ગુજરાત પ્રવાસમાં ગમતાંનો કર્યો ગુલાલ

સી.બી.પટેલ Thursday 09th March 2023 00:02 EST
 
 

વડીલો સહિત સૌ વાચકમિત્રો, ઠીક ઠીક સમય પછી આપણે ફરી મળી રહ્યા છીએ. આપ સહુ સમક્ષની મારી ઉપસ્થિતિને મેં હંમેશા મારું સદભાગ્ય સમજ્યું છે, પરંતુ જ્ઞાનયજ્ઞ - સેવાયજ્ઞ સાથે સંકળાયેલા કાર્યોમાં એક યા બીજા પ્રકારે વ્યસ્તતાના કારણોસર કોલમલેખનમાં અગાઉ જેવી નિયમિતતા જળવાતી નથી તે મારે સ્વીકારવું જ રહ્યું. સાચું કહું તો આ સમય પણ એવી ‘ચીજ’ છે ને કે ક્યાં વહી જાય છે તે ખબર જ પડતી નથી.
કલમ થકી અને આ કોલમના માધ્યમથી આપને મળ્યાને લગભગ ચારેક મહિનાનો સમય વીતી ગયો છે. અલબત્ત, આપનામાંથી ઘણાને એક યા બીજા પ્રસંગે રૂબરૂ મળવાનું બનતું રહે છે, અને દરેક વખતે એક યા બીજા સ્વરૂપે પ્રશ્નો પૂછાતા રહે છેઃ ‘સી.બી. આજકાલ ક્યાં છો? અહીં હાજર છો પણ ‘ગુજરાત સમાચાર’માં કેમ ગેરહાજર છો?!’ સાચું કહું તો આપની આ લાગણી, પ્રેમભરી ઉલટતપાસ જ બંદાની બેટરી ચાર્જ કરતી રહે છે ને આ ઉંમરે ય મને ધબકતો અને ચેતનવંતો રાખે છે.
વીતેલા સમયનો હિસાબ આપું તો... આ દિવસોમાં બ્રિટનમાં તો ફરતો જ રહ્યો છું, પણ બે મહિનામાં બે વખત ભારત પણ આંટો મારી આવ્યો. પહેલી વાર ભારત સરકારના આમંત્રણથી અને બીજી વાર સ્વજનોનાના આમંત્રણથી. મધ્ય પ્રદેશના ઇન્દોરમાં આપણા મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂજીના હસ્તે પ્રવાસી ભારતીય સન્માન સ્વીકારવાનું અહોભાગ્ય સાંપડયું. બહુ જ ટૂંકો, પણ અતિશય વ્યસ્ત પ્રવાસ. જોકે સાચું કહું તો બહુ મજા પણ આવી. દેશવિદેશના મહાનુભાવોને એક સાથે મળવાનો, તેમની સાથે વિચારોનું આદાન-પ્રદાન કરવાનો, તેમનો દૃષ્ટિકોણ સમજવાનો અવસર બહુ ઓછા લોકોને મળતો હોય છે. હું બડભાગી કે મને આવો મોકો મળ્યો.
 વતનનો બીજો પ્રવાસ તો હમણાં જ પૂરો કર્યો, અને તે પણ ગુજરાતનો... ગઇકાલે - ગુરુવારે જ લંડન પાછો ફર્યો છું, અને શુક્રવારે આ લખાઇ રહ્યું છે. શરીરમાં હજુ થોડોક થાકોડો અને સુસ્તી વર્તાય છે, પરંતુ આપ સહુને મળવાનો ઉમંગ મને આ લખવા માટે પ્રેરી રહ્યો છે એમ કહું તો તેમાં લગારેય અતિશ્યોક્તિ ન સમજશો. દિલમાં એમ પણ ખરું કે આપ સહુને વતનપ્રવાસથી માહિતગાર કરું. કારણમાત્ર એટલું જ કે આપ સહુ વાચકો થકી આ ‘ગુજરાત સમાચાર’ છે અને આ ‘ગુજરાત સમાચાર’ છે તો જ્ઞાનયજ્ઞ - સેવાયજ્ઞની જ્યોત સમાજમાં ઉજાસ પાથરી રહી છે.
ખેર, મૂળ વાત પર પરત ફરું તો... બે જ મહિનામાં બે ભારત પ્રવાસ કર્યા, પણ બન્ને એકમેકથી તદ્દન વિપરિત. આ બન્ને પ્રવાસની આમ તો સરખામણી ના થઇ શકે, છતાં કહેવું જ હોય તો કહી શકાય કે પહેલા પ્રવાસમાં સન્માન હતું તો આ બીજા પ્રવાસમાં સ્વજનોનો સંગાથ હતો. પહેલા પ્રવાસમાં બધું ઘડિયાળના કાંટે ચાલતું હતું, તો બીજામાં મોકળાશ જ મોકળાશ હતી.
વતનપ્રવાસની આ જ તો મજા છેને. આપણને ગમતાં, અને આપણે જેમને ગમતાં હોઇએ તેવા, સગાંસ્વજનોને હળવાનું - મળવાનું ને સેરસપાટાં કરવાનાં. બસ, મેં પણ આ જ કર્યું. સહુને હળ્યો-મળ્યો ને મજેથી વાતુંના વડાં કર્યા. અને, જરાય મીઠું-મરચું ઉમેર્યા વગર કહું તો, બત્રીસ જાતનાં પકવાને ય માણ્યાં! પણ માપમાં. આપણા જીભના ચટાકા સંતોષવામાં ‘પરમ મિત્ર’ (ડાયાબિટીસ) પ્રત્યે લાપરવાહ થઇ જઇએ એવું તો કેમનું ચાલે? વાચક મિત્રો, આપ સહુ જાણો છો એમ લંડનમાં હોઉં કે ભાદરણમાં, મારું તો એક જ જીવનસૂત્ર રહ્યું છેઃ આપણું આરોગ્ય આપણા હાથમાં.
અમદાવાદ પહોંચતા જ કાર્યાલયના સાથી મિત્રોને જણાવી દીધું હતું કે તમે તમારું કામ કરતા રહો, હું મારું કામ કરતો રહીશ. એક જાણીતી કવિતાની પંક્તિ છેને... ‘હું તો બસ ફરવા આવ્યો છું... હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું?’ સમજોને, બસ કંઇક આવો જ મારો સંદેશ હતો.
ગુજરાત પ્રવાસના આરંભે જ પાવાગઢ પર બિરાજમાન મહાકાળી માતના દર્શન-પૂજનનું સદભાગ્ય સાંપડ્યું. પ્રસંગ હતો ધ્વજારોહણનો અને યજમાન હતા આપણા સહુના જાણીતા-માનીતા કોકિલાબહેનનો પરિવાર. ‘અમારો સંઘ’ એટલે કે હું અને મારા સંગાથીઓ બહેન કલ્પના, બનેવી સુભાષભાઇ, પ્રવીણાબહેન, અમદાવાદ ઓફિસના ઓપરેશન્સ મેનેજર શ્રીજીત રાજન્ તો રોપ-વેમાં બેસીને પાવાગઢની ટોચે પહોંચ્યા હતા, પરંતુ કોકિલાબહેનના પુત્ર જિગરભાઇ તો માથે ધ્વજાજી મૂકીને પગપાળા પાવાગઢ ચઢ્યા હતા. જાણે ભક્તિ - શક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણીસંગમ રચાયો હતો.
વર્ષોથી મારી ઇચ્છા હતી કે એક વખત મહાશિવરાત્રીનું મહાપર્વ ભાદરણમાં બિરાજતા મારા આરાધ્ય દેવ મહાકાલેશ્વરના ચરણોમાં મનાવવું છે. આપણી ઇચ્છાઓ તો અનેક હોય છે, પરંતુ તે સાકાર તો ત્યારે જ થતી હોય છે જ્યારે પરમ કૃપાળુના આશીર્વચન મળે. મારા પર પણ આ વર્ષે દેવાધિદેવની કૃપા વરસી. મહાશિવરાત્રીનું પર્વ મહાકાલેશ્વરના સાંનિધ્યમાં વિતાવ્યું. વર્ષોજૂના ક્રમ અનુસાર, બપોર સુધી મૌન પાળ્યું, અને બપોર પછીનો સમય મહાકાલના દરબારમાં હાજરી આપી. આ પ્રસંગે સ્થાનિક આગેવાનોને મળવાનો અવસર પણ મળ્યો. આ આયોજનનો જશ આપવો રહ્યો મારા ભત્રીજા અને ઓવરસીઝ ફ્રેન્ડઝ ઓફ બીજેપી - યુકેના મેમ્બર મયંક પટેલને.
તસવીરમાં આપ સહુ જોઇ શકો છો કે ઇલેષભાઇ પટેલ (સભ્ય - ભાદરણ પંચાયત), શૈલેષ પટેલ (પીએસઆઇ - ભાદરણ), વિજયસિંહ રાજ (પ્રમુખ - બોરસદ તાલુકા ભાજપ), નીલેશભાઇ પટેલ (સભ્ય - ભાદરણ પંચાયત), મયંકભાઇ પટેલ, સુભાષભાઇ પટેલ, દિયોરાસાહેબ (ડીવાયએસપી - પેટલાદ ડિવિઝન), રમણભાઇ સોલંકી (ધારાસભ્ય - બોરસદ અને વિધાનસભામાં નાયબ દંડક), મગનભાઇ પટેલ (સર્કલ ઇન્સપેક્ટર) નજરે પડે છે.
ભાદરણથી અમદાવાદ પરત ફર્યો અને એક અનોખા લોકાર્પણના સાક્ષી બનવાનો અવસર મળ્યો. અમદાવાદમાં ભારતીય વિદ્યા ભવનમાં વરિષ્ઠ પત્રકાર - તંત્રી કાંતિ ભટ્ટની સ્મૃતિમાં અદ્ભૂત સ્મારક સાકાર થયું છે. આપ સહુ જાણો છો તેમ કાંતિ ભટ્ટ - શીલા ભટ્ટ દંપતીનો આપણા ‘ગુજરાત સમાચાર’ સાથે અનોખો નાતો રહ્યો છે. કોઇ ગુજરાતી લેખક - પત્રકારની સ્મૃતિમાં બનેલા ગુજરાતના આ પ્રકારના સંભવિત સૌપ્રથમ સ્મારકમાં સ્વ. કાંતિ ભટ્ટના અંગત સંગ્રહના 1600થી વધુ પુસ્તકો અને તેમણે લખેલા 16 હજારથી વધુ લેખો રજૂ થયા છે. કાંતિ ભટ્ટનો શબ્દવારસો ભારતીય વિદ્યા ભવન જેવા પ્રતિષ્ઠિત સંસ્થાનને સોંપી શીલાબહેને ખરેખર કાંતિભાઇને અમર બનાવી દીધા છે. (આ કાર્યક્રમ અંગેનો વિગતવાર અહેવાલ તો આપ સહુ ‘ગુજરાત સમાચાર’ના ગયા અંકમાં વાંચી જ ચૂક્યા છો એટલે પુનરોક્તિ ટાળી રહ્યો છું.)
અમદાવાદ મુકામ દરમિયાન એક નાના, પણ ખૂબ જ સુંદર વિસલપુર ગામની મુલાકાતે જવાનો લ્હાવો પણ લીધો. અહીં ‘પ્રભુના પ્રતિનિધિઓ’ સાથે મુલાકાત હતી? વાચક મિત્રો, ના સમજ્યાં..?! એક શાળાની મુલાકાતે જવાનું હતું અને બાળકોને મળવાનું હતું. જિંદગીમાં મહાનુભાવોને મળવાના અવસરો તો અનેક સાંપડતા હોય છે, પણ બાળકોને મળવાની મજા કંઇ ઓર જ હોય છે. શ્રી તલકચંદ ઝબકબા વિસલપુર સાર્વજનિક હાઇસ્કૂલની મુલાકાત પણ આવી જ યાદગાર બની રહી. આ મુલાકાતનો સેતુ બન્યા હતા આપણા બ્રિટનના તરવરિયા યુવાન દીપક પટેલ. વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને એનસીજીઓ (નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ)ના ટ્રેઝરર તરીકે કાર્યભાર સંભાળતા દીપકભાઇ મારા અમદાવાદ રોકાણ દરમિયાન અનેક મહત્ત્વના મિલન-મુલાકાતનું માધ્યમ બન્યા છે એમ કહું તો તેમાં લગારેય અતિશ્યોક્તિ નથી.
વિસલપુર આમ તો દીપકભાઇનું વતન. દીકરો ગામમાં આવ્યો હોય એટલે બધે ઉત્સાહ જ ઉત્સાહ હોય ને... શાળામાં અમારું ઉષ્માભર્યું સ્વાગત થયું. સન્માન થયું, પ્રાર્થના થઇ. અને બાળકોને સમજાય તેવી સરળ ભાષામાં સંબોધનનો મેં પ્રયાસ કર્યો. બાળકોથી માંડીને શાળાના ડાયરેક્ટર સર્વશ્રી રમેશભાઈ પટેલ, આચાર્ય દિલિપસિંહ ચૌહાણ, શિક્ષક વિજયભાઈ રાવલ, આચાર્યા ગીતાબેન આર. પટેલ, આચાર્યા આશાબહેન ચૌહાણ સહિત સહુ કોઇના ચહેરા પર ઉમંગ વર્તાતો હતો. આ શિક્ષણ સંકુલના મુખ્ય દાતા (અને દીપકભાઇના દાદાજી) સ્વ.શ્રી રણછોડભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી તે પ્રસંગે પરિવારજનો મહેશભાઈ, દીપકભાઇ, ટ્રસ્ટી મફતભાઈ અને સરલાબહેન મફતભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વિસલપુરથી અમારો કાફલો - દીપકભાઇ, તેમના પિતાશ્રી મફતભાઇ અને હું પહોંચ્યા ગાંધીનગર. અહીં ગુજરાતના સર્વેસર્વા એવા મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને મળવાનું પૂર્વનિર્ધારિત આયોજન હતું. કોઇ વિશેષ ઉદ્દેશ નહોતો, અને કોઇ ખાસ આયોજન નહોતું. આ માત્રને માત્ર મુખ્યમંત્રીશ્રીની શુભેચ્છા મુલાકાત હતી. બ્રિટનમાં વસતા એક અદના ગુજરાતીની માદરે વતનના સર્વોચ્ચ સત્તાધીશને સલામ હતી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ સાથેની મુલાકાત દરમિયાન બ્રિટનના આપણા સમાજની વાતો કરી, તેમના વિચારો જાણ્યા. અને તેમને આપણા બ્રિટીશ-ભારતીય સમુદાય વતી બ્રિટનની મુલાકાતે આવવા માટેનું આમંત્રણ પણ આપ્યું.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇની મુલાકાત વેળાની એક વાતનો સવિશેષ ઉલ્લેખ કરવો રહ્યો. તેઓ એકદમ સરળ - સૌમ્ય અને મિતભાષી છે. તેમનું વ્યક્તિત્વ જ કંઇક એવું છે કે પળભરમાં સામેવાળાને પોતાના કરી લે. ચહેરા પર હોદ્દાનો કોઇ ભાર ન વર્તાય, પણ બોલે એટલે રાજ્યને આગળ ધપાવવાનો દૃઢ નિર્ધાર દેખાય. સાડા આઠ દસકાના આયુષ્યમાં અનેક નેતાઓને મળ્યો છું, પણ ભાગ્યે જ કોઇ નેતામાં આટલું સરળ અને સહજ વ્યક્તિત્વ નિહાળ્યું છે.
વાચક મિત્રો, લાગે છે કે આજે અહીં જ કલમને વિરામ આપવો પડશે. ગુજરાત પ્રવાસની હજુ તો ઘણી યાદો છે. અને બધું જ આ સપ્તાહે સમાવવું મુશ્કેલ જણાય છે. આવતા સપ્તાહે આપણે જરૂર વાતોનો સિલસિલો ફરી આગળ ધપાવશું. ત્યાં સુધી અલવિદા. આવજો અને તબિયત સાચવજો. (ક્રમશઃ)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter