દળીદળીને કૂલડીમાં ભરવા જેવું વિવાદચિંતન

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Monday 21st October 2019 12:12 EDT
 
 

ભારતમાં આજકાલ માત્ર વાતોનાં વડાં થતાં હોય એવું વધુ લાગે છે: પ્રજાને સ્પર્શતા મૂળ મુદ્દાઓ બાજુએ સરી જાય અને વાતનું વતેસર કરીને રાજકીય લાભ થાય એવા પ્રકારનો ઉહાપોહ ભારે છે. હમણાં કેન્દ્ર અને મોટા ભાગનાં રાજ્યોમાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા ડો. મોહન ભાગવતે વિજયાદશમી પર્વ નિમિત્તે ફરીને ‘હિંદુરાષ્ટ્ર ભારત’નો રાગ આલાપ્યો. એમણે સંઘની ભૂમિકા રજૂ કરવાની સાથે જ કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારોની તેમ જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની પ્રશંસા કરી હતી. સાથે જ કહ્યું હતું કે ભારત એક હિંદુરાષ્ટ્ર છે એટલે અહીંના મુસ્લિમો સુખચેનમાં છે. આવાં નિવેદનોથી ફરી એક વાર રાજકીય વિવાદવંટોળ ઊઠ્યો.

હકીકતમાં ભાજપના સંસ્થાપક અધ્યક્ષ અને ક્યારેક મુસ્લિમ લીગી તથા પાકિસ્તાન સમર્થક બંગાળના મુખ્ય પ્રધાન ફઝલુલ હકની સરકારમાં હિંદુ મહાસભાના કાર્યાધ્યક્ષ હોવા છતાં નાણાં પ્રધાન રહેલા ડો. શ્યામાપ્રસાદ મુકરજીએ પણ પત્રકાર પરિષદ ભરીને ‘હિંદુરાષ્ટ્ર’ના વિચારને વખોડ્યો હતો. રાષ્ટ્રના નાયક અને પ્રથમ નાયબ વડા પ્રધાન રહેલા સરદાર વલ્લભભાઈ પટેલે ‘હિંદુરાષ્ટ્ર’ને ‘પાગલોં કા ખયાલ’ કહ્યો હતો. બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ અને દેશના પ્રથમ કાયદા પ્રધાન બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરે ‘હિંદુરાજ’ની સામે કોઈ પણ ભોગે લડવાનું એલાન કર્યું હતું.

આ તમામ મહાનુભાવોએ મળીને બંધારણ સભામાં પોણા ત્રણ વર્ષની જહેમતને અંતે સેક્યુલર બંધારણનો અમલ કરાવ્યો હતો. પાકિસ્તાન જેમ ઇસ્લામિક ધર્મરાષ્ટ્ર (થિયોક્રેટિક સ્ટેટ) છે. ભારત હિંદુરાષ્ટ્ર બનાવવાને બદલે સર્વ ધર્મો પ્રત્યે સમાન આદર રાખનારા સેક્યુલર - ધર્મનિરપેક્ષરાષ્ટ્ર હોવા છતાં વર્તમાન શાસકોના આરાધ્યપુરુષ ભારતને હિંદુરાષ્ટ્ર ગણાવે છે. આવા તબક્કે સત્તાધીશો કે સત્તા મોરચામાંથી કોઈ વિરોધી અવાજ ઊઠતો નથી. કમનસીબી એ છે કે હિંદુરાષ્ટ્રની નવતર વ્યાખ્યાઓ કરવામાં આવી રહી છે અને મુસ્લિમો પણ આ રાષ્ટ્રમાં રહી શકે એ ઉપકાર કરવામાં આવતો હોય એવી ભૂમિકા સત્તાધીશોનાં મળતિયાં સંગઠનો અપનાવી રહ્યાં છે.

ઓવૈસી-માયાવતીનો આલાપ

સત્તારૂઢ ભાજપ સાથે મળતિયાની ભૂમિકામાં લેખાતા બે રાજકીય પક્ષોએ ડો. ભાગવતના હિંદુરાષ્ટ્રના પ્રગટ વિચારનો ગણતરીપૂર્વક વિરોધ કર્યો છે. જોકે આ બંનેને કોઈ ઝાઝી ગંભીરતાથી લેતું નથી, પણ મતદારોને એ સંદેશ જરૂર જાય છે. લોકસભાની છેલ્લી ચૂંટણી વખતે મહારાષ્ટ્રમાં ડો. આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકર સાથે મળીને હૈદરાબાદના ઓલ ઇન્ડિયા મજલિસ–એ-ઇત્તેહાદુલ મુસલમીન (એઆઇએમઆઈએમ)ના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ-સેનાના લાભમાં વંચિત બહુજન આઘાડી રચી હતી. એના થકી આઠથી નવ બેઠકો પર કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસને પરાજિત કરાવીને તેમણે ભાજપ-શિવસેનાને ફાયદો જરૂર કરાવ્યો હતો.

હવે વિધાનસભાની મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણી તાકડે જ ઓવૈસીએ હિંદુરાષ્ટ્ર અંગેનાં ડો. ભાગવતનાં ઉચ્ચારણો સામે ઉહાપોહ મચાવ્યો છે. બહુજન સમાજ પાર્ટી (બીએસપી)નાં સુપ્રીમો માયાવતી પણ ડો. ભાગવત સામે મેદાને પડ્યાનો દેખાડો કરી રહ્યાં છે. માયાવતી સંઘના મુખ્યાલય અને ડો. આંબેડકરે લાખો અનુયાયીઓ સાથે જ્યાં ૧૯૫૬માં હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાનું પસંદ કર્યું હતું એ નગર નાગપુરમાં ચૂંટણી સભાને સંબોધતાં બાબાસાહેબે તો ધર્મનિરપેક્ષ બંધારણ બનાવ્યાની દુહાઈ દઈ ડો. ભાગવતનાં ઉચ્ચારણોને વખોડ્યાં હતાં.

માયાવતી એકીશ્વાસે કોંગ્રેસ અને ભાજપ પર હુમલો કરે છે. તેઓ ભાજપને ફાયદો થાય એવો માહોલ રચે છે. માયાવતી દેખાડા પૂરતું કેન્દ્ર સરકાર દલિતો અને આદિવાસીઓના કલ્યાણને લગતા કાયદાઓને નિષ્પ્રભાવી કરી રહ્યાનો આક્ષેપ જરૂર મૂકે છે, પરંતુ પરદા પાછળ ભાજપ સાથે રમતાં વધુ લાગે છે. તેમની સામેના ખટલાઓ માથે લટકતી તલવાર છે.

હિંદુ-મુસ્લિમ જીવનપદ્ધતિ

મુશ્કેલી એ છે કે એક બાજુ કેન્દ્રની સરકાર હિંદુ અને મુસ્લિમના ધાર્મિક ભેદ કરીને આસામના રાષ્ટ્રીય નાગરિકતા નોંધણીપત્રક(એનસીઆર)માં જે ૧૯ લાખ જેટલી વ્યક્તિઓનાં નામ રહી ગયાં છે તેમાંના હિંદુઓને દેશબહાર કાઢવામાં નહીં આવે એવી જાહેરાતો કરે છે. બાકીના મુસ્લિમોનું શું થશે એ હજુ અસ્પષ્ટ છે. ભારત સરકાર સંસદમાં માહિતી આપે છે કે ભારતમાં કુલ બે કરોડ બાંગલાદેશી ઘૂસણખોરો ગેરકાયદે વસે છે. સામે પક્ષે બાંગલાદેશની સરકાર તો પોતાનો કોઈ નાગરિક ભારતમાં રહેતો હોવાનું નકારે છે.

એનસીઆર એ આર્ટિકલ ૩૭૦ની જેમ જ ભારતનો આંતરિક મામલો હોવાથી બાંગલાદેશ વાંધો લઇ શકે નહીં, પણ અહીં હિંદુ અને મુસ્લિમના ભેદ જોવા મળે છે. નાગરિકતા સુધારા વિધેયકમાં પણ મુસ્લિમ સિવાયનાને શરણાર્થી તરીકે નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવે છે. સામે પક્ષે સંઘની ભૂમિકામાં સુપ્રીમ કોર્ટની હિંદુ જીવનપદ્ધતિ હોવાની વાતને આગળ કરાય છે. આ બધા ગૂંચવાડા જાણી જોઇને કરવામાં આવે છે. એ વોટ બેંકને સંગઠિત કરવાના ઈરાદે જ થઇ રહ્યાનું સ્વયં સ્પષ્ટ છે. ઓવૈસી જેવા નેતાઓ પોતાની મુસ્લિમ તરીકેની અલગ જીવનપદ્ધતિની વાતને આગળ કરીને ભાષણો કરે છે અથવા તો મુસ્લિમ વોટબેંક રાજી થાય એવાં નિવેદનો કરીને સંતોષ મેળવે છે.

તર્ક નહીં, ભાવાવેશનું મહાત્મ્ય

ભારતીય રાજકારણ તર્કને બદલે ભાવાવેશના રાજમાર્ગ પર પૂરપાટ ઝડપે આગળ વધી રહ્યું છે. ૧૯૮૪થી ભાજપ અને શિવસેનાના જોડાણથી હિંદુત્વનું કાર્ડ ચલણી બન્યું ત્યારથી એ અખંડ ચાલતું રહ્યું છે. હિંદુ મતબેંકને મજબૂત કરવાના નુસખાઓ અજમાવાતા રહ્યા છે. એ ભાજપને રાષ્ટ્રીય સ્તરે સત્તાની સીડી સુધી લઇ જવામાં સફળ રહ્યા પછી આપેલાં વચનોને પાળવાના પ્રશ્નો જાગે ત્યારે નવા મુદ્દાઓ અને નવી વ્યાખ્યાઓ આગળ કરવામાં આવી રહી છે. વિપક્ષ હિંમત હારીને સત્તા સાથે સંવનન કરવામાં રમમાણ છે ત્યારે એકપક્ષી લોકશાહી ભણી ભારત આગળ વધી રહ્યાનું અનુભવાય છે.

યુકેમાં લિખિત બંધારણ વિના પણ લોકશાહી પરંપરા અખંડ ચાલુ રહી છે ત્યારે ચીને ૨૦૧૮માં પોતાના બંધારણમાં સુધારો કરીને રાષ્ટ્રપતિ શી જિનપિંગને આજીવન રાષ્ટ્રપતિ બનાવ્યા એટલું જ નહીં, વિશ્વને ‘પ્રજાની લોકશાહીવાદી તાનાશાહી’ (પીપલ્સ ડેમોક્રેટિક ડિક્ટેટરશિપ)નો નવતર પ્રયોગ બક્ષ્યો છે. આવતીકાલોમાં ભારતીય બંધારણને બદલીને કેવા ફેરફાર કરાશે, એની ચર્ચા પણ શરૂ થઇ ગઈ છે.

આમ પણ ભારતને ધર્મરાજ્ય અને હિંદુરાષ્ટ્ર જાહેર કરવાની વેતરણ સાથે સંઘ પરિવારના કેન્દ્ર સરકારમાં હોદ્દા ધરાવનારા પ્રચારકો અને મહાનુભાવો કામે વળ્યા છે. વર્તમાન બંધારણને બદલવાની વેતરણના ભાગરૂપે જ હિંદુરાષ્ટ્રનો આલાપ ચાલી રહ્યો છે. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે.

દુનિયામાં એકમાત્ર હિંદુરાષ્ટ્ર હતું એ નેપાળ હવે માઓવાદી છે. વર્ષ ૨૦૧૫માં ભારત થકી કરાયેલી આર્થિક નાકાબંધીના પ્રતાપે એ ચીનના ખોળામાં જઈ પડ્યું છે. મહાબલિપુરમથી ચીનના આજીવન રાષ્ટ્રપતિ સીધા જ નેપાળની મુલાકાતે ગયા અને ત્યાંની સમગ્ર નેતાગીરી બે દાયકા પછી ચીનના રાષ્ટ્રપતિ એની મુલાકાતે આવ્યા એના હરખમાં તેમનાં ઓવારણાં લેતી રહી. હિંદુરાષ્ટ્રમાંથી નેપાળ સેક્યુલર રાષ્ટ્ર બન્યું, જયારે ભારત સેક્યુલર રાષ્ટ્રમાંથી હિંદુરાષ્ટ્રના વાઘા ચડાવવા થનગને છે એટલે આવતા દિવસોનો ઘટનાક્રમ રસપ્રદ બની રહેવાનો.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter