નવાજૂનીના પ્રદેશ કેરળમાં રામાયણનો મહિનો ‘કરકીડકમ્’ મનાવવામાં રાજકીય-સ્પર્ધા

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Tuesday 10th September 2019 05:26 EDT
 
 

કેરળ નવાજૂનીનો પ્રદેશ બની રહ્યો છે: ભાજપના ભારે ઉધામા છતાં કેરળ હજુ માર્ક્સવાદીઓનો અભેદ કિલ્લો રહ્યો છે અને સરકાર પણ માર્ક્સવાદી મોરચાની છે. દેશમાં સૌથી વધુ શિક્ષિત (૯૪ ટકા) એવા ૩.૩૪ કરોડની કુલ વસ્તીમાં ૫૪.૭૩ ટકા હિંદુ, ૨૬.૫૬ ટકા મુસ્લિમ અને ૧૮.૩૮ ટકા ખ્રિસ્તી વસ્તી ધરાવતા બટુક રાજ્ય કેરળમાં હમણાં નવતર પ્રયોગ થયો છે: અગાઉ બહુચર્ચિત શાહબાનુ પ્રકરણમાં વડા પ્રધાન રાજીવ ગાંધીએ એમના વિશ્વાસુ પત્રકારમાંથી પાછળથી કોંગ્રેસના સાંસદ બનેલા એમ. જે. અકબરના રવાડે ચડીને સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ઉલટાવી નાંખ્યો ત્યારે એમની સરકારમાંથી રાજીનામું આપી દેનારા બાહોશ પ્રધાન આરીફ મોહમ્મદ ખાનને હમણાં કેરળના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે. માર્ચ ૨૦૧૪થી એ જ અકબર ભાજપમાં જોડાયા એટલું જ નહીં, પક્ષના પ્રવક્તા, સાંસદ અને ‘મી ટૂ’કાંડમાં સપડાયા ત્યાં લગી મોદી સરકારમાં વિદેશ રાજ્યપ્રધાન પણ રહ્યા.

રાજીવની કોંગ્રેસમાંથી છૂટા થઈને આરીફભાઈ વી. પી. સિંહના જનતા દળમાં જોડાયા હતા અને વી. પી.ની અલ્પજીવી સરકારમાં પ્રધાન પણ રહ્યા. જોકે એ વચ્ચે માયાવતીની બહુજન સમાજ પાર્ટી અને ભાજપમાં પણ આંટો મારી આવ્યા હતા. એમણે અમને જણાવ્યું હતું એ મુજબ વડા પ્રધાન મોદી તેમને પ્રધાનપદના શપથ લેવડાવવા આતુર હતા, પણ હવેનો ભાજપ એ અટલજીનો ભાજપ નહીં હોવાથી એમણે સવિનય ટાળ્યું હતું. જોકે ટ્રિપલ તલાક અને આર્ટિકલ ૩૭૦ અંગેના નરેન્દ્ર મોદી - અમિત શાહ સરકારના નિર્ણયથી પ્રભાવિત ખાનને તિરુઅનંતપુરમના રાજભવન જવાનું તેડું આવ્યું અને એમણે સ્વીકારી લીધું.

ઇશાન ભારત સહિતનાં મોટા ભાગનાં રાજ્યોને પોતાની છત્રછાયામાં લાવવામાં સફળ રહેલી મોદી-શાહની જોડીનો એજન્ડા કેરળની ગાદીએ ભાજપના મુખ્ય પ્રધાનને બેસાડવાનો છે. આરીફભાઈની સેક્યુલર છબી કેરળમાં ભાજપનો સત્તામાર્ગ મોકળો કરી આપે એવી ગણતરી છે. ગૌરીઅમ્મા જેવાં જૂનાં માર્ક્સવાદી નેતાને પણ ભાજપી મોરચામાં જોડ્યા પછી પણ સત્તા ના મળ્યાથી ખિન્ન ભાજપી નેતાગીરી કેરળમાં નવાજૂની માટે કંઈ પણ કરવા તૈયાર છે. એમાંય કેરળ ભણેલુંગણેલું હોવાની સાથે જ માર્ક્સવાદી સહિતનામાં ધાર્મિક આસ્થાઓનાં જે બીજ પડ્યાં છે એ જોતાં શબરીમાલા અંગેના સર્વોચ્ચ અદાલતના બહુમતી ચુકાદાનો વિરોધ કરવા સુધી જઈને પણ ભાજપ - સંઘ લોકોની ધાર્મિક આસ્થાને મતમાં ફેરવવા માંગે છે. ગઈ ચૂંટણીમાં નિષ્ફળ રહ્યા છતાં એ પરાજયને સ્વીકારવા તૈયાર નથી. એ કોઈ પણ ખેલો કરીને પણ ‘ગોડ્સ ઓન કન્ટ્રી કે લેન્ડ’માં પોતાનો સત્તાધ્વજ રોપવા આતુર છે.

રામાયણલેખનની સમાપ્તિનો મહિનો

મલયાલી કેલેન્ડરનો છેલ્લો મહિનો એટલે ‘કરકીડકમ્’ અર્થાત્ રામાયણનો મહિનો. માન્યતા એવી છે કે વાલ્મીકિએ આ મહિનામાં રામાયણનું લેખન પૂરું કર્યું એટલે કેરળમાં ૧૭ જુલાઈથી ૧૬ ઓગસ્ટ દરમિયાન ઘર-ઘરમાં કે જાહેર સમારંભોમાં રામાયણના મહિમાના પાઠ (કીર્તનમ્) થાય છે. આપણી ગુજરાતી ભાષામાં ૬૦થી ૭૦ ટકા શબ્દો અરબી-ફારસીના છે. એનાથી વિપરીત કેરળની રાજભાષા મલયાલમ ભરપટ્ટે (૬૦ ટકા કરતાં વધુ) સંસ્કૃત શબ્દો ધરાવે છે. પશ્ચિમ ઘાટ અને અરબી સમુદ્ર વચ્ચે આવેલા મલા + આલમ એટલે કે પહાડી અને સમુંદરના સ્થળ વિશે દેશ અને દુનિયા ગૌરવ લઇ શકે છે.

સામાન્ય રીતે કોમી સૌહાર્દ માટે જાણીતી શંકરાચાર્યની આ ભોમકા પરાપૂર્વથી ગ્રીક, રોમન, આરબ, ચીના, પોર્ટુગીઝ, ડચ, ફ્રેંચ, બ્રિટિશ સાથે વેપાર અને સાંસ્કૃતિક સંબંધોથી જોડાયેલી રહી હોવાથી ‘આનો ભદ્રા ક્રતવો યન્તુ વિશ્વતઃ’ (દશેય અથવા દરેક દિશાઓમાંથી અમને સારા વિચારો પ્રાપ્ત થાઓ)નો લાભ એને મળ્યો છે. અત્યારે રાજકીય દૃષ્ટિએ આ બટુક રાજ્યમાં રામાયણને લઈને રમખાણ મચ્યું છે.

ધર્મને અફીણ ગણાવનારા માર્ક્સવાદીઓ કેરળમાં શાસન કરવાની સાથે જ પ્રજાના તહેવારો મનાવે અને રામાયણના કીર્તન કાર્યક્રમો કે પરિસંવાદો યોજે ત્યારે એને હિંદુ ધર્મની પોતાની ઈજારાશાહી લેખાતા અને દાયકાઓથી અહીંની રાજકીય ભૂમિ પર પગદંડો જમાવવામાં નિષ્ફળ નીવડેલાઓ ‘બેવડાં ધોરણ’ની ગાજવીજ કરે છે.

સત્તારૂઢ સીપીએમ અને સંસ્કૃત સંઘમ્

કેરળ વિધાનસભામાં પહેલી વાર ચૂંટાઈ આવનાર માર્કસવાદી સામ્યવાદી પક્ષ (સીપીઆઇ-એમ)ની યુવા ધારાસભ્ય યુ. પ્રતિભા હરિનો નીલવિલક્કુ (પરંપરાગત દીપ) સામે બેસીને ‘અધ્યાત્મ રામાયણ’ના પાઠનું કીર્તન કરતો વીડિયો ૧૮ જુલાઈ ૨૦૧૮ના રોજ ફેસબુક પર મૂકાયો અને અનેકોએ એને શેર કર્યો કે ધમાલ મચી. એના થોડા દિવસ પહેલાં જ કેરળના દેવસ્થાનમ્ બાબતોના પ્રધાન કડકમ્પલ્લી સુરેન્દ્રને પ્રસિદ્ધ ગુરુવાયુર (કૃષ્ણ) મંદિરમાં પૂજા કરાવી એ વિશે પક્ષ તરફથી એમનો ખુલાસો માંગવામાં આવ્યા હતો.

પક્ષ સાથે સંકળાયેલા સંસ્કૃત સંઘમના ઉપક્રમે રાજ્યભરમાં રામાયણ પરના કાર્યક્રમો યોજાય અને સીપીએમની યુવા ધારાસભ્ય રામાયણનો પાઠ કરે તો વિવાદ જાગવો સ્વાભાવિક છે. જોકે રાજ્યના સીપીએમના મંત્રી કોડિયારી બાલકૃષ્ણને સ્પષ્ટ કર્યું કે સંસ્કૃત સંઘમ્ સ્વતંત્ર સંસ્થા છે અને એનું સીપીએમ સાથે જોડાણ નથી. કેટલાક માર્ક્સવાદી મંત્રીઓ પણ એના કાર્યક્રમોમાં હાજરી આપી વિવાદને વકરાવે નહીં એટલે સત્તારૂઢ પક્ષે આ સ્પષ્ટતા કરી.

થોડા વખત પહેલાં કૃષ્ણ જયંતીના તહેવારનાં આયોજન પણ માર્ક્સવાદી પક્ષ પરિવારની મનાતી સંસ્થાઓ થકી થયાં હતાં. એટલે કેરળ ભાજપના નેતા પી. એસ. શ્રીધરન્ પિલ્લાઈએ પોતાના પક્ષની હિંદુ આસ્થાની દુહાઈ દેતાં ‘ક્યારેક રામાયણને બાળનારા’ સીપીએમવાળા રામાયણના મહિનાનો ઉત્સવ મનાવે એને તેમનાં બેવડાં ધોરણ ગણાવ્યાં.

ડાબેરીઓનું સૂત્ર: ‘ગોડ્સ ઓન કન્ટ્રી’

આપણે ત્યાં ઘણું બધું લોલેલોલ ચલાવવામાં આવે છે. અધૂરા સંદર્ભો સાથે વાતને રજૂ કરીને શેક્સપીયરના નામે ‘નામમાં તો શું બાળ્યું છે’ એવાં ઉભડક કથનોને પ્રચલિત કરવામાં આવે છે. હકીકતમાં માર્ક્સવાદીઓને સાવ જ ધર્મવિમુખ કે ભગવાનના વિચારની વિરુદ્ધના નાસ્તિક ગણાવાય છે. સાવ એવું હોતું નથી. હિંદુ મહાસભાના સર્વોચ્ચ નેતા સ્વાતંત્ર્યવીર વિ. દા. સાવરકર નાસ્તિક હતા, એ વાત કોઈ ધ્યાને મૂકે ત્યારે આપણે મોં વકાસીને જોઈ રહીએ છીએ.

કેરળ અને એના ડાબેરી શાસકોના સંદર્ભમાં પણ આવું જ થયું છે. દુનિયાભરમાં મશહૂર હિંદુ, મુસ્લિમ અને ખ્રિસ્તી આસ્થાસ્થાનો અને ૪૪ નદીઓ અને સમુદ્ર કિનારાના આ રમણીય પ્રદેશ કેરળને ‘ગોડ્સ ઓન કન્ટ્રી’ તરીકેની ઓળખ જો કોઈએ આપી હોય તો એ અહીંના ડાબેરી શાસકોએ જ!

કેરળના જાણીતા કવિ અને વરિષ્ઠ આઇએએસ અધિકારી કે. જયકુમારે સ્પષ્ટ કર્યું હતું કે રાજ્યમાં ડાબેરી મોરચાની સરકારમાં સામ્યવાદી પક્ષના નેતા પી. એસ. શ્રીનિવાસન્ જયારે પર્યટન પ્રધાન હતા ત્યારે અમે પર્યટન વિકસાવવા એક વ્યાપક ઝુંબેશ હાથ ધરવાનું વિચાર્યું હતું. કોપીરાઇટરે ‘કેરેલા: વ્હેર ગોડ્સ રિસાઇડ’ ‘ગોડ્સ લેન્ડ’, ‘ગોડ્સ કિંગડમ’ ‘ગોડ્સ કન્ટ્રી’ જેવા શબ્દપ્રયોગ રજૂ કર્યા. એમાંથી અમને સ્ફૂર્યું: ‘ગોડ્સ ઓન કન્ટ્રી’ અને પ્રધાન શ્રીનિવાસને એને મંજૂરી આપી હતી! એમનો વ્યક્તિગત મત ભલે ઈશ્વરના અસ્તિત્વને નકારતો હોય, પણ રાજ્યના શાસક તરીકે એના વિશાળ હિતમાં આ કેચલાઈન એમણે મંજૂર કરી અને આજે દુનિયાભરમાં એ પ્રચલિત છે.

કેરળ જેવી મંદિરો, મસ્જીદો અને ચર્ચોની ભૂમિ પર એ બધાની સારસંભાળમાં પણ માર્ક્સવાદી શાસકોને અને કોંગ્રેસી શાસકોને ક્યારેય વાંધો પડ્યો નથી.

રામાયણમાં મોપલા રામાયણ

દુનિયાભરમાં સેંકડો નહીં, પણ હજારોની સંખ્યામાં રામ-સીતાની કથા રજૂ કરનાર રામાયણો પ્રચલિત છે. દિલ્હી યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં વિવિધ ૩૦૦ રામાયણો વિશેના એ. કે. રામાનુજનના નિબંધ અંગે ભારે હોબાળો મચાવીને સંઘ પરિવારના વિચારકોએ એને કઢાવી નાંખ્યો ત્યારે નવ સભ્યોની સમિતિમાંથી માત્ર એક રાકેશ કુમાર જ આ નિબંધને અભ્યાસક્રમમાંથી દૂર કરવાના મતના નહોતા.

સત્તાધીશો કે હોહા કરનારાઓને અનુકૂળ બાબતો જ કોલેજો કે યુનિવર્સિટીઓમાં ભણાવાય એવો દુરાગ્રહ વિચાર અને ચિંતનને રૂંધે છે એટલું જ નહીં, આને લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ પણ લેખી શકાય. ડાબેરીઓના વિચારો કે જમણેરીઓના વિચારો ભિન્ન હોઈ શકે અને એ બંનેના વિચારને મોકળાશથી સ્થાન મળવું ઘટે. માર્ક્સવાદી શાસકો ભારતીય શાળા-કોલેજોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને બદલે માત્ર માર્ક્સ અને હેગેલને જ ભણાવવાનો આગ્રહ રાખે તો એ પણ ખોટું છે.

કેરળમાં તો ‘અધ્યાત્મ રામાયણ’ પ્રચલિત છે. એ વાલ્મીકિને બદલે વેદ વ્યાસે રચેલું ગણાય છે. એ અદ્વૈત જ્ઞાન અને ભક્તિના અનુસરણનો માર્ગ પ્રબોધે છે. કેરળના મોપલા એટલે કે સ્થાનિક અને આરબના સંબંધથી પેદા થયેલી મુસ્લિમ કોમ માટે ‘મોપલા રામાયણ’ પણ છે અને એમાં અરબી શબ્દો પણ આવે છે.

ડાંગે-દેશપાંડેએ પ્રબોધેલો માર્ગ

અનેક વર્ષ વેદાન્ત અને યોગશાસ્ત્ર પર સંશોધન કરીને કમ્યૂનિસ્ટ નેતા બાની દેશપાંડેએ નવેમ્બર ૧૯૭૪માં પ્રકાશિત કરાવેલા પોતાના પુસ્તક ‘યુનિવર્સ ઓફ વેદાન્ત’ની પ્રસ્તાવના ભારતીય સામ્યવાદી પક્ષના સર્વોચ્ચ નેતા શ્રીપાદ અમૃત ડાંગે (૧૮૮૯ -૧૯૯૧)એ લખી હતી. એ વેળા તેમના પક્ષમાં રાજેશ્વર રાવ જેવા નેતાઓએ ડાંગે પર ભારે પસ્તાળ પાડી હતી. જોકે એ વેળા પણ બાનીના પુસ્તકને વાંચીને વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી અને હિંદુ ધર્મના તત્વજ્ઞાનના વિદ્વાન ડો. કર્ણ સિંહે બાનીને બિરદાવ્યા હતા.

દુનિયાભરમાંથી માર્ક્સવાદી સત્તાધીશોનો પ્રભાવ ઓસરતો જાય છે ત્યારે રશિયા અને ચીને પોતપોતાની રીતે માર્ક્સવાદને વ્યાખ્યાયિત કરીને શાસનમાં અને અર્થતંત્રમાં નોખા માપદંડ અપનાવ્યા છે. કેરળમાં માર્ક્સવાદીઓ વેદાન્ત ભણી વળે તો એમાં ડાંગે થકી પ્રબોધેલા માર્ગનું જ અનુસરણ હોવાનું સ્પષ્ટ છે.

આ તબક્કે સ્વામી વિવેકાનંદે શિકાગો ધર્મ પરિષદમાં ૧૮ સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ કરેલા ભાષણના કેટલાક અંશ ટાંકવાની લાલચ ખાળી શકાતી નથી: ‘વેદાન્ત ફિલસૂફીનાં ઉચ્ચ આધ્યાત્મિક ઉડ્ડયનો, જે છેલ્લામાં છેલ્લી વૈજ્ઞાનિક શોધખોળો તો જેના પ્રતિધ્વનિ જેવી લાગે, તેને હિંદુ ધર્મમાં સ્થાન છે. મૂર્તિપૂજાના નીચલી કક્ષાના વિચારોને અને તેમાંથી જન્મ પામતી અનેક પૌરાણિક કથાઓને હિંદુ ધર્મમાં સ્થાન છે. બૌદ્ધ ધર્મીઓના નિરીશ્વરવાદને હિંદુ ધર્મમાં સ્થાન છે, અને જૈન ધર્મના નાસ્તિકવાદને પણ હિંદુ ધર્મમાં સ્થાન છે.’

જો આપણે શંકરાચાર્ય, સ્વામી વિવેકાનંદ, માર્ક્સ અને હેગેલ તેમજ અન્ય આસ્તિક-નાસ્તિક કોઈ પણ મહામનાઓને માનતા હોઈએ તો પછી સમજી લઈએ કે સમાજમાં ટકરાવ ક્યાંય આવતો જ નથી. ટકરાવ પેદા કરવાનું કામ માત્ર રાજકીય લાભ ખાટવા ઇચ્છુકો જ કરે છે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter