આઈટી અને સખાવત ક્ષેત્રે ભારતીય સમ્રાટઃ અઝીમ પ્રેમજી

Monday 26th August 2019 08:16 EDT
 
 

ભારત હોય કે દુનિયાના કોઈ પણ દેશ અને ધર્મમાં સખાવતનો મહિમા છે. આઝાદી પહેલાં કે આઝાદી પછીના દાનવીરોમાં ભારતમાં પ્રથમ નંબરે છે અઝીમ પ્રેમજી.

મુંબઈના ગુજરાતી ખોજા પરિવારમાં ૧૯૪૫માં જન્મેલા અઝીમનો વિશ્વની ૧૦૦ શક્તિશાળી વ્યક્તિઓની ટાઈમ મેગેઝિનની યાદીમાં તેઓ ૨૦૦૪ અને ૨૦૧૧માં ઝળક્યા છે. ભારતમાં એ બીજા નંબરના ધનકુબેર છે. અઝીમ કરતાં બીજા વધારે ધનિકો પણ છે છતાં ભારતમાં અઝીમ સખાવતના ક્ષેત્રે અનન્ય છે.
૨૦૦૧માં તેમણે જનકલ્યાણની ભાવનાથી અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન સ્થાપ્યું. ૨૦૧૦માં તેમણે ભારતમાં શાળાશિક્ષણ સુધારવા માટે એ ફાઉન્ડેશનમાં ૨૨૦ કરોડ અમેરિકન ડોલરનું દાન આપ્યું. ભારતમાં આ સૌથી મોટું દાન. પોતાની કંપની વિપ્રોના ૩૪ ટકા શેર આ માટે આપ્યા. આ પછી ઉમેરતા ગયા અને પોતાની મિલકતનો ૩૯ ટકા હિસ્સો એમણે અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનને આપ્યો. આજના ભાવે તે રકમ સાડા સાત બિલિયન ડોલર થાય છે.
વિપ્રો લિમિટેડના એ ૪૩ વર્ષથી ચેરમેન છે. અઝીમના પિતા મોહમ્મદ હાસીમ પ્રેમજીએ અઝીમના જન્મ પહેલાં ચાર વર્ષે મહારાષ્ટ્રના અમલનેરમાં ‘વેસ્ટર્ન ઈન્ડિયન વેજિટેબલ પ્રોડકટ્સ’ નામની કંપની શરૂ કરેલી. આ કંપની ‘સનફ્લાવર વનસ્પતિ’ના નામથી ખાદ્યતેલનું અને સાથે સાથે આડપેદાશ તરીકે ૭૮૭ નામના સાબુના લાટાનું ઉત્પાદન કરતી.
અઝીમ કેલિફોર્નિયાની સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગમાં બેચલરનો અભ્યાસ કરતા હતા ત્યારે ૧૯૬૬માં પિતાના અવસાનના સમાચાર મળતાં ભારત આવ્યા અને પિતાનો વ્યવસાય સંભાળી લીધો. એમની કંપની સાબુ અને ખાદ્યતેલ બનાવતી હતી તેમાં તેમણે ઉત્પાદન વૈવિધ્ય ઉમેર્યું. હવે વનસ્પતિ ઘી, માથું ધોવાનો સાબુ અને ટોયલેટરીસનું ઉત્પાદન શરૂ કર્યું. કંપની ધમધોકાર ચાલતી થઈ, પણ અઝીમને આથી સંતોષ ન હતો. અમેરિકામાં ભણેલા અઝીમના ધ્યાનમાં આવ્યું કે ભારત સરકારે ભારતમાંથી આઈબીએમ કંપનીને તેના કામકાજની મનાઈ કરી છે અને આથી આઈટી ક્ષેત્રે શૂન્યાવકાશ સર્જાયો છે.
અઝીમે કંપનીનું નામ બદલીને વિપ્રો કર્યું. અમેરિકન કંપની સેન્ટીનલ સાથે ભાગીદારીમાં નાનાં કોમ્પ્યુટર બનાવવાનું શરૂ કર્યું. આમ સાબુના ઉત્પાદક હવે સોફ્ટવેરના ઉત્પાદક બન્યા. વિશ્વના ઘણાં દેશોમાં વિપ્રો કંપનીનો પથારો છે. એમનાં દાન વધતાં ગયાં અને આજે તેમણે લગભગ અડધોઅડધ સંપત્તિનું દાન કર્યું છે. વિશ્વના ધનકુબેર બિલ ગેટ્સ અને વોરન બફેટે શરૂ કરેલા જીવતેજીવ જન્મકલ્યાણ માટે સંપત્તિનું દાન આપવાની યોજનામાં તે સામેલ થયા છે.
વિપ્રોની સખાવતે મહારાષ્ટ્ર અને ભારતમાં કેટલાંય રાજ્યોમાં શિક્ષણ સુધર્યું છે. શાળાઓને આધુનિક સવલતો પ્રાપ્ત થઈ છે.
વિશ્વમાં ખૂબ ઝડપથી વિકસતી કંપનીઓમાં વિપ્રો મોખરે છે. વિપ્રોના અધિપતિ એવા અઝીમને ૨૦૦૫માં ભારત સરકારે પદ્મભૂષણથી નવાજ્યા તો ૨૦૧૧માં તેમને પદ્મવિભૂષણથી સન્માન્યા. ભારતમાં નાગરિક સન્માન ક્ષેત્રે પદ્મવિભૂષણનું સ્થાન બીજું છે.
મનીપાલ એકેડમી ઓફ હાયર એજ્યુકેશન, અમેરિકાના કનેક્ટિકટ રાજ્યની વેસેલિયન યુનિવર્સિટી અને મૈસુર યુનિવર્સિટીએ તેમને માનદ્ ડોક્ટરની પદવી આપી છે. ૨૦૧૭માં ‘ઈન્ડિયા ટુડે’ માસિકે તેમની ભારતની ૫૦ પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં નવમા નંબરે મૂક્યા હતા.
અઝીમ પ્રેમજી ધનકુબેર હોવા છતાં સાદગીથી જીવે છે. પોતાની કમાણીમાં સમાજનો ય ભાગ છે માનીને તે જનકલ્યાણમાં ખર્ચે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter