સમાનતા, સંવાદિતા, સમરસતાઃ નવીન યુગનો શુભારંભ

સી. બી. પટેલ Wednesday 23rd May 2018 06:17 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગયા શનિવારે બ્રિટિશ-ભારતીય સમાજ સહિત સમગ્ર દેશે મેગન મર્કેલ - પ્રિન્સ હેરીના લગ્ન માણ્યા. આ પ્રસંગ પારિવારિક હોવા છતાં ખરા અર્થમાં તે એક વૈશ્વિક ઘટના બની ગઇ છે એમ અવશ્ય કહી શકાય.
આજથી ૮૦ વર્ષ પૂર્વે બ્રિટનના રાજવી એડવર્ડ આઠમાને એક અમેરિકી ડિવોર્સી મહિલા સાથે લગ્ન કરવાની તેમની ઇચ્છાના કારણે દેશનિકાલ કરવામાં આવ્યા હતા. તે એક બ્રિટન હતું. લેડી ડાયના અને પ્રિન્સ ચાર્લ્સના મસમોટા મનોરથ સાથે લગ્ન થયાં. આ પણ એક ભવ્યાતિભવ્ય ઘટના હતી. પણ મેગન મર્કેલ નામની અમેરિકી સહાયક અભિનેત્રી કે જે પ્રિન્સ હેરી કરતાં ઉંમરમાં બે વર્ષ મોટી છે, મિશ્ર જાતિની છે અને જેના એક વખત છૂટાછેડા પણ થઇ ચૂક્યા છે તેના લગ્નમાં નામદાર મહારાણી તો શું આખાબોલા ડ્યુક ઓફ એડિનબરા પણ હોંશે હોંશે સામેલ થયા હતા!
આમાં સૌથી નોંધપાત્ર બાબત તો એ છે કે મેગનના પિતા આરોગ્યના કારણસર દીકરીના લગ્નપ્રસંગમાં ઉપસ્થિત ન રહી શક્યા તો હેરીના પિતા પ્રિન્સ ચાર્લ્સે પુત્રવધૂ બની રહેલી મેગન માટે ‘ગિવિંગ અવે’ (આપણી ભાષામાં કહું તો કન્યાદાનની) રસમ પ્રેમપૂર્વક નિભાવીને ગૌરવશાળી પહેલ કરી હતી. વાચક મિત્રો, આપનામાંથી જેઓ (ટીવી પરદે) લગ્નમાં મ્હાલ્યા હશે તેમણે જોયું હશે કે મેગનનાં માતા કે જેઓ અમેરિકી અશ્વેત છે તેમની લગોલગ ઉભા રહીને પ્રિન્સ ચાર્લ્સે કન્યાના પિતા તરીકેની તમામ વિધિ ઉત્સાહ, ઉમંગ સાથે પાર પાડી હતી.
માનવજીવનમાં અસંભવ અને સંભવ વચ્ચેની ખાઇ અમુક દૃષ્ટિએ ક્યારે પૂરાઇ જશે અને સર્વત્ર સારા વાનાં થઇ રહેશે તેની ધારણા કે કલ્પના કરવી અતિ વિકટ હોય છે. ૧૯ મે ૨૦૧૮ના રોજ ઐતિહાસિક દિવસે માત્ર બ્રિટનમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં શ્વેત-અશ્વેત વચ્ચે અસમાનતાના નઠારા, અનિચ્છનીય સમીકરણમાં અવશ્ય આવકાર્ય સુધારો જોઇ શકાય છે.
આ જ રીતે ભવ્ય પરંપરા ધરાવતા રાજ પરિવારની પૂત્રવધુ બનેલી મેગને સ્પષ્ટ કર્યું છે કે તેની પ્રાથમિક્તા મહિલાઓ પ્રત્યેના ભેદભાવને દૂર કરવાની હશે. આપણા સમાજના શારીરિક-માનસિક દિવ્યાંગો પ્રત્યે પણ નવદંપતી મેગન - હેરી ગૌરવશીલ વલણ ધરાવતા હોવાનું જોઇ શકાય છે. આથી જ હું આ લગ્નપ્રસંગને નૂતન યુગનો શુભારંભ માનું છું.

ધર્મસ્ય મૂલ: અર્થમ્

આચાર્ય ચાણક્યે હજારો વર્ષ પૂર્વે રચેલા જાણીતા ગ્રંથ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં લખ્યું છેઃ ધર્મસ્ય મૂલઃ અર્થમ્. આ બહુ જ જાણીતા સૂત્રમાં વપરાયેલો ધર્મસ્ય શબ્દ સંસ્કૃતિના વ્યાપક સંદર્ભમાં ઉપયોગમાં લેવાયો છે. ચાણક્યનો કહેવાનો ભાવાર્થ એ છે કે કોઇ પણ સંસ્કૃતિના ટકી રહેવા માટે કે તેના પ્રસાર માટે નાણાં આવશ્યક છે. આના પરથી આપણે કહી શકીએ કે કોઇ પણ પ્રવૃત્તિનો ઉદ્દેશ આર્થિક ઉપાર્જન હોય કે ન હોય, પરંતુ તેના મૂળિયામાં તો અર્થતંત્ર જ હોય છે. આ જ સંદર્ભમાં આપણે વાત આગળ વધારીએ... સર્વગ્રાહી દૃષ્ટિકોણથી મૂલવીએ તો આજથી લગભગ ૩૦૦ વર્ષ પૂર્વે ભારત વિશ્વમાં આર્થિક સમૃદ્ધ દેશ હતો. રાજા-મહારાજાઓ, સુલતાનો આવ્યા અને ગયા, પણ અર્થશાસ્ત્રના પાયામાં જે વ્યવસ્થા હતી તે ધરતીના તાતથી માંડીને વિવિધ ધંધા-રોજગાર સાથે સંકળાયેલા સહુ કોઇના વિકાસને વેગ આપનારી હતી. પ્રજાપતિ હોય કે વિશ્વકર્મા સહુ કોઇનું - આર્થિક ઉત્પાદન તેમજ વિકાસમાં - યોગદાન હતું. જરૂરતના ઉપલક્ષ્યમાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાનો હોય કે સેવાઓ પૂરી પાડવાની વાત હોય, સામાજિક માળખું કંઇક એવી રીતે ગોઠવાયું હતું કે દરેકની એક ‘નિશ્ચિત જવાબદારી’ હતી. જીવનધોરણ સાદું હતું. અને સમાજવ્યવસ્થા સહ્ય હતી. ખેર, પરાપૂર્વથી બનતું રહ્યું છે તેમ સમયનું ચક્ર ફર્યું.
છેલ્લા ૨૦૦ વર્ષમાં ઇતિહાસે કરવટ બદલી. છેલ્લા આંકડાઓ જોઇએ તો, ૨૦૦૫માં ભારતમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોની સરેરાશ ટકાવારી ૫૫ ટકા હતી. આજે શું દૃશ્ય છે? આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબીનું માપદંડ નક્કી કરવા માટે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી (એમડીપી)નો આંકડો ધ્યાને લેવામાં આવે છે. રાષ્ટ્રીય સ્તરે હવે આ ૨૧ ટકા છે. વૈશ્વિક સ્વીકૃતિ ધરાવતા આ માપદંડ કરતાં કેરાલા ૧ ટકો, તામિલનાડુ ૬, ઉપરાંત કર્ણાટક ૧૧ ટકા, આંધ્ર પ્રદેશ ૧૩ ટકા, અને તેલંગણ ૧૪ ટકા પાછળ છે. દક્ષિણ ભારતના આ રાજ્યોમાં સરેરાશ ૯ ટકાથી ઓછી ગરીબી છે. બીજા શબ્દોમાં કહીએ તો અન્ય રાજ્યો કરતાં આ માપદંડથી આ રાજ્યો સાધનસંપન્ન છે. ભારતના અન્ય રાજ્યોની વાત કરીએ તો, ગુજરાત ૧૬ ટકા, પશ્ચિમ બંગાળ ૧૭ ટકા તો ઓડિસા ૨૯ ટકા જ્યારે રાજસ્થાન ૩૧ ટકા, ઉત્તર પ્રદેશમાં ૩૧ ટકા અને બિહારમાં ૪૩ ટકા પ્રજા ગરીબી રેખા નીચે છે.
આ આંકડાઓ ટાંકીને કહેવાનો મતલબ એ છે કે સામાજિક વ્યવસ્થા અને સુખાકારી માટે આવશ્યક ગણાતી રોટી, કપડાં અને મકાન જેવી પાયાની જરૂરતો પૂરી પાડવામાં ભારત બહુ ઝડપભેર આગળ વધી રહ્યું છે. આમાં પણ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે ભારતની શાસનધૂરા સંભાળી છે ત્યારથી - કહો કે છેલ્લા ચાર વર્ષમાં - ભારતે કેટલાય ક્ષેત્રોમાં વિકાસના પંથે હરણફાળ ભરી છે.
સીધું વિદેશી મૂડીરોકાણ, રાષ્ટ્રીય સ્તરે ગૂડ્સ એન્ડ સર્વીસ ટેક્સ (જીએસટી)નો અસરકારક અમલ અને તેને મળેલી વ્યાપક સ્વીકૃતિ, કરવેરાની આવકમાં વધારાની સાથે સાથે જ, કરદાતાઓની સંખ્યામાં પણ સંગીન ઉમેરો, વિવિધ સ્તરે ડિજિટાઇઝેશનનો અસરકારક અમલ, આઇટી-સોફ્ટવેરથી માંડીને ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ તરીકે ઓળખ મેળવનાર આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ક્ષેત્રે ભારતે હાંસલ કરેલી સિદ્ધિની આજે જગતભરમાં નોંધ લેવાઇ રહી છે. તમામ ગામોનું વીજળીકરણ, માર્ગ અને બંદર નિર્માણ, માળખાગત સુવિધાઓમાં ઉમેરો, ગ્રામવિસ્તારોમાં આઠ કરોડ જેટલા ગેસ જોડાણોનું વિતરણ... યાદી બહુ લાંબી થાય તેમ છે. ટૂંકમાં એટલું જ કહી શકાય કે છેલ્લા ચાર વર્ષ દરમિયાન ભારતમાં લગભગ દરેક ક્ષેત્રે અદભૂત પરિવર્તન જોઇ શકાય છે.

ચીનની પાયાની શક્તિ

એક બહુ જ જાણીતી ઉક્તિ છેઃ નાણાં વગરનો નાથીયો, નાણે નાથાલાલ. ચીનને આ વાત એકદમ બંધબેસતી છે. ૧૯૭૯ સુધી ચીન સાવ કંગાળ, સામ્યવાદી વિચારધારા અને સરમુખત્યારશાહી શાસનપ્રણાલી ધરાવતો દેશ હતો. વૈશ્વિક સ્તરે ભાગ્યે જ તેની ક્યાંય નોંધ લેવાતી હતી. પરંતુ આજે શું સ્થિતિ છે? આપણે સહુ જાણીએ છીએ. તમામ ક્ષેત્રે તેના નામના ડંકા વાગે છે.
આજેય ચીનમાં વિચારધારા સામ્યવાદી છે અને શાસનપ્રણાલીમાં સરમુખત્યારશાહી છે, પરંતુ કંગાલિયતના બદલે નાણાંની રેલમછેલ છે. આજે ચીન એવો આર્થિક તગડો દેશ છે કે તેના અર્થતંત્રને શરદી થાય તો બીજા દેશોને ટાઢિયો તાવ ચઢી જાય છે. તેની પાસે વિદેશી હૂંડિયામણનો ભંડાર છે. સરખામણી કરવી હોય તો એટલું જ કહેવું રહ્યું કે ભારત પાસે ૪૨૫ બિલિયન ડોલરનું વિદેશી હૂંડિયામણ છે તો ચીન પાસે ૩૨૦૦ બિલિયન ડોલરનું ભંડોળ છે. આયાત-નિકાસનો આંકડો માંડો તો ચીન પાસે વાર્ષિક ૫૦૦ બિલિયન ડોલરની પુરાંત રહે છે. વૈશ્વિક મહાસત્તા અમેરિકા હોય, બ્રિટન હોય કે ભારત, ચીનની તિજોરીમાંથી દુનિયાભરના દેશોમાં મબલક મૂડીરોકાણ થઇ રહ્યું છે.
કદાચ કોઇ ભારતીયને એવી ફરિયાદ હોય કે ભારતનો વિકાસ દર ચીન કરતાં પાછળ છે તો તેમને એટલું જ યાદ અપાવવું રહ્યું કે ભારતમાં લોકશાહી શાસનપ્રણાલી છે. આના લાભ પણ છે, અને ગેરલાભ પણ. સરમુખત્યારશાહીમાં શાસકનો દરેક શબ્દ કે સૂચન ‘આદેશ’ હોય છે. તેને પડકાર શક્ય જ નથી, જ્યારે લોકશાહી શાસનપ્રણાલીમાં શાસકના દરેક નિર્ણયને પડકારી શકાય છે. આથી કોઇ પણ સરકારી આયોજનોને અમલીકરણ સુધી પહોંચતા પહોંચતા અનેક વિઘ્નો, અડચણોનો સામનો કરવો પડે છે. વિરોધ પક્ષ સાચા કે ખોટા કારણસર હોબાળો મચાવીને યોજના ખોરંભે પાડી શકે છે, સરકારના વિકાસકાર્યો કે રાષ્ટ્રહિતમાં લેવાયેલા મહત્ત્વના નિર્ણયોનો અમલ ખોરંભે પાડી શકે છે.
વાચક મિત્રો, આપને એક જ ઉદાહરણ આપીને મારી વાત જરા વિગતવાર સમજાવું. ભારત સરકારે દેશના વિવિધ રાજ્યોમાં અણુ વીજમથકો સ્થાપવા આયોજન હાથ ધર્યું છે. યાદીમાં ભાવનગર જિલ્લાના મીઠી વીરડી ગામનો પણ સમાવેશ થતો હતો. સરકારે જાહેરાત કરી કે તરત તેના વિરોધમાં ઉહાપોહ શરૂ થઇ ગયો. આંદોલન એટલું ઉગ્ર બન્યું કે પ્રોજેક્ટ રદ કરીને અન્ય રાજ્યમાં લઇ જવો પડ્યો. જો આ પ્રોજેક્ટ સાકાર થયો હોત તો દેશને સવિશેષ ગુજરાતને ઘણા સસ્તા દરે વીજપુરવઠો તો મળ્યો જ હોત, સાથોસાથ હજારો રોજગારીનું સર્જન પણ થયું હોત. પરંતુ આમ ન થયું. કારણ? રાજકીય વિરોધ. લોકશાહી શાસનમાં જ આવું બને. જો સરમુખત્યારશાહી હોત તો?! કોઇએ ચૂં કે ચાં પણ કર્યું ન હોત, અને કર્યું હોત તો શાસકોએ તેને ગણકાર્યું પણ ન હોત. ખેર, દરેક સિક્કાને બે બાજુ હોય છે - પછી આ સિક્કો લોકશાહી નામનો હોય કે સરમુખત્યારશાહી નામનો.
કોઇ વળી પન્નાલાલ પટેલની વિખ્યાત નવલકથાઓ ‘ભૂખની ભૂતાવળ’ અને ‘માનવીની ભવાઇ’ને યાદ કરીને એવો પણ પ્રશ્ન ઉઠાવી શકે કે જો ભૂખ્યાને ભોજન ન મળવાનું હોય કે રોટી-કપડાં-મકાન જેવી માનવજીવન માટે અતિ આવશ્યક એવી પાયાની જરૂરતો પણ ન સંતોષાવાની હોય તો આખરે મતપત્રક શા કામના?
જોકે આ તમામ વાતો અમુક અંશે સાચી હોવા છતાં માનવમાત્રની મુખ્ય અભિલાષા હોય છે માનવ અધિકારનું જતન. માનવીની એષણા, પોતીકા સ્વાતંત્ર્યની ઝંખના. આ બધું લોકશાહી શાસનપ્રણાલીમાં જ શક્ય છે. સરમુખત્યારશાહીમાં માનવતા કે માણસાઇનો અભાવ ખુલ્લેઆમ જોઇ શકાય છે.
અતિ સર્વત્ર વર્જયેત્... યેનકેન પ્રકારેણ - અન્ય મૂલ્યોના ભોગે - થતી આર્થિક ઉન્નતિ ક્યારેય સ્વીકાર્ય બની શકે નહીં તે કોઇએ ભૂલવું જોઇએ નહીં.

બારડોલી ડે ઉજવણી

Asian Voice સાપ્તાહિકમાં છેલ્લા ચાર સપ્તાહથી વરિષ્ઠ પત્રકાર ડો. હરિ દેસાઇની કલમે બેક ટુ રુટસ (Back to Roots) કોલમમાં બારડોલી આંદોલન વિશે ભરપૂર રજૂઆત થઇ રહી છે. ગત સપ્તાહના ગુજરાત સમાચારમાં પાન નં. ૮ ઉપર પણ લેખકે હાકલ કરી છે કે ‘ચાલો વિશ્વના સરદારપ્રેમીઓ ૧૨ જૂને ઉજવીએ બારડોલી દિવસ’. આ લેખ અવશ્ય વાંચી જવા આપ સહુને નમ્ર વિનંતી છે.
ભારતના સ્વાતંત્ર્ય માટે સામાન્યપણે ૧૮૫૭ના બળવાને ક્રાંતિની ચિનગારી સમાન ગણાવવામાં આવે છે. આ સપ્તાહના Asian Voiceમાં પ્રકાશિત મનનીય લેખમાં ડો. હરિ દેસાઇએ ૧૮૫૭ અગાઉની ત્રણ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. આ ઘટનાએ સન ૧૭૨૧, ૧૮૧૭ અને ૧૮૪૬માં આકાર લીધો હતો. ઇંડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઇ ૧૮૮૫માં. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકા જઇને સ્વાતંત્ર્ય જંગ માટે શાંતિપૂર્ણ શસ્ત્ર શોધી કાઢ્યું. શાંતિપૂર્ણ અને અહિંસક માર્ગે સવિનય કાનૂન ભંગને તેના પાયામાં ગણી શકાય. ૧૯૧૫માં ૯ જાન્યુઆરી મોહનદાસ કરમચંદ ગાંધી સ્વદેશ પરત થયા.
વલ્લભભાઇ પટેલ ૧૯૧૭-૧૮માં ગાંધીજીના રંગે રંગાયા. ચંપારણ્ય, ખેડા, બોરસદ એ બધા સત્યાગ્રહ બાદ ૧૯૨૮માં બારડોલીના બહાદુર ખેડૂતોએ બ્રિટિશ સરકારના પાયા હચમચાવી નાખ્યા. આ બધી વિગતો ગત સપ્તાહે ‘ગુજરાત સમાચાર’માં પ્રકાશિત થયેલા લેખમાં વાંચી શકો છો. લોકોના આક્રોશ જોઇને મુંબઇના ગોરા ગવર્નર કે ભારતના વાઇસરોય તો શું, બ્રિટન સરકાર સુદ્ધાં પીછેહઠ કરવા તૈયાર થઇ ગઇ. ટૂંકમાં, બારડોલી અને તેની આસપાસના ૮૦ ગામના ૬૦ હજારથી વધુ ખેડૂતોનો હલ્લાબોલ જોઇને શાસકોને સમજાઇ ગયું કે હવે ભારતીયોને આઝાદી આપ્યા વગર છૂટકો નથી. ૧૨ જૂને બારડોલી ડે આવી રહ્યો છે. વિશ્વભરના સરદારપ્રેમીઓ જ નહીં, સ્વાતંત્ર્ય અને માનવહકના સમર્થક એવા દરેક માનવીએ બારડોલી ડે ઉજવવો જ જોઇએ તેવું મારું દૃઢપણે માનવું છે. સરદાર મેમોરિયલ સોસાયટી-યુકે આ દિવસે લંડનમાં યાદગાર સમારંભ યોજી રહી છે. તો બ્રિટનભરમાં ફેલાયેલી ભારતીય વંશજોની સંસ્થાઓ-સંગઠનોએ પણ આ દિવસ રંગેચંગે ઉજવવાનો ઉમંગ દાખવવો જ રહ્યો. (ક્રમશઃ)

•••

ટ્રમ્પને હવે સમજાયુંઃ વિના સહકાર, નહીં ઉદ્ધાર

(ગતાંકથી ચાલુ...)
વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણે વીતેલા સપ્તાહે - ૧૯ મે ૨૦૧૮ના અંકમાં અમેરિકાના (માથાફરેલા) પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની નીતિરીતિ વિશે ચર્ચા કરતા હતા. પ્રમુખપદ સંભાળ્યાના બહુ જ ટૂંકાગાળામાં એક ઘા ને બે કટકા જેવી કાર્યપદ્ધતિ માટે જગતભરમાં જાણીતા થઇ ગયેલા (આમ તો વગોવાઇ ગયેલા શબ્દો વધુ ઉચિત ગણાય) ટ્રમ્પસાહેબ વ્યવસાયે બિઝનેસમેન છે. આથી તેમનામાં પૂરોગામીઓ - હેન્રી કિસિન્જર કે બરાક ઓબામા જેવી રાજદ્વારી કુનેહ, તેજસ્વી બુદ્ધિમત્તા કે આંતરરાષ્ટ્રીય પ્રવાહોનું પ્રખર જ્ઞાન કે કૌશલ્ય ન હોય તે સમજાય તેવું છે. માર બુદ્ધુ અને કર સીધુ એ કદાચ અમુક વ્યવસાય માટે સુસંગત નીતિ ગણી શકાય, પણ આધુનિક યુગમાં દેશદેશાવરના વિવિધ પ્રકારના પ્રશ્નો બાબત, સવિશેષ કેટલીક નાજુક પરિસ્થિતિમાં, બાહુબળ કરતાં બુદ્ધિબળ વધુ વર્ચસ ભોગવે છે એ તો ચાણક્ય ૨૫૦૦ વર્ષ પૂર્વે ‘કૌટિલ્ય’માં લખી ગયા છે.
ચીન સાથેના વ્યાપારિક સંબંધોમાં ભંગાણની જોશભેર ઘોષણા કરીને પ્રેસિડેન્ટ ટ્રમ્પે દુનિયાભરમાં ઉલ્કાપાત મચાવ્યો હતો. હવે ચીનના કેટલાક પ્રસ્તાવોના પરિણામે ટ્રમ્પને તેમના નિર્ણયમાં પીછેહઠ કરવાનું બહાનું મળી ગયું છે. સંભવતઃ હવે કદાચ તેમને સમજાય રહ્યું છે કે વિના સહકાર નહીં ઉદ્ધાર.
ટ્રમ્પે ઇઝરાયલના જેરુસલેમ શહેરમાં અમેરિકી દૂતાવાસ શરૂ કરીને અત્યંત જોખમી પગલું ભર્યું છે. તે દિવસે ગાઝા સાથે જોડાયેલી ઇઝરાયલ સરહદે - હજારો પેલેસ્ટીનિયનોની ઘૂસણખોરીના પ્રયાસ અને હુમલાને નિષ્ફળ બનાવવા માટે ઇઝરાયલના સુરક્ષા દળોએ કરેલા ગોળીબારમાં ૬૦ લોકો માર્યા ગયા અને હજારો ઘાયલ થયા.
અમેરિકાના તત્કાલીન પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ અણુશસ્ત્રોના મુદ્દે ઇરાન સાથે વર્ષો સુધી મંત્રણા કર્યા બાદ - રશિયા, ચીન, બ્રિટન, ફ્રાન્સ, જર્મની તેમજ યુરોપના દેશોને સાથે રાખીને - ઉભય પક્ષને સ્વીકાર્ય સમાધાન સાધ્યું હતું. ટ્રમ્પસાહેબે હવે છેલ્લા પાટલે બેસી ગયા છે. ઓબામાએ ઇરાન સાધેલું આ સમાધાન અમેરિકાના હિતમાં ન હોવાનું જણાવીને તેમણે આ સંધિ ઠુકરાવી છે. રશિયા કે ચીન તો શું બ્રિટન, ફ્રાન્સ, જર્મનીએ પણ ટ્રમ્પના આ નિર્ણયમાં સામેલ થવાનો સ્પષ્ટ નનૈયો ભણ્યો છે. આજે (સોમવારે) આ લખાઇ રહ્યું છે ત્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયા પહોંચી ગયા છે અને સમુદ્રકાંઠે આવેલા સોચી શહેરમાં યજમાન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન સાથે ઉચ્ચ સ્તરની મંત્રણા યોજી છે.
બે રાષ્ટ્રનેતાઓ વચ્ચેની બેઠકમાં ઇરાન સંધિ પણ એક મહત્ત્વનો મુદ્દો હોવાનું મનાય છે. ઇરાન સાથે ભારત અનેકવિધ પ્રકારે ઘનિષ્ઠ વ્યાવસાયિક સંબંધો ધરાવે છે. આથી જ નવી દિલ્હી સ્થિત સરકારી તંત્ર અગાઉ જ જાહેર કરી ચૂક્યું છે કે જો અમેરિકી નિર્ણય ભારતીય હિતોને નુકસાનકારક હશે તો ભારત તે સ્વીકારશે નહીં.
ટ્રમ્પની તડફડ કરવાની નીતિરીતિને અમેરિકન સમાજના અમુક વર્ગનું સમર્થન હોવા છતાં સમગ્રતયા દૃષ્ટિએ જોઇએ તો આધુનિક યુગમાં તે અસ્વીકાર્ય ગણાય. આગામી વર્ષોમાં શાંતિપૂર્ણ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં અને મહદ્અંશે ‘થોડુંક તમારું, થોડુંક મારું સચવાય’ તે અભિગમ વધુ સુયોગ્ય ગણાય છે. (સમાપ્ત)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter