નાગ્રેચા હોલમાં આનંદ-ઓચ્છવની હેલી

- સી.બી પટેલ Wednesday 11th October 2023 05:34 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ઇસ્ટ લંડનના લેન્ટન વિસ્તારમાં આવેલો નાગ્રેચા હોલ એટલે જાણે ભારતીય સંસ્કાર-સંસ્કૃતિના વારસાનું કેન્દ્રબિંદુ. લેયટનમાં વસતાં ભારતીય સમુદાયની વાત હોય કે લંડનના અન્ય વિસ્તારમાં વસતાં ભારતીયોની વાત હોય, સહુ કોઇ નાગ્રેચા હોલના નામથી સુમાહિતગાર છે. આ સ્થળ એટલે મૂળે તો નાગ્રેચા પરિવારના - વિશાળ વડલા જેવા - વેપાર-ધંધાનું વડું મથક. પણ સાથે સાથે જ આ સ્થળ વર્ષોથી તે વિસ્તારના આપણા ભાઇભાંડુઓ માટે સાંસ્કૃતિક - સામાજિક - ધાર્મિક પ્રવૃત્તિઓથી ધમધમતું રહ્યું છે.
નવરાત્રિ મહોત્સવ હોય કે સામાજિક મેળાવડા, ધાર્મિક સંસ્થાના કાર્યક્રમો હોય કે ગીત-સંગીત-નાટક જેવા વિવિધ કળાસાહિત્યના માધ્યમથી રજૂ થતાં કાર્યક્રમો હોય, નાગ્રેચા હોલ કોઇ પણ પ્રકારના આયોજનો સરસ રીતે યોજી શકાય તે માટે અત્યાધુનિક સાધનસુવિધાથી સુસજ્જ છે.
આ બધું તો ખરું જ, મને તો આ સ્થળનું એક અન્ય કારણસર પણ અનેરું આકર્ષણ રહ્યું છે.
દાયકાઓ પૂર્વે, આ સ્થાનની પ્રથમ મુલાકાત વખતે પ્રવેશદ્વારમાં પ્રવેશતાં જ આશ્ચર્યચકિત થઇ ગયો હતો. ત્યાં આપણા દેવી-દેવતાઓની સાથે સાથે જ નાગ્રેચા પરિવારના માતા-પિતાની પ્રતિમા પણ સ્થાપવામાં આવી છે. જાણે મંદિરમાં પ્રવેશ્યા હોય તેવો પરમ પવિત્ર અનુભવ થયો એમ કહું તો તેમાં લગારેય અતિશ્યોક્તિ નથી. બ્રિટનમાં બીજા કોઇ સ્થળે આ પ્રકારે માતા-પિતાને આ પ્રકારે આદર - શ્રદ્ધાસુમન અર્પણ થયા હોય તેવું મારી જાણમાં તો નથી. આ માટે નાગ્રેચા પરિવારના મોભી સર્વશ્રી હસમુખભાઇ, વિનુભાઇ, ઉર્મિલાબહેન સહિત સહુ પરિવારજનોને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે.
કોરોના મહામારીએ કેર વર્તાવ્યા બાદ હવે જનજીવન થાળે પડ્યું છે ત્યારે પહેલી ઓક્ટોબરે નાગ્રેચા પરિવાર દ્વારા આયોજિત એક શાનદાર કાર્યક્રમમાં હાજરી આપવાનું સદ્ભાગ્ય મને સાંપડ્યું. થોડુંક ઉંમરના કારણસર, સાવચેતીના કારણસર કે પછી ટ્રાવેલિંગની કેટલીક મર્યાદાના પરિણામે હું કંઇ કેટલાય કાર્યક્રમોમાં - પ્રસંગોમાં, અંતઃકરણપૂર્વકની ઇચ્છા હોવા છતાં હાજરી આપી શકતો નથી. સંબંધિત લાગતાવળગતા સહુ કોઇ મારી આ મર્યાદાઓ જાણે - સમજે છે, અને મારી અનુપસ્થિતિને દરગુજર કરે છે એ તેમની ઉદારતા જ છે. પણ પહેલી ઓક્ટોબરે ઉજવાયેલા પ્રસંગમાં હાજરી મારા માટે અવિસ્મરણીય બની રહી એમ ડંકે કી ચોટ પર કહેવું જ રહ્યું.
સરસ મજાના આ કાર્યક્રમમાં ગીત-સંગીતની સૂરિલી મહેફિલ જામી હતી અને ખીચોખીચ ગોઠવાયેલા મહેમાનોએ સાત સૂરોથી લઇને લિજ્જતદાર ભોજનની મનભરીને મોજ માણી હતી. મારું સદભાગ્ય કે અહીં મને સંખ્યાબંધ વાચકો - મિત્રો - શુભેચ્છકો - સમર્થકોના દર્શન થયા, તેમને રૂબરૂ હળવામળવાનો અવસર સાંપડ્યો. કેટલાક સાથે વાતો થઇ તો કેટલાય સાથે હાય-હેલ્લો થયું. જોકે આ બધામાં આદરણીય રસિકાબહેન પટેલ અને તેમના સદાબહાર સાથી ભાનુબહેન ગજ્જરને મળીને ભાવવિભોર થઇ ગયો.
આજે આપણો સમાજ સામાજિક - સાંસ્કૃતિ બાબતોમાં આટલો ચેતનવંતો જોવા મળે છે તેનો જશ રસિકાબહેન અને ભાનુબહેન ઉપરાંત ભાનુબહેન પટેલ, પ્રવીણાબહેન, સુલોચનાબહેન સહિતના કેટલાય ભાઇબહેનોને આપવો રહ્યો. આજના આ વડીલોએ તેમની યુવા વયમાં દિવસ-રાત જોયા વગર અનેકવિધ પ્રકારે સેવાની જે ધૂણી ધખાવી હતી તેના પરિણામે આપણો સમાજ આજે આટલો સક્રિય છે. આરતી સોસાયટી, પાટીદાર સમાજ, વલ્લભનિધિ સહિત અન્ય સાંસ્કૃતિક - ધાર્મિક - સામાજિક પ્રવૃત્તિઓના માધ્યમથી આ ભાઇ-બહેનોએ આપણા સમાજના વિકાસમાં ખૂબ અને ચિરંજીવી યોગદાન આપ્યું છે.
આ તકે હું 1978નો એક પ્રસંગ ખાસ ટાંકવા ઇચ્છું છું. પાટીદાર સમાજ અને ફેડરેશન ઓફ પટેલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ગુજરાત અને રાજસ્થાનના લોકકલાકારોના ગીત-સંગીત-નૃત્યના કાર્યક્રમોનું ઐતિહાસિક આયોજન થયું હતું. આ પ્રસંગે મુંબઇથી મોટા ગજાના કલાકાર શ્યામ મીઠાઇવાલા ખાસ પધાર્યા હતા. તે વેળા બ્રેન્ટ ઇંડિયન એસોસિએશન હોલ, ચિઝિકમાં આવેલા ગુજરાત સમાચારના કાર્યાલય સહિતના સ્થળોએ લોકનૃત્યોની પ્રેક્ટિસ ચાલતી હતી. અનેક યુવક-યુવતીઓની સંગાથે હું પણ થોડુંઘણું નૃત્ય કરતાં શીખી ગયો હતો. આજે તો આ વાતને પાંચ દસકાનો સમય વીતી ગયો છે. આમાંના કેટલાય યુવક-યુવતીઓ આજે તો દાદા કે દાદી બની ગયા છે. કડેધડે છે એમાંના કેટલાક એક યા બીજા પ્રકારે સક્રિય છે તો કેટલાક નિવૃત્તિની મજા માણી રહ્યા છે.
વાચક મિત્રો, આ બધી પ્રવૃત્તિનો પ્રાણ હતા રસિકાબહેન પટેલ. અત્યારે પણ તેઓ તેમની રીતે એક યા બીજી પ્રકારે સતત સમાજસેવા કરી રહ્યાં છે. આપણે સહુએ યાદ રાખવું રહ્યું કે આજે સમાજ સારી રીતે સાંગોપાંગ છે, તે માટે રસિકાબહેન જેવા કંઇકેટલાય લોકોએ નિસ્વાર્થભાવે આકરી મહેનત કરી છે, પોતાના કિંમતી સમયનો ભોગ આપ્યો છે. આપ સહુ સેવાભાવી વડીલોને આદરપૂર્વક નમન કરવા, માનભેર યાદ કરવા એ ધરમનું કામ છે.
વાચક મિત્રો, મારી મર્યાદાઓના કારણે હવે ઓછા પ્રસંગોમાં હાજરી આપી શકું છું તે ખરું, પરંતુ આપ સહુને - મિત્રો - સ્વજનોને હળવામળવાનું હંમેશા મને ગમ્યું છે. આપ સહુનું ઉષ્માપૂર્ણ સાંનિધ્ય જ ‘87 વર્ષના આ જવાન’ની બેટરી ચાર્જ કરતું રહે છે. મને હંમેશા ચુસ્તદુરસ્ત અને સ્ફૂર્તિલો રાખે છે. હા, એક વાતનો અફસોસ જરૂર છે. હવે થોડો ‘કાચા કાન’નો થઇ ગયો છું. હિયરિંગ એઇડ હજુ બરાબર સેટ થયું ન હોવાથી નાનામોટા કાર્યક્રમ - સમારોહમાં થતાં ઘોંઘાટ વચ્ચે સામેવાળાની વાત સાંભળવાનું ક્યારેક મુશ્કેલ બની જાય છે. પરિણામે વાતચીતનો તંતુ હાય-હેલોથી આગળ સાંધવો મુશ્કેલ બની જાય છે. આ બધું કહેવાનું તાત્પર્ય એટલું જ કે આપની સાથે વધુ વાતચીત થઇ નથી શકતી તેનો મતલબ એવો નથી કે આપણી વચ્ચે અંતર વધી ગયું છે. મિત્રો, આપ સહુ મારા દિલની નજીક હતા, છો અને હંમેશા રહેશો જ. આશા છે કે આપ સહુ મારી મુશ્કેલી સમજીને મને માફ કરશો.
નાગ્રેચા પરિવાર આયોજિત કાર્યક્રમમાં હાજરી આપીને એ વાતે અત્યંત આનંદ અને ગૌરવ અનુભવ્યું કે આપણો સમાજ - આપણી સંસ્કૃતિ આજે પણ ચેતનવંતા છે. હંમેશા સમાજની સાથે રહેલા નાગ્રેચા પરિવારે સ્વાસ્થ્યથી માંડીને સમાજકલ્યાણ ક્ષેત્રે સક્રિય અનેકવિધ સંસ્થાનો મબલખ આર્થિક અનુદાન આપ્યું છે. નાગ્રેચા પરિવાર જેવા દિલદાર દાતાઓ હોય અને રસિકાબહેન જેવા નિસ્વાર્થ સેવાભાવીઓ હોય ત્યારે સમાજનો સંસ્કારવારસો - સંસ્કૃતિ ના સચવાય તો જ નવાઇ. ખરુંને?! (ક્રમશઃ)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter