ભગતસિંહને ફાંસી: ગાંધીજીને વચન છતાં વાઇસરોય વિવશ

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Tuesday 11th February 2020 04:22 EST
 
 

દેશના પત્રકારશિરોમણિ કુલદીપ નાયરના નિધન પછી તેમની સાથેનાં અંતરંગ સંસ્મરણો નજર સમક્ષ તગે છે. જોકે એમણે કરેલા કામને અને લોકશાહીને બચાવવા માટે આપેલા યોગદાનને યાદ કરવાની પણ આ ઘડી છે. કુલદીપ નાયર અત્યારના પાકિસ્તાનના સિયાલકોટમાં જન્મ્યા અને શાળામાં ઉર્દૂ માધ્યમમાં ભણ્યા. એમણે પત્રકારત્વ પણ ઉર્દૂ અખબારથી જ શરૂ કર્યું હતું. પછીથી શિકાગોમાં જઈને એમણે પત્રકારત્વમાં તાલીમ લીધી અને સમગ્ર દેશ તથા દુનિયામાં પત્રકારત્વમાં અને ખાસ કરીને અંગ્રેજી પત્રકારત્વમાં તેઓ છવાઈ ગયા.
ઇન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝ સર્વિસના સંપાદક હતા ત્યારે વડા પ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની ૧૯૭૫-૭૭ની ઈમરજન્સી દરમિયાન તેમણે જેલવાસ પણ ભોગવ્યો. ભારત સરકારે તેમને લંડનમાં હાઇ કમિશનર નિયુક્ત કર્યા અને પછીથી રાજ્યસભામાં પણ તેમની નિયુક્તિ થઇ, પરંતુ પત્રકાર તરીકેની જનસામાન્યની આઝાદી માટેની ખેવના માટે તેઓ સતત સંઘર્ષ કરતા રહ્યા. એટલું જ નહીં, પોતાનાં લખાણો મારફત એમણે જનજાગૃતિનું કામ પણ કર્યું.
ક્રાંતિવીર ભગતસિંહ પર એમણે કરેલા સંશોધન કાર્ય આધારિત પુસ્તક ‘વિધાઉટ ફિયર: ધ લાઈફ એન્ડ ટ્રાયલ ઓફ ભગતસિંહ’માં તેમણે ભગતસિંહને બચાવવા માટે કરવામાં આવેલી કોશિશોમાં મહાત્મા ગાંધીનું જે ભવ્ય યોગદાન હતું, એને પણ ઉપસાવવાની કોશિશ કરી હતી. એ વખતના વાઇસરોય લોર્ડ અરવિન ભગતસિંહ અને સાથીઓને ફાંસી ન અપાય તે માટે વચનબદ્ધ હતા, પરંતુ એ વેળાના આઈસીએસ અધિકારીઓએ સામૂહિક રાજીનામાં આપવાની ધમકી આપી હતી. અરવિને તો સંદેશ પાઠવ્યો હતો, પણ અધિકારીઓએ વ્યવસ્થા એવી કરી હતી કે ફાંસી અપાયા બાદ જ એ સંદેશ જેલ સત્તાવાળાઓને મળે. એટલે ગાંધીજી સમક્ષ વાઈસરોય ભગતસિંહ અને સાથીઓને ફાંસી નહીં આપવા વચનબદ્ધ હોવા છતાં અરવિન અને મહાત્માની ઇચ્છા વિરુદ્ધ ત્રિપુટીને ફાંસી અપાઈ હતી; એ વાત કુલદીપે લગભગ સૌપ્રથમ પ્રકાશમાં આણી હતી.
સામાન્ય રીતે આજે જ્યારે મહાત્મા ગાંધી અને પંડિત જવાહરલાલ નેહરુને ભાંડવાની એક પરંપરા ચાલે છે ત્યારે ભગતસિંહ અને મિત્રોની ફાંસી રોકવા માટે મહાત્મા ગાંધીએ ભરસક પ્રયાસો કર્યાની વાત કેન્દ્રના ગૃહ મંત્રાલયમાં પણ કામ કરી ચુકેલા કુલદીપ દસ્તાવેજો સાથે રજૂ કરે ત્યારે તો માનવું રહ્યું. ભગતસિંહ અને સાથીઓને બચાવવા માટે ગાંધીજીએ કોઈ પ્રયાસ કર્યા નહોતા એ દર્શાવતો માહોલ બની રહ્યો છે ત્યારે કુલદીપ થકી સંશોધન કરાયેલ આ પુસ્તક સીમાચિહ્ન સાબિત થાય તેમ છે.

ત્રિપુટીની સામે શીશ નમે

ગાંધીજીને ભાંડનારાઓ અને એમના હત્યારા નથુરામ ગોડસેને નાયક તરીકે રજૂ કરનારાઓ અનેક બાબતોમાં મહાત્માને ભાંડે છે. ભારતના ભાગલાની બાબતમાં કે પછી મુસ્લિમોના તુષ્ટિકરણની બાબતમાં કે પછી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ લાહોરમાં ફાંસીએ ચઢાવાયા વિશે પણ દોષનો ટોપલો મહાત્મા ગાંધીને શિરે નાખવાની જાણે કે ફેશન ચાલે છે. એ વખતે પણ મહાત્મા ગાંધી, સરદાર પટેલ, પંડિત નેહરુ અને કોંગ્રેસના બીજા મિત્રો સામે ઘણો રોષ હતો.
કરાંચીમાં ૨૯-૩૧ માર્ચ ૧૯૩૧ દરમિયાન સરદાર સાહેબના અધ્યક્ષસ્થાને કોંગ્રેસનું અધિવેશન મળ્યું હતું. યુવા વર્ગમાં ગુસ્સો એટલો બધો હતો કે ગાંધીજી તથા પટેલ સહિતના કોંગ્રેસના નેતાઓનું સ્વાગત કાળાં ફૂલ આપીને કરવામાં આવ્યું હતું. જોકે આ અધિવેશનમાં સરદાર સાહેબે જે શબ્દો કહ્યા હતા એ ખૂબ મહત્વના હતા. સરદાર સાહેબે ભગતસિંહ અને સાથીઓને ભવ્ય અંજલિ આપી હતી. સાથે જ તેમના હિંસાના માર્ગને તેમણે યોગ્ય લેખ્યો નહોતો, પરંતુ એટલું જરૂર કહ્યું હતું કે આ ત્રિપુટીને ફાંસી આપવામાં અંગ્રેજ સરકારે પોતાની હૃદયહીન દૃષ્ટિનાં દર્શન કરાવ્યા એવું લાગે છે. એમની ત્રણેયની રાષ્ટ્રભક્તિ સામે અમારું શીશ નામે છે અને સમગ્ર દેશ એવું ઈચ્છતો હતો કે ભગતસિંહ અને સાથીઓને ફાંસીની સજા આપવામાં ન આવે.
મહાત્મા ગાંધીને લોર્ડ અરવિને વચન આપ્યું હતું, છતાં આ ત્રિપુટીને ફાંસી આપવામાં આવી એ સંદર્ભમાં કુલદીપે જે સંશોધન કરીને વિગતો બહાર પાડી છે તે બહુ સ્પષ્ટપણે જણાવે છે કે વાઇસરોયે તો મહાત્મા ગાંધીના પ્રયાસને પગલે ફાંસી રોકવા માટેનો આદેશ પાઠવી દીધો હતો પરંતુ તેની સામે આઈસીએસ અધિકારીઓની સામૂહિક રાજીનામાની ધમકીને કારણે અરવિનનો આદેશ આ ત્રિપુટીને ફાંસી અપાય એના પછી જ લાહોરની જેલમાં પહોંચ્યો હતો. એ માટેની અંગ્રેજ અધિકારીઓની સાજિશ હતી.

ભગતસિંહ મહાત્મા માટે આદર

જોકે ગાંધીજીએ ભગતસિંહ અને સાથીઓને બચાવવા માટે પ્રયત્ન કર્યા હતા એવું ખુદ સુભાષચંદ્ર બોઝે પણ સ્પષ્ટ કહ્યું હતું, એટલું જ નહીં કરાંચીના અધિવેશનમાં ઉપસ્થિત ભગતસિંહના પિતાના સંબોધનમાં પણ તેમણે પોતાના પુત્રને ફાંસી અપાયા પછી પણ મહાત્મા ગાંધીના હાથ મજબૂત કરવા માટે જાહેર અપીલ કરી હતી. ભગતસિંહ હિંસામાં માનનારા ક્રાંતિકારી હતા, જ્યારે તેમના પિતા અહિંસામાં માનનારા કોંગ્રેસના કાર્યકર હતા. તેમણે વાઇસરોય સમક્ષ કોઈ પણ જાતની વિનવણી કરીને ભગતસિંહને બચાવવાના કોઈ પ્રયાસો કરવા નહીં, એવું ભગતસિંહે જ એમને જણાવ્યું હતું એટલે પોતાના પુત્રને તેમણે ગુમાવ્યા છતાં એક ક્રાંતિકારી મોતને ભેટવા કેટલો તત્પર હોય છે એનું દર્શન ભગતસિંહના ફાંસીએ ચડવામાં તેમને અને બીજાઓને થયું હતું. ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ ભગતસિંહ અને સાથીઓને ગુપચુપ ફાંસી અપાઈ હતી.
સમગ્ર દેશ એ વખતે અંગ્રેજ સરકારના આ કૃત્યથી ખિન્ન જણાતો હતો. લોકોમાં જે આક્રોશ હતો તે કોંગ્રેસના અધિવેશનમાં પણ જોવા મળ્યો હતો અને હજુ આજ સુધી આ ત્રિપુટીને ફાંસી અપાયાની બાબત ચર્ચામાં રહેવી સ્વાભાવિક છે. નવાઈ એ વાતની પણ લાગે છે કે ભગતસિંહ ગાંધીમાર્ગના અનુયાયી થઈ શકે તેમ નહીં હોવા છતાં તેમને ગાંધીજી માટે પારાવાર આદર હતો. એ બાબત એમણે ઘણી વાર પ્રગટ પણ કરી છે. ભગતસિંહે જેલમાં લખેલાં ચાર પુસ્તકો શોધવાની કુલદીપ નાયરે ખૂબ કોશિશ કરી છતાં તેની હસ્તપ્રત મળી નથી, પરંતુ તેમણે એવો આશાવાદ જરૂર વ્યક્ત કર્યો છે કે કોઈક દિવસ ચારેય પુસ્તકોની હસ્તપ્રત ક્યાંકથી અવશ્ય મળી આવશે.

ભગતસિંહ નાસ્તિક હતા

સામાન્ય રીતે ભગતસિંહને તમામ સંગઠનો હિંદુ, શીખ સહિતનાં સંગઠનો પોતીકા ગણાવવાની કોશિશ કરે છે અને કેટલાક તો આર્યસમાજી પરિવારમાં જન્મેલા મનાતા ભગતસિંહને હિંદુ અગ્રણી બતાવવાની પણ કોશિશ કરે છે. હકીકતમાં ભગતસિંહ ધર્મથી પર અને નાસ્તિક એવા ડાબેરી હતા. એટલે ઘણી વાર ઘણા લોકો ભગતસિંહ વિશે પોતપોતાને અનુકૂળ અર્થઘટનો કરવા માટે અને તેમને પોતીકા ગણાવવા માટેની કોશિશો કરતા રહે છે, ત્યારે ભગતસિંહે પોતે લખેલું ‘હું નાસ્તિક કેમ છું?’ એ લખાણ વાંચી જવાની નવી પેઢી અને જૂની પેઢીને પણ જરૂર છે.
આવું જ કંઇક ડાબેરી વિચારક અને ડાબેરી પક્ષના અગ્રણી ગણાય એવા સુભાષચંદ્ર બોઝ વિશે પણ કહી શકાય. નવાઈ એ વાતની છે કે ૧૯૩૮માં સુરત પાસેના હરિપુરામાં કોંગ્રેસના અધિવેશનની અધ્યક્ષતા કરનાર સુભાષચંદ્ર બોઝ બીજે વર્ષે ફરીને કોંગ્રેસના અધ્યક્ષ ચૂંટાયા, એ ગાંધીજી તથા સરદાર પટેલ સહિતનાને પસંદ નહોતું; છતાં તેઓ ચૂંટાયા હતા એટલે તેમની કારોબારીએ રાજીનામાં આપ્યાં હતાં. છેવટે સુભાષે કોંગ્રેસનો ત્યાગ કર્યો હતો. તેમણે નવો ડાબેરી પક્ષ પણ સ્થાપ્યો હતો.
૧૯૩૯માં કોંગ્રેસ છોડનાર સુભાષચંદ્ર બોઝે ૧૯૪૪માં રંગૂનથી જે રેડિયો પ્રસારણ કર્યું, તેમાં તેમણે ગાંધીજીને સૌપ્રથમ ‘રાષ્ટ્રપિતા’ ગણાવ્યા હતા એટલું જ નહીં, ગાંધીજી માટે તેમને ખૂબ માન પણ હતું, ભલે તેમનો માર્ગ અનુસરવાની સ્થિતિમાં એ નહોતા. આજે ગાંધીજીને રાષ્ટ્રપિતા ગણાવવા સામે રાજકીય વિરોધ કરનારાઓ સુભાષચંદ્ર બોઝની આ ગરિમાને પણ વિસરી જાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter