણ બંને રાજ્યની સરકારોને આ અપીલના પાંચ લાખ રૂપિયાનો ખર્ચ સરખાભાગે ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. ત્રણ દાયકા પહેલાંના ભરતી પ્રકરણમાં જે શિક્ષકો નોકરીમાં લેવાયા તેમને અપવાદરૂપ સુરક્ષા આપીને અદાલતે ભવિષ્યમાં ૧૦૦ ટકા અનામત નહીં રાખવા અને ઇન્દિરા સાહનીના ચુકાદા મુજબ અનામતનું પ્રમાણ ૫૦ ટકાથી વધે નહીં એની કાળજી રાખવા આદેશ અપાતાં આવતા દિવસોમાં નવા વિવાદ સર્જાવાની શક્યતા છે.

ખાસ કરીને તમિળનાડુમાં છેક ૧૯૯૪થી અમલમાં આવેલી ૬૯ ટકા જેટલી અનામત ઉપરાંત મોટાભાગનાં દક્ષિણનાં રાજ્યોમાં અનામતની ટકાવારી ૮૦ ટકાને આંબવામાં છે અને અન્ય રાજ્યોમાં પણ અનામતની ટકાવારી ૫૦ ટકાને આંબી ગઈ છે ત્યારે એ અંગે સુપ્રીમમાં વિચારાધીન પડેલી અરજીઓનો નિકાલ તાજા ચુકાદાના ધોરણે જ થશે કે કેમ એ કશ્મકશ પણ શરૂ થઇ ગઈ છે.

સુપ્રીમના આ ચુકાદાને આવકાર આપતાં અખબારોએ અનામત એ બંધારણીય અધિકાર નહીં હોવાની ભૂમિકા પર તંત્રીલેખો લખવાના શરૂ કર્યાં છે. અનામત બે પેઢી સુધી જ સીમિત કરવી જોઈએ એવો સૂર પણ નીકળી રહ્યો છે. મંડળ પંચના સભ્ય અને મુંબઈ હાઇ કોર્ટના ન્યાયાધીશ રહેલા જસ્ટિસ આર. આર. ભોળેએ દાયકાઓ પહેલાં આ લખનારને આપેલા ઇન્ટર્વ્યૂમાં સ્પષ્ટ કહ્યું હતું કે અનામતનો લાભ માત્ર બે પેઢી સુધી જ સીમિત કરી દેવો ઘટે. બંધારણના મુખ્ય ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર સંસ્થાપિત પીપલ્સ એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ રહેલા જસ્ટિસ ભોળેની એ વાત આજે ચર્ચામાં આવે કે અનામત વર્ગોમાં અજંપો વ્યાપે છે. સુપ્રીમના તાજા ચુકાદા અંગે કોરોનાના માહોલમાં હજુ અનામત જાતિઓ કે વર્ગો સંગઠિત નિર્ણય કરી શક્યા નથી, પરંતુ આવતા દિવસોમાં એ દેશભરમાં ભારે ઉહાપોહ જગાવશે.

સમતા જજમેન્ટનો મામલો

આંધ્ર પ્રદેશમાં આદિવાસી વિસ્તારોમાં અને ખાસ કરીને આદિવાસીઓના શિડ્યુલ્ડ એરિયાઝમાં ખાણખનીજ માટે બહારની કંપનીઓને અપાતા પરવાના સામે સમતા નામની સ્વયંસેવી સંસ્થાએ આદિવાસી ક્ષેત્રમાં આ સંપત્તિ પર આદિવાસીઓના અધિકારની વાતને લઈને ૧૯૯૩માં હાઇ કોર્ટમાં અરજી કરી હતી. આદિવાસી ક્ષેત્રમાં બિન-આદિવાસીઓને લીઝ પર આવી પ્રવૃત્તિ કરવા માટે પરવાના અપાય નહીં એવી દાદ માંગવામાં આવી હતી. મામલો છેક સુપ્રીમ કોર્ટમાં ગયો અને સુપ્રીમે ૧૯૯૭માં આદિવાસી અનુસૂચિ ક્ષેત્રમાં કુદરતી સંપદા પરના આદિવાસીઓના બંધારણીય અધિકારોને કબૂલ રાખતો ચુકાદો આપ્યો. એ ચુકાદો સમતા જજમેન્ટ તરીકે મશહૂર છે.

આ ચુકાદો દેશભરમાં આદિવાસી સમાજમાં આવકાર પામ્યો તો ખરો પણ એના અમલમાં તમામ પક્ષના સત્તાધીશો પ્રતિકૂળતા અનુભવતા રહ્યા. બંધારણની પાંચમી અનુસૂચિ મુજબના આદિવાસી ક્ષેત્રોમાં કુદરતી સંપદા પર આદિવાસી અધિકાર તેમજ આદિવાસી સ્વાયત્ત પરિષદોના અધિકાર મામલે જાગૃતિ લાવવાની કોશિશ થઇ રહી હોવા છતાં સરકારો પર પ્રભાવ પાડનાર મહાકાય કંપનીઓ કાયદા કાનૂનને અભેરાઈએ ચડાવીને કે પોલીસ તંત્રનો ઉપયોગ કરીને તેમજ આદિવાસીઓમાં ફાટફૂટ પડાવીને પોતાનાં આર્થિક હિત સાધે છે.

આંધ્ર અને તેલંગણમાં નક્સલવાસીઓનાં કરતૂતો અને સરકારી તંત્રની ઉદાસીનતા અંતે તો આદિવાસી હિતનો ભોગ લે છે. સ્થિતિ અજંપાભરી તો હતી જ ત્યાં સુપ્રીમનો તાજો ચુકાદો આવ્યો એટલે એની કેવી અસર પડે છે એના ભણી સૌની મીટ છે. અનામત અનામતના રમાતા ખેલ ભારતમાં તમામ રાજકીય પક્ષો અને સરકારો માટે મૂંઝવણ સર્જે છે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter