જીવન પણ એક ઓલિમ્પિક સ્પર્ધા જ છે ને!

સી. બી. પટેલ Tuesday 23rd August 2016 14:05 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, રિયો દી’ જાનેરોમાં સંપન્ન થયેલી ઓલિમ્પિકમાં ગ્રેટ બ્રિટને સાચે જ ડંકો વગાડ્યો છે. આ અંકમાં અન્યત્ર તે વિશેના વિવિધ સમાચારો વાંચી શકશો. દેશની વસ્તીના પ્રમાણમાં Team GBએ મેળવેલા મેડલની તુલના કરો તો ગ્રેટ બ્રિટિશ ખેલાડીઓની સિદ્ધિને અવ્વલ દરજ્જાની ગણી શકાય. સૌથી વધુ મેડલ યુનાઇટેડ સ્ટેટ્સને મળ્યા. અને બીજા નંબરે યુનાઇટેડ કિંગ્ડમને. યુનાઇટેડ કિંગ્ડમના છેલ્લા ૧૦૦ વર્ષના ઇતિહાસ પર નજર ફેરવશો તો જણાશે કે આ વખતે બ્રિટનને (વસ્તી  ૬ાા કરોડ) સૌથી વધુ એવોર્ડ મળ્યા છે. પછીના નંબરે ચીન આવ્યું. યુએસની વસ્તી ૩૨.૧ કરોડ છે. ચીનની ૧૪૦ કરોડ. જે તે દેશને મળેલા એવોર્ડની તેની વસ્તીના પ્રમાણમાં સરેરાશ કાઢવામાં આવે તો કહી શકાય કે ચીનને લગભગ બે કરોડ નાગરિક દીઠ એક મેડલ, અમેરિકાને ૨૬ લાખની વસ્તીદીઠ એક મેડલ જ્યારે ગ્રેટ બ્રિટનને નવ લાખ માથા-દીઠ એક મેડલ મળ્યો છે. બ્રિટન આ ગણતરી પ્રમાણે તો અઢળક મેડલ લઇ આવ્યું છે તેવું કહેવાની જરૂર ખરી? વસ્તી ઓછી, પણ સિદ્ધિ મોટી.
દુનિયામાં જી-૨૦ દેશો આર્થિક તેમજ અન્ય પ્રકારે વધુ સાધનસંપન્ન ગણાય છે. ૨૦ દેશોના બનેલા આ વૈશ્વિક સંગઠનમાં સાઉદી અરેબિયાનો પણ સમાવેશ થાય છે. આ સંગઠનમાંથી સાઉદી અરેબિયા એકમાત્ર દેશ એવો છે જેનો એક પણ ખેલાડી મેડલ જીતી શક્યો નથી. હા, બાપલ્યા, હા, મને ખબર છે તમે એમ જ કહેવાના છો કે ભારતને પણ સમ ખાવા પૂરતા માત્ર બે જ મેડલ - એક સિલ્વર અને એક બ્રોન્ઝ - મળ્યા છે તેનું શું? તમારી વાત સાચી, પણ જરા... સાઉદી અરેબિયા જેવા જ અન્ય દેશોની યાદી પર પણ નજર ફેરવી લો... અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, નેપાળ, માલદિવ, ભૂતાન મ્યાંમાર, શ્રીલંકા જેવા ભારતના પડોશી દેશોમાંથી કોઇ એક મેડલ પણ જીતી શક્યો નથી. આપણા પરિચિત પૂર્વ આફ્રિકાના ટાંઝાનિયા કે યુગાન્ડાને પણ સમ ખાવા પૂરતો એકેય મેડલ મળ્યો નથી.
બ્રિટનવાસીઓ મારા બેટા, હોંશિયાર તો ખરા જ... વિશ્વના નકશામાં ટપકા જેવો દેખાતો દોઢ ટાપુનો આ દેશ ચિંતન, પૂર્વ આયોજન અને ગણતરીપૂર્વકના પ્રયાસો માટે સૈકાઓથી સુવિખ્યાત છે. ૨૦૨૦ની ટોક્યો ઓલિમ્પિકને હજુ પૂરા ચાર વર્ષ બાકી છે, પણ અત્યારથી જ સહુ સંબંધિતો કામે લાગી ગયા છે. જે રમતગમતમાં બ્રિટનનું પ્રાવિણ્ય છે - મુખ્યત્વે સાઇક્લિંગ, રોવિંગ, સ્વિમીંગ, એથ્લેટિક્સ, જિમનાસ્ટિક વગેરેમાં કાળજીપૂર્વક ધ્યાન કેન્દ્રીત કરીને તૈયારી કરવાનું આયોજન થઇ ચૂક્યું છે. Team GBએ રિયોમાં મેળવેલી જ્વલંત સફળતામાં એક નહીં, અનેક પરિબળોનું યોગદાન છે. આપણે આમાંના બે મુખ્ય પરિબળો પર સરસરતી નજર ફેરવીએ.
એક તો, અલગ અલગ રમતો માટે ચુનંદા રમતવીરો માટે જે ટ્રેનિંગ સેન્ટરો બનાવવામાં આવ્યા હતા તે કંઇક અંશે ગ્રામીણ વિસ્તારોમાં બનાવવામાં આવ્યા હતા. જેથી રમતવીરોનું ધ્યાનભંગ ન થાય. મિત્રો, સમજી ગયાને... હું શું કહેવા માંગું છું?
અને બીજું, અમુક અભ્યાસમાં બહાર આવ્યું છે તે પ્રમાણે, રમતવીરના પરિવારજનો પણ તાલીમ આપનાર કોચથી માંડીને અન્ય સ્ટાફની ખૂબ કાળજી રાખતા રહ્યા છે. ખેલાડીઓના પરિવારજનો જાણે છે કે તેમના સંતાનો મેદાનમાં કેવું પ્રદર્શન કરશે તેનો મોટો આધાર આ કોચિંગ સ્ટાફની તાલીમ પર નિર્ભર છે. પરિવારજનોનો આ પ્રકારનો ઉષ્માપૂર્ણ નાતો સરવાળે કોચિંગ સ્ટાફને જે તે ખેલાડીને શ્રેષ્ઠ તાલીમ આપવા માટે પ્રેરવાનો જ તેમાં કંઇ નવાઇ નથી.
રિયો ઓલિમ્પિકની મશાલ હજુ સંપૂર્ણ બૂઝાઇ પણ નથી ત્યાં તો Team GBએ ટોક્યો ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને અત્યારથી જ કેટલાક પગલાંનો અમલ પણ શરૂ કરી દીધો છે. જેમ કે, વધુ ઊંચું કૂદવું, વધુ ઝડપથી દોડવું અને જે તે રમતમાં વધુ મજબૂત દેખાવ કરવા શ્રેષ્ઠતમ પ્રયાસ કરવો.
જીવનમાં આપણે પણ એક પ્રકારે ઓલિમ્પિકમાં જ ઉતર્યા છીએને?! આરોગ્ય સાચવીને લાંબુ આરોગ્ય ભોગવીએ, ઇશ્વરદત્ત શક્તિઓને કુનેહપૂર્વક સાચવી-મઠારીને વધુ સિદ્ધિ હાંસલ કરીએ ને સાથે સાથે જ રામ કી ચીડિયા, રામ કા ખેત સમજીને સમાજ પ્રત્યેનું (અને તેના થકી પરમાત્માનું) ઋણ ફેડીએ તેનાથી વધુ રુડું બીજું શું હોય શકે?

•••

રંગીલું ગુજરાતઃ એક પ્રાણવાન પ્રસંગ

નૈઋત્ય લંડનના વેમ્બલી વિસ્તારમાં બે દિવસ માટે ‘રંગીલું ગુજરાત’ મહોત્સવ રંગેચંગે ઉજવાઇ ગયો. મહિનાઓ પૂર્વે જાણીતા સામાજિક કાર્યકર કાંતિભાઇ નાગડાએ મને ફોન કરીને કહ્યુંઃ ‘સી.બી., પ્રીતિ વરસાણી અને મીરા સલાટ નામની બે યુવતીઓ મોટું સાહસ કરી રહી છે. ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ બને તેટલો સહયોગ આપે તેવી ઇચ્છા છે.’ કાંતિભાઇ જેવા પાયાના કાર્યકર આવું કહે પછી કંઇ વિચારવાપણું હોય?! તેમના શબ્દો આદેશ જ બની જાય. બન્ને બહેનો મળવા આવ્યા. તેમની સાથે બ્રેન્ટ બરો કાઉન્સિલના નેતા મોહમ્મદ બટ્ટને પણ લેતા આવ્યા હતા. મેં મોહમ્મદભાઇને નાણી જોયા. પાકિસ્તાની વંશજ અને ધર્મે મુસ્લિમ... તેમના હૈયે ગુજરાતની ખેવના કેટલી હોય તે મારે જાણવું હતું. તેમના હકારાત્મક દૃષ્ટિકોણથી હું અત્યંત પ્રભાવિત થયો. સમગ્ર આયોજનમાં બ્રેન્ટ કાઉન્સિલે ખૂબ સહયોગ આપ્યો છે. સર્વપ્રકારે સહયોગ બદલ આયોજકો ભલે અમારો ખૂબ આભાર માનતા હોય, પણ અમારે તો એટલું જ કહેવું રહ્યું કે ભવિષ્યમાં આવો કોઇ પણ કાર્યક્રમ યોજાશે તો અમે આથી પણ વધુ સહયોગ આપી શકીએ એવી અમારી અભ્યર્થના છે.
પ્રીતિ વરસાણી અને મીરા સલાટ નામની નારીશક્તિથી સાચે જ બહુ પ્રભાવિત થયો છું. સમગ્ર આયોજન સુવ્યવસ્થિત હતું. સ્ટેજ પર ગુજરાતથી આવેલા કીર્તિદાન ગઢવી, માનસી અને પાર્થિવ ગોહિલ, આદિત્ય શાહ સહિતના કલાકારોએ રંગત જમાવી હતી. બ્રિટનની ધરતી પર ગુજરાત ગાજી ઉઠ્યું હતું. રાસ-ગરબા, દુહા-છંદ, ડાયરો... ગુજરાતીપણાની રમઝટ જામી હતી. એક વાત તો બહુ સ્પષ્ટ છે - ગરબો ગાજે કે જાણે માતૃભક્તિની ઘોષણા થાય, શક્તિ, આરાધના પ્રત્યક્ષ થાય.
બ્રિટનમાં ભવિષ્યમાં આવા કાર્યક્રમો ઠેર ઠેર થતા રહે તો કેવું સારું?

•••

માગ્યો ખોબો ને મળ્યો દરિયો

બે સપ્તાહ પૂર્વે મેં આ કોલમમાં મેઘદૂતમ્ વિશે રજૂઆત કરી હતી. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં હિન્દુ ધર્મશાસ્ત્રમાં સંસ્કૃત ભાષામાં પીએચ.ડી. કરી રહેલા એક અમેરિકન વિદ્યાર્થીની વાત માંડી હતી. તેણે રૂબરૂ મુલાકાત દરમિયાન કવિ કાલિદાસની વિવિધ રચનાઓની વાતો કરી હતી, જેમાં મેઘદૂતમ્ મુખ્ય હતું. તેણે મેઘદૂતમની કેટલીક પંક્તિઓ ગાઇ સંભળાવીને તેનું સરળ ભાષ્ય પણ રજૂ કર્યું. આ બધું જાણી-સાંભળીને ચીતરામણ તો કરી નાંખ્યું, પણ આપણે કંઇ સંસ્કૃતના પ્રકાંડ પંડિત થોડાં? મેઘદૂતમ્ વિશે વધુ જાણવાની જિજિવિષાથી આપની સમક્ષ ટહેલ નાખી.
વાચક મિત્રો, સાચું કહું તો મારા માટે તો માગ્યો ખોબો ને મળ્યો દરિયો જેવું થયું છે. આપનો આવો અઢળક પ્રેમ જ તો આ બંદાને સદા ચેતનવંતો રાખે છે. ગુજરાત સમાચારનો અંક આપના હાથમાં પહોંચ્યો હશે કે તરત જ મોબાઇલ રણકવા લાગ્યો. શનિવારે બપોરે હરિનભાઇ જયમંગલ ઠાકરનો ઇમેઇલ આવ્યો. તેમણે યુટ્યુબનો એક વીડિયો મોકલી આપ્યો હતો, જેમાં મોટા ગજાના કલાકારો દ્વારા મેઘદૂતમનું ગાન રજૂ થયું છે. ખરેખર આ સાંભળીને મન ઝંકૃત થઇ ગયું. આ પછી ત્રણ-ચાર વાચકોના ફોન પણ આવી ગયા. એક વ્યક્તિનો ફોન આવ્યો. (હવે આ ફોન કરનાર ભાઇ હતા કે બહેન? અને તેમનું નામ શું? તેવી કોઇ પડપૂછ તો કરતા જ નહીં હોં... મને કંઇ ફોડ પાડવાની ચોખ્ખી મનાઇ ફરમાવી છે.) તેમણે મેઘદૂતમની વાત કરતાં કરતાં યુવા વયે મનમાં ઉદ્ભવેલા સ્પંદનોની વાત કરીને મને પણ દુઃખી દુઃખી કરી નાંખ્યો. કંઇ કેટલાય વાચકોએ એક યા બીજી પ્રકારે મેઘદૂતમ્ વિશે વાતો કરી, જે હૃદયસ્પર્શી હોવાનો આનંદ છે.
બ્રેડફર્ડથી વલ્લભભાઇ (બલ્લુભાઇ)નો ફોન આવ્યો. ૧૯૪૪માં ૧૭ વર્ષની વયે શાળાજીવનમાં આ મેઘદૂતમ્ ના રંગે રંગાયા હતા. આવતા વર્ષે બલ્લુભાઇ ‘૧૯’ વર્ષના થશે, જેમ આવતા વર્ષે મને ‘૧૮’મું બેસવાનું છે. અત્યારે તેઓ ૯૦ વર્ષ પૂરા કરવાની તૈયારીમાં છે. બાબુભાઇ ખૂબ સુશિક્ષિત છે. બ્રિટનની યુનિવર્સિટીમાં અધ્યાપક રહી ચૂક્યા છે. તેમને સાંભળીને મને લાગ્યું કે ગમતાંનો ગુલાલ તો કરવો જ જોઇએ. સહુ વાચકોને લાભ મળે તે ઉદ્દેશથી તેમને કહ્યું કે સાહેબ, આ બધી વાતો લખી મોકલોને... તેમણે જે લખી મોકલ્યું તે અહીં અક્ષરશઃ સાદર કર્યું છે. આની સાથે સાથે જ જૂના અને જાણીતા તેમજ ગુજરાત સમાચાર પરિવાર સાથે હવે કન્સલ્ટીંગ એડિટર તરીકે સંકળાયેલા જ્યોત્સનાબહેન શાહે પણ સ્વેચ્છાએ મેઘદૂતમ્ વિશે લખી મોકલ્યું તે પેશ કરી રહ્યો છું. આશા છે આપ સહુને વાચનપ્રસાદી પસંદ પડશે જ...ઃ (સૌનો સહૃદય આભાર).

મેઘદૂતઃ સંસ્કૃત સાહિત્યનું મહાકાવ્ય

 - બલ્લુભાઇ પટેલ, બ્રેડફર્ડ

શ્રી સી. બી. મજામાં હશો. ગઈકાલે આપની સાથે ‘મેઘદૂત’ વિશે જે વાત થયેલી તેના અનુસંધાનમાં થોડી વિગતો આપું.
‘મેઘદૂત’ એ કવિ કાલિદાસે, લગભગ છસ્સોએક વર્ષો પૂર્વે રચેલું સંસ્કૃત સાહિત્યનું મહાકાવ્ય છેઃ એપીક છે. તેની કથાવસ્તુ કંઈક આ પ્રમાણે છે.
ભારતના છેક ઉત્તર પૂર્વ વિસ્તારમાં આવેલી અલકાનગરીમાં એક રાજા હતો. તેણે તેના એક સેવકને - યક્ષને કંઈક કામ કરવાનું કહેલું - તે કામ કરતાં કરતાં યક્ષ ભૂલ કરતો હતો કારણ કે તે હંમેશા તેની પ્રિયતમાના વિચારોમાં ખોવાયેલો રહેતો. પરિણામે કામ કરવામાં ભૂલ થઈ અને ઢીલ પણ થઈ. આથી રાજા તેના પર ખૂબ ગુસ્સે થયેલા અને તેને સજા કરવા માટે, થોડા વખત માટે પણ, પ્રિયતમાથી છૂટો પાડવા માટે ખૂબ દૂર દૂરના એક સ્થળે નીલગીરી બાજુ છેક દક્ષિણમાં દેશનિકાલ કરી દીધો. ત્યાં તેને એક ઠેકાણે નજરકેદમાં રાખવામાં આવેલો.
આથી તે યક્ષ ખૂબ વ્યથિત હતો. હંમેશા તેની પ્રિયતમાના વિચારોમાં જ વિરહની વેદના સહન કરતાં કરતાં દિવસો પસાર કરતો. પ્રિયતમાને મળવાનું તો શક્ય જ ન હતું તેથી તે વિચારતો હતો કે કોઈક રીતે પણ પ્રિયતમાને સંદેશો પહોંચાડું. પણ કેવી રીતે? તે કાળમાં કંઈ ટપાલ મોકલવાની, તાર કરવાની કે આજની જેમ ઈ-મેઈલ કરી દેવાની સગવડો તો હતી જ નહીં- એરિયલ ટ્રાફિકનું તો અસ્તિત્વ જ ન હતું. આકાશમાં ફક્ત પક્ષીઓ ઊડતાં અને વાદળો ફરતાં.
નીલગીરી પર્વતમાળા પર છવાયેલા વાદળો જોઈને પણ પ્રિયતમાને યાદ કરતો. વાદળો તો પવનમાં દૂરદૂર સુધી ખેંચાઈ જઈને વિખરાઈ જતાં. છતાં તે જોઈને યક્ષને કંઈક આશા બંધાઈ. યક્ષે જોયું તો એક વાત ધ્યાનમાં આવી ગઈ કે આ વાદળો તો જ્યાં મારી પ્રિયતમા રહે છે તે ઉત્તર દિશા તરફ જ જઈ રહ્યાં છે. આ વાદળો જ મારી પ્રિયતમાને સંદેશો પહોંચાડશે એવો વિશ્વાસ બંધાઈ ગયો. પણ આ વાદળાંઓ પવનમાં અટવાઈ જઈને વિખૂટાં પડી જાય તો મારી પ્રિયતમાને સંદેશો નહીં મળે. નિરાશ થઈ ગયો. છતાં તેણે વિચાર્યું કે આ વાદળોને વિનંતી કરું.
આ વાદળાઓને વિનંતી કરીને આજીજીપૂર્વક કહ્યું કે તમે આમ તેમ અટવાઈ નહીં જતા. રસ્તો ભૂલી ન જતા. કૃપા કરીને મારી પ્રિયતમાને મારો સંદેશો પહોંચાડજો. પણ કયો સંદેશો? સંદેશમાં શું કહેવું?
કવિ કાલિદાસે વર્ણન કર્યું છે તે પ્રમાણે અષાઢસ્ય પ્રથમ દિવસે સંદેશો મોકલવો એવું વિચાર્યું. અષાઢ મહિનાની શરૂઆતના દિવસોમાં જ્યારે ઝરમર વરસાદ હોય, વાવાઝોડાં કે પવનના તોફાનો ન હોય ત્યારે સંદેશો મોકલી દેવો. આ વાદળાંઓ મારી પ્રિયતમા પાસે પહોંચીને સંદેશો આપશે. આશા બંધાઈ ખરી, પણ સવાલ એ હતો કે દક્ષિણમાં છેક નિલગીરીથી દૂર દૂર ખૂબ જ દૂર ઉત્તરમાં કૈલાસ સુધી જવામાં આ વાદળો અટવાઈ જાય તો? ભૂલા પડી જાય તો?
એક તો શો સંદેશો મોકલવો તે નક્કી કર્યું ન હતું અને બીજું વાદળો રસ્તો ભૂલી જાય તો? વિરહની વેદના તો સતાવતી જ હતી! વિરહમાં આ યક્ષને (કવિ હૃદય હશે) કવિતા સ્ફૂરી. ગીત સ્ફૂર્યું. બસ વાદળોને આ ગીત સંભળાવીશ. ગીતમાં નિલગીરીથી કૈલાસ તરફ કયે માર્ગે જવું તે બતાવીશ. ત્યાં પહોંચીને આ વાદળો મારી પ્રિયતમાને સંદેશો આપશે.
આમ કવિ કાલિદાસે વાદળોને મેઘને દૂત બનાવીને સંદેશો પહોંચાડવાનું મહાકાવ્ય રચ્યું - તે જ ‘મેઘદૂત’ Personification. કોઈ નેવિગેશન સિસ્ટમ ન હતી - નક્શા ન હતા - માર્ગદર્શક સાઈનો ન હતી - ત્યારે આ યક્ષ વાદળોને ગીત દ્વારા ડાયરેક્શન આપે છે - માર્ગદર્શન આપે છે.
‘હે વાદળો (મિત્રો), તમે નીલગીરીથી ઉત્તર દિશામાં પ્રયાણ શરૂ કરીને, ધીમે ધીમે વિંધ્યાચળ સુધી પહોંચી નર્મદા નદી પર થઈને ઊજ્જૈન સુધી પહોંચજો, માર્ગમાં કોઈ વિરહીણિ નજરે પડે તો તેના પર પાણી વરસાવી ઠંડક આપજો. ધ્યાન રાખીને આગળ વધતા જજો - પણ જોજો, રાત્રે અંધારામાં વીજળી ચમકાવીને કોઈ પ્રેમીઓની ચોરી નહીં પકડી પાડતા. આગળ જઈને ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરે વિશ્રામ લેવા થોભજો. ત્યાં મહાદેવના મંદિરમાં પૂજારીઓના નાચ-ગાન સાંભળજો - મન બહેલાવી લેજો. હજી આગળ જવાનું છે, પણ મંદિર પાસે કડાકા-ભડાકા કરીને ગર્જન કરીને કોઈને ડરાવશો નહીં - આમાન્યા રાખજો.
મહાકાલેશ્વરથી ધીમે ધીમે ક્ષિપ્રા, કુરુક્ષેત્ર થઇને આગળ વધજો પછી ગંગા નદી આવશે. તે નદીને ઓળંગીને જાઓ તે પહેલાં નમ્રતાપૂર્વક ગંગા નદીની લહેરોને ચૂમીને શીશ ઝૂકાવીને આગળ વધજો. હવે સાવધાનીથી ગતિ કરજો - આગળ જઈને કૈલાસ તરફ વળી જજો. (exit Kailas) આ પ્રદેશમાં પહોંચીને તમે જ્યાં મારી પ્રિયતમા વિરહીણિ નજરે પડે બસ ત્યાં જ મારી પ્રિયતમા પર વરસી પડજો. વિરહની વેદના શાંત કરજો. મારો આટલો જ સંદેશો છે કે કૈલાસ તરફ જઈને મારી પ્રિયતમા પર વર્ષા કરશો એટલે તેને મારો સંદેશો મળી જશે!’
અને વાદળો પાસે કવિ કાલિદાસે દૂતની ફરજ સફળતાપૂર્વક બજાવડાવી. તે મેઘદૂતની સાર્થકતા.

•••

પ્રેમનો અભૂતપૂર્વ સંદેશ આપતું કવિ કાલિદાસ રચિત ‘મેઘદૂતમ્’

 - જ્યોત્સના શાહ

૧૩ ઓગસ્ટ ૨૦૧૬ના ‘ગુજરાત સમાચાર’માં વાચકોની પ્રિય કોલમ ‘જીવંત પંથ’ (પાન-૧૪)માં તંત્રી શ્રી સી. બી. પટેલે ‘સબસે ઊંચી પ્રેમ સગાઈ’ શીર્ષક હેઠળ લેખમાં કવિ કાલિદાસે સંસ્કૃત ભાષામાં લખેલ ‘મેઘદૂતમ્’ કૃતિનો ઉલ્લેખ કર્યો છે. અને આ કૃતિ વિશે જેને જાણ હોય તેણે ૩૦૦થી ૪૦૦ શબ્દોમાં સરળ ભાષામાં લખી જણાવવાનું આહવાન આપ્યું છે. એનો સહર્ષ સ્વીકાર કરી એ વિશે વિગત મારી સમજ મુજબ જણાવવાનો નમ્ર પ્રયાસ કરું છું.
હું એમ. એસ. યુનિવર્સિટીમાં બી.એ.નો અભ્યાસ કરતી હતી ત્યારે સંસ્કૃતમાં ‘મેઘદૂતમ્’ કૃતિ અભ્યાસક્રમમાં હતી. એ વખતના પ્રોફેસર અને પ્રકાંડ પંડિત ડો. અરુણોદય જાનીએ અમને આ મહાકાવ્ય ખૂબ જ સરળ અને હૃદયસ્પર્શી શૈલીમાં શીખવ્યું હતું એની યાદ તાજી થઈ. ફરી એક વખત આ કૃતિ વાગોળવાનો અવસર શ્રી સી. બી. પટેલે આપ્યો.
આ મહાકાવ્યમાં એક વિરહી યક્ષની વ્યથાની કથા છે. હિમાલયની ગોદમાં કૈલાસ માનસરોવર પાસે વસેલી રાજાધિરાજ કુબેરની નગરી અલકાના નિવાસી યક્ષે એના સ્વામી કુબેરની સેવામાં પ્રમાદ સેવ્યો અને ગુસ્સે ભરાયેલા કુબેરે શાપ આપ્યો. જેના રૂપ-સૌંદર્યના મોહમાં તું અંધ બન્યો છે એ તારી પ્રિય પત્નીનો એક વર્ષનો વિયોગ તારે સહેવો પડશે.
આ શાપના કારણે યક્ષ ગોદાવરી નદીના તટે રામગીરી આશ્રમમાં મહિમાભ્રષ્ટ બની નિવાસ કરવા ગયા. પત્નીના વિરહની પીડામાં લગભગ આઠેક માસ વીત્યા હશે ત્યાં જ એણે આકાશમાં ‘અષાઢસ્ય પ્રથમ દિવસે’ મેઘરાજાની સવારી જોઈ. એ જોતાં જ પત્ની વિયોગમાં યક્ષ વિહવળ બની ગયા. એ અચેતન મેઘ સાથે પત્નીને આશ્વાસન સંદેશો મોકલવા અધીરા બન્યા.
મેઘ સામે વ્યથિત હૃદયે આંખમાં અશ્રુ સાથે પોતાના મનની વાત કહેવા વનમાં તાજા ખીલેલા ફૂલોના અર્ધ્ય વડે મેઘનું સ્વાગત કર્યું અને રામગીરીથી અલકાનગરી સુધીના માર્ગનું અદભૂત વર્ણન કરતાં યક્ષે પોતાનું નિવાસસ્થાન તેમજ પત્નીના સૌંદર્યનું નખશીખ વર્ણન કરી છેલ્લે પ્રેમસંદેશો આપે છે.
૧૨૦ શ્લોકોના આ ‘લઘુકાય મહાકાવ્ય’માં લગભગ ૧૩ શ્લોકોમાં સંદેશાનું સંવેદનશીલ વર્ણન છે. જેમાં કવિ કુલગુરુ કાલિદાસે પતિ-પત્ની વચ્ચે સંયોગમાં સ્નેહની પુષ્ટિ થાય છે અને વિરહમાં એનો નાશ / ધ્વંસ થાય છે એવી લોકમાન્યતાને ખોટી પૂરવાર કરી વિરહમાં એની વૃદ્ધિ થાય છે એ સિદ્ધ કર્યું છે.
જે યક્ષ માટે પોતાની પત્નીનો ક્ષણનો વિયોગ પણ અસહ્ય બનતો એણે વર્ષનો વિયોગ સહેવો પડ્યો. દરમિયાનમાં એની દૃષ્ટિ અને સૃષ્ટિમાં ધરખમ પરિવર્તન થયું. ‘પ્રિયા’ સિવાય હવે ઘણું બધું જોતો, વિચારતો, જાણતો થયો અને સ્વસ્થતા કેળવી એનો એકસ્થિત પ્રેમ અનેકમય બની વિશ્વપ્રેમ બન્યો.
આ કાવ્યમાં કવિએ શાપનું વિજ્ઞાન અને એનો નિયતક્રમ ‘જ્યાં પ્રમાદ ત્યાં શાપ’ હોવાનું પ્રસ્થાપિત કર્યું છે. અને એ સાથે જ એનું નિવારણ પણ આપ્યું છે.
‘એક’માં ખોવાયેલી વ્યક્તિ ‘એક’માંથી બહાર આવે છે અને એના હૃદયમાં સમસ્ત વિશ્વ પ્રતિ પ્રેમ, સન્માન, સદભાવ, આદર, આકર્ષણ વગેરેનો પ્રાર્દુભાવ થાય છે. દામ્પત્યપ્રેમ, વિશ્વપ્રેમ બને એમાં જ એની સાર્થકતા છે. આ કાવ્યની રચનાના મૂળ સિદ્ધાંત અને કલ્પના છેઃ સ્વમાંથી સર્વમાં લીન થવાનું.
વાસ્તવમાં યક્ષની વ્યથા માનવમાત્રની કથા છે. દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક તો વિરહની વ્યથા સહેવાનો વારો આવે છે પરંતુ એ સંજોગોમાં એના હૃદયની વિશાળતા અને ઉમદા વિચારસરણી જ મહાકાવ્ય કાલિદાસ જેવાની અદભૂત કૃતિનો વિષય બની જાય છે.
વિષય એક, વિચાર બે. વાચકોની પસંદ પોતપોતાની. વધુ કંઇ કહેવા-લખવાની જરૂર ખરી? વિવિધતાના દર્શન કરીએ, તુલના કરવાનું ટાળીએ.
આપના સૂચનો શિરોમાન્ય પણ.....
એક વાચકે સૂચવ્યું છે કે મેઘદૂતમ્ વિશે ખાસ કાર્યક્રમ કરો. ‘આ તમારી પ્રકાશન સંસ્થા જાતભાતના કાર્યક્રમો યોજતી રહે છે, શ્રવણ સન્માન સમારંભ યોજ્યો, વડીલ સન્માન સમારંભ થયો, દિવ્યાંગ સન્માન સમારંભ માટે વિચારી રહ્યા છો તો એકાદો સાહિત્યવિષયક કાર્યક્રમ પણ યોજો. જેમાં ઝવેરચંદ મેઘાણીની કૃતિ હોય કે મેઘદૂતમ્ જેવી સાહિત્યિક કૃતિ હોય... સંગત સેન્ટર કે કર્મયોગ હાઉસમાં કોઇ કાર્યક્રમ યોજીને બધા આવી શકે એવું કોઇ આયોજન કેમ કરતા નથી?’
વાચક મિત્રની વાત તો સાચી, પણ અત્યારે અમારા માટે રાત થોડી ને વેશ ઝાઝા તેવો ઘાટ છે. કેટલાક કાર્યક્રમોનું આગોતરું આયોજન થઇ ગયું છે ને કેટલાક આયોજનના અંતિમ તબક્કામાં છે. લંડનમાં વીસેક સાથીદારો અને અમદાવાદ ઓફિસમાં આનાથી થોડાક વધારે સાથીદારો... સહુ કોઇ ને કોઇ આયોજનમાં વ્યસ્ત છે. કોઇ રૂટિન સાપ્તાહિકના, તો કોઇ વિશેષાંકના, કોઇ સેવાકાર્યો સંબંધિત આયોજનમાં સંકળાયેલું છે... આ બધું કહેવાનું તાત્પર્ય એટલું જ કે સમયની ખેંચ છે. હા, આપનામાંથી કોઇ આ પ્રકારનું આયોજન કરવા માગતું હોય તો અમે સહયોગ આપવા તૈયાર છીએ. આવો કાર્યક્રમ કરવા ઇચ્છતી વ્યક્તિ અમારો કોન્ટેક્ટ કરી શકે છે.
તાજેતરમાં કડવા પાટીદાર સેન્ટર તેમજ અન્યત્ર કેટલીક સંસ્થાઓએ વડીલ સન્માન સમારંભનું આયોજન કર્યું હતું. સાચે જ સમગ્ર આયોજન નિહાળીને બહુ જ પ્રભાવિત થયો હતો. હું તો ઇચ્છું કે નાનીમોટી દરેક સંસ્થાઓએ વડીલ સન્માન, શ્રવણ સન્માન કે દિવ્યાંગ સન્માન સમારંભ જેવા કાર્યક્રમો યોજવા માટે સક્રિય પ્રયાસો કરવા જ જોઇએ.

•••

શિક્ષણ, કારકિર્દી અને જીવન સાફલ્ય

તાજેતરમાં બ્રિટનમાં ‘O’ લેવલ અને ‘A’ લેવલની પરીક્ષાના પરિણામો જાહેર થયા. યુનિવર્સિટીનું શિક્ષણ આવકાર્ય છે. જે મેળવી શકે તેને મુબારકબાદી, પણ ફલાણી ડિગ્રી હોય કે ઢીંકણા વિષયમાં માસ્ટર્સ કે પીએચ.ડી. કર્યું હોય તે એક જ કૂંચી જીવનના બધા જ તાળાં ખોલવા સક્ષમ નથી. હું ઇચ્છું છું કે દરેક વિદ્યાર્થી કે વિદ્યાર્થિની સાંપ્રત જીવનમાં વધુ ઉપયોગી બને તેવી શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરે. હું અનુભવે માનું છું કે એક યા બીજા કારણસર ઉચ્ચ શિક્ષણ મેળવી ન શકાય તો પણ હિંમત હારવાની જરૂર નથી. ઘણી વખત (શિક્ષણમાં) ઓછું ભણેલા હોય છે તે લોકો (જીવનમાં) વધુ ગણેલા બની શકે છે. ઝળહળતી સિદ્ધિ સાથે પરમ સંતોષ પ્રાપ્ત કરી શકે છે. મેં એક સુંદર લેખ વાંચ્યો હતો. જેમાં ઇન્ડીપેન્ડન્ટ સ્કૂલ કાઉન્સિલના ચેરમેન બર્નાબી મેલને સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે ઉચ્ચ શિક્ષણ મળે તો સારું, ન મળે તો બધું શૂન્ય તેવું માની લેવાની જરૂર નથી.
મિત્રો, આ અભિપ્રાય ફરી ફરીને વાંચજો, અને વિચારજો. મારા મતે આ વાતમાં ૧૦૧ ટકા દમ છે. હૈયે હામ હશે ને કંઇક નવું વિચારવાની, નવું કરવાની ધગશ હશે તો તમારી આગેકૂચને દુનિયાની કોઇ તાકાત અટકાવી શકશે નહીં.

•••

ભાવિન, તું ક્યાં છો ભઇલા?

વાચક મિત્રો, તાજેતરમાં કેટલાય જાહેર પ્રસંગોમાં હાજરી આપવાનો અવસર સાંપડ્યો. ઇંડિયન જીમખાનામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં હાજરી આપી તો અગાઉ લખ્યું તેમ રંગીલું ગુજરાતમાં પણ હાજરી આપી આવ્યો. જોકે આ બધા જાહેર કાર્યક્રમોમાં એક મિત્રની ગેરહાજરી મને બહુ જ સાલી. મેં જ્યારે જ્યારે આવા જાહેર કાર્યક્રમોમાં હાજરી આપી છે ત્યારે ત્યારે ભાવિન નામનો એક દિવ્યાંગ કિશોર મને અચૂક મળ્યો છે. અમે મળીએ, ઉષ્માભેર ભેટીએ, વાતો કરીએ અને છુટા પડીએ... પરંતુ કેટલાક સમયથી આ સિલસિલો અટકી ગયો છે. હું તો નાનામોટા કાર્યક્રમોમાં હાજરી આપતો રહું છું, ચોમેર નજર ફેરવતો રહું છું, પણ ભાવિન ક્યાંય જોવા મળતો નથી.
ભાઇ ભાવિન, તારો સંપર્ક ક્યાં કરવો તે જાણતો ન હોવાથી મારે આ કોલમમાં તને સાદ પાડવો પડ્યો છે. તું ક્યાં છે, ભઇલા? કોઇ કાર્યક્રમમાં આવવાનું શક્ય ન બનતું હોય તો કાર્યાલયમાં પણ આવી શકે છે. તું જ્યાં હો ત્યાંથી સંપર્ક કર. આપણને મળ્યે ઘણો સમય થઇ ગયો છે...

•••

લ્યા, આ ઉર્જિતભાઇ ક્યા ગોમનોં?

બે પટેલિયા પહેલી વાર આમનેસામને આવે એટલે પહેલો પ્રશ્ન અચૂકપણે એક જ હોયઃ ક્યા ગોમનાં? શનિવારે ભારત સરકારે રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયાના ચેરમેન પદે જાણીતા અર્થશાસ્ત્રી ડો. ઉર્જિત પટેલના નામની જાહેરાત કરી કે પૂછાણ થવા લાગ્યું કે આ ઉર્જિતભાઇ ક્યા ગામના? તપાસ કરતાં ખબર પડી છે કે આર્થિક નીતિરીતિના ખાંટુ ઉર્જિતભાઇ ચરોતર પંથકના વતની છે. ખેડા જિલ્લાનું મહુધા ગામ તેમનું વતન. તમને જાણીને નવાઇ લાગશે કે ઉર્જિતભાઇ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવતા અર્થશાસ્ત્રી છે, પણ ગુજરાતી સરસ બોલી જાણે છે. ત્રણેક વર્ષ પૂર્વે જ જમીન વારસાઇના કામે મહુધા આંટો મારી ગયા હોવાનું જાણવા મળ્યું છે. પ્રગતિના શીખરે તો ઘણા લોકો પહોંચતા હોય છે, પણ માતૃભૂમિ, માતૃભાષા સાથે નાતો જોડી રાખવાની આવી પ્રતિબદ્ધતા જ તેને મહાન બનાવતી હોય છે.
મહુધામાં કંઇ કેટલાય મહાન લોકો થયા, તેમાં ઉર્જિતભાઇનો પણ ઉમેરો થયો છે. તેમનો તથા તેમના પિતાશ્રી રવિન્દ્રભાઈ પુરૂષોત્તમનો જન્મ કેન્યામાં થયો છે. આપ સહુ જાણતા હશો કે પૂર્વ આફ્રિકામાં પણ એક સમયે મહુધાના કંઇકેટલાય પરિવારો વસતા હતા અને આજે અહીં બ્રિટનમાં પણ તેઓ સારી સંખ્યામાં વસે છે.
મહુધાના ઉર્જિતભાઇ મોટા હોદ્દે પહોંચીને દેશવિદેશના અખબારોમાં ચમકી ગયા છે. જોકે આ કંઇ પહેલો કિસ્સો નથી, જેમાં મહુધાનું નામ દેશભરના અખબારોમાં ચમકી ગયું હોય. ૧૯૬૨માં - આજથી ૫૪ વર્ષ પૂર્વે - ચીનનું લશ્કર તીડના ટોળાંની જેમ ભારતીય સરહદમાં ઘુસી ગયું હતું. ચીનાઓના આ આક્રમણને પહોંચી વળવા માટે ભારતીય સેનામાં મોટા પાયે સૈનિકો અને અફસરોની જરૂરત ઉભી થતાં લોકોને માતૃભૂમિની રક્ષાકાજે લશ્કરમાં જોડાવા માટે હાકલ કરવામાં આવી હતી.
આ સમયે મહુધાનો ધીરુભાઇ પટેલ નામનો યુવાન લશ્કરમાં જોડાયો અને યુદ્ધ પણ લડ્યો હતો. ધીરુભાઇએ તેઝપુર સરહદે મેજર તરીકે ફરજ બજાવી હતી. ચીનાઓને ખસેડ્યા હતા. મારા જૂના મિત્ર છે. ૧૯૯૭માં ધીરુભાઇ, ઘનશ્યામભાઇ અમીન અને હું અમેરિકાના લાંબા પ્રવાસે ગયા હતા. જય મહુધા. જય ગુજરાત. જય હિન્દ... જય બ્રિટન. (ક્રમશઃ)

-------------------------------------


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter