અધર્મ પર ધર્મના વિજયનો ઉત્સવ

આરોહણ

રોહિત વઢવાણા Tuesday 10th March 2020 05:31 EDT
 
 

હોળીનો તહેવાર જ્યાં જ્યાં ભારતીય લોકો રહે ત્યાં ત્યાં ધામધૂમથી ઉજવાય છે. ફાગુ ખીલવાનો આ તહેવાર વસન્ત પંચમીના ૪૦મા દિવસે આવે છે અને ત્યાં સુધીમાં ખુબ સારી રીતે વસંત ખીલી ઉઠી હોય છે. ખેતરમાં પાક તૈયાર થવાની અણીએ હોય છે અને ખેડૂતો તેની ઉજવણી કરે છે. આમ તો આ તહેવાર પણ હિન્દુ ધર્મના અન્ય તહેવારોની જેમ જ કુદરત - નેચર સાથે સંકળાયેલો છે. હોલિકા દહન કરીને સાંજે લોકો અગ્નિની પૂજા કરે છે અને બીજા દિવસે રંગે રમે છે. આ રંગોત્સવ લોકોના હૃદયમાંથી દુશ્મની દૂર કરીને, નાતજાતના સૌ ભેદભાવ ભુલાવીને તેમને સમાનતા અને માનવતાના એક રંગમાં રંગી દે છે. રંગ અને પ્રેમના આ તહેવાર માટે લાખો કવિતાઓ, ગીતો અને ગઝલો લખાઈ છે. ફિલ્મોમાં તેનું વારંવાર ચિત્રાંકન જોવા મળે છે. ભગવાન કૃષ્ણ પણ ગોપીઓ સાથે હોળી પર રંગે રમતા અને તેની રાસલીલાને ભક્તોએ અથાક વર્ણવી છે. વળી હોળી પર ભાંગ પીવાની મજા તો કૈંક અલગ જ હોય. 

પૌરાણિક કથા એવી છે કે હરણ્યકશિપુએ પોતાના પુત્ર પ્રહલાદને વિષ્ણુ ભગવાનની ભક્તિ ન કરવા આજ્ઞા કરી પરંતુ તે ન માનતા હરણ્યકશિપુએ પોતાની બહેન હોલિકાને કહ્યું કે તે પ્રહલાદને બાળીને મારી નાખે. હોલિકાએ એવું ઓઢણું ઓઢેલું કે તેને આગ પણ બાળી ન શકે. તે પ્રહલાદને ખોળામાં લઈને સળગતી આગમાં બેઠી પરંતુ ભગવાનનું કરવું કે હોલિકાનું ઓઢણું ઉડીને પ્રહલાદ પર આવી ગયું. હોલિકા સળગી ગઈ ને પ્રહલાદ બચી ગયો. ત્યારબાદ તો હરણ્યકશિપૂને મારવા ભગવાન વિષ્ણુ પોતાનો નૃસિંહ અવતાર લઈને આવ્યા. અસુરોના રાજા હરણ્યકશિપુને પાંચ વરદાન: દિવસે ન મરે ને રાત્રેય ન મરે; જમીન પર, પાણીમાં કે હવામાં ન મરે; અસ્ત્રથી કે શસ્ત્રથી ન મરે; માનવથી ન મરે કે જાનવરથી ન મરે; ઘરમાંય ન મરે કે બહાર પણ ન મરે. પરંતુ નૃસિંહ અવતારે તેને સમી સાંજે ઘરના ઉંબરામાં પોતાના ખોળામાં લઈને સિંહના નખથી તેનો નાશ કર્યો. સાંજ હોવાથી ન દિવસ કે ન રાત, ઉંબરા પર હોવાથી ન ઘર કે ન બહાર, ખોળામાં એટલે ન જમીન, પાણી કે હવા; નખ એટલે ન અસ્ત્ર કે ન શસ્ત્ર અને નૃસિંહ રૂપ એટલે ન માણસ કે ન જાનવર. આમ વિષ્ણુના અવતારે અધર્મ પર ધર્મનો વિજય કર્યો. આવા ધાર્મિક મહત્વ ધરાવતા તહેવારની ઉજવણી પણ આપણને હિંમત અને જુસ્સો આપે છે. અત્યારે વિશ્વભરમાં કોરોના વાઇરસનો ડર ફેલાયેલો છે ત્યારે હોળીનો તહેવાર આપણને ઈશ્વરીય શક્તિમાં વિશ્વાસ રાખવાનું સૂચન કરે છે.
આખરે, હોળીના તહેવાર પર લખાયેલા અનેક કાવ્યો અને ગીતો પૈકી કેટલાક તો અમર બની ગયા છે અને તેની બે કડીઓ યાદ કરીને મન હળવું કરીએ. સિલસિલા ફિલ્મનું અમિતાભ અને રેખા પર ફિલ્માવાયેલું ‘રંગ બરસે ભીગે ચુનરવાળી રંગ બરસે...’, કટી પતંગ ફિલ્મનું રાજેશ ખન્ના વાળું ‘આજ ન છોડેંગે બસ હમ ચોલી...’, શોલે ફિલ્મનું ‘હોળી કે દિન દિલ મિલ જાતે હૈ’, તથા વક્ત ફિલ્મનું ‘ડુ મી એ ફેવર, લેટ્સ પ્લે હોલી...’ જેવા ગીતો આજે પણ માહોલ જમાવી દે છે. તમને પણ બીજા કેટલાક ગીતો યાદ આવી ગયા? (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter