આપણે ધ્યાન આપવા જેવી પર્યાવરણની સમસ્યાઓ

- રુચિ ઘનશ્યામ Wednesday 06th October 2021 02:56 EDT
 
 

યુકે આગામી ૩૧ ઓક્ટોબરથી ૧૨ નવેમ્બર, ૨૦૨૧ દરમિયાન ગ્લાસગો ખાતે COP 26 તરીકે પણ ઓળખાતી યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સનું યજમાનપદ સંભાળશે. નવેમ્બર ૨૦૨૦માં વૈશ્વિક મહામારીને લીધે આ કોન્ફરન્સ મુલતવી રખાઈ હતી. UNFCCC ને આશા છે કે આ કોન્ફરન્સ ક્લાઈમેટ એમ્બિશન વધારવામાં, પરિવર્તન લાવવામાં અને ઉત્સર્જનને ઘટાડવામાં મદદરૂપ થશે.

COP 26 મહત્ત્વની છે કારણકે વૈશ્વિક સ્તરે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લો દસકો સૌથી ગરમ નોંધાયો હતો. ખનીજ પદાર્થોના ઈંધણના કારણે માનવી દ્વારા સર્જાતા ઉત્સર્જનને લીધે ક્લાઈમેટ ચેન્જ સાથે સંકળાયેલી ભારે કમોસમી વરસાદ, વાવાઝોડા, હીટવેવ, પૂર અને દાવાનળ જેવી હવામાનને લગતી ઘટનાઓ ખૂબ વધી જાય છે. તેથી સરકારો તાકીદના સામૂહિક કાર્યવાહી જરૂરી હોવાની બાબતે સંમત થઈ છે. ક્લાઈમેટ ચેન્જની અસર દેખી શકાય તેવી છે. ગ્લેશિયર્સનો બરફ પીગળે છે જેને લીધે જળસપાટીમાં વધારો થશે અને દરીયાકાંઠાના વિસ્તારો તેમજ નાના ટાપૂઓ માટે જોખમ ઉભું થશે. દુષ્કાળની સાથે સાથે અચાનક અને અનપેક્ષિત વરસાદ અન્ન ઉત્પાદનમાં અવરોધ ઉભો કરશે જ્યારે વાવાઝોડા, પૂર અને હીટવેવ અન્ય સમસ્યાઓ સર્જશે.

ક્લાઈમેટ ચેન્જ અને વધતા ઉત્સર્જનની વૈશ્વિક અસર થઈ છે અને તે વૈશ્વિક ધ્યાન માગી લે છે. દુનિયાભરની સરકારો ચિંતિત છે. આ સંકટને ગંભીરતાથી લેવા માટે સરકારો પર દબાણ લાવવા એક્ટિવિસ્ટ્સ રેલીઓ યોજે છે. ખાસ કરીને યુવાનો ચિંતિત છે કારણ કે ક્લાઈમેટ ચેન્જને નિવારી ન શકાય તો તેમને અનિશ્ચિત ભવિષ્યનો સામનો કરવો પડશે.

આપણી પૃથ્વી માટે જે અન્ય પડકારો છે તે પણ ધ્યાન માગી લે તેવા છે. દુનિયાના ઘણાં ભાગોમાં વાયુ પ્રદૂષણની સમસ્યા મુખ્ય છે. શિયાળામાં દિલ્હી પ્રદૂષિત વાયુના કવર જેવું થઈ જાય છે. છેલ્લાં થોડાં વર્ષથી આ સમસ્યા પર ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે જેથી લોકોના અને ખાસ કરીને બાળકોના ફેફ્સાંને દિલ્હીની પ્રદૂષિત હવાથી બચાવી શકાય. આ વર્ષે દિલ્હીએ બે સ્મોગ ટાવર સ્થાપ્યા છે અને જાહેરાત કરાઈ છે કે વાયુ પ્રદૂષણના વ્યવસ્થાપનમાં જે ક્ષતિ રહે છે તેને દૂર કરવા માટે દિલ્હીને વર્ષ ૨૦૨૧ માટે નેશનલ ક્લિન એર પ્રોગ્રામ (NCAP) હેઠળ પાટનગરને ગ્રીન ફંડ મળશે.
ભારતમાં ૧૩૦ શહેરોને આ પડકારને પહોંચી વળવા એક અથવા બીજા સ્રોત તરફથી આમ તો નાની પણ સહાય તો મળશે. ફટાકડા વેચવા અથવા ફોડવા પર ૧ જાન્યુઆરી, ૨૦૦૨ સુધી સંપૂર્ણ પ્રતિબંધ સહિત દિલ્હી સરકારનો વિન્ટર એક્શન પ્લાન છતાં ખાસ કરીને શિયાળામાં ક્લિન એર એટલે કે શુદ્ધ હવા હજુ પણ ખૂબ દૂરની વાત લાગે છે.

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ માત્ર ભારત નહીં પરંતુ દુનિયા માટે બીજો મોટો પડકાર છે. ગાંધી જયંતીની પૂર્વ સંધ્યાએ ૧ ઓક્ટોબરે સ્વચ્છ ભારત મિશન 2.0ના પ્રારંભ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં કચરાના ઢગલા અને વેસ્ટ પ્રોસેસિંગનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે શહેરમાં કચરાના ઢગલા હોય તો તે દૂર કરવા જોઈએ. દિલ્હી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની જે સમસ્યાનો સામનો કરે છે તે ખૂબ મોટી છે, કારણ કે શહેરમાં દરરોજ ૧૧,૪૦૦ મેટ્રિક ટન કચરો થાય છે તેમાંથી ૫,૨૦૦ મેટ્રિક ટન કચરો સ્થાનિક ધોરણે કોમ્પેક્ટર્સ અને વેસ્ટ – ટુ - એનર્જી પ્લાન્ટની મદદથી દ્વારા પ્રોસેસ થાય છે. બાકીનો કચરો ત્રણ સ્થળોએ ઠાલવવામાં આવે છે. આ કચરાનો નિકાલ કરવા માટે સંખ્યાબંધ આયોજનો અમલમાં મૂકવામાં આવ્યા હતા. સ્વચ્છ ભારત મિશન 2.0ના ભાગરૂપે શહેરોમાંથી કચરાના પહાડોની પ્રોસેસ કરવામાં આવશે અને તેને દૂર કરાશે તેવી વડા પ્રધાને આપેલી ખાતરી ખૂબ આવકારને પાત્ર છે.
ઘરપરિવારોને પાણીનો પુરવઠો અને સુએજ જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (AMRUT) 2.0નો પણ તે વખતે જ પ્રારંભ
કરાયો હતો. AMRUT 2.0 દ્વારા દરેક ઘરને નળ અને પાણીનો પુરવઠો તથા સુએજ કનેક્શન મળે તે સુનિશ્ચિત કરાશે તેવી આશા છે. તે સરક્યુલર ઈકોનોમીના સિદ્ધાંતો અપનાવશે અને સપાટી પરના તેમજ ભૂગર્ભજળના સ્રોતોની જાળવણી અને નવસંચારને પ્રોત્સાહન આપશે. આ બન્ને મિશનની રચના શહેરોને ‘ગાર્બેજ ફ્રી’ અને ‘વોટર સિક્યોર’ બનાવવા માટે કરવામાં આવી છે.
ક્લાઈમેટ ચેન્જના સંકટે આપણી પૃથ્વી સમક્ષ જોખમ ઉભું કર્યું છે, પ્રદૂષિત થતી હવા અને જળ પ્રદૂષણ આપણા જીવનને અસંભવ બનાવી શકે, જ્યારે સોલીડ વેસ્ટને ભેગો કરતા રહીએ તો તે આપણી પૃથ્વીને ગળી જઈ શકે. કચરાના પહાડો ભૂગર્ભ જળને પ્રદૂષિત કરી રહ્યા છે. કચરાના આ ખડકલાઓમાંથી નુક્સાનકારક ગેસ નીકળે છે જે હવાને પ્રદૂષિત કરે છે.
કોવિડ – ૧૯ મહામારીની પોતાની અલગ અસર હતી. હોમ ડિલીવરી વધી જવાથી પેકેજિંગ વેસ્ટ વધી ગયો હતો. વપરાશના ખૂબ ઉંચા પ્રમાણને લીધે કચરો ઉત્પન્ન થવાનું માથાદીઠ પ્રમાણ વિકસતા દેશો કરતાં વિક્સિત દેશોમાં ખૂબ વધુ છે. વિકસતા દેશો પાસે આ વિશાળ પડકારોને પહોંચી વળવા માટે સંસાધનો અને ટેક્નોલોજીનો અભાવ હોય છે. ક્લાઈમેટ ચેન્જ અને પ્રદૂષણને રાષ્ટ્રીય સરહદો સાથે કોઈ નિસ્બત હોતી નથી. આ તમામ પડકારોનો સામનો સાથે મળીને કરવો જોઈએ તે વાત પર સમગ્ર દુનિયાએ ભાર મૂકવાની જરૂર છે. આપણે આપણી પૃથ્વીને બચાવવી હોય તો માનવજાત સાતત્યપૂર્ણ વિકાસ કરી શકે તે સુનિશ્ચિત કરવું જોઈએ.

(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.
twitter @RuchiGhanashyam)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter