હું ગત સપ્તાહે કિડનીમાં પીડાકારી પથરીનો સામનો કરતો NHS નો મહેમાન રહ્યો હતો. કન્સલ્ટન્ટનું કહેવું હતું કે પથરીનો દુઃખાવો બાળકને જન્મ આપવા કે હાર્ટ એટેકના દુઃખાવાથી પણ ખરાબ રહે છે. મને વોટફર્ડ જનરલ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સ સર્વિસ, એક્સિડન્ટ્સ એન્ડ ઈમર્જન્સી (A&E) સર્વિસ, મેડિકલ સારસંભાળ અને વહીવટીતંત્રનો પૂરતો અનુભવ મળ્યો હતો. જેના પરિણામે, હું આ આર્ટિકલ લખવા પ્રેરાયો છું.
હું એ બધા પેરામેડિક્સને સલામ કરું છું જેમણે ઘરમાં મારી તપાસ કરી હતી અને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવાનો નિર્ણય કર્યો હતો, એમ્બ્યુલન્સમાં જવાનો આ મારો આ પ્રથમ અનુભવ હતો. A&Eનો અનુભવ ખરે જ પડકારરૂપ અને કેટલાક અંશે અરાજક રહ્યો. તમારે કલાકો રાહ જોતા બેસી રહેવાનું થાય અને કોઈના મારફત તમને અપડેટ આપવામાં ન આવે. બેસવાની વ્યવસ્થા જરા પણ આરામપ્રદ ન હતી અને શું થઈ રહ્યું છે તેના વિશે કોઈને જાણકારી પણ ન હતી.
એક વખત તમે A&Eમાંથી પસાર થઈ જાઓ પછી, તમારી તબીબી સારસંભાળ અને અપાતું ધ્યાન ખરેખર કાબિલેદાદ કહી શકાય. આમાં તમે કોઈ ખોડ કાઢી શકો નહિ. પરીક્ષણો, કન્સલ્ટેશન્સ, વોર્ડ સર્વિસ અને આપવામાં આવતી નર્સિંગ સારસંભાળ સંપૂર્ણપણે ગાઢ સંભાળ અને ધ્યાન સાથેની હતી. લાંગ્લી વોર્ડમાં અપાયેલી તમામ પ્રકારની નર્સિંગ સારસંભાળથી તેમજ કન્સલ્ટન્ટ્સ અને ડોક્ટર્સથી હું ભારે પ્રભાવિત થયો હતો. આપણે તો એ બાબતે ગૌરવ અનુભવી શકીએ કે NHS આવી સેવા આપી શકે છે, મેં ભૂતકાળમાં પ્રાઈવેટ મેડિકલ સર્વિસના અનુભવો મેળવ્યા છે પરંતુ, NHS પણ કોઈ રીતે ઉતરતી નથી. આપણા NHS મેડિકલ લોકો આપણા માટે જે પ્રકારે સખત મહેનત કરી રહ્યા છે તે બદલ હું તેમને સલામ કરું છું.
NHSનો વહીવટ– સંચાલન કરી રીતે કરાય છે તેની જટિલતાઓ કે માયાજાળ વિશે બધું જાણતો હોવાનો દાવો હું કરી શકતો નથી પરંતુ, એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, બિઝનેસમેન અને લંડન ચેમ્બરના પૂર્વ ચેરમેન તરીકે આપણી NHSમાં કઈ બાબતો યોગ્ય નથી તે બાબતે મારા પોતાના નિરીક્ષણો પર ટીપ્પણીઓ કરવા જેટલી લાયકાત ધરાવતો હોવાનું અવશ્ય માનું છું. આ બધી બાબતો જ NHSની અકાર્યક્ષમતાઓ, વધેલા ખર્ચાઓ તેમજ લાંબી કતારો તરફ દોરી જાય છે. એમ લાગે છે કે આપણી NHSમાં વહીવટ અને સિસ્ટમ્સ બાબતે ખરેખર કેટલાક ફેરફાર કરવા જરૂરી જણાય છે. હું કેટલાક નિરીક્ષણો વ્યક્ત કરું છું.
A&Eનો વહીવટ અને પ્રોસેસિંગ ખરેખર સુધારી શકાય તેમ છે. જે લોકો રાહ જોતા બેસી રહ્યા હોય તેમને નિયમિત એપડેટ્સ અપાતા રહેવા જોઈએ જેથી તેમનું રાહ જોવાનું સહ્ય બને, જેવી રીતે ચોક્કસ ફોન લાઈન્સ પર આપણે લાંબી રાહ જોવી પડે છે. તેઓ તમને જણાવે છે કે તમે લાઈનમાં કયા સ્થળે છો અને તમારે હજુ કેટલો સમય રાહ જોવાની રહેશે. A&Eની ટીમે પેશન્ટ્સને કસ્ટમર્સ તરીકે નિહાળવા જોઈએ અને સ્વીકારવું જોઈએ કે આ લોકો માત્ર વાસ્તવિક જરૂરતના કારણે જ અહીં આવ્યા છે.
મારી સારવારની વાત કરું તો, મેં NHSની પથારીના 2 દિવસ બચાવી લીધા હોત, માત્ર સારા, યોગ્ય પ્રોસેસિંગની જ જરૂર હતી. આ બે દિવસ અમૂલ્ય હતા જેનો ઉપયોગ રાહ જોઈ રહેલા પેશન્ટ્સ કરી શક્યા હોત.કન્સલ્ટન્ટ્સ અને ડોક્ટર્સ અને વોર્ડ સ્ટાફ વચ્ચે કોમ્યુનિકેશન્સ અને આદાનપ્રદાનને પણ સારી રીતે સુધારી શકાય તેમ છે. મારા પર દેખરેખ રાખતી અને મારી સાથે વાત કરતી નર્સ ચોક્કસ સ્તર સુધી નિર્ણયો લઈ શકે તેટલી ઘણી અનુભવી અને સક્ષમ હતી. મને યાદ આવે છે કે સતત પાછળ પડવા છતાં, ડોક્ટર્સ પાસેથી તેમને ઝડપી પ્રતિભાવો મળતા ન હતા. તેમના કહેવા અનુસાર દેખીતી રીતે જ આ તો રોજની વાત હતી.
અસરકારક કોમ્યુનિકેશનના અભાવનો અર્થ એવો થયો કે ઘેર જવાની મારી તૈયારી હોવા બાબતે હું અને સિસ્ટર નર્સ સંમત હોવાં છતાં, મને ડિસ્ચાર્જ મળી શક્યો નહિ. જ્યાં સુધી ડોક્ટર સ્પષ્ટ રજા ન આપે અને ફાર્મસી દ્વારા મેડિસિન્સ ન અપાય ત્યાં સુધી સિસ્ટર મને ડિસ્ચાર્જ કરી શકે નહિ. આ બે બાબતો હું કોઈ કારણ વિના હોસ્પિટલની બેડ પર કબજો જાળવી રાખું તેના યોગ્ય કારણ હોઈ શકે નહિ. આધુનિક ટેકનોલોજી અને વોર્ડ સ્ટાફની ક્ષમતાની સાથે કોઈ પેશન્ટને ડિસ્ચાર્જ કરી શકાય અને ઈમેઈલ મારફત રીલિઝ ઓર્ડર આપી શકાય તેમજ મેડિસિન્સ પાછળથી પણ મેળવી શકાય અથવા મારા નોમિનેટેડ સ્થાનિક ફાર્માસિસ્ટને દવાઓની યાદી મોકલી શકાય.
મારા વોર્ડમાં એડવાન્સ્ડ ડિમેન્શીઆ સાથેના એક પેશન્ટ હતા, જેઓ ખાસ કરીને, રાત્રિના સમયે ભારે તોફાની, અવાજની ખલેલ અને હિંસક વર્તનવાળા બની જતા હતા. તેમણે વોર્ડ સ્ટાફ અને સ્પેશિયાલિસ્ટ સ્ટાફ સાથે ગમે તેવું વર્તન કરી શારીરિક રીતે નુકસાન પણ પહોંચાડ્યું હતું. અન્ય કોઈ લોકો સુઈ શકતા નહિ. એ વાત સાચી કે ડિમેન્શીઆના પેશન્ટને તે શું કરી રહ્યા છે તેની જાણ ન હોય. તેમની પત્નીને ‘ચોરી જવા’ બદલે તેમણે મારા અંગૂઠા ખેંચવા સાથે હુમલો પણ કર્યો હતો! હું જ્યારે પણ જાગતો હોઉ ત્યારે વોર્ડની ટીમ દ્વારા લેવાતી વિશેષ સારસંભાળ, સારવાર અને અપાતાં ધ્યાનનું નિરીક્ષણ કરતો રહેતો હતો. વાસ્તવમાં આ ખરે જ નોંધપાત્ર બાબત હતી અને આટલા પ્રેમાળ લોકો આપણા જીવનમાં અસ્તિત્વ ધરાવે છે અને આપણી NHSમાં કાર્યરત છે તે બાબતે મને ભારે ગર્વ થયો હતો. મારે એ પણ કહેવું જોઈએ કે ખોરાકની પસંદગી અને ગુણવત્તા ખરેખર સારી અને સ્વીકાર્ય હતી.
આપણી NHS ખરેખર અદ્ભૂત સંપત્તિ છે અને આપણે તેને જાળવવી જ જોઈએ. જોકે, NHSના વહીવટકારો તરફથી ઉત્પાદકતા અને ઉત્તરદાયિત્વ અભિયાન ચલાવવાની જરૂર છે. આવા સુધારાઓના પરિણામે, વેઈટિંગ લિસ્ટ્સ તેમજ NHSના ખર્ચાઓ ઘટાડી શકાશે. સીનિયર સ્ટાફના માટે ઓથોરિટી સ્તરે ફેરફારો કરવાથી તેઓ ચોક્કસ પ્રકારે નિર્ણયો લઈ શકશે અને સારવાર પરિપૂર્ણ થઈ ગઈ હોય તેવા પેશન્ટ્સને વેળાસર રજા આપી શકશે.
(લેખક ICAEWના આઉટસ્ટેન્ડિંગ એચિવમેન્ટ એવોર્ડ 2021ના વિજેતા, ચેરિટી ક્લેરિટીના સ્થાપક ચેરમેન, એટલી સેન્ટર ફોર યૂથ્સ અને મૂર પાર્ક (૧૯૫૮) લિમિટેડના ચેરમેન તેમજ લંડન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વાઈસ પ્રેસિડેન્ટ અને પૂર્વ અધ્યક્ષ છે)