રણના કણ કણમાં બ્રહ્મનાદ

જીવંત પંથ-૨ (અબુધાબી મંદિર વિશેષ)

- સી.બી. પટેલ Wednesday 27th March 2024 03:32 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ સપ્તાહે આપણે A Millennial Moment નામના એક એવા અભ્યાસુ ગ્રંથની, અમુક અંશે, સમાલોચના કરવાના છીએ, વિગતે ચર્ચા કરવાના છીએ જે કામ ખરેખર તો મુશ્કેલ છે. 175 પાનમાં - હજારો શબ્દોમાં, અનેકવિધ પ્રસંગો - દૃષ્ટાંતો - ઘટનાઓ - અભિપ્રાયો રજૂ થયા હોવાથી તેની સંતોષજનક તારવણી રજૂ કરવાનું કામ ઘણું જવાબદારીભર્યું છે, તો તેમાં ઘણી મર્યાદાઓ પણ રહેલી છે. શબ્દબ્રહ્મ - શબ્દનાદ - બ્રહ્મનાદ એ ઉદ્ગારથી, લખાણથી અને હાવભાવથી પ્રચંડ શક્તિ ધરાવે છે. કોઇ (અલૌકિક) પળે ઇશ્વરસમર્પિત મહાપુરુષ દ્વારા થયેલા ઉદ્ગાર - ક્રિયા - દિશાસુચન એ ક્યારેક એવી જ ગેમચેન્જર ઘટનાનું નિર્માણ કરે છે.
બિક્રમ વહોરાના પુસ્તકને હું ફરી વાંચી ગયો. આપણા સનાતન ધર્મ - અધ્યાત્મમાં ઇશ્વર સાકાર છે - નિરાકાર છે - અનેક સ્વરૂપ છે. ઇશ્વર એક, નામ અનેક. કોઇ સર્જકે સુંદર ભજન લખ્યું જ છેને... હરિ તારા નામ છે હજાર... ક્યા નામે લખવી કંકોતરી. લક્ષ્યાંક, એકનાદ, શ્રદ્ધા - પરમ શ્રદ્ધા - સંપૂર્ણ સમર્પણ... મિડલ ઇસ્ટની ધરતી પર સાકાર થયેલા અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિર વિશે આટલું તો અવશ્ય કહી જ શકાય. આ મંગલ મંદિર વિશે ઘણું બધું લખી શકાય એમ છે, અને ઘણું વિચાર્યું પણ છે, પરંતુ વાચક મિત્રો સાચું કહું તો મારી મનોસ્થિતિ એ પિંજારા જેવી છે, જે ‘આટલું કપાસ કાંતશે કોણ, અને પીંજશે કોણ...’ જેવી અવઢવમાં અટવાયેલો છે.
પરમ આત્મા ઇશ્વરમાં શ્રદ્ધા રાખીને, આ શુભકાર્યને એક અપૂર્વ અવસર સમજીને હું આ ભગીરથ કાર્યનો આરંભ કરી રહ્યો છું. અબુધાબી, અમિરાત, દુબઇ અને આ બધા પ્રદેશો સેંકડો વર્ષોથી લગભગ સંપૂર્ણપણે ઇસ્લામી ઉપાસકોના નિવાસસ્થાન રહ્યા છે. એક સમયે વહાબી પંથ દ્વારા આક્રમક ઇસ્લામનો પ્રવાહ વધ્યો, પણ અરબ પ્રજા શરૂથી જ - અને મારા અભ્યાસ મુજબ 1600 વર્ષ પૂર્વેથી પણ - કંઇક અંશે ઉદારવાદી રહી છે. હું આ ભૂમિના ભૂગોળ અને ઇતિહાસથી અમુક અંશે માહિતગાર છું. ઇસ્લામના ઉદય પહેલાં અને ઇસ્લામના પ્રારંભના સૈકામાં વિજ્ઞાન - ખગોળ - આરોગ્ય - ગણિત બધામાં અરબ પ્રજાનું અનુદાન નોંધાયેલું જોવા મળે છે.
છેલ્લા ત્રણસોએક વર્ષથી અબુધાબી કે અમિરાત કે મધ્ય પૂર્વની પ્રજા વધુ રૂઢિચુસ્ત ગણાતી હતી. અમુક અંશે કુરાન અંગે ગેરસમજના પરિણામે વધુ આક્રમક અને અસહિષ્ણુ સમાજ પણ ઉદ્ભવ્યો. આવા મુસ્લિમ-બહુલ મલક અબુધાબીમાં એક મોકાની કહેવાય તેવી જગ્યા ત્યાંના શાસકોએ મંદિરનિર્માણ માટે આપી તે ઘટના સામાન્ય નહીં, પણ અસામાન્ય છે. આ ઘટનાક્રમના પગલે, સમયના વહેવા સાથે સમગ્રતયા ઇતિહાસ બદલાઇ જશે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિર અનેક રીતે નૂતન વૈશ્વિક વ્યવસ્થાનું દ્યોતક છે એમ કહી શકાય. છેલ્લા 50 વર્ષથી ધરતીના પેટાળમાંથી નીકળતાં તેલ અને ગેસના વિપુલ ભંડાર થકી મબલખ નાણાં કમાનાર પ્રજા, તો પણ પરિવર્તન પ્રતિભાસંપન્ન છે. તો શાસકો માટે આ અફાટ ધન પચાવવું કઠિન ગણાય.
અમિરાતની વાત પહેલાં કરું. અત્યારે અમિરાતમાં ઇસ્લામીઓ કરતાં વિદેશીઓ બહુમતી સંખ્યામાં વસે છે. છેલ્લા દસકાઓમાં જ આ નજારો ઉદ્ભવ્યો છે, ખીલી ઉઠ્યો છે એમ કહી શકાય. 10 ટકા સ્થાનિક પ્રજાજનો 90 વિદેશી વસાહતીઓની ઉપયોગીતા સમજે છે. ખરેખર, હું એ વાતે બહુ પ્રભાવિત થયો છું કે બદલાયેલા સંજોગોમાં તેમણે પરદેશીઓની જરૂરિયાતોની નોંધ લીધી છે. આ અમિરાતના દુબઇ - શારજાહ - ઓમાન - મસ્કત દેશો અને તેના શાસકો - પછી તેમને શેખ કહો કે અમીર - ખરેખર અત્યંત ધનવાદને પાત્ર છે. આ પુસ્તકમાં લેખક બિક્રમ વહોરાએ સ્વીકાર કર્યો છે કે તેઓ જન્મે હિન્દુ હોવા છતાં, અને સાવ નાસ્તિક ન હોવા છતાં આસ્થા મર્યાદિત હતી.
પણ આ જ બિક્રમ વહોરાએ આ ગ્રંથમાં બીએપીએસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના આરંભથી લઇને પ.પૂ. શ્રીજી મહારાજ, પ.પૂ. શાસ્ત્રીજી મહારાજ, પ.પૂ. યોગીજી મહારાજ, પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ, પ.પૂ. મહંત સ્વામી મહારાજ અને ખાસ તો પ.પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ કરેલી રજૂઆતને જે શબ્દદેહ આપ્યો છે તેનું આ અખબારની મર્યાદિત જગ્યામાં વર્ણન કરવું, નિરુપણ કરવું મારા માટે ખરેખર
મુશ્કેલ છે.
આ પુસ્તકમાં પ્રકાશિત મોતી જેવા મૂલ્યવાન અવતરણો પર સરસરતી નજર ફેરવવા જેવી છે...
(પાન 3) • In the joy of others, lies ours.
પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજનો આ સંદેશ કહે છે કે બીજાના આનંદમાં જ આપણો આનંદ સમાયો છે.
(પાન 12) • Why so many people committed to Pramukh Swami Maharaj?
- Because he was committed to them.
બિક્રમ વહોરાએ પુસ્તકમાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે આટલા બધા લોકો પ્રમુખ સ્વામી મહારાજને કેમ સમર્પિત છે? અને
પ.પૂ. બ્રહ્મવિહારીએ તેનો જવાબ આપતાં લખ્યું છેઃ કેમ કે તેઓ (પ્રમુખ સ્વામી મહારાજ) તેમને સમર્પિત છે.
(પાન 19) • Tollerence is a duty. (સહિષ્ણુતા એ ફરજ છે...)
યુએઇના પ્રેસિડેન્ટ અને અબુધાબીના શાસક હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન કહે છે કે સહિષ્ણુતા એ ફરજ છે... કેટલી સુંદર રજૂઆત!
(પાન 37) • This mandir like a Cinderella story. A fairy tale more real, than real.
ભારતના વિદેશપ્રધાન ડો. એસ. જયશંકર અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિર અંગે કહે છે કે આ મંદિર પરીકથા જેવું છે. એક એવી પરીકથા જે વાસ્તવિક કરતાં પણ વધુ વાસ્તવિક છે.
(પાન 61) • You cannot believe in God, unless you believe in yourself.
સ્વામી વિવેકાનંદના આ જગવિખ્યાત વાક્યથી ભાગ્યે જ કોઇ અજાણ હશે. જ્યાં સુધી તમને તમારી જાતમાં ભરોસો નહીં હોય ત્યાં સુધી તમે ઇશ્વરના અસ્તિત્વને સ્વીકારી શકશો નહીં.
(પાન 77) • Being truthful is being peaceful.
કેટલી ચોટદાર રજૂઆતઃ સત્યમાં જ શાંતિ સમાયેલી છે. (પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ)
વાચક મિત્રો, હૃદયને ભીંજવી દે તેવા કેટલાય ઉદ્ગારો મેં આ પુસ્તકમાં વાંચ્યા. આ પુસ્તક વિશે કેટલીક રજૂઆત કરવી છે, પણ શું લખવું, કેટલું લખવું તે મૂંઝવણ છે. જોકે આપણે કેટલીક હકીકત - તથ્યો પર નજર નાંખીએ. સાથે સાથે જ એક ભલામણ ખાસ કરવાની કે આ પુસ્તકના પાન નં. 30 પર બિક્રમભાઇએ ઉલ્લેખ કર્યો છે તેમ આપણા સુપ્રસિદ્ધ નિસ્ડન મંદિરની રચનાની ગાથા રજૂ કરતો યુટ્યુબ વીડિયો Making of Neasden Temple (‘મેકિંગ ઓફ નિસ્ડન ટેમ્પલ’) અચૂક નિહાળશો. આ મંદિર સાથે સંકળાયેલી વાતો પણ જાણવાનું ખૂબ જરૂરી છે.
બીએપીએસનો પ્રસાર સન 1955 સુધી માત્ર ભારતમાં જ, અને સવિશેષ તો ગુજરાત પૂરતો જ સીમિત હતો એમ કહી શકાય. બીએપીએસના પ્રથમ મંદિરનો પૂર્વ આફ્રિકામાં પ્રારંભ થયો ત્યારે પ.પૂ. યોગીબાપાએ કહ્યું હતું કે આજે અહીંયા મંદિર બન્યું છે, તો એક દિવસ આપણું હિન્દુ મંદિર લંડનમાં
પણ બનશે.
 મિત્રો, 1955માં વિશ્વનો નકશો અલગ હતો અને દુનિયા પણ કંઇક જુદી જ હતી. ભારત પણ જુદું હતું. ભારત તો ભાગ્યે જ કોઇની નજરમાં હતું. સનાતન ધર્મની ઓળખ જુદા પ્રકારની હતી. સનાતન એટલે જેનો આરંભ પણ નથી, અને અંત પણ નથી. તે કોઇ ધર્મગ્રંથ કે કોઇ વ્યક્તિ આધારિત નથી. સમય સાથે ઉત્ક્રાંતિ કરવાનું તેનું આગવું લક્ષણ જ સનાતન ધર્મની ઓળખ છે. છેલ્લા સૈકાઓમાં ખાસ તો 1893માં શિકાગોમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદના અદભૂત પ્રવચન પછી સનાતન ધર્મે વૈશ્વિક તખતે ઓળખ મેળવી એમ કહી શકાય.
બીએપીએસનું પશ્ચિમી જગતમાં પ્રથમ મંદિર 1970માં લંડનમાં સાકાર થયું. થોડાક જ વર્ષમાં વધુ મોટી જમીન ખરીદી. મોટી જગ્યાએ વધુ મોટા - વધુ ભવ્ય મંદિરનું નિર્માણ કરવાના ચક્રો ગતિમાન થયા. અને આનો જશ આપવો રહ્યો પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજને.
બાપાની વાત નીકળી જ છે ત્યારે મને બીજી એક આડ વાતનો ઉલ્લેખ કરી જ લેવા દો. આ વાત એવી છે કે મને જ નહીં, અમારા સમગ્ર પરિવારને તેનું ગૌરવ છે, અને આથી જ અવસર મળ્યે આ વાતનો પુનરોઉલ્લેખ કરતાં હું મારી જાતને રોકી શકતો નથી. પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ સાથે અમારો ચાર પેઢીનો સંબંધ રહ્યો છે. 26 સપ્ટેમ્બર 2007ના રોજ લંડનમાં નિસ્ડન મંદિર યોજાયેલી ધર્મસભામાં બાપાએ મારા પિતાશ્રી બાબુભાઇ અને દાદાશ્રી મણિભાઇના નામજોગ ઉલ્લેખ સાથે જે વાતો કરી હતી તેના શબ્દો, તેમાં રહેલી લાગણી આજેય મારા દિલોદિમાગને તરબતર કરી રહી છે.
(વાચક મિત્રો, આ અંગેનો વિગતવાર અહેવાલ ગુજરાત સમાચાર અંક 6 ઓક્ટોબર 2007માં પાન 14 ઉપર પ્રકાશિત થયો હતો તેથી વિગતવાર ઉલ્લેખ ટાળું છું. જો આપની પાસે અંક હાથવગો ના હોય તો આપ તેને ‘ગુજરાત સમાચાર’ની વેબસાઇટ પર પણ વાંચી શકો છો. આ માટે વેબલિંક સર્ચ કરોઃ https://bit.ly/3x5poxA)
આપણે નિસ્ડન મંદિરના નિર્માણની વાત સાથે ફરી જોડાઇએ... 80ના દસકામાં પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ લંડન આવતાં અને આજનું નિસ્ડન મંદિર છે તેની સામેના સંકુલમાં જે કાર પાર્ક છે તેના ખૂણે એક નાની (બે માળની ઓરડી જેવી) જગ્યા છે. તે જગ્યાએ બાપા એકલા રહેતા હતા. તેમની સાથે જયંતીભાઇ પટેલ નામના હરિભક્ત ખડેપગે હોય.
સ્વાભાવિક છે કે તે સમયે આ વિસ્તારની રોનક આજના જેવી નહોતી. રાત પડે એટલે ચોમેર ભેંકાર ભાસે. કાચાપોચાના હાંજા ગગડી જાય તેવું કાળુંડિબાંગ અંધારું છવાયું હોય. પણ બાપા જેનું નામ. ઇશ્વરમાં અતૂટ શ્રદ્ધા - આસ્થા ધરાવતા પ્રમુખ સ્વામી મહારાજે ત્યાંથી બીજા સ્થળે રાતવાસો કરવાનો વિચાર સુદ્ધાં નહોતો કર્યો. બાકી તેમના માટે સારામાં સારા ઉતારાની વ્યવસ્થા કરી આપે તેવા હરિભક્તોની ક્યાં કમી હતી?! વાચક મિત્રો, આ બધું મેં સગી આંખે નિહાળ્યું છે એટલે કહી જાણું છું.
પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજનું સીધું માર્ગદર્શન અને હરિભક્તોની દિવસ-રાતની મહેનતના પરિણામે આજનું - ભવ્યાતિભવ્ય નિસ્ડન બીએપીએસ મંદિર સાકાર થયું. ભારત બહાર, દરિયાપારના દેશની ધરતી પર સાકાર થયેલા આ નૂતન મંદિરનો 1995માં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો ત્યારે પણ બાપાની પ્રેમાળ નિશ્રાનો મને લહાવો સાંપડ્યો હતો. મને આજે પણ યાદ છે કે બાપાની આગ્રહભરી આજ્ઞાથી હું તત્કાલીન નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણી, વાઇસ પ્રેસિડેન્ટ ભૈરોંસિંહ શેખાવત, ગુજરાતના મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ અને વરિષ્ઠ સાધુસંતો વચ્ચે જઇ બેઠો હતો અને ઐતિહાસિક ઘડીનો સાક્ષી બન્યો હતો. મંદિરના ઘંટારવમાં મને પ.પૂ. યોગીજી મહારાજે (1955માં પૂર્વ આફ્રિકામાં) આત્મશ્રદ્ધાભેર ઉચ્ચારેલા શબ્દોનો રણકાર સંભળાઇ રહ્યો હતો. લંડનમાં પણ અવશ્ય ભવ્ય
મંદિર સાકાર થશે જ’ શબ્દો નિસ્ડનમાં સાકાર થયા હતા.
1955થી 1995... 40 વર્ષમાં સનાતન ધર્મની ધજા ક્યાંથી ક્યાં લહેરાઇ રહી હતી.
નિસ્ડન મંદિરને જગવિખ્યાત ‘રિડર્સ ડાયજેસ્ટ’ મેગેઝિને વિશ્વની આઠમી સમાન ગણાવ્યું હતું. બિક્રમ વહોરાના પુસ્તકમાં આ બધી વાતાનો વિગતવાર ઉલ્લેખ વાંચવા મળશે. 1997 આસપાસ પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ મધ્ય પૂર્વના દેશો દુબઇ અને શારજાહ પ્રવાસે ગયા તે વેળા આ અરબ દેશની ધરતી પર સનાતન મંદિરનું નિર્માણ થશે, હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટશે તે કલ્પનાનો પણ વિષય નહોતો. પુસ્તકમાં વાંચી લેજો. આ બધી વાતોનો ઉલ્લેખ છે.
રોહિતભાઇ પટેલ નામના સત્સંગીને ત્યાં સ્વામીબાપાનો મુકામ હતો. રોહિતભાઇ સહિતના સત્સંગીઓ બાપાના સાંનિધ્યમાં બેઠા હતા અને અલકમલકની વાતો ચાલતી હતી. આ દરમિયાન રોહિતભાઇ એકાએક ઉભા થયા અને બાપાને કહ્યું કે ચાલો, આપણે રેતીના ઢુવા પર આંટો મારી આવીએ. સાત મોટરગાડીનો કાફલો રવાના થયો. સહુ શારજાહના રેતીના રણમાં જઇ પહોંચ્યા. સ્વામીબાપાના આ કાફલામાં યુવા સંત બ્રહ્મવિહારી સ્વામી પણ ખરા. બ્રહ્મવિહારી સ્વામીનો ઉલ્લેખ થાય, અને તેમના વિશે વાત કર્યા વગર કલમ આગળ વધે તેવું તો શક્ય જ નથીને?!
બ્રહ્મવિહારી સ્વામી માટે થોડામાં ઘણું લખવું-કહેવું-સમજવું હોય તો કહી શકાયઃ સાચો સંત - સાચો સેવક. તેમના પિતાશ્રી એટલે લેસ્ટરના ચુનીકાકા સાથે ઘનિષ્ઠ નાતો. દસકાઓ પૂર્વેની વાત કરું તો, આજના બ્રહ્મવિહારી સ્વામી, યોગવિવેક સ્વામી અને આપણા સમાજના યુવા નેતા પરેશ રુઘાણી એક સમયે સહઅધ્યાયી હતા. આ મહાન આત્માઓનું સમય સાથેનું ટ્રાન્સફોર્મેશન - પરિવર્તન નજર સામે નિહાળું છું ત્યારે ધન્યતા અનુભવું છું.
ચાલો, પાછા જઇ પહોંચીએ શારજાહના રેતીના ઢુવા વચ્ચે...
બ્રહ્મવિહારી સ્વામીએ બાપાને કહ્યું કે આજે આપ અહીં પધાર્યા છો ત્યારે અંતરની ઇચ્છા વ્યક્ત કર્યા વગર રહી શકતો નથી. બાપાએ મર્માળુ સ્મિત સાથે યુવા સંત સામે પ્રશ્નાર્થભરી નજર માંડી, અને બ્રહ્મવિહારી સ્વામી બોલી ઉઠ્યાઃ યોગીબાપા 1955માં પૂર્વ આફ્રિકાના પ્રવાસે ગયા હતા ત્યારે તેમણે લંડનમાં મંદિરનું નિર્માણ કરવાના સંકલ્પનું વિચારબીજ રોપ્યું હતું એમ આજે આપ અરબ દેશમાં છો. અહીંના સત્સંગીઓ માટે એકાદું મંદિરેય નથી. આપ આ ધરતી પર મંદિર નિર્માણનો સંકલ્પ કરો, પ્રેરણા આપો, આશીર્વાદ આપો કે શીખરબદ્ધ મંદિરની સ્થાપના થાય. અહીં આવી વસેલા ભારતવંશીઓને દર્શન પૂજાનો લાભ મળે.
વાચક મિત્રો, સ્થળ, પળ અને પાવક સંતના ઉદ્ગારનો ત્રિવેણીસંગમ રચાય ત્યારે સમય અને સંજોગોએ પણ કરવટ બદલવી પડતી હોય છે. યુએઇમાં પણ આવું જ થયું કહી શકાય. બાપાએ જૂતામાંથી પગ કાઢ્યો રેતીના ઢુવાને જમણો અંગૂઠો અડાડ્યો અને પછી આખો પગ મૂકતા બોલ્યાઃ મને વિશ્વાસ છે કે નજીકના ભવિષ્યમાં આ દેશની ધરતી પર આપણે સુંદર મજાનું મંદિર સ્થાપી શકીશું. અનેક લોકો ત્યાં દર્શને આવશે... સ્વામીબાપાએ હૃદયની લાગણીને વાચા દ્વારા પ્રાર્થના કરી.
આજે આપણી નજર સમક્ષ અબુધાબીની ધરતી પર સાકાર થયેલું ભવ્યાતિભવ્ય બીએપીએસ હિન્દુ મંદિર ઉભું છે. દરરોજ સેંકડો લોકો દર્શનાર્થે પહોંચી રહ્યા છે.
અબુધાબીના શેખે જે સહિષ્ણુતા (ટોલરન્સ)ની વાત કરી છે એ માત્ર ઠાલા શબ્દો નથી. તેમણે સહિષ્ણુતાને કંઇક આ રીતે વ્યક્ત કરી છે. તેમણે મંદિર માટે માત્ર જમીન આપી છે એવું નથી, વિનામૂલ્યે આપી છે. મંદિર નિર્માણ માટેની જમીન લીઝ પર આપી છે એવું નથી, સંસ્થાના નામે કરી આપી છે. જમીનનો માલિકીહક આપતાં કરારમાં લખાયું છેઃ આ ધરતી પર જ્યાં સુધી ચાંદ - સુરજ રહે ત્યાં સુધી.
સહિષ્ણુતાનો મતલબ એ નથી કે માથે પડ્યું એટલે નિભાવી લેવું. તેને સ્વીકારો. તેનું સન્માન કરો. સવિશેષ તો ઉભય પક્ષની પાયાની જરૂરતોને સંતોષવાનો અર્થ છે ટોલરન્સ. શેખ ઝાયેદ બિન ઝાયેદ અલ નાહ્યાન શબ્દ દ્વારા નહીં, તેમની વર્તણૂંક દ્વારા દુનિયાને ટોલરન્સનો બોધપાઠ શીખવ્યો છે.
અબુધાબીની સાથે સાથે હવે શારજાહ - દુબઇ - કતાર સહિતના બીજા મુસ્લિમ દેશોમાં પણ સર્વધર્મ સમભાવની લાગણી વધી રહી છે. બહેરિનમાં પણ હિન્દુ મંદિર સાકાર થઇ રહ્યું છે. આ બધું જાણવા સમજવા માટે સહુ કોઇએ આ પુસ્તક મેળવીને જ વાંચવું રહ્યું તેવો મારો ભારપૂર્વક આગ્રહ છે.
માત્ર પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ જ નહીં, પરંતુ પ.પૂ. મહંત સ્વામી મહારાજ, પ. પૂ. ડોક્ટર સ્વામી, પ.પૂ. ઇશ્વરચરણ સ્વામી, પ.પૂ. બ્રહ્મવિહારી સ્વામી, પ.પૂ. વિવેકસાગર સ્વામી, પ.પૂ. આત્મસ્વરૂપ સ્વામી સહિત કેટલાય સંતોનો સંગ અને આશીર્વાદ પામવા હું સદભાગી બન્યો છું. હજુ લખવું તો ઘણું છે, પણ સ્થળસંકોચ અને સમયમર્યાદા બન્ને નડી રહ્યા છે. આથી આજે બસ આટલું જ. અસ્તુ. (ક્રમશઃ)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter