દેશ અને પરિવારને જાળવતાં ક્વીન એલિઝાબેથ

Wednesday 21st April 2021 03:10 EDT
 
ડ્યૂક ઓફ એડિનબરાની અંતિમવિધિ થતી હતી ત્યારે સેન્ટ જ્યોર્જ ચેપલમાં ક્વીન એલિઝાબેથ દ્વિતીય એકલા અટુલા અને નિસ્તેજ ચહેરે બેસી રહેલા દેખાયા. તદ્દન સ્વાભાવિક પ્રતિક્રિયા હતી. જીવનસાથીની વિદાય સાથે તેમણે ૭૪ વર્ષનો સાથસંગાથ ગુમાવ્યો હતો પરંતુ, એટલી દાદ આપતા કહેવું પડે કે પ્રિન્સ ફિલિપના મૃત્યુ પછી ક્વીને ‘તાકાત અને સ્થિરતા’ ગુમાવી હોવાં છતાં, પોતાની જાત, પરિવાર અને દેશને બરાબર જાળવી લીધો છે. પ્રિન્સ ફિલિપના અવસાન પછી દેશને એ વાતની બરાબર જાણ થઈ કે દેશમાં હજુ રાજાશાહી લોકપ્રિય અને જીવંત છે.
ક્વીન એલિઝાબેથે ૯૫ વર્ષની વય અને લગભગ ૭૦ વર્ષના શાસનકાળમાં ઘણું બધું જોઈ લીધું છે પરંતુ, કદી સાચી કે ખોટી પ્રતિક્રિયા આપી નથી. પ્રિન્સ ફિલિપના અવસાન પછી તરત જ અટકળો અને તર્કવિતર્કો થવા લાગ્યા હતા કે ક્વીન હવે ગાદીત્યાગ કરી આરામમાં સમય વીતાવશે અને ‘ધ ફર્મ’ તરીકે ઓળખાતા શાહી પરિવારના યુવા સભ્યોને રાજાશાહીની બાગડોર સોંપી આગળ વધવાની તક આપશે. પરંતુ, આવા તર્કવિતર્કો કરનારા લોકો ક્વીનને બરાબર સમજી શક્યા નથી. ક્વીન પોતાના અંગત દુઃખને વચ્ચે લાવ્યાં વિના જ દેશ અને પ્રજા પ્રત્યે પોતાનું કર્તવ્ય બજાવવા કટિબદ્ધ રહ્યાં છે અને હજુ પણ રહેશે તે નિર્વિવાદ છે. તેમણે બંધારણીય ફરજ બજાવવામાં કદી પાછીપાની કરી નથી. તેમના જીવનમાં આટલા સંતાપો હોવાં છતાં તેમણે ફરજપરસ્તીથી મુખ ફેરવ્યું નથી. પ્રિન્સ ફિલિપના અવસાન પછી આઠ દિવસનો શોક હોવાં છતાં તેમણે ચોથા જ દિવસે એક બંધારણીય ફરજ અનુસાર લોર્ડ ઓફ ચેમ્બરલેઈનની નિવૃત્તિ અને નવા શાહી અધિકારીની નિયુક્તિના કાર્યક્રમમાં હાજરી આપી હતી.
ક્વીન વર્ષોથી એક પરંપરા નિભાવતા આવ્યાં છે. દર મંગળવારે દેશના વડા પ્રધાન સાથે તેમની મુલાકાત થાય છે. આ મુલાકાતમાં કોઈ સહાયક રખાતા નથી કે મિનિટ્સ પણ લખાતી નથી. વડા પ્રધાન આખા સપ્તાહની કામગીરીનો રિપોર્ટ રજૂ કરે અને ક્વીન ધ્યાનપૂર્વક સાંભળે પરંતુ, તમારે આમ કરવું જોઈ કે આમ ન કરવું જોઈએની સલાહ તેમણે કદી આપી નથી કે પોતાના રાજકીય મંતવ્યો રજૂ કર્યાં નથી. આ રીતે જોઇએ તો તેઓ હંમેશાં નિષ્પક્ષ અને તટસ્થ રહ્યાં છે.
એક હકીકત છે કે પ્રિન્સ ફિલિપ દાયકાઓથી વર્તમાન રાજાશાહીના પડદા પાછળના મુખ્ય સ્તંભ બની રહ્યા હતા. પરંતુ હવે તેઓ નથી ત્યારે શાહી પરિવારે તેમના વિના જીવતા શીખવું પડશે અને ક્વીન આ પાઠ તેમને શીખવાડશે. ક્વીન એલિઝાબેથ પોતાના દુઃખને બાજુએ રાખી છેક ૧૯૫૨થી તેમના વિક્રમજનક શાસનનું પ્રતીક બની રહેલી સ્વસ્થતા, મક્કમ નિર્ધાર અને શાંત નેતાગીરીથી દેશની બાગડોરને આગળ વધારશે.
ક્વીન જ્યાં સુધી પોતાને શારીરિક ને માનસિક રીતે સ્વસ્થ અને તંદુરસ્ત માનશે ત્યાં સુધી રાજગાદી સંભાળી રાખશે. તેમના માટે વય કોઈ અવરોધ નથી પરંતુ, થોડાં પરિવર્તનો અવશ્ય જોવાં મળશે. પ્રિન્સ ફિલિપની વિદાય સાથે પુત્ર પ્રિન્સ ચાર્લ્સના શિરે વધુ જવાબદારી સોંપાશે. જોકે, પ્રિન્સ ફિલિપે ૨૦૧૭માં રાજકીય ફરજોમાંથી સત્તાવાર નિવૃત્તિ લીધી ત્યારથી જ પ્રિન્સ ચાર્લ્સને વધુ જવાબદારી સોંપાઈ હતી અને તો આ ભૂમિકામાં બરાબર ગોઠવાઈ પણ ગયા છે.
પ્રિન્સ ફિલિપના અવસાન અગાઉ, ક્વીને તેમના પ્યારા પૌત્ર હેરી અને પુત્રવધુ મેગને રાજકીય ફરજો છોડી તેમજ તેમના ઈન્ટરવ્યૂથી જે સનસનાટી મચી હતી તેવા માહોલમાં પણ સ્વસ્થતા જાળવી રાખી હતી. આવી જ સ્વસ્થતા પ્રિન્સ ફિલિપના ફ્યુનરલ સમયે શોકાતુરોની સંખ્યા, તેમના ડ્રેસકોડ અને વ્યવસ્થાના નિર્ણયમાં પણ દર્શાવી હતી.
ક્વીન સ્પષ્ટપણે માને છે અને કહે પણ છે કે તેમની પ્રથમ ફરજ દેશ પ્રતિ છે. ક્વીન એલિઝાબેથ સંવેદનશીલ હોવાં સાથે પોતાની પ્રાથમિકતા બરાબર સમજે છે. તેઓ પોતાના પરિવારની સાથોસાથ દેશને પણ જાળવી રહ્યાં છે. આવાં રાણીને બિરદાવવા એ જ દેશના નાગરિકની ફરજ છે.

comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter