પત્રકારત્વ, તેની જવાબદારી અને પ્રભાવ

જીવંત પંથ

સી. બી. પટેલ Tuesday 16th December 2014 13:53 EST
 
IJAના વિશેષાંકનું કવર પેજ
બેરોનેસ શ્રીતિ વડેરા
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આમ જૂઓ તો આ કોલમ થકી લેખક અને આપ સહુને જોડતો વૈચારિક તંતુ વધુને વધુ મજબૂત બની રહ્યો છે. દિન-પ્રતિદિન મારી આ હૈયાવાણી વધુ સત્વશીલ બને, શક્તિ-સંવર્ધક બને અને પ્રત્યેક વાચક તથા સમાજ તેના થકી વધુ જોમવંતો બને તે મારો મુખ્ય ઉદ્દેશ કે મંત્ર રહ્યો છે.

 આધુનિક યુગમાં ‘ચોથી જાગીર’ એટલે કે સમાચાર માધ્યમો એક અદકું સ્થાન ધરાવે છે. કાળક્રમે શાસન વ્યવસ્થામાં ચાર સત્તાઓનો ઉદભવ થયો. પહેલી સત્તા - શાસન / શાસક. લોકશાહી પદ્ધતિ અનુસાર જે કંઇ વહીવટી તંત્ર રચાય છે તેમાં સર્વોચ્ચ સ્થાને શાસન આવે છે. બીજી સત્તા એટલે વહીવટી તંત્ર - એડમિનિસ્ટ્રેશન. ત્રીજી સત્તા એટલે ન્યાયતંત્ર. પહેલી સત્તા નીતિનિયમો કંડારે. બીજી સત્તા તેને અમલમાં મૂકે, પણ જ્યારે જ્યારે તેમાં ક્ષતિ સર્જાય કે કોઇ અંશે અયોગ્ય વિચાર કે વલણ અપનાવાય ત્યારે ન્યાયતંત્રની ભૂમિકા શરૂ થાય. આ ત્રણેય સત્તાઓ પર એક યા બીજા પ્રકારે કોઇ એક ચોક્કસ સમૂહનું વર્ચસ જોવા મળશે, પણ સમાચાર માધ્યમો આમ જનતાની આધિ-વ્યાધિ-ઉપાધિઓને સમજે છે, તેને વાચા આપે છે અને સત્તાના ત્રણેય સૂત્રો ઉપર નજર રાખે છે. જરૂર પડે ટ્રાફિક પોલીસ જેવી જવાબદારી પણ નિભાવે - કંઇક ખોટું થતું હોય કે તેવી કોઇ આશંકા વેળા સાવચેતીની લાલ લાઇટ દેખાડે, અને બધું ઠીકઠાક હોય તો ‘ગો અહેડ’ની લીલી લાઇટ બતાવે. જોકે ચોથી સત્તાની જવાબદારી પણ વિશાળ છે. તેની યોગ્યતા આપોઆપ જ તેની કાર્યપદ્ધતિ કે પ્રભાવમાં કારણભૂત બને છે.

ગયા બુધવારે ઇંડિયન જર્નલિસ્ટ એસોસિએશનનો વાર્ષિક ડીનરનો કાર્યક્રમ અત્યંત ઉત્સાહપૂર્વક અને યથાયોગ્ય ઉજવાયો. IJAના ટૂંકા નામે જાણીતા પત્રકારોના આ સંગઠને છેલ્લાં ૬૭ વર્ષમાં ભારતનાં તેમ જ બ્રિટનમાં વસતાં ભારતીય વંશજોની સેવા કરવામાં બહુ અગત્યનું અનુદાન આપ્યું છે. આમ તો ભારતને સ્વાતંત્ર્ય મળ્યું તે પૂર્વેથી જ બ્રિટનમાં ભારતીય અખબારો માધ્યમોના પ્રતિનિધિઓ સક્રિય હતા, પણ તેઓ એકસૂત્રે બંધાયા ૧૯૪૭માં. ભારતમાં આઝાદીનો સૂર્યોદય થયો તે જ અરસામાં બ્રિટનમાં વસતાં ભારતીય અખબારી પ્રતિનિધિઓએ IJAના નેજામાં એક થવાનું નક્કી કર્યું. ઉદ્દેશ હતો - બ્રિટન અને ભારતના સંબંધોને મજબૂત બનાવવા માટે સેતુરૂપ કામગીરી કરવી અને સાથોસાથ બ્રિટનવાસી ભારતીય સમાજના પ્રશ્નોને વાચા પણ આપવી. મારી દષ્ટિએ IJA સ્થાપવાનો નિર્ણય બહુ દૂરંદેશીભર્યો હતો. બ્રિટિશ તાજમાંથી છૂટા પડેલા ભારત સાથેના રાજદ્વારી સંબંધો નવો આકાર લેવાના હતા. સ્વાભાવિક છે કે બદલાયેલા રાજકીય માહોલમાં નવા પ્રશ્નો, નવી સમસ્યાઓ, નવી મૂંઝવણ પણ સર્જાવાના હતા, અને ઉભય પક્ષના હિતમાં તેનું યથાયોગ્ય નિવારણ થવું આવશ્યક હતું.
પ્રારંભે સાતથી દસ સંવાદદાતાઓએ મળીને સ્થાપેલા IJAએ સમયના વીતવા સાથે ખૂબ પ્રભાવ પ્રાપ્ત કર્યો. ૧૯૮૪ સુધીમાં તો IJA ભારતીય સમાજમાં સૌથી અગ્રણી અને અમુક અંશે રાષ્ટ્રીય સ્તરના સંગઠનનો દબદબો ભોગવતું હતું તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે. આ પછી કાળક્રમે ગુજરાતી, પંજાબી કે અન્ય સમુદાયના સંગઠનો ઉદભવ્યા, અને IJAનું મહત્ત્વ ઘટ્યું. ૧૯૮૪ સુધી તો IJAનું વાર્ષિક ડીનર એક મોટો અવસર ગણાતો. બ્રિટિશ પ્રધાનો, ઉચ્ચ અધિકારીઓ, ટોચના રાજદ્વારીઓ, વેપાર-ઉદ્યોગના મોભીઓ IJAના ડીનરમાં ઉપસ્થિત રહેવાનું લાભદાયક સમજતા હતા. અલબત્ત, સંગઠનને આ ઉચ્ચ સ્તરે પહોંચાડવામાં તેના હોદ્દેદારોનું પાયાનું પ્રદાન હતું. સંગઠનના મોભીથી માંડીને સામાન્ય સભ્ય પણ પોતાની જવાબદારી અદા કરવામાં અત્યંત જાગ્રત હતા. ડો. તારા પદા બાસુ, ડો. સેલ્વનકર, સર્વશ્રી ઇકબાલ સિંહ, બટુક ગઠાણી, કે. એન. મલિક, કૈલાસ બુધવાર, મહેન્દ્ર કૌલ એવા તો કેટકેટલાય નામ આજે પણ નજર સમક્ષ તરવરે છે. આ ધુરંધરો જાણતા હતા કે તલવારની તાકાત કરતાં કલમનાં જોર અને જવાબદારી વધુ છે. અને આથી જ ભારતના હિતના જતનની વાત આવતી ત્યારે તેઓ લગારેય પાછી પાની કરતા નહોતા. અહીં મને બે પ્રસંગ યાદ આવે છે.
૧૯૯૩-૯૪માં ટોની બ્લેર લેબર પાર્ટીના નેતા હતા અને રોબિન કૂક વિદેશ બાબતોના શેડો સેક્રેટરી (છાયા પ્રધાન) હતા. બ્રેન્ટ ટાઉન હોલમાં બ્રિટનમાં વસતાં ભારતીય વંશજ લોકલ કાઉન્સિલરોનું એક ડીનર યોજાયું હતું. તે વેળા IJAમાં હું વધુ સક્રિય હતો અને લેબરના ટોચના નેતાઓ સાથે મારા સંબંધો ઘનિષ્ટ હતા. રોબિન કૂક આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે પધાર્યા હતા. પ્રાસંગિક પ્રવચનમાં તેમણે ભારતીય સમવાય તંત્રમાં જમ્મુ અને કાશ્મીર બાબત વધુ વાજબી અને આપણા સમાજને પસંદ પડે તેવો અભિગમ વ્યક્ત કર્યો હતો.
તેમની વાતનો સૂર હતો - ભારત અને પાકિસ્તાને આ વિવાદ આપસમાં ચર્ચા કરીને ઉકેલવો જોઇએ. તેમણે સમસ્યાના ઉકેલ માટે ભારતનાં (તત્કાલીન) વડા પ્રધાન ઇન્દિરા ગાંધી અને તેમના પાકિસ્તાની સમોવડીયા ઝૂલ્ફીકાર અલી ભૂત્તો વચ્ચે થયેલા સિમલા કરાર અને તેની જોગવાઇઓનો પણ ઉલ્લેખ કર્યો.
બ્રિટનમાં મોટા ભાગના અખબારો અને રાજકીય વર્તુળોમાં તે વેળાએ પાકિસ્તાની પ્રભાવ પણ સબળ હતો. ગમે તે થયું, પણ થોડાક સમય બાદ રોબિન કૂકે તેમના જાહેર નિવેદનથી બિલ્કુલ વિરોધી વલણ અપનાવ્યું.
ડો. એલ. એન. સિંઘવી એટલે ભારતીય રાજદ્વારી વર્તુળનું મોટા ગજાનું નામ. તે વેળા બ્રિટનમાં ભારતીય હાઇકમિશનર તરીકે કાર્યરત
ડો. સિંઘવીના પ્રસ્તાવથી, IJAના સહયોગમાં, આપણી પ્રકાશન પેઢી એબીપીએલ ગ્રૂપે સેન્ટ્રલ લંડનમાં ભવ્ય ડીનરનું આયોજન કર્યું. યજમાન હું હતો એટલે કાર્યક્રમનો દોરીસંચાર તો મારા હાથમાં જ હોય ને?! મેં બહુ વિચારપૂર્વક ડીનરટેબલની સિટીંગ એરેન્જમેન્ટ કરી. એક તરફ સિંઘવીસાહેબ અને બીજી તરફ, પ્રો. ભીખુભાઇ પારેખ. એક તરફ, વિચક્ષણ રાજપુરુષ અને બીજી તરફ, પ્રખર શિક્ષણવિદ્. બન્નેની વચમાં રોબિન કૂક.
લગભગ એક કલાકના ડીનરમાં રોબિન કૂકને લિજ્જતદાર ભોજનની સાથોસાથ ‘વૈચારિક ભાથું’ પણ પીરસાયું. સિંઘવીસાહેબ અને ભીખુભાઇએ જમ્મુ અને કાશ્મીર મુદ્દો, ભારતનો દૃષ્ટિકોણ, પાકિસ્તાનનો ગેરવાજબી અભિગમ વગેરે અંગે બહુ વિગતવાર કૂકને સમજાવ્યું. કોકડું ક્યાં ગૂંચવાયું છે તેનાથી માહિતગાર કર્યા. કોને ખબર કૂક કેટલું સમજ્યા હશે, અને કેટલું માથા ઉપરથી ગયું હશે. પણ...
ભારતની આઝાદીના સુવર્ણ જયંતી સમારોહને શોભાવવા નામદાર મહારાણી ૧૯૯૭માં દિલ્હી ગયા હતા. તેમની સાથે જોડાયેલા બ્રિટિશ પ્રતિનિધિમંડળમાં વિદેશપ્રધાન રોબર્ટ કૂક પણ સામેલ હતા. કૂકને શું સૂઝ્યું તે ભારત પ્રવાસ દરમિયાન જ તેમણે જમ્મુ-કાશ્મીરનો પ્રશ્ન ઉખેડ્યો. એટલું જ નહીં, તેમણે તો ઓફર પર પણ કરી દીધી કે જો ભારત-પાકિસ્તાનને ઇચ્છે તો કાશ્મીર પ્રશ્ને બ્રિટન મધ્યસ્થી તરીકેની જવાબદારી ઉઠાવવા તૈયાર છે. તેમના નિવેદન પરથી જ સમજાઇ જતું હતું કે ડીનર વેળાનું બધું ‘શિક્ષણ’ એળે ગયું હતું. ભારતમાં તો રાજદ્વારી નારાજગી વ્યક્ત થઇ જ, પણ નામદાર મહારાણીનો પોતાના જ દેશના એક નેતાના વગરવિચાર્યા નિવેદનના કારણે, ભારત પ્રવાસ વિવાદાસ્પદ બની ગયો હતો.
વાચક મિત્રો, આ ઘટનાપ્રસંગનો ઉલ્લેખ કરવાનું કારણ એટલું જ કે અવિભાજ્ય ભારતનો પ્રશ્ન હોય કે પછી અન્ય કોઇ મુદ્દો, IJAએ છેલ્લા ૬૭ વર્ષમાં હંમેશા સક્રિય ભૂમિકા ભજવી છે.
IJAના ઇતિહાસમાં આ વર્ષે પ્રથમ વખત સંગઠનનું સુકાન નારીશક્તિ સંભાળી રહી છે. સંસ્થાના પ્રમુખ તરીકે કુ. આદિતી ખન્ના અને સેક્રેટરી તરીકે શ્રીમતી રુપાંજના દત્તા તરીકે કાર્યરત છે. બાય ધ વે, ‘પરિવારના સભ્ય’નો પરિચય ન હોય, છતાં જણાવી દઉં કે રુપાંજનાબહેન આપણા સાપ્તાહિક Asian Voiceના એસોસિએટ એડિટર છે. IJA-૨૦૧૪ના ડીનર પ્રસંગે પ્રકાશિત થયેલા સુવેનિયરનું કવરપેજ નવ નારી રત્નોની તસવીરોથી શોભે છે. આ નારી રત્નો એટલે ક્વીન વિક્ટોરિયા, ક્વીન એલિઝાબેથ- દ્વિતીય, ભારતનાં સ્વ. વડા પ્રધાન ઇન્દિરા ગાંધી, બ્રિટનનાં વડા પ્રધાન માર્ગરેટ થેચર, વિજયા લક્ષ્મી પંડિત, કોર્નેલીયા સોરાબજી, એની બેસન્ટ, વિજ્યાલક્ષ્મી પંડિત, રોમા અગ્રવાલ, આર્ચી પંજાબી....
બ્રિટનમાં નારી હવે ઉચ્ચ સ્થાને નીમાય છે તે કંઇ નવાઇની વાત નથી. ગયા શુક્રવારની જ વાત કરો ને... જાહેરાત થઇ છે કે આપણા ગરવા ગુજરાતી બહેન બેરોનેસ શ્રીતિ વડેરાને સેનટાન્ડર યુકે બેન્કના ચેરમેન પદે મૂકવામાં આવ્યા છે. મૂળ સ્પેનીશ કંપની માલિકીની આ બેન્ક આર્થિક ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવે છે.
બેરોનેસ શ્રીતિ વડેરા એટલે યુગાન્ડામાં વસતા શ્રીમતી નિલમબહેન અને વિનોદભાઇ વડેરાનાં સુપુત્રી. છેલ્લી ૩-૪ પેઢીથી વડેરા પરિવાર પૂર્વ આફ્રિકા (યુગાન્ડા)માં સ્થાયી છે અને ટી એસ્ટેટ (ચા ઉત્પાદનના) ક્ષેત્રે મોટી નામના ધરાવે છે. ત્રીસેક વર્ષ અગાઉ પ્રો. ભીખુભાઇ સાથે વડેરાપરિવારને ત્યાં નોર્થવુડમાં જવાનો પ્રસંગ બન્યો હતો. આનો જશ જાય શાંતુભાઇ રુપારેલને. તે સમયે તો શ્રીતિબહેન વિદ્યાર્થિની હતાં. તેમની વય અને કદ ભલે નાનાં હતાં, પણ તેમની તેજસ્વી વિચારસરણીએ અમને બહુ પ્રભાવિત કર્યા હતા. હું અને ભીખુભાઇ વડેરાપરિવારની યજમાનગતિ માણીને પરત ફરતા હતા ત્યારે રસ્તામાં જ અમારે વાત થઇ હતી કે આ છોકરી મોટી થઇને કાઠું કાઢશે તેમાં બેમત નહીં.
એબીપીએલ ગ્રૂપનું ‘વિચારવલોણું’
આ પ્રસંગે મારે બીજી પણ એક ઘટનાનો ઉલ્લેખ કરવો જ રહ્યો. ગયા શુક્રવારે સેન્ટ્રલ લંડનની તાજ ક્રાઉન પ્લાઝા હોટેલમાં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઇસ’ની એક દિવસીય વિચારમંથન બેઠક યોજાઇ હતી. ટ્રેનિંગ એન્ડ બિઝનેસ ડેવલપમેન્ટ કોર્પોરેટ લાઇફસ્કીલના સંગીતા પાંડે મુખ્ય વક્તા હતા. લંડનસ્થિત ઓફિસના ૧૯ સાથીદારોએ સવારના દસથી સાંજના છ વાગ્યા સુધી પત્રકારત્વ વ્યવસાય સાથે સંકળાયેલા વિવિધ પાસાંઓ અંગે વિશદ્ વિચારવિનિમય કર્યો. સહુએ હોટેલમાં આનંદપ્રમોદ કરતાં કરતાં ડીનર માણ્યું.
આ વિચારમંથન દરમિયાન દરેક સભ્યે સમાચારો તથા અન્ય માહિતીપ્રદ લેખન સામગ્રી, જાહેરખબર, કસ્ટમર સર્વીસ, સમાજસેવાના અન્ય પ્રયોજનો સહિત સમગ્ર વ્યવસાયને સંકલિત વિવિધ વિષયો પર પોતાના વિચારો-મંતવ્યો રજૂ કર્યા અને પછી તે અંગે તબક્કાવાર ચર્ચા થઇ.
ચર્ચામાં રજૂ થયેલા મુદ્દાઓમાંથી કેટલાક અહીં રજૂ કરું છું...
૧) પત્રકારત્વની આચારસંહિતા. ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઇસ’ સાપ્તાહિકોએ હંમેશા પત્રકારત્વના ઉચ્ચ મૂલ્યોનું જતન-સંવર્ધન કર્યું છે. ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઇસ’નું પત્રકારત્વ કેટલું સબળ અને સશક્ત છે કે
અમે બદનક્ષી ખટલાઓની શિકસ્તની બદનામી અને બરબાદીથી વિમુખ રહ્યા છીએ.
૨) કેટલાય અખબારો-સામયિકો જાહેરખબરો મેળવવા માટે પોતાના ફેલાવાનો આંકડો વધારી-ચગાવીને કહેતા હોય છે. આના મૂળમાં લાલચ એવી હોય છે કે સર્ક્યુલેશનનો આંકડો ઊંચો કહીએ તો એડવર્ટાઇઝ વધારે મળે. પરંતુ હું - એબીપીએલ ગ્રૂપના પ્રકાશક-તંત્રી તરીકે - આપ સહુ વાચકો, સમર્થકોને પૂરી જવાબદારી સાથે કહેવા માગું છું કે અમારા પ્રકાશનોના મુદ્દે આપને ક્યારેય નીચાજોણું નહીં થાય. અમે ક્યારેય ફેલાવાનો આંકડો ફુલાવીને કહેતા નથી.
૩) ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઇસ’ સાપ્તાહિકોએ બે વર્ષ કરતાં વધુ સમયથી જંતરમંતર, મેલીવિદ્યા, દોષનિવારણના મનઘડંત દાવાઓ કરતી જાહેરખબરો પ્રકાશિત કરવાનું સ્વેચ્છાએ બંધ કર્યું છે. લોકોનું આર્થિક-શારીરિક શોષણ કરતી આવી જાહેરખબરો બંધ કરીને પ્રતિવર્ષે ૫૦,૦૦૦ પાઉન્ડ ગુમાવીએ છીએ. કારણમાત્ર એટલું જ કે અમારા હૈયે વાચકો, ગ્રાહકો અને સમાજનું વ્યાપક હિત વસે છે. અમે આપ સહુના, સમાજના હિતોનું જતન કરવા દૃઢ નિશ્ચયી છીએ.
૪) વિચારમંથનમાં મારા સાથીઓએ એક બીજી પણ સરસ વાત રજૂ કરી. બન્ને પ્રકાશનો દ્વારા એક યા બીજી પ્રકારે બ્રિટીશ ગુજરાતી, બ્રિટીશ ભારતીયોના હિતમાં અનેક આયોજનો થતા જ રહે છે. પછી તે હેલ્થ સેમિનાર હોય કે વડીલોનું સન્માન હોય, આનંદ મેળો હોય, સાહિત્ય સભા હોય, સંગીત મહેફિલ હોય કે પછી બીજી કોઇ સમાજસેવી પ્રવૃત્તિ. દરેક ક્ષેત્રે યથાશક્તિ પ્રદાન આપવાનો અમારો પ્રયાસ હોય છે.
૫) આપણા આ બંને સાપ્તાહિકોમાં રજુ થતાં લેખન-સામગ્રી-વિચારો, વિવિધ વિશેષાંક, કેટલાક નવિન આયોજનો વિશે તંત્રીમંડળ અને સૌ સાથી વધુ કંઈક કરવા દ્રઢનિશ્ચયી છે.
વાચક મિત્રો, હું અને મારા સાથીઓ બહુ સદભાગી છીએ કે જગતનિયંતાએ અમને આપ સૌની, સમાજની સેવા કરવાનો આવો સોનેરી અવસર પૂરો પાડ્યો છે. ખરેખર, બહુ ઓછાને આવું સદભાગ્ય સાંપડતું હોય છે. પરમ કૃપાળુ પરમાત્માને એટલી જ વિનંતી કરવાની કે ઇતની શક્તિ હમેં દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હો ના... અમને એટલી શક્તિ આપજો કે અમે વાચકો, સમર્થકોના હિતાર્થે અમારો આ સેવાયજ્ઞ, જ્ઞાનયજ્ઞ સદાય ઝળહળતો રાખી શકીએ... અને હા! આ અમારી ફરજ પણ છે. હવે આપણે આવતા વર્ષે ઈ.સ. ૨૦૧૫માં મળીશું. રાજી રહેશો, હેમખેમ રહેશો. (ક્રમશઃ)
તા.ક. આ સપ્તાહના ‘એશિયન વોઇસ’માં પ્રકાશિત થયેલી મારી કોલમ As I see itના કેન્દ્રસ્થાને પણ વિષયવસ્તુ તો આ જ છે, પરંતુ દષ્ટિકોણ સ્હેજ અલગ છે. આપ સહુને, શક્ય હોય તો, તે કોલમ વાંચવા આગ્રહભર્યું નિમંત્રણ છે.


    comments powered by Disqus    to the free, weekly Gujarat Samachar email newsletter