ઘર દીવડાં - લંડનમાં લીલેરી લાગણીના લ્હેરીલાલા ભાનુભાઇની દાસ્તાન

-જ્યોત્સના શાહ Wednesday 09th June 2021 06:06 EDT
 
 

હરતા-ફરતા, હાલતા-ચાલતા જેમની વાણીમાં હાસ્યના ફૂવારા ઉડે એવો જાદુ. સ્ટેજ પર એન્ટ્રી થતા જ હોલ ખડખડાટ હાસ્યથી ગૂંજી ઉઠે એવા ભાનુશંકર પંડ્યા મનોરંજન જગતના બેતાજ બાદશાહ છે. સાહિત્યકાર-નાટ્યકાર મધુ રાય કહે છે એમ ભાનુભાઇમાં કઇક એવું કેમિકલ છે કે એમને જોતાવેંત સ્નેહ જાગે! એ સ્નેહ -કેમિકલ સામેવાળામાં પણ એવું કેમિકલ પેદા કરે કે એને ભાનુભાઇની મશ્કરી કરવાનું મન થઇ જાય! એમના માથે ટાલ એટલે ટાલવાળા સાથે સારો તાલમેલ! એમને મળો તો તમને એવું લાગે કે આ માણસને તો હું કંઈ કેટલાય વર્ષોથી ઓળખું છું. હાસ્યકાર તરીકે એમની તીરછી નજર માનવ સ્વભાવની વિસંગતિ, નબળાઇ કે મૂર્ખાઇમાંથી…જોક્સ શોધી આગવી ઢબથી એની રજુઆત કરી હાસ્ય રેલાવતા જ રહે!
આ ભાનુશંકર મણીશંકર પંડ્યા સાથેની અમારી ઓળખાણ મારા હસબન્ડ ડી.આર.ની ૧૯૮૨ નવેમ્બરમાં લંડનની બેંક ઓફ બરોડામાં બદલી થઇ ત્યારથી છે. અમે નવા નવા લંડન આવ્યા ત્યારે આપેલ હૂંફ ક્યારેય ન વિસરાય. એ અમારા જીગરી અને અમે એમના જીગરી. દોસ્તી નિભાવવામાં એમનો કોઇ જોટો નહિ.
પોતે દુ:ખોથી ઘેરાયેલા હોય પરંતુ સદાય સૌને હસાવવાનું એમનું મિશન. એ માત્ર સ્ટેજના જ વ્યક્તિ નહિ પરંતુ દિલના દિલદાર, માયાળુ,, સંવેદનાસભર ચરોતરી ભોળા બ્રાહ્મણ શિવજીના ભગત પણ સર્વ ધર્મ પ્રત્યે સન્માનભાવ પણ ખરો જ.
ભાનુભાઇને નાટકમાં અભિનય કરતા જોયા, સભા ગજવતા જોયા, હળવી શૈલીમાં જોક્સ કરતા સાંભળ્યા પરંતુ એમના જીવન વિષે જાણો છો? એ કોઇ સેલીબ્રીટી નથી પણ એમનું સ્ટેટસ એનાથી કમ નથી!
૧૯૩૯ની સાલમાં નૈરોબી-કેન્યામાં એમનો જન્મ.  પિતા મણીશંકર અને માતા નર્મદાબહેન. બીજા વિશ્વયુધ્ધનોએ ગાળો એટલે પિતાએ છ વર્ષના ભાનુભાઇને અને એમના મોટાભાઇને નૈરોબીથી વતન મહેમદાવાદ મોકલી દીધાં. શેઠ સોનાવાલા સ્કુલમાં દાખલ થયા. તેઓ પોતે જે કાઇ છે એમાં શિક્ષકોનો મોટો  ફાળો હોવાનું સ્વીકારે છે. સ્કુલમાં શિક્ષણ ઉપરાંતની ઇતર પ્રવૃત્તિઓમાં સ્કાઉટ, ડ્રીલ્સ, કવિતા-વાર્તા પઠન, આનંદ મેળા, મીની ઓલિમ્પિક્સ, પગપાળા પ્રવાસ,લેઝિમની તાલીમ વગેરે વગેરે ...૧૪ વર્ષની વયે હિંદીમાં પહેલું નાટક "સાલગિરાહ"માં ભાગ લીધો. બાળપણમાં સીંચાયેલ આ સંસ્કારો જીવનના આઠ દાયકા વીત્યાં છતાં અકબંધ રહ્યા છે.
નૈરોબીમાં પિતાનો  કૃષ્ણ મિલ્ક ડેપો હતો જે આજે ઓરીએન્ટલ ડેરી ઓફ કેન્યા - નેશનલ ડેરી બની ગઇ છે. નૈરોબીમાં   પિતા અઢળક કમાયા પરંતુ બધું મૂકી દેશમાં જતા રહ્યા. દેશમાં ગયા પછી પરિસ્થિતિ એટલી હદે ખરાબ થઇ ગઇ કે પત્નીના ઘરેણાં ગીરવે મૂકી ખાવાનો સમય આવી ગયો. ભાનુભાઇના ૧૧ ભાઇબહેનો. પિતાને એમ કે ભાનુ અને એમનો મોટો દિકરો જગદીશ નૈરોબી જાય, કમાય ને ઘેર પૈસા મોકલે. ૧૮ વર્ષની વયે ભાનુભાઇ મેટ્રીક પાસ કરી નૈરોબી આવ્યા.
એ વખતે બ્રિટિશરોનું રાજ હતું. કેટલીય નાની મોટી નોકરીઓ કરી ભારે સંઘર્ષ વેઠ્યો. નૈરોબીના સેવાદળમાં જોડાઇ સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય થયા. યેનકેન પ્રકારેણ પ્રવેશ પરીક્ષા પાસ કરી બેંક ઓફ બરોડામાં નોકરી મેળવી. ભદ્રા નામની યુવતિ સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા. દરમિયાન કેન્યા ૧૯૬૩માં આઝાદ થયું.  એ વખતે ભાનુભાઇ, ભદ્રાબહેન અને એમની ત્રણ મહિનાની દિકરીને લઇ લંડન સ્થાયી થવા આવ્યા. અહિ ફરી બેંક ઓફ બરોડામાં જોબ મળી અને મેનેજર પદ સુધી પહોંચ્યા. "ગુજરાત સમાચાર"ના તંત્રીશ્રી સી.બી. પટેલે એમને માર્કેટીંગની જોબ ઓફર કરી. પાંચેક વર્ષ માર્કેટીંગ કર્યું. ગુજરાતસમાચારના શુભારંભથી ભાનુભાઇ એના વાચક રહ્યા છે અને તંત્રીશ્રી સી.બી. સાથે વર્ષોથી ઘરોબો રહ્યો છે. “ગુજરાત સમાચાર"ના ૫૦મા વર્ષના મંગળ પ્રવેશે શ્રી ભાનુભાઇ, ભદ્રાબહેન અને પરિવાર ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે..
૧૯૯૫થી નિવૃત્ત થઇ સામાજિક, સાહિત્યિક અને કલા પ્રવૃત્તિઓમાં વધુ પ્રવૃત્ત થયા. નાટ્યકારો જયંત ભટ્ટ, બિમલ માંગલિયા અને પ્રતિમા ટી., મધુ રાય તેમજ ભારતીય વિદ્યા ભવનના નાટકોમાં ભાગ લઇ અભિનયના ઓજસ પાથર્યા છે.
કવિશ્રી ડાહ્યાભાઇ સાથે સાહિત્યિના કાર્યક્રમોનું સંચાલન કર્યું. મહાત્મા ગાંધી ફાઉન્ડેશન, સરદાર મેમોરીયલ સમિતિ વગેરે સંસ્થાઓમાં સેક્રેટરી પદેથી સેવા આપી. અનેક સંસ્થાઓમાં વોલંટીયરી સેવાકાર્ય તો ચાલુ જ છે.
એમનું ડેવનશાયર, હેરોનું મકાન તો મીની થીયેટર બની ગયું હતું.  મોટાગજાના ભલભલા કલાકારો ને સાહિત્યકારોના કાર્યક્રમો એમને ત્યાં યોજાયા છે. જાણિતી સંગીત બેલડી મહેશ-નીતુ ગઢવીના તો સાતસો જેટલા કાર્યક્રમોમાં સંચાલન કર્યું છે. એમના મહેમાનોમાં અવિનાશ વ્યાસથી લઇને ગુલામ અલી, બિસમિલ્લાહ ખાં,  પં. રવિશંકર,  પં.હરિપ્રસાદ ચૌરસિયા, ઝાકીર હુસેન, અનુપ જલોટા, કૌમુદીબેન મુન્શી, આશીત-હેમા દેસાઇ, ગાયિકા રાજકુમારી,ડો.સુરેશ દલાલ, ઉત્પલ ભાયાણી, મનુભાઇ પંચોળી 'દર્શક", હરિવલ્લભ ભાયાણી, માધવ રામાનુજ, જે.ડી., આતશ કાપડીયા, પત્રકાર કેતન મહેતા,  વગેરે વગેરે ...નો સમાવેશ થાય છે.  મહેમાનોને લંડન સહિત લેસ્ટર, બર્મિંગહામ, માંચેસ્ટર, બોલ્ટન વગેરે શહેરોમાં પોતાની કારમાં બેસાડી ફેરવે. ગાઇડની ભૂમિકા ય ભજવે. એક ઓલિયા જ જોઇ લો!  પાઇની પેદાશ નહિ ને ઘડીની ફુરસદ નહિ જેવો એમનો કારભાર.  હાથમાં નાણાં હોય કે ન હોય સ્વ ખર્ચે બધાંને બિન્દાસ બની ફેરવે. ભારતથી આવનાર કલાકાર ભાનુભાઇને ના મળે તો એનો પ્રવાસ સાર્થક થયો ન ગણાય. ધન્ય છે ભારતીય નારી ભદ્રાબહેનને જેણે લાંબા કલાકો કામ કરી કુટુંબનું અને મહેમાનોનું જતન કર્યું છે.
સંગીત ક્ષેત્રના જેટલા નામી-અનામી કલાકારો લંડનમાં આવે એમને ઘેર ઘેર લઇ જઇ ગવડાવવાના અને બને એટલા કાર્યક્રમો યોજવાના જેથી એ કલાકારોને બે પૈસા મળે. હેરોના ઘરડાં ઘરોમાં વિના મૂલ્યે જોકસ કહેવા જવાનું ને વડિલોનું મનોરંજન કરાવવાનું. લેડીઝ ક્લબમાં સેવા આપવાની. આડોશ-પાડોશમાં રહેતા વડિલોની દેખરેખ રાખવાની. ગાડી વિહિનોને લીફ્ટ આપવાની..જેનું કોઇ નહિ એનો હાથ ભાનુભાઇ ઝાલે. એમના જીવનની રોમાંચક વાતોના તો પાનાં ને પાનાં ભરાય.
 તેમની આ લાક્ષણિકતાનો ખુલાસો કરતા કહે છે, શાળા જીવન દરમિયાન સ્કાઉટમાં દિવસમાં એક ભલી પ્રવૃત્તિ કરવાની રહેતી  એ જીવન  સાથે વણાઇ ગઇ છે.
 બેકારીના કપરા સમયમાં પત્ની ભદ્રાબહેનના સાથની સરાહના કરતા ભાનુભાઇ કહે છે કે, એને કારણે જ જીવનની લીલી-સૂકીમાં હું જીવનનો જંગ લડી શક્યો. સમાપનમાં નીચેની પંક્તિઓ દોહરાવી હાસ્ય રેલાવતા વિરમે છે ભાનુભાઇ.
“ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે,
ગણ્યું જે પ્યારું પ્રાણ પ્યારાએ , એ અતિ પ્યારું ગણી લેજે. …
દુનિયાની જુઠી વાણી વિષે, જો દુ:ખ વાસે તો,
જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે. - બાલાશંકર કંથારિયા


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter