આખાબોલા, સાચાબોલા, આગેવાનઃ બાલુભાઈ તલાટી

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Friday 24th May 2019 05:43 EDT
 
 

એક જ નગરમાં જન્મેલી બે પ્રામાણિક વ્યક્તિ. પ્રામાણિકતામાં બંને સરખા. આ નગર તે ગુજરાતનું દાહોદ. તેમાં એક વ્યક્તિ તે સમ્રાટ ઔરંગઝેબ અને તેના પછી ૩૧૮ વર્ષે જન્મેલ બીજી વ્યક્તિ બાલુભાઈ તલાટી. ઔરંગઝેબ સરકારનું કામ હોય ત્યારે સરકારી મીણબત્તી સળગાવે અને પોતાના કામ માટે પોતાની મીણબત્તી વાપરે. સારા અક્ષરે કુર્રાનની નકલ કરીને વેચે કે ટોપી ગૂંથીને વેચે અને જીવે. બાલુભાઈ પણ તેવા જ પ્રામાણિક. ગીતાબહેન મામલતદાર અને પછીથી રેસિડન્ટ કલેક્ટર થયા, પણ બાલુભાઈ તેમની સરકારી કાર, સ્ટેશનરી કે ફોનનો કદી ઉપયોગ ન કરે.

બાલુભાઈ ભણવામાં બધી કક્ષાએ હોંશિયાર. ખુશામતખોરીથી આઘા. સાચું લાગે તે કહેવામાં કોઈની ય શરમ ના રાખે. સાચું હોય તે કરવામાં ગભરાટ, સ્વાર્થ કે શરમ ના રાખે.
બાલુભાઈ ૧૯૫૭માં મહાગુજરાતના આંદોલન વખતે ખેતીવાડી કોલેજમાં આણંદ ભણતા હતા. પ્રથમ વર્ષથી તે વિદ્યાર્થી મંડળમાં સેક્રેટરી ચૂંટાયા તે તમામ વર્ષ રહ્યા અને ૧૯૬૧માં છેલ્લા વર્ષમાં તે સમગ્ર કોલેજના મહામંત્રી તરીકે ચૂંટાયા. તે વર્ષે વિદ્યાર્થીઓની માગણીઓ અંગે વિદ્યાર્થીઓએ તેમની નેતાગીરીમાં હડતાલ પાડી. હડતાલ બીજી હડતાલથી નોખા પ્રકારની. વિદ્યાર્થીઓ બૂમબરાડા પાડે નહીં. સૂત્રો ના પોકારે કે ના રસ્તા કે દીવાલો પર લખે. વિદ્યાર્થીઓ વર્ગમાં ના જાય. કોલેજની બસ ના વાપરે. ખેતીવાડી, પોસ્ટ ઓફિસનો ઉપયોગ ના કરે. રોજ સવારે મૌન સરઘસ કાઢે તે આચાર્ય અને પ્રોફેસરોના ઘર આગળથી પસાર થાય. વિદ્યાર્થીઓ પોતાની પાછળના વર્ગોના વિદ્યાર્થીઓને ભણાવે. છેલ્લા વર્ષના વિદ્યાર્થી જાતે વાંચે, લખે. હડતાલ દિવસો સુધી ચાલી. તેનો અંત ના દેખાય.
રોક ફેલર ફાઉન્ડેશન ખેતીવાડી કોલેજને ૧૪ લાખ રૂપિયાનું દાન આપવાના ઈરાદાથી પોતાના પ્રતિનિધિને તે કોલેજ જોવા મોકલવાનું હતું. કોલેજ બંધ હોય તો ખરાબ છાપ પડે. દાન ન પણ મળે. આના કારણે સત્તાવાળાઓએ મહામંત્રી એવા બાલુભાઈને સંદેશો પહોંચાડ્યો. બાલુભાઈએ કોલેજને નુકસાન થાય તો ભવિષ્યના વિદ્યાર્થીઓને પણ વેઠવું પડે તેમ માનીને વિદ્યાર્થીઓના હિતમાં થોડી શરતો કબૂલ કરાવીને હડતાલ સમેટાવી. વટનો પ્રશ્ન બનાવીને કોલેજને નુકસાન ના કર્યું.
બાલુભાઈએ બી.એસસી. એગ્રીકલ્ચર થઈને ત્રણ વર્ષ ગુજરાત રાજ્યના ખેતીવાડી ખાતામાં સુપરવાઈઝર રહ્યા પછી યુનિયન કાર્બાઈડ કંપનીમાં જંતુનાશક દવાઓના સેલ્સમેન બન્યા. આ પછી ૧૯૬૯માં સાઈનેમાઈડ ઈન્ડિયા લિમિટેડના એરિયા મેનેજર બન્યા. પછી બધું છોડીને ઈઝરાયલ ગયા અને હૈફામાં જઈને એગ્રીકલ્ચરમાં માસ્ટરની ડિગ્રી લઈને ભારત પાછા આવ્યા. ભારતમાંથી ઈઝરાયલ ભણવા જનાર એ પહેલા હતા. ૧૯૭૨માં તેમણે વિદેશી કંપનીઓનાં જંતુનાશકોના વેપારમાં ઝંપલાવ્યું અને વડોદરામાં ઓફિસ શરૂ કરી.
૧૯૭૬માં તેમણે પોતે જંતુનાશકોનું ઉત્પાદન શરૂ કર્યું. આ જ અરસામાં ગીતાબહેનના સંપર્કમાં આવીને પરણ્યા. સાહસિક સ્વભાવ ઢાંક્યો ના રહ્યો. ઝામ્બિયા જઈને ભાગીદારીમાં ફેક્ટરી કરીને કોપર ઓક્સોક્લોરાઈડ નામના ફૂગનાશકનું ઉત્પાદન શરૂ કર્યું. ત્રણ વર્ષમાં બરાબર કમાયા પણ કાચા માલની અછત અને સરકારી અડચણોથી થાકીને તેમાંથી છૂટા થયા.
બાલુભાઈ વિશ્વ ગુજરાતી સમાજના ઉપપ્રમુખ હતા. તેની વિદેશો સાથેના સંબંધોની કમિટીના અધ્યક્ષ અને ટ્રસ્ટી હતા. તેમણે વિશ્વ ગુજરાતી સમાજના પ્રસારમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. સરદાર પટેલ યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બર તરીકે એ ચૂંટાયેલા. અખિલ ભારત ગુજરાતી સમાજના પ્રમુખ તરીકે એમણે કામ કર્યું હતું.
બાલુભાઈના પિતા રમણલાલે થોડો સમય શિક્ષક તરીકે વીતાવ્યા પછી સાણંદમાં રહીને વેપારી ક્ષેત્રે ઝંપલાવેલું. દાદા હરગોવિંદદાસ તે જમાનામાં ડિપ્લોમા એન્જિનિયર હતા. વડ દાદા પીતાંબરદાસ મહાત્મા ગાંધીથી દશકો વધારે મોટા. તેઓ ખેતીવાડી અને ધીરધારથી સમૃદ્ધ થયેલા.
અત્યંત પ્રામાણિક, પરગજુ અને સંબંધોનો જીવ એવા બાલુભાઈ તલાટી નિવૃત્તિમાંય પરકાર્યમાં પ્રવૃત્ત રહી જીવે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter