આશરો માંગતા નિરાશ્રિતો -નિરાધારોને મદદ કરવા કરુણાસભર અનુરોધ

સી. બી. પટેલ Wednesday 26th August 2015 05:03 EDT
 
 
બ્રિટન ભૌગોલિક દૃષ્ટિએ કેટલું નાનુ છે અને લાખોની સંખ્યામાં ઈમિગ્રન્ટ્સ અને રાજ્યાશ્રય માગનારાઓ બ્રિટનમાં પ્રવેશવા લાંબી કતારો લગાવે છે તેના વિશે બ્રિટિશ મીડિયા અને ખાસ તો ઘણાં ટેબ્લોઈડ્સ અને દૈનિક વર્તમાનપત્રોમાં નોંધપાત્ર જગ્યા ફાળવાય છે. હાલ કેલે ખાતે વ્યાપેલી અરાજકતા અને આ માઈગ્રેશન સાથે સંકલાયેલી ગુનાઈત પ્રવૃત્તિઓના સંદર્ભે આ બધાં અહેવાલો સંપૂર્ણપણે ખોટા તો નથી જ. સાથોસાથ, અસંતુલિત પણ છે અને મજબૂર લોકોનાં મોટા પ્રવાહને આપણા મહાન દેશના દ્વાર ખટખટાવતા અટકાવી શકે તે પણ શક્ય નથી.આપણે આ સમસ્યાને વાસ્તવિકતાની દૃષ્ટિએ મૂલવવી જોઈએ. બ્રિટિશ ટાપુઓ પ્રમાણમાં કદમાં તો ઘણા નાના જ છે. ઈંગ્લેન્ડની વસ્તી આશરે ૫૦ મિલિયન છે અને તેમાં સતત વધારો થઈ જ રહ્યો છે. આપણને એમ કહેવામાં આવે છે કે છેલ્લા ઘણા વર્ષોમાં આટલા નોન-વ્હાઈટ લોકો અહી આવ્યાં અને વસ્યાં છે ત્યારે આપણે યાદ રાખવું જોઈએ કે આ દેશનું અર્થતંત્ર પણ તે અરસામાં સ્થિરપણે વિકસ્યું છે અને કેટલાંક પ્રમાણમાં આ નવા ઈમિગ્રન્ટ્સનો પણ તેમાં ફાળો રહ્યો છે.કોઈ યુવાન પુરુષ કે સ્ત્રી તેના વતનનો દેશ, ભલે તે આફ્રિકા અથવા મિડલ ઈસ્ટમાં હોય, છોડે છે ત્યારે ગેંગસ્ટર્સ અને માનવીઓની હેરફેર કરતા ઓપરેટર્સને ભારે પ્રમાણમાં નાણા ચુકવે છે. તેમને એ પણ ખબર હોય છે કે તેમાંના કેટલાક મોતને ભેટશે, ઘણી વખત ગેંગસ્ટર્સના હાથે હત્યા અથવા મેડિટેરિયન સમુદ્રમાં ડૂબી જવાથી પણ આવી કરુણતા સર્જાય છે.આવા ભય અને જોખમો અનિવાર્ય હોવાનું જાણવા સાથે આ યાત્રાનો આરંભ કરનારા મોટા ભાગે અતિ મહત્ત્વાકાંક્ષી, શિક્ષિત અને પ્રગતિની ઊંડી ઈચ્છા ધરાવતા હોય છે. એક વખત તેઓ બ્રિટનમાં સ્થિરપણે વસી જાય તો ટુંક જ સમયમાં કરદાતા પણ બની જશે અને તેમાંના કેટલાક તો આગવી સૂઝથી ઉદ્યોગસાહસિક તરીકે વિકસી શકે તેવી તમામ સંભાવના રહેલી છે.આપણે ભૂતકાળમાં જોયું છે તેમ તેમના બાળકો સારું શિક્ષણ મેળવવા ઉત્સુક રહે છે અને કદાચ બ્રિટનમાં જન્મેલા તેમના સાથીઓની સરખામણીએ સરેરાશથી વધુ આગળ પણ રહે છે.માઈગ્રન્ટ્સની સંખ્યા વિશે સૌથી વધુ બોલકાં લોકોએ જાણવું જોઈએ કે રાજ્યાશ્રય ઈચ્છનારા લોકો આર્થિક કારણોસરના સામાન્ય માઈગ્રન્ટ્સ નથી. મુખ્યત્વે યુએસ દ્વારા પ્રેરિત તેમ જ પશ્ચિમી વિશ્વમાં યુકે અને અન્ય મિત્ર રાષ્ટ્રોના સમર્થન સાથે લડાતાં યુદ્ધોનાં કારણે ઘરઆંગણે તેમનું જીવન અસહ્ય બની ગયું હોય છે. કરુણતા એ છે કે સીરિયા, અફઘાનિસ્તાન, ઈરાક અથવા અન્ય દેશોમાં એક સમયે સદ્દામ હુસૈનો, ગદ્દાફીઓ અને તાલિબાનોને દૂર કરી દેવાય કે ધૂળ ચાટતા કરી દેવાયા પછી શું થશે તેની કોઈ વિચારણા કર્યા વિના જ પશ્ચિમી દેશો દ્વારા લશ્કરી હસ્તક્ષેપ કરાયા હતા. કોઈ હિંસાનું સર્જન કરે, શૂન્યાવકાશ સર્જે અને પાછોતરી અસરોથી પોતાના હાથ ધોઈ નાખે તે યોગ્ય નથી. આનાથી માત્ર દુઃખ અને વંચિતતા જ પેદા થાય છે. આ હકીકત ગળે ઉતરે તેવી ન હોવાં છતાં કડવી અને સાચી વાસ્તવિકતા છે.કેટલા રાજ્યાશ્રય માગનારા અથવા માઈગ્રન્ટ્સને યુકેમાં ‘સામેલ’ કરી લેવાયાં છે? વાસ્તવિકતા જાણવા તમે યુરોસ્ટાર્ટ દ્વારા પ્રકાશિત આ ચાર્ટની મદદ લઈ શકો છો.આપણા વડા પ્રધાન અને અન્ય રાજકારણીઓએ ભડકાઉ બન્યા વિના અથવા અજ્ઞાત ભયથી પીડિત (xenophobic) કે ઝનૂની રાષ્ટ્રધર્મના સમર્થક લાગીએ તે પહેલા ઘણી કાળજીથી વિચારવું જોઈએ. એક વાત તો કહેવી જોઈએ કે ચર્ચના મુખિયાઓ તેમ જ અગ્રણી વિદ્વાનો અને વેપાર ઉદ્યોગના વડાઓએ આવી બેજવાબદાર ઘોષણાઓ વિરુદ્ધ પોતાનો અવાજ ઉઠાવ્યો જ છે.આપણે અન્ય પાસા તરફ પણ નજર કરીએ. કોઈ પણ દેશ માત્ર તેની માથાદીઠ આવક અથવા કુલ ઘરેલુ પેદાશ (gdp) થકી જ મહાન બનતો નથી. અન્ય મૂલ્યો વધુ નહિ તો સરખા પ્રમાણમાં પણ મહત્ત્વના છે, જેમાં અનુકંપા કે કરુણા પણ છે. યુકે દરિયાપારની સહાય તરીકે આશરે £૯ બિલિયન ફાળવે છે, જેની ટકાવારી મોટા વિકસિત રાષ્ટ્રોમાં સૌથી વધુ છે. સદીઓથી યુકેએ હ્યુગ્યુનોટ્સ, યહુદીઓ, હંગેરિયન્સ, યુગાન્ડાના એશિયનો, શ્રી લંકાના તામિલો અને સોમાલીઓ સહિત સંખ્યાબંધ દમનગ્રસ્ત લોકોને આશ્રય આપ્યો છે. એક રીતે કહીએ તો અહીં આવેલા લોકો મોટી સંખ્યામાં દેશના પ્રવાહમાં ભળી ગયાં છે, સફળતાપૂર્વક એકરસ થઈ ગયાં છે. માઈગ્રન્ટ્સના દીકરા-દીકરીઓએ ગ્રેટ બ્રિટનમાં બિઝનેસ, વાણિજ્ય, કળા, સંસ્કૃતિ, વિજ્ઞાન, સાહિત્ય, સ્પોર્ટ્સ અને સંગીતના ક્ષેત્રોમાં ભરપૂર પ્રદાન કર્યું છે. તેઓ આટલું બધુ પ્રદાન કરી શક્યા છે કારણ કે તેમના દિલદિમાગ જાણે છે કે તેમની મુશ્કેલીઓના સમયમાં બ્રિટિશ પ્રજાએ તેમને ટેકો આપ્યો હતો.આપણે કટ્ટરવાદ અને ત્રાસવાદ વિશે ઘણુ સાંભળીએ છીએ. દુઃખ તો એ છે કે આ વાતો સાચી છે. સમાજના ચોક્કસ વિભાગોમાં તેનું સ્થાનિક અસ્તિત્વ છે. ગેરમાર્ગે દોરાયેલાં આવા બેજવાબદાર સમુદાયના પાત્રો સમયાંતરે પરાજિત થશે, તેમાં જરા પણ શંકા નથી. પરંતુ આપણે નિરાધારોને સહાય કરવાની મહાન પરંપરાનો ત્યાગ કરી શકીએ?સમાજમાં વસ્તીવિષયક ફેરફારોમાં સતત આર્થિક સમૃદ્ધિ તેમ જ સમગ્રતયા સર્વિસીસ માટે મહેનતુ યુવાન લોકો કાર્યરત રહે તે જરૂરી બને છે. આપણે તમામને તો પ્રવેશ આપી શકતા નથી. પરંતુ, આ સાથે આપણા રાજકારણીઓ અને અન્ય શક્તિશાળી લોકોએ સ્વનિયંત્રણ અને જવાબદારી દર્શાવવા જ રહ્યા કારણ કે તેમણે દેશના ભૂતકાળના બદલે ભવિષ્ય તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.(એશિયન વોઈસના ૨૨-૦૮-૨૦૧૫ના અંકમાં પ્રસિદ્ધ ‘As I See It’ કટારનો ભાવાનુવાદ)

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter