ભારતીય રાજકારણમાં ધિક્કારને બદલે ગરિમાના નવયુગનાં મંડાણ

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Tuesday 18th December 2018 04:50 EST
 
 

રાષ્ટ્રીય સ્તરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઉદય પછીનાં વર્ષોમાં સંભવતઃ પહેલી વાર ભારતના હૃદયસમા ભોપાલ, જયપુર અને રાયપુરમાં નવા કોંગ્રેસી મુખ્ય પ્રધાનોના શપથવિધિમાં રાજકીય ભાંડણલીલાને બદલે પારસ્પારિક આદર અને ગરિમાનાં દર્શન થયાં. ગુજરાતમાં ગયા ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના વર્તમાન અધ્યક્ષ રાહુલ ગાંધીએ નોખું વ્યક્તિત્વ ઉપસાવ્યું હતું. હવે તેમને અધ્યક્ષપદ ગ્રહણ કર્યાનું એક વર્ષ પૂર્ણ થયું એ જ દિવસે એટલે કે ૧૧ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર રચવા જેવાં પરિણામોની તેમને સોગાદ મળી હતી. આ રાજ્યોમાં રાહુલના નેતૃત્વમાં પક્ષના નેતાઓએ મજબૂત ટીમ તરીકે કામ કરીને પરાજયની પરંપરાના વલણને વિજયમાં ફેરવ્યું છે.

‘કોંગ્રેસમુક્ત ભારત’ના ભાજપી મોવડીમંડળના આલાપને લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીની સેમી-ફાયનલ લેખાતી પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીનાં પરિણામોએ જોરદાર ફટકો આપ્યો છે. એટલું જ નહીં, કોંગ્રેસ હિંદીક્ષેત્રમાં ત્રણ ભાજપશાસિત રાજ્યોમાં ભાજપને સત્તાથી દૂર રાખીને વિપક્ષી એકતા સાથે મોદીના નેતૃત્વ સામે પડકાર બનીને ઉપસી છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એમ.ફિલ.ની પદવી મેળવનાર રાહુલે ‘કોંગ્રેસમુક્ત ભારત’ સામે ‘ભાજપમુક્ત ભારત’ના સૂત્રને નકારી કાઢીને પણ પરિપક્વતા દર્શાવી છે. ભારતનાં ૨૯ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ૩૧માં વિધાનસભાઓ છે. આમાંથી માંડ ૧૦ વિધાનસભાઓમાં ભાજપ એકલેહાથે બહુમતી સાથે સરકાર ધરાવે છે. દેશમાં તેના ૧૨ મુખ્ય પ્રધાન છે. કોંગ્રેસના પાંચ મુખ્ય પ્રધાન રહ્યા છે. બાકીના અન્ય પક્ષોના છે.

ભાજપની નેતાગીરીનું માથું ભાંગે એવા અનુભવી કેન્દ્રીય પ્રધાન રહેલા અને વડાં પ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના ત્રીજા પુત્ર લેખાવા જેટલી નિકટતા ધરાવતા કમલ નાથ (૭૨) લોકસભાની નવ મુદત પછી મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેતાંની સાથે જ ચૂંટણી વચનોના અમલમાં કામે વળ્યા છે. રાજસ્થાનમાં અનુભવી અશોક ગેહલોત (૬૭) ત્રીજી મુદત માટે મુખ્ય પ્રધાન બન્યા અને સાથે યુવા નેતા અને કેન્દ્રમાં પ્રધાન રહેલા સચિન પાઈલટ (૪૧) નાયબ મુખ્ય પ્રધાન બન્યા. સચિન અગાઉ કેન્દ્રમાં પ્રધાન રહેલા સ્વ. રાજેશ પાઈલટના પુત્ર અને જમ્મૂ-કાશ્મીરના પ્રધાન રહેલા ડો. ફારુક અબદુલ્લાના જમાઈ છે. અવિભાજિત મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની અગાઉની સરકારોમાં પ્રધાન રહેલા અને વર્ષ ૨૦૧૩ના માઓવાદી હુમલામાં રાજ્ય કોંગ્રેસના ટોચના ૨૯ નેતા માર્યા ગયા પછી પણ રાજ્યમાં કોંગ્રેસને મજબૂત કરનાર ભૂપેશ સિંહ બઘેલ (૫૭) છત્તીસગઢમાં મુખ્ય પ્રધાન થયા અને તેમના સાથીઓ ટી. એસ. સિંહદેવ અને તામ્રધ્વજ સાહૂએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા છે. બઘેલ સિવાયના નવા મુખ્ય પ્રધાન કે નાયબ મુખ્ય પ્રધાન લોકસભાના સભ્ય હોવાને કારણે તેમણે વિધાનસભામાં ચૂંટાવાનું રહેશે.

પરાજિત ભાજપી મુખ્ય પ્રધાનો મંચ પર

છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતીય રાજકારણમાં સત્તાધીશો અને વિપક્ષો વચ્ચે ઘૃણા અને આક્ષેપબાજીની જ ઝાકમઝોળ હતી ત્યાં તાજેતરમાં ત્રણ રાજ્યોમાં કોંગ્રેસના મુખ્ય પ્રધાનોના શપથવિધિમાં તેમણે જેમને તાજી ચૂંટણીમાં જ હરાવ્યા છે એવા ભાજપના મુખ્ય પ્રધાનો ગરિમાપૂર્વક હાજર રહ્યા. એટલું જ નહીં, નવી પરંપરા તરીકે તેમને મંચ પર બિરાજમાન કરવામાં આવ્યા. ત્રણેય પૂર્વ મુખ્ય પ્રધાનો ભાજપની વર્તમાન નેતાગીરી નારાજ થાય એટલી હદે નવા મુખ્ય પ્રધાનોને ભેટતા અને અભિનંદન આપતા નજરે પડ્યા.

ત્રણેય ભાજપી પૂર્વ મુખ્ય પ્રધાન વર્તમાન વડા પ્રધાન કરતાં પક્ષમાં વરિષ્ઠ છે અને એમાંના બે એટલે કે રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન રહેલાં અને ગ્વાલિયર રાજવી પરિવારનાં વસુંધરા રાજે અને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન રહેલા અને ક્યારેક વડા પ્રધાનપદના સ્પર્ધક ગણાતા સંઘનિષ્ઠ ઓબીસી નેતા શિવરાજ સિંહ ચૌહાણને તો પક્ષનું મોવડીમંડળ નેતાપદેથી રુખસદ આપવાની તરફેણમાં હતું. અનિચ્છાએ તેમના નેતૃત્વમાં ચૂંટણી લડવાનો નિર્ણય કરવો પડ્યો હતો. ડો. રમણ સિંહ રાજપૂત હોવા છતાં મોવડીમંડળ સાથે ટકરાવાનું પસંદ નહોતા કરતા. જોકે તેમની પ્રકૃતિ અકળ લાગતી રહી છે.

ભોપાલમાં મંચ પરથી મુખ્ય પ્રધાન કમલ નાથ, પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને કોંગ્રેસી સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ એકમેકના હાથ પકડીને જનતાનું અભિવાદન ઝીલ્યું હતું. વડોદરાના ગાયકવાડ રાજવી પરિવારના જમાઈ અને વસુંધરાના ભત્રીજા જ્યોતિરાદિત્યને ફોઈ પક્ષભેદ ભૂલીને રીતસર ભેટી પડ્યાં હતાં. વિપક્ષ પ્રત્યે ઘૃણાભાવના પ્રવર્તમાન રાજકારણમાં આ ત્રિપુટીનું કોંગ્રેસના નેતાઓ સાથે આટલું હળવુંભળવું એ ‘ભાજપ બદલ રહા હૈ’નો સંદેશ જરૂર આપે છે.

નવાઈ તો એ વાતની હતી કે ભાજપના વયોવૃદ્ધ નેતા અને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન રહેલા બાબુલાલ ગૌડે પોતાના જ પક્ષના નેતા શિવરાજ સિંહ સાથે હાથ પણ મિલાવવાનું ટાળીને કોંગ્રેસના સાંસદ અને પૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહનો હાથ પકડીને બેઠકસ્થળે જવાનું પસંદ કર્યું હતું. ભાજપના નેતા અને મુખ્ય પ્રધાન રહેલા કૈલાસ જોશીએ પણ રાષ્ટ્રવાદી પક્ષના સુપ્રીમો શરદ પવાર સાથે રહેવાનું પસંદ કર્યું હતું. આ બધા સંકેત કોંગ્રેસ કરતાં ભાજપ માટે વધુ અપશુકનિયાળ સાબિત થઇ શકે છે.

વિપક્ષી એકતાની મજબૂતીનો સંકલ્પ

છેલ્લે છેલ્લે બેંગલૂરુમાં ભૂતપૂર્વ વડા પ્રધાન એચ. ડી. દેવે ગૌડાના પુત્ર અને કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામી તેમજ નાયબ મુખ્ય પ્રધાન તરીકે કોંગ્રેસના નેતા જી. પરમેશ્વરના મે ૨૦૧૮માં યોજાયેલા શપથવિધિમાં વિપક્ષની ભવ્ય એકતાનાં દર્શન થયાં હતાં. મોટાભાગના ભાજપ અને મોદીવિરોધી વિપક્ષોના નેતાઓ એક મંચ પર આવ્યા હતા. એ પછી રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના કોંગ્રેસી મુખ્ય પ્રધાનોના શપથવિધિમાં વિપક્ષી નેતાઓની હાજરી કરતાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસનાં સુપ્રીમો મમતા બેનરજી, બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રીમો માયાવતી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ કેમ ગેરહાજર રહ્યાં એની વિશેષ ચર્ચા થઇ. તૃણમૂલના સાંસદ દિનેશ ત્રિવેદીને મમતાએ સમારંભમાં પાઠવ્યા હતા.

શપથવિધિના દિવસે જ વર્ષ ૧૯૮૪માં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા તેમના જ બે શીખ સુરક્ષા કર્મચારીઓએ કરી એને પગલે દિલ્હીમાં શીખોની હત્યાના તાંડવ સંદર્ભના ખટલામાં કોંગ્રેસના સાંસદ રહેલા સજ્જન કુમારને દિલ્હીની વડી અદાલતે જનમટીપની સજા ફરમાવી એટલે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ તો જયપુર એરપોર્ટથી પાછા ફરી ગયા હતા. તેઓ પક્ષ વતી સમારંભમાં હાજરી આપવા આવ્યા હતા પણ પક્ષે તેમણે પરત બોલાવી લીધા હતા.

ખેડૂતોનાં દેવાંમાફીનો તત્કાલ નિર્ણય

કોંગ્રેસની સરકાર બનવાના ૧૦ દિવસમાં ખેડૂતોનાં દેવાં માફ કરાશે, એવું વચન પક્ષના અધ્યક્ષ રાહુલે ચૂંટણીસભાઓમાં આપ્યું હતું. જોકે શપથ લેતાંની સાથે જ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના મુખ્ય પ્રધાનોએ તો રાજ્યના ખેડૂતોનાં દેવાં માફ કરવાના વચનનું પાલન કરતા આદેશ બહાર પાડ્યા એટલું જ નહીં, રાજસ્થાનના નવા શાસકે પણ પહેલી જ કેબિનેટ બેઠકમાં આ નિર્ણય કરવાના હોવાની જાહેરાત કરી હતી.

ભાજપની નેતાગીરી આજકાલ ખેડૂતોનાં દેવાં માફ કરવાની બાબતમાં પ્રબોધન કરે છે, પણ મે ૨૦૧૪ની ચૂંટણીના પ્રચારમાં વડા પ્રધાન પદના ઉમેદવાર મોદીએ આપેલાં અનેક વચનોમાં દેશભરના ખેડૂતોનાં દેવાં માફ કરવાનો નિર્ણય સરકાર બનતાંની સાથે જ પહેલી કેબિનેટ બેઠકમાં સર્વપ્રથમ લેવાશે એવું જણાવ્યા છતાં સાડા ચાર વર્ષ પછી હજુએ અગસ્ત્યના વાયદા જેવું જ રહ્યું છે. હવે ભાજપનું વાજું બદલાયું છે કે દેવાંમાફી એ ઈલાજ નથી, પણ ભાજપની જ ઉત્તર પ્રદેશ સરકારે પહેલાં ખેડૂતોનાં દેવાં માફ કરવાનો નિર્ણય પહેલી કેબિનેટમાં લઈને પાછળથી માત્ર ખેડૂતોની લોન પરના વ્યાજને માફ કરવાની જાહેરાત કરી હતી.

ભાજપના આવા વાયદાથી પ્રજા હવે વિશ્વાસ મૂકતી નથી, એ તાજેતરની ચૂંટણીનાં પરિણામોએ દર્શાવ્યું છે. એટલે જ કોંગ્રેસની સરકારો રચાતાં જ ખેડૂતોનાં દેવાં માફ કરવાનો લિખિત આદેશ ભોપાલ અને રાયપુરે કરી દીધો છે. મધ્ય પ્રદેશના ૩૩ લાખ અને છત્તીસગઢના ૧૬.૬૫ લાખ ખેડૂતોને દેવાંમાફીનો લાભ મળશે, એવું જાહેર થયું. ભાજપનાં ઘણાં ચૂંટણીવચનો ઠાલા વાયદા સાબિત થયા હોય ત્યારે કોંગ્રેસ સત્તામાં આવતાંની સાથે જ વચનો પાળવાની શરૂઆત કરે તો એનો સારો સંદેશ પ્રજામાં જાય અને આગામી એપ્રિલ કે મે ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં કંઈક આસમાનીસુલતાની થઇ શકે, એવી કોંગ્રેસ મોવડીમંડળની ગણતરી જણાય છે.

છેલ્લી લોકસભા ચૂંટણીમાં ભાજપને ૨૮૨ બેઠકો સાથે બહુમતી મળી હતી. આજે એ આંકડો ૨૭૧નો જ રહ્યો છે. ભાજપ પેટા ચૂંટણી હરતો રહ્યો છે અને એના કેટલાક સાથી પક્ષો પણ વાડ ઠેકવામાં છે. હવે રાહુલબાબા અને બીજા રાજકીય પક્ષો ભાજપને સંયુક્ત પડકાર આપવાની વેતરણમાં છે. મહાગઠબંધન થવા પહેલાં જ એ તૂટી જવાની આગાહીઓ મીડિયાના મિત્રો કરવામાં સવિશેષ રસ લઇ રહેલા લાગે છે. જોકે લોકશાહીમાં સફળતા નિષ્ફળતા જનતાને હાથ છે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter