જૈન ધર્મમાં વર્ષીતપનું મહત્ત્વ

પર્વવિશેષ

Thursday 09th March 2023 00:35 EST
 
 

જૈન શાસ્ત્રોમાં તપનું આગવું મહત્ત્વ છે. પ્રભુ મહાવીર કહે છે તેમ તપસ્યા એટલે કર્મો બાળવાની ભઠ્ઠી. જૈન ધર્મમાં તપ કરવાનો મુખ્ય આશય કર્મક્ષય જ હોય છે. તેથી વર્ષીતપની આરાધના પણ કર્મક્ષયનું અમોધ સાધન છે અને તે પ્રથમ તીર્થંકર આદિનાથ પ્રભુએ કરેલી હોવાથી તેમના તીર્થક્ષેત્રમાં જઇ તેનો પ્રારંભ કરવામાં આવે છે અથવા તો પૂર્ણાહુતિ અર્થાત્ પારણું કરવામાં આવે છે. વર્ષી તપ એટલે 13 મહિના સુધી કરાતું વ્રત, જેનો પ્રારંભ ફાગણ વદ આઠમ (આ વર્ષે 15 માર્ચ)ના રોજ થાય છે, અને વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજ - અક્ષય તૃતિયાના રોજ પૂર્ણાહૂતિ થાય છે.
જૈન પરંપરાના ઇતિહાસ અનુસાર અસંખ્ય વર્ષોપૂર્વે વર્તમાન ચોવીશીના પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથે સર્વપ્રથમ દીક્ષા લીધી અને સાધુપણાના આચાર પ્રમાણે બે દિવસના ઉપવાસ બાદ દિવસમાં ફક્ત એક જ વાર મધ્યાહન કાળે ભિક્ષા લેવા માટે તે સમયના ગૃહસ્થોના ઘરે જવા લાગ્યા, પરંતુ તે કાળના ગૃહસ્થોને ભિક્ષા કોને કહેવાય? અને ભિક્ષા આપવાથી કેવું પુણ્યકર્મ બંધાય? તે સંબંધી કોઈ જ્ઞાન ન હોવાના કારણે આદિનાથ પ્રભુને કોઈ જ ગૃહસ્થ રાંધેલ અન્ન વહોરાવતું નથી. વળી, સાધુપણાના આચાર પ્રમાણે પ્રભુ તે સંબંધી કોઈને સૂચન પણ કરી શકે તેમ ન હોવાથી સ્વાભાવિક જ નિર્દોષ આહારની શોધ કરવા પ્રભુ દરરોજ મધ્યાહન કાળે ગોચરી જાય છે. પરંતુ પૂર્વ ભવના અંતરાય કર્મના ઉદયના કારણે દીક્ષા પછી 400 દિવસ સુધી પ્રભુને કોઈ જ આહાર તથા અચિત્ત પાણી પણ વહોરાવતું નથી.
પૂર્વ ભવમાં પ્રભુએ એક ખેડૂત કે જે ખેતરમાં પોતાના હળે જોડેલા બળદો, કે જે તૈયાર થયેલા પાકને ખાઇ જતા હતા તેને ચાબુક દ્વારા મારતો હતો તે જોઈ પ્રભુને અત્યંત દુઃખ થયું અને તે ખેડૂતને પ્રભુએ વગર માગ્યે સલાહ આપી કે ભાઈ! આ રીતે તું બળદોને મારે છે તે બરાબર નથી. ત્યારે ખેડૂતે સામે પૂછયું કે તો હું શું કરું? પ્રભુએ કહ્યુંઃ ભાઈ! તું તેર કલાક ખેતરમાં બળદો પાસેથી કામ લેતો હોય ત્યારે આ બળદોના મુખે શિકું બાંધી દે અને પછી તે છોડી નાંખજે. અને ખેડૂતે પ્રભુએ કહ્યા મુજબ કરવા માંડ્યું. આ રીતે પ્રભુએ ભવમાં તેર કલાક સુધી બધા જ બળદોને ખાવામાં અંતરાય કર્યાં. પરિણામે તેર મહિના સુધી તેમને અન્ન-પાણી પ્રાપ્ત થયું નહીં.
જૈન ધર્મનો કર્મ સિદ્ધાંત સર્વકાલીન, સર્વદેશીય અને સર્વજનીન છે. તેમાં કોઈ કાળે પરિવર્તન થતું નથી. તે શાશ્વત છે. તેથી તીર્થંકરો પણ તેમાંથી બાકાત રહી શકતા નથી. આમ આદિનાથ પ્રભુએ પૂર્વ ભવમાં બાંધેલ લાભાંતરાય કર્મનો સંપૂર્ણ ક્ષય ન થયો ત્યાં સુધી ભિક્ષા પ્રાપ્ત થઈ નહીં. અને તે કર્મનો સંપૂર્ણ ક્ષય થતાં જ 400 દિવસ પછી કુદરતી આદિનાથ પ્રભુ શ્રેયાંસકુમારના મહેલ તરફ ગોચરી-ભિક્ષા માટે પધાર્યા છે. શ્રેયાંસકુમારે પ્રભુને જોયા અને જોતાંની સાથે જ અજાગ્રત મનમાં રહેલા પૂર્વ ભવના સંસ્કારો પ્રગટ થયા. અને તે પ્રમાણે સાધુ ભગવંતને નિર્દોષ આહાર કઈ રીતે આપી શકાય? તે જાણ્યું અને કુદરતી રીતે તે જ દિવસે મધ્યાહન કાળે કોઈકે તેમને ત્યાં 108 ઘડા તાજો ઇક્ષુરસ (શેરડીનો રસ) મોકલાવેલો જેને શ્રેયાંસકુમારે નિર્જિવ તથા નિર્દોષ જાણી તે જ સમયે ગોચરી માટે પધારેલા પ્રભુને ઇક્ષુરસ લેવાને માટે વિનંતી કરી. આદિનાથ પ્રભુએ તેને નિર્દોષ જાણી ગ્રહણ કરવાનું સ્વીકાર્યું. તીર્થંકરો હંમેશા કરપાત્રી હોય છે તેથી બે હાથની અંજલિ કરી અને શ્રેયાંસકુમારે એક પછી એક ઘડા ખાલી કરવા માંડ્યા અને પ્રભુના અલૌકિક પ્રભાવથી રસની શિખા થઈ અને તે રીતે પ્રભુએ માત્ર ઇક્ષુરસથી 400 દિવસ અનાયાસ કરેલા ઉપવાસનું પારણું કર્યું અને પાંચ પ્રકારના દિવ્ય એટલે કે ચમત્કાર પ્રગટ થયા. તે આ પ્રમાણે છેઃ 1) આકાશમાં દુંદભિનાદ, 2) રત્નની વૃષ્ટિ, 3) પંચવર્ણના સુગંધી પુષ્પોની વૃષ્ટિ, 4) સુગંધી જળની વૃષ્ટિ, અને 5) દિવ્ય વસ્ત્રોની વૃષ્ટિ.
આદિનાથ પ્રભુએ કરેલા ઉપવાસની વિશિષ્ટતા એ હતી કે તેઓએ બધા જ ઉપવાસ નિર્જળા એટલે કે પાણી વગરના કર્યા હતા. મતલબ કે 400 દિવસ સુધી પાણીનું એક ટીપું પણ લીધું નહોતું. કદાચ અત્યારનું વિજ્ઞાન આ માનવા કે સ્વીકારવા તૈયાર ન થાય પરંતુ કોઈ માને કે ન માને, કોઈ સ્વીકારે ન સ્વીકારે તેથી વાસ્તવિકતા મટી જતી નથી. આજે પણ સળંગ આઠ-દશ દિવસ સુધી પાણીનું એક ટીપું પણ લીધા વગર સંપૂર્ણ ચૌવિહાર ઉપવાસ કરનારા અનેક જૈનો છે.
તપ કરવા માટે મન અને શરીર બંનેને કેળવવા પડે છે અને બંને જો કેળવાઈ જાય એટલે કે તૈયાર થઈ જાય તો કોઈ પણ જાતની મુશ્કેલી વિના તપ થઈ શકે છે. આદિનાથ પ્રભુએ ગુજરાતી ફાગણ માસની વદ પખવાડિયાની આઠમને દિવસે (આ વર્ષે 15 માર્ચ) દીક્ષા લીધી. તેના આગલા દિવસે પણ તેઓએ ઉપવાસ કરેલો અને ત્યાર પછીના ત્રીજે દિવસે એટલે કે બે ઉપવાસ પછીના દિવસે ગોચરી લેવા વિનિતાનગરીમાં ગયા હતા. તેથી આજે પણ વર્ષીતપનો પ્રારંભ કરનારા ફાગણ વદ સાતમ-આઠમનો છઠ્ઠ અર્થાત્ બે ઉપવાસ કરીને કરે છે.
જૈન ધર્મમાં તપ કરવાનો મુખ્ય આશય કર્મક્ષય જ હોય છે. તેથી વર્ષીતપની આરાધના પણ કર્મક્ષયનું અમોઘ સાધન છે અને તે પ્રથમ તીર્થંકર આદિનાથ પ્રભુએ કરેલ હોવાથી તેમના તીર્થક્ષેત્રમાં જઈ તેનો પ્રારંભ કરવામાં આવે છે અથવા તો પૂર્ણાહુતિ અર્થાત્ પારણું કરવામાં આવે છે. આ કારણથી ફાગણ વદ આઠમના દિવસે પાલિતાણા શંત્રુજય મહાતીર્થના મૂળનાયક આદિનાથ પ્રભુના સાંનિધ્યમાં ઉપવાસના પચ્ચકખાણ અર્થાત્ પ્રતિજ્ઞા કરવામાં આવે છે તો જે નગરમાં અસંખ્યાતા વર્ષપૂર્વે પ્રભુએ પ્રથમ પારણું કરેલ તે હસ્તિનાપુર નગરમાં 400 ઉપવાસનું પારણું - અખાત્રીજના રોજ પારણું કરાય છે. આ રીતે આ અવસર્પિણી કાળમાં સર્વ પ્રથમ સુપાત્રદાન અર્થાત્ પરોપકાર માટે નિઃસ્વાર્થપણે જેઓએ પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું તે વેળા પ્રથમ સાધુ-સંન્યાસી અને પ્રથમ તીર્થંકરને નિર્દોષ આહાર-પાણી વહોરાવવાની પ્રવૃત્તિનો શુભારંભ થયો. પ્રભુએ તો 400 દિવસ નિર્દોષ આહાર-પાણી ન મળવાના કારણે ઉપવાસ કર્યાં પરંતુ અત્યારે શ્રાવક-શ્રાવિકો પાસે ઘરમાં ભરપૂર ધાન્ય હોવા છતાં ઉપવાસ કરે છે. વળી, પ્રભુએ કરેલું વર્ષીતપ અને અત્યારે શ્રાવક-શ્રાવિકા દ્વારા કરાતા વર્ષીતપમાં બહુ મોટો તફાવત છે. અત્યારે એક ઉપવાસ અને એક બેસણું કરવામાં આવે છે. તેમાં ક્યારેક ક્યારેક સળંગ બે ઉપવાસ પણ કરવા પડે છે. તો કોઈક બબ્બે ઉપવાસ દ્વારા, તો કોઈક ત્રણ-ત્રણ ઉપવાસ દ્વારા પણ વર્ષીતપની આરાધના કરે છે. કેટલાક શ્રાવક-શ્રાવિકા સળંગ પાંચ-પાંચ, છ-છ વર્ષીતપ કરે છે. અમદાવાદમાં જ નગરશેઠના વંડામાં રહેતા એક બહેને સળંગ 41 વર્ષીતપની આરાધના કરી હતી.
તો આ વર્ષે ઋષભદેવ પ્રભુના દીક્ષા કલ્યાણક ફાગણ વદ આઠમને બુધવારથી તેમને કરેલી આરાધનાનો આસ્વાદ મેળવવા નિરાહારી પદ મોક્ષ પ્રાપ્ત કરવા વર્ષીતપનો પ્રારંભ કરીએ.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter