યુકેમાં નવી સરકાર રચવા લિઝ ટ્રસને આમંત્રિત કર્યાના માંડ બે દિવસ પછી 8 સપ્ટેમ્બર, ગુરુવાર ક્વીન એલિઝાબેથ દ્વિતીયે આખરી શ્વાસ લીધાં. તેઓ સાત દાયકા કરતાં વધુ સમય સુધી મોનાર્ક-મહારાણી બનીને રહ્યા, પિતાના અચાનક અને અનપેક્ષિત અવસાનના કારણે 1952માં તેઓ ક્વીન બન્યાં હતાં. બ્રિટિશ પ્રજાની સેવાના 70 વર્ષ દરમિયાન તેઓ પોતાના દેશની પ્રજા માટે સમતુલા, સ્થિરતા અને સંકટકાળમાં આશ્વાસનના હિંમતદાયી ખડક બની રહ્યાં હતાં.
યુકેમાં મારાં રોકાણ દરમિયાન ક્વીન માટે મેં હંમેશાં માર્મિક શબ્દગુચ્છ સાંભળ્યો હતો જે તેમની પ્રતિબદ્ધતા, સેવા અને કર્તવ્યની ભાવનાના કદરસમાન હતો. તેમની તાકાત માટે સમગ્ર વિશ્વ તેમને ચાહતું હતું. સમગ્ર પુખ્તાવસ્થા અને વિશેષતઃ રાજગાદી પરના 70 વર્ષના ગાળામાં ઝીણવટભરી જાહેર નજર હેઠળ સતત રહેવા છતાં, કોઈ કૌંભાડની આંગળી તેમની સામે ચીંધી શકાઈ નથી. તેમનું જીવન યુદ્ધ અને ઉથલપાથલના સમયમાં વ્યતીત થયું હતું. તેમણે યુકેને યુરોપિયન યુનિયનનો હિસ્સો બનતા નિહાળ્યું તો તેમાંથી બહાર નીકળવા બ્રેક્ઝિટને પણ નિહાળ્યું. યુકેમાં મોટા ભાગના લોકો માટે તો તેઓ જાણતા હોય તેવા રાષ્ટ્રના એકમાત્ર વડા હતાં.
હું જ્યારે લંડન પહોંચી ત્યારે મને કહેવાયું હતું કે ફોરેન ઓફિસ પ્રોટોકોલ સાથે મારાં ક્રેડેન્શિયલ પેપર્સની નકલ રજૂ કરવા સાથે હું સામાન્યપણે કામકાજ કરી શકું છું. જે અન્ય હોદ્દાઓ પર મેં કામ કર્યું હતું તેનાથી આ તદ્દન અલગ હતું. સામાન્ય રીતે એમ્બેસેડર હેડ ઓફ સ્ટેટ સમક્ષ ક્રેડેન્શિયલ્સ-ઓળખત્રો રજૂ કર્યા પછી યજમાન સરકાર સાથે સત્તાવાર કામકાજ શરૂ કરી શકે છે. આમ ન થાય ત્યાં સુધી એમ્બેસેડર કે રાજદૂતને એમ્બેસેડર-ડેઝિગ્નેટ તરીકે ઓળખાવાય છે. રાજદ્વારીઓ જેને ‘પડદા’ તરીકે ઓળખાવે છે તેમાં રહે છે અને સત્તાવાર રાજદ્વારી કાર્યક્રમોમાં હાજર રહી શકતા નથી. મને સમજાવાયું હતું કે યુકેમાં ક્વીન ચોક્કસ સ્ટાઈલમાં ક્રેડેન્શિલ્સ રજૂ કરાય તે પસંદ કરે છે અને તેઓ દરેક એમ્બેસેડર સાથે સમય ગાળવાનું પણ પસંદ કરે છે. આનો અર્થ એ છે કે ઘણી વખત ક્રેડેન્શિયલ સમારંભો માટે મહિનાઓ સુધી રાહ જોવી પડે છે. મારાં લંડન પહોંચ્યાના એક મહિનાથી ઓછાં સમયમાં મને અને મારા પતિને ક્વીન દ્વારા બકિંગહામ પેલેસમાં આયોજિત ક્રિસમસ ડિનર માટે આમંત્રિત કરાયા હતા. એક પ્રોફેશનલ ડિપ્લોમેટ તરીકે મેં અન્યત્ર જે જોયું તેનાથી તદ્દન અલગ રીતે અમે બકિંગહામ પેલેસ પહોંચ્યા હતા, તેમની સમક્ષ ક્રેડેન્શિયલ્સરજૂ કર્યા વિના જ ક્વીન અને સાથે રહેલા રોયલ ફેમિલીના સભ્યો સાથે હસ્તધૂનન કર્યું હતું.
આ ડિનર સમયે જ મને સમજાયું હતું કે યુકેના લોકો શા માટે ક્વીનની સેવા અને કર્તવ્યભાવના વિશે વારંવાર ઉલ્લેખ કરે છે. આ ક્રિસમસ હોવાથી સ્વાભાવિક રીતે જ મહેમાનોની યાદીમાં વધુ નહિ તો, કેટલાક સો લોકોનો સમાવેશ કરાયો જ હશે. એમ્બેસેડર્સ પણ અલગ અલગ હોલ્સમાં હતા (મને લાગે છે કે પાંચ અથવા વધુ હોલ મહેમાનોથી ભરચક હતા). ડિપ્લોમેટિક મિશન્સના ડેપ્યુટીઝ અને સીનિયર રિપ્રેઝન્ટેટિવ્ઝ તેમજ મહેમાનોના અલગ જૂથોને પહેલા આમંત્રિત કરી દેવાયા હતા. મોટી સંખ્યામાં મહેમાનો હોવાં છતાં, ક્વીન અને પરિવારના સભ્યો પ્રત્યેક એમ્બેસેડર અને તેમના જીવનસાથી સાથે હસ્તધૂનન કરતાં હતાં અને તેમની સાથે એક-બે વાક્યોમાં વાતચીત પણ કરતાં હતાં. અમે રાહ જોઈ રહ્યા હતા અને મારાં તો પગ દુઃખવા લાગ્યા હતા અને ક્વીન મારી પાસેથી પસાર થઈ ગયાં પછી મારી સાડીના ફોલ્ડ-ગડીઓની પાછળ મેં ધીમેથી મારાં શૂઝ કાઢી લીધાં હતા. પરંતુ, ક્વીન તો લોકોની સાથે હાથ મિલાવવાની સાથે વાતચીત કરવા સાથે દરેક મીટિંગમાં પ્રફુલ્લિત અને આનંદિત જણાતાં હતાં. બકિંગહામ પેલેસની વાર્ષિક ગાર્ડન પાર્ટીમાં પણ મેં ક્વીનમાં એવી જ ઊર્જા અને પ્રતિબદ્ધતા અનુભવી હતી.
મેં માર્ચ 2019માં હર મેજેસ્ટી ક્વીન એલિઝાબેથ દ્વિતીય સમક્ષ મારાં ક્રેડેન્શિયલ્સ રજૂ કર્યા હતાં. યુકેમાં ક્રેડેન્શિયલ્સ સમારંભોમાં ભારે ધામધૂમ કે સજાવટ જોવાં મળે છે. ક્વીન સાથે મુલાકાત કરાવવા માટે એમ્બેસેડર અને તેમના જીવનસાથીને બકિંગહામ પેલેસ લઈ જવા માટે પેલેસથી ઘોડાગાડી-બગી આવે છે. એમ્બેસેડરને સાથ આપવા હેડ ઓફ પ્રોટોકલ સેરેમોનિયલ યુનિફોર્મમાં આવે છે. અન્ય ઘોડાગાડીમાં એમ્બેસેડરની સાથેના અધિકારીઓને લઈ જવાય છે. તેઓ બકિંગહામ પેલેસ તરફ જાય ત્યારે ભવ્ય સરઘસની માફક આગળ વધે છે. આસપાસ રહેલા લોકો અને મોટા ભાગે પર્યટકો હોય છે તેઓ આ સરઘસ તરફ હાથ હલાવી અભિવાદન પણ કરતા હોય છે. કદાચ તેમને બગીઓ કે ઘોડાગાડીઓમાં પ્રવાસ કરતા લોકો વિશે આશ્ચર્ય થતું હશે!
રાજાના દેશ-પ્રદેશો સિવાયના કોમનવેલ્થના સભ્યો સાથે વિશેષ વ્યવહાર કરવામાં આવે છે. (કોમનવેલ્થમાં રીઆલ્મ સોવરિન દેશો 15 છે જેઓ મોનાર્કને હેડ ઓફ સ્ટેટ તરીકે સ્વીકારે છે.) હાઈ કમિશનરો માટે ચાર અશ્વોથી ખેંચાતી બગી અને એમ્બેસેડર્સ માટે બે અશ્વોથી ખેંચાતી બગીનો ઉપયોગ થાય છે. ક્વીન દ્વારા કોમનવેલ્થ પ્રત્યે પોતાનું કમિટમેન્ટ દાખવવાનો એક માર્ગ છે.
મેં જે સાંભળ્યું હતું તેમ સાચી રીતે ક્વીન સમગ્ર સમારંભ દરમિયાન હળવાશપૂર્ણ અને જરા પણ ઉતાવળ વિનાના જણાયાં હતાં. ઘણા દેશોમાં ક્રેડેન્શિયલ્સ સમારંભોમાં એમ્બેસેડર્સ હેડ ઓફ સ્ટેટ માટે ગિફ્ટ લઈ જતા હોય તેવો રિવાજ છે. આ ગિફ્ટ અગાઉથી જ મોકલી દેવાય છે. યુકેમાં આવા રીતરિવાજનું ચૂસ્ત પાલન કરાતું નથી. મને કહેવામાં આવ્યું હતું કે ગિફ્ટ્સ અપેક્ષિત નથી.
જોકે, ભારતીય પરંપરાને અનુસરીને હું ક્વીન માટે સોફ્ટ લીલા રંગની સ્ટોલ-દુપટ્ટો લઈ ગઈ હતી. મારાં આનંદ વચ્ચે ક્વીન અમારા આદાનપ્રદાન પછી ગિફ્ટ તરફ ગયાં હતાં અને તેની સરાહના કરી હતી તેમજ તેની હુંફ અને નરમાશ વિશે ટીપ્પણી પણ કરી હતી. તેમની આ ચેષ્ટાએ તેમના સદાબહાર વિવેકનું દર્શન કરાવ્યું હતું.
વડા પ્રધાન મોદીએ યુકેના વડા પ્રધાન લિઝ સાથે ટેલિફોન પર ક્વીન એલિઝાબેથના નિધન સંદર્ભે ભારતની જનતા વતી શાહી પરિવાર અને બ્રિટનના લોકો માટે ઊંડી દિલસોજી વ્યક્ત કરી હતી. આંતરરાષ્ટ્રીય મીડિયામાં દિવંગત ક્વીનના શાસન અને સમગ્ર વિશ્વના લોકોમાં ઉમટેલી શોકાતુરતાના ભરપૂર અહેવાલો પ્રસિદ્ધ કરાયા છે. વિશ્વના કેટલાક વિસ્તારોમાંથી બ્રિટિશ સંસ્થાનવાદી શાસન દરમિયાન આચરાયેલી ક્રુરતા અને અત્યાચાર લોકોના દિલોદિમાગમાં તાજા છે તેના અહેવાલો પણ આવ્યા હતા. જેમાં કેન્યામાં માઉ માઉ ફ્રીડમ ફાઈટર્સ અથવા સાઉથ આફ્રિકામાં રંગભેદી શાસનને બ્રિટિશ સપોર્ટ સહિતનો સમાવેશ થાય છે.
ક્વીન એલિઝાબેથ દ્વિતીયે રાજગાદી સંભાળી તે પહેલા જ ભારત સ્વતંત્ર થયું હતું. પરંતુ, 1997માં જલિયાવાલાં બાગ સ્મારકની મુલાકાત વેળાએ જલિયાવાલાં બાગ હત્યાકાંડના વિક્ટિમ્સ પ્રત્યે સહાનુભૂતિ અથવા તે માટેની માફીના અભાવ અથવા તે સબબે ખેદ પણ વ્યક્ત ન કરાયો તે ભારતના લોકો તરફ બહુ મોટી ગફલત ગણી શકાય. તેમણે એક દિવસ અગાઉ બેન્ક્વેટ સંબોધનમાં આ ઘટનાને ‘અમારા ભૂતકાળના મુશ્કેલ પ્રકરણો’ના ‘પીડાદાયક ઉદાહરણ’ તરીકે વર્ણવી હતી.
તેમના નિધનથી બ્રિટને તેના સૌથી દીર્ઘ શાસન કરનારા મોનાર્કને ગુમાવ્યા છે.
તેઓના આત્માને ચિર શાંતિ પ્રદાન થાય.
(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારાં તેઓ માત્ર બીજાં મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.
Twitter: @RuchiGhanashyam)