પ્રભુ! જીવન દે... ચેતન દે, નવચેતન દે...

જીવંત પંથ

- સી.બી. પટેલ Wednesday 10th April 2024 05:04 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, નવમી એપ્રિલે આ ગગો આયખાનું 87મું વર્ષ પૂરું કરીને 88મા વર્ષમાં પ્રવેશ્યો છે. એટલે શું? પછી શું? આ કે આવા કોઇ સવાલના મારી પાસે જવાબ નથી. પણ હા, એટલું જરૂર કહી શકું કે જીવનને ભરપૂર જીવી રહ્યો છું. ઉંમરના આંકડાએ શરીરનું જોર ઘટાડ્યું હશે, પણ બંદાનો જુસ્સો બરકરાર છે. વીસી, ત્રીસી કે ચાલીસીમાં હતો એવો જ - દમદાર. માન્યામાં ના આવતું હોય તો પૂછી લેજો મારા સાથી - સંગાથીઓને...
વાચક મિત્રો, એક યા બીજા પ્રસંગે, એક યા બીજા પ્રકારે, એક યા બીજી વ્યક્તિ દ્વારા, હમઉમ્ર ભાઇ કે બહેનને જ્યારે જ્યારે મળવાનો પ્રસંગ બન્યો છે ત્યારે ત્યારે એક પ્રશ્ન - લગભગ - અવશ્ય પૂછાતો રહ્યો છેઃ સી.બી., બહુ દોડ્યા... હવે નિવૃત્ત ક્યારે થાવ છો? અને આ સવાલના જવાબમાં હોય છે મારું ખડખડાટ હાસ્ય. સવાલ જેટલો સહેલો દેખાય છે એટલો જ અઘરો તેનો જવાબ છે. તમે જ કહો, જે સવાલનો જવાબ મેં વિચાર્યો જ નથી તેનો જવાબ કેમનો આપવો?
હકીકત તો એ છે કે સામાન્ય પ્રકારની નિવૃત્તિ એ મારી પસંદગી નથી. અને જે મને પસંદ નથી તે હું ક્યારેય કરતો નથી. સાચું કહું તો પ્રવૃત્તિમાં નિવૃત્તિ એ મારો માર્ગ છે. એ અર્થમાં વયના વધવા સાથે તંદુરસ્તીના પલ્લામાં સહેજ ઉપર-નીચે થાય તો તેને સ્વાભાવિક ગણું છું, અને એટલી જ સહજતાથી તેને સ્વીકારું છું. ચિંતામાં રમમાણ થઇ જવાના બદલે ખાણીપીણીમાં ફેરફારથી માંડીને તબીબી સલાહસૂચનને અનુસરતાં શરીરની આવશ્યક કાળજી લઉં છું.
તમે જ કહો... આજે, આ વયે, આટલી સ્ફૂર્તિ અને સક્રિયતા સાથે જિંદગીની મજા માણી શકું છું - મારા મનગમતા કામ કરી શકું છું - આપ સહુની વચ્ચે હરતોફરતો રહી શકું છું તેનાથી વિશેષ મારે શું જોઇએ?! ભર્યોભાદર્યો પરિવાર છે અને આપ સહુના આશિષ છે... આને પરમાત્માની અસીમ કૃપા જ ગણવી રહી. આજની આ પળે હું પરમ કૃપાળુ પરમાત્મા, મારા પરિવારજનો, મારા સાથીદારો, મારા વાચકમિત્રો, અને સમાજનો હું અત્યંત ઋણી છું.
વાચક મિત્રો, લખવું તો ઘણું છે, અને ઘણું ઘણું લખી શકાય તેમ છે. પણ આજે નહીં. ફરી ક્યારેક. આજે તો આપણા દિગ્ગજ સર્જક રામનારાયણ વિ. પાઠક ‘શેષ’ની ઉત્કૃષ્ટ રચના ‘પ્રભુ! જીવન દે’ સાથે વિરમું છું. (ક્રમશઃ)

- પ્રભુ! જીવન દે
પ્રભુ! જીવન દે
પ્રભુ! જીવન દે, હજી જીવન દે!
વિપદો નિતનિત્ય નવીન નવીન નડે,
ડગલું ભરતાં કહરે જ પડે.
કંઈ ગુપ્ત ભયો મહીંથી ઊઘડે,
વનકંટકથી તન રક્ત ઝરે;
પણ તોય ન અશ્રુ કદાપિ ખરે
દંગ એ પડીને ફરીથી ઉપડે
પગ એટલું હે પ્રભુ જીવન દે!
પ્રભુ બંધનમાં જકડાઈ ગયો,
મુજ દેહ બધો અકડાઈ ગયો.
અવ ચેતન દે! નવચેતન દે!
સહુ એક જ ઘાથી હું તોડી દઉં
તલ ગાઢ અહંત્વનું ફોડી દઉં,
તુજ વારિ વિશાલ મહીંથી ઊડે,
લઘુ પામરતા બધી માંહીં બૂડે;
જલ એ ઊભરી અભર્યું જ ભરે,
પ્રભુ, એ જલમાં ઝીલવાનું જ દે!
પછી દરદુર દીર્ઘ રવે જ ભલે,
દિનરાત ડરાઉં ડરાઉં કરે,
પણ નિર્ભય મુક્ત અસીમ જલે,
ઝીલતાં જનશું મળવાનું જ દે,
પ્રભુ, ચેતન દે, નવચેતન દે
યદિ એ નવ દે -
પણ જીવનઓટ ન ખાળી શકું,
મુજ જીવનખોટ ન વાળી શકું,
હળવે મુજ જીવનહાસ થતાં,
અમ નિર્બળનો ઉપહાસ થતો,
જગ ટાળી શકું.
નહિ, એવું ન દે! પ્રભુ એ કરતાં,
મુજ આયુષશેશય સંહરતાં,
ઘડી યૌવન જીરણ અંગ તું દે, -
પ્રભુ જિંદગી પુણ્ય વિના ગઈ છે,
પણ ક્યાં તુજ એ કરુણા ગઈ છે? -
બીજું ના કંઈ તો બસ આટલું દે:
જગ પાપ શું કૈં લડવાનું જ દે,
લડી પાર અને પડવાનું જ દે,
હસી મૃત્યુમુખે ધસવાનું જ દે,
ધસી મૃત્યુમુખે હસવાનું જ દે,
જીવવા નહિ તો
મરવા કોઈ ભવ્ય પ્રસંગ તું દે!
ઘડીયે બસ એટલું યૌવન દે,
પ્રભુ, યૌવન દે, નવયૌવન દે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter