લંડનઃ તાજેતરમાં જ મને ઐતિહાસિક મેગ્ના કાર્ટા મેમોરિયલની મુલાકાત લેવાની તક સાંપડી હતી. હું અને મારા પેરન્ટ્સ હાલ યુકેના પ્રવાસે છીએ અને એઘામ ખાતે રહીએ છીએ. અમે 8 સપ્ટેમ્બર 2023ના રોજ મેગ્ના કાર્ટા મેમોરિયલની મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું જે એઘામથી આશરે 2.1 માઈલના અંતરે આવેલું છે. અમે સવારના ચાલીને મિડલ હિલ બસ સ્ટેશને પહોંચ્યા હતા અને બસ નંબર 8 પકડી હતી. બસ ડ્રાઈવર મદદરૂપ બન્યા હતા અને મેગ્ના કાર્ટાની મુલાકાત લેવી હોય તો ક્યાં ઉતરવું તેના વિશે માર્ગદર્શન આપ્યું હતું.
અમે રસ્તામાં જ સુંદર રોયલ હોલોવે નિહાળ્યું હતું. થોડા સ્ટોપ્સ પસાર થયા પછી અમે બે્લ્સ ઓફ ઔઝલે બસ સ્ટોપ ઉતરી ગયા હતા. થોડી મિનિટો ચાલ્યા પછી અમે રનીમીડ પહોંચ્યા હતા જ્યાંના કુદરતી સૌંદર્યે અમારું મન મોહી લીધું હતું. અમે સ્થિર પ્રવાહ સાથે વહેતી થેમ્સ નદી નિહાળી હતી. અમે આગવી અને અનોખી ડિઝાઈન્સ ધરાવતા ઘણા ખાનગી યોટ્સને નદીમાં વિહાર કરતા નિહાળ્યા હતા અને તેના પર સવાર લોકો પોતાની આ સફરને ભરપૂર માણી રહ્યા હતા. નદીમાં કેટલાક બતક પણ તરવાનો આનંદ લઈ રહ્યા હતા. અમે એક વૃદ્ધ સન્નારીને પણ મળ્યા હતા જેઓ એક વર્ષથી તેમના યોટ પર જ રહેતાં હતાં! તેમાં બે બેડરૂમ્સ, કિચન અને ઉપરની તરફ સુંદર પ્લાન્ટ્સ પણ હતી. આ સન્નારીએ અમને મેગ્ના કાર્ટા મેમોરિયલ તરફ જવાનો રસ્તો પણ બતાવ્યો હતો. અમે તેમણે દર્શાવેલા માર્ગ પર ચાલવા માંડ્યું ત્યારે રસ્તામાં યોટ રીપેરિંગ સેન્ટર પણ જોયું હતું. ફ્રેન્ચ બર્ધર્સ નામની કંપની દ્વારા સ્પેશિયલ ક્રુઝ ટુર્સનું સંચાલન પણ કરાતું હતું.
અમે આગળ ચાલતા જ રહ્યા ત્યારે માર્ગની બંને તરફ બે પથ્થર જોયા જે મેગ્ના કાર્ટા મેમોરિયલનું પ્રવેશ પોઈન્ટ હોવાનું જણાવતાં હતાં. હજુ આગળ વધતા અમે અતિશય બારીક કોતરણી સાથેની કાંસાની ૧૨ ખુરશીઓ જોઈ. મેગ્ના કાર્ટા પર સહીસિક્કા કરાયા તેના 800 વર્ષ થવા નિમિત્તે તેમનું અનાવરણ કરાયું હતું. દરેક ખુરશી પર વિવિધ ભાષાઓમાં અલગ અલગ આર્ટવર્ક કરાયેલા હતા. ઘણા લોકો માટે આ આકર્ષણનું કેન્દ્ર હતું. ત્યાંથી ચાલીને થોડા આગળ વધતા ટેકરી પર મેગ્ના કાર્ટા મેમોરિયલ અમારી જાણે પ્રતીક્ષા કરી રહ્યું હતું. શ્વેત રંગનું આ સીધુસાદું સ્મારક ઈંગ્લિશ ઈતિહાસમાં ઐતિહાસિક ક્ષણનું પ્રતીક છે. તેના 8 સ્તંભ છે અને ત્રિસ્તરીય છત છે. વર્તમાન મેગ્ના કાર્ટા મેમોરિયલની સ્થાપના અમેરિકન બાર એસોસિયેશન દ્વારા કરવામાં આવી છે.
મેગ્ના કાર્ટાનો સંક્ષિપ્ત ઈતિહાસઃ મેગ્ના કાર્ટાનો અર્થ થાય છે ‘મહાન અધિકારપત્ર’ જે ચાર્ટર પર ઈંગ્લેન્ડના કિંગ જ્હોન દ્વારા રનીમીડ મીડોઝ ખાતે 15 જૂન, 1215ના રોજ સીલ લગાવાયું હતું. સામંતશાહી સિસ્ટમ સામે ફરિયાદ ધરાવતા બળવાખોર સામંતોના દબાણ હેઠળ આ સહી કરવામાં આવી હતી. આ અધિકારપત્ર દ્વારા સામાન્ય માનવીને સ્વતંત્રતા જારી કરવામાં આવી હતી. જમીની કાયદા હેઠળ સરકારને મર્યાદિત બનાવાઈ હતી. અન્ય જોગવાઈઓમાં મુક્ત ચર્ચ, ગેરકાયદે જેલવાસ સામે રક્ષણ, કરવેરા સામે મર્યાદા, વિધવાઓના અધિકારો તેમજ ન્યાય અને કાયદામાં સુધારાનો સમાવેશ થતો હતો.
થોડા સમય સુધી મેમોરિયલની મુલાકાત અને નિહાળ્યા પછી અને નજીકના લાકડાના બાંકડા પર થોડો આરામ કર્યો હતો. મેં તે સ્થળે જે કોઈ ઘટનાઓ ઘટી હોઈ શકે તેની કલ્પના કરવામાં થોડો સમય વીતાવ્યો હતો. તે સ્થળે દેખાતું દૃશ્ય અતિ સુંદર અને લીલીછમ હરિયાળીથી પરિપૂર્ણ હતું.
આ પછી, અમે તે જ માર્ગેથી નિવાસે પરત ફર્યા હતા. આ દિવસે ઘણું ચાલવાનું થયું હતું ( સામાન્યપણે આપણે ભારતીયો વધુ ચાલતા નથી) પરંતુ, મને લાગ્યું કે તે લેખે લાગ્યું હતું.