ગુજરાત રસાયણ ઉદ્યોગના પિતાઃ ભાઈલાલભાઈ અમીન

Sunday 28th July 2019 07:33 EDT
 
 

અંગ્રેજ શાસનની ધીરે ધીરે ભારતીય ઉદ્યોગો બંધ થાય એવી નીતિને કારણ વણાટકામ, કાચ, કલાકારીગરી, નિર્ભર હસ્તઉદ્યોગ વણઝાર બધું પડી ભાગ્યું હતું. જૂની શરાફી પેઢીઓ ખોવાઈ ગઈ અને જગતશેઠ, નગરશેઠ બધું શબ્દોમાં જ રહ્યું હતું ત્યારે ૧૮૭૬માં ભાઈલાલભાઈ જન્મ્યા. હજી કોંગ્રેસને સ્થપાવામાં પૂરાં નવ વર્ષ બાકી હતાં.

આણંદ જિલ્લાના વીરસદના એ મૂળ વતની. જોકે, તેમનો જન્મ આણંદ મોસાળમાં થયેલો. ભાઈલાલભાઈ નડિયાદમાં ભણીને મેટ્રિક થયા. અમદાવાદ અને મુંબઈ ભણીને ૧૯૦૫માં બંગભંગની લડત વખતે કેમિસ્ટ્રી સાથે બી.એ. થયા. મુંબઈ ભણતા હતા ત્યારે જ તેમણે ફોઈના દીકરાઓ સાથે મળીને લખનૌ નજીક સુરોખાર બનાવવાની ફેક્ટરી નાખીને ઉદ્યોગપતિ થયેલા.
બી.એ.ની પરીક્ષા પછી અનુભવ માટે તે જમાનામાં ભારતમાં રસાયણશાસ્ત્રના ક્ષેત્રે નામાંકિત અને વડોદરાના સયાજીરાવ ગાયકવાડના માનીતા ત્રિભુવનદાસ ગજ્જરની ટેકનો-કેમિકલ લેબોરેટીમાં જોડાયા. તેમની સાથે કોટિ ભાસ્કર જે ખૂબ જાણીતા થયેલા તેઓ સહાધ્યાયી હતા. ત્રિભુવનદાસ ગજ્જરની પ્રેરણાથી તેમણે દવાઓ પેદા કરવા ફેક્ટરી નાંખવા વિચાર્યું. આ માટે ભાઈલાલભાઈએ એલેમ્બિક કેમિકલ કંપની બનાવી. સગાંસંબંધી અને મિત્રો ધનિક હોવાથી અને તેમને ભાઈલાલભાઈમાં વિશ્વાસ હોવાથી કંપનીમાં થોડાક જ વખતમાં પાંચ લાખનું શેરભંડોળ ભેગું થયું.
માત્ર પૈસા ભેગા કરીને કારખાનું બનાવવું સહેલું ન હતું, તે અંગેના યંત્રો વિદેશમાં જ બનતાં હતાં. તે માટે વિદેશમાં જ્યાં યંત્રો વપરાતાં હતાં તેવા કારખાનામાં જઈને, એનું કામકાજ જોઈને ઓર્ડર આપવા મિત્ર કોટિ ભાસ્કરને ઈંગ્લેન્ડ મોકલ્યા. આ માટે જમીન જોઈએ. ત્યારે વડોદરા રેલવે સ્ટેશનની પશ્ચિમનો વિસ્તાર ખાસ વિકસ્યો ન હતો. વળી રેલવે સ્ટેશન નજીક પડે તેથી કાચો માલ મંગાવવા અને તૈયાર માલ મોકલવા અનુકૂળ પડે તે રીતે મોટા પાયા પર જમીન ખરીદી. ૧૯૦૯ સુધીમાં મકાનો તૈયાર થયાં. બીજા વર્ષે કોટિ ભાસ્કર યંત્રો ખરીદીને પાછા આવ્યા. કોટિ ભાસ્કરને ટીબી થતાં થોડાક વખતમાં અવસાન થયું. ભાઈલાલભાઈને આઘાત લાગ્યો.
આવા વખતે ત્રિભુવનદાસ ગજ્જરે સાથ આપ્યો. દવાઓનું ઉત્પાદન શરૂ થયું. એવામાં પ્રથમ વિશ્વયુદ્ધ થતાં જર્મન સબમરીનોએ સ્ટીમરો ડુબાડવાનું શરૂ કરતાં પરદેશથી આવતી દવાઓ બંધ થઇ અને એલેમ્બિકમાં બનતી દવાઓની માંગ વધી. ઉત્પાદન કરતાં માગ વધતાં એલેમ્બિક આર્થિક રીતે સમૃદ્ધ બની. એનો નફો વધતો ગયો. ભાઈલાલભાઈએ દીકરાઓને ધ્યાનમાં રાખીને ભણાવ્યા જેથી તે સારો વહીવટ ચલાવી શકે. દીકરાઓ પરદેશથી ઘણું શીખી લાવતાં વિકાસ વધ્યો.
ભાઈલાલભાઈએ આર્થિક રીતે નચિંત બનતાં, વિવિધ જાહેર પ્રવૃત્તિઓમાં ઝંપલાવ્યું. ધંધા-રોજગાર અંગે પડતી મુશ્કેલીઓ અંગે સરકારમાં રજૂઆત કરી. તે અંગે અભ્યાસપૂર્ણ લેખો લખ્યા. આથી બીજા ઉદ્યોગપતિઓને ઉપયોગી માહિતી મળે. તેમની ઈચ્છા દેશમાં ધંધા-ઉદ્યોગો અને રોજગારી વધે તેવી હતી. તેમની પાસે મદદ કે માર્ગદર્શન માટે આવનાર નવસાહસિક જરૂર કંઈક પામતા. એલેમ્બિકની વિવિધ શાખાઓ ખુલી. તે અરસામાં ઈગ્લેન્ડથી ભણીને ભારત આવેલા કરમસદના અંબાલાલ જીવાભાઈ પટેલને અમદાવાદમાં મિલોના સ્પેરપાર્ટ્સ બનાવવા કારખાનું કરવું હતું. એમની સ્વદેશી હિલ્ડ એન્ડ રીડ કંપનીમાં તે ભાગીદાર થયા. ભાઈલાલભાઈની વ્યવસાયિક કુનેહ અને અંબાલાલના અનુભવના સુમેળે અઢળક કમાણી થઈ.
ભાઈલાલભાઈ બરોડા સ્ટેટ ઈન્ડસ્ટ્રીઝના મંત્રી અને પછીથી પ્રમુખ ચૂંટાયેલા. મુંબઈ રાજ્યના ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ અને સમગ્ર ભારતના મેન્યુફેક્ચર્સ એસોસિએશનના ઉપપ્રમુખ ચૂંટાયા હતા. તેમને શિક્ષણમાં રસ હતો. ચરોતર એજ્યુકેશન સોસાયટી એમના પ્રમુખપદે ખુબ વિક્સી. વડોદરા પાટીદાર છાત્રાલયને ૧૦ હજાર રૂપિયા અને પેટલાદ કોલેજને ૨૫ હજાર, વીરસદ પ્રાથમિક શાળાના મકાન માટે ૩૦ હજાર રૂપિયા તેમણે દાનમાં આપેલા. રૂપિયાની કિંમત આજના કરતાં ૫૫થી ૬૦ ગણી હતી ત્યારના એ દાન. આઠ લાખ રૂપિયા રોકીને તેમણે ભાઈલાલભાઈ અમીન ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરેલી. જેમાંથી આરોગ્યવિષયક પ્રવૃત્તિઓ થઈ શકે અને જરૂરતમંદ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળી શકે.
રસાયણઉદ્યોગના પિતા ભાઈલાલભાઈ અમીન આમ ગુજરાતના વિકાસના સ્વપ્નદૃષ્ટા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter