પાકિસ્તાન સખણું રહેશે ખરુ?

Wednesday 03rd March 2021 03:11 EST
 
 

એક તરફ લાંબા સંઘર્ષની તૈયારીઓ કર્યા પછી ચીને ગલવાન ઘાટીમાંના પેગોન્ગ ખાતે તૈનાત લશ્કર અને શસ્ત્રસરંજામ પાછો ખેંચવા માડ્યો તેનાથી પાકિસ્તાનને બ્રહ્મજ્ઞાન લાધ્યું હોય તેમ જણાય છે. પાકિસ્તાને ફરી એક વખત સરહદ પર શાંતિ જાળવવાની અને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ન કરવાની ખાતરી આપી છે. બંને દેશોના ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ દ્વારા નિયંત્રણ રેખા અને અન્ય તમામ ક્ષેત્રોમાં સ્થિતિની સમીક્ષા કર્યાં પછી બંને દેશોએ તમામ સમજૂતીઓનું કડક પાલન કરવાની અને સીઝફાયર જાળવવાની સહમતિ વ્યક્ત કરી છે.
આમાં ભારતને શો વાંધો કે વિરોધ હોઈ શકે? ભારતે પાકિસ્તાન સાથેના વિવાદો ઉકેલવા માટે હંમેશા સકારાત્મક વલણ જ દર્શાવ્યું છે. ખાટલે મોટી ખોડ તો પાકિસ્તાન તરફે છે કારણકે પાકિસ્તાનની પૂંછડી વાંકી રહે છે અને તેની નીતિ ‘અબી બોલા,અબી ફોક’ જેવી જ રહી છે. પાકિસ્તાન વારંવાર બંને દેશો વચ્ચે જમ્મુ-કાશ્મીરની ૨૬૪ કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ અને ૮૧૪ કિલોમીટર લાંબી અંકુશરેખા ઉપર વિના ઉશ્કેરણીએ યુદ્ધવિરામનો ભંગ કરી આતંકવાદીઓને ભારતની ભૂમિ પર ધકેલવાની અને તેને સતત ત્રાસ આપવાની ખ્વાહિશ ધરાવે છે. ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહે સંસદમાં આપેલી જાણકારી મુજબ પાકિસ્તાન દ્વારા ૨૮ જાન્યુઆરી સુધીમાં યુદ્ધવિરામ ઉલ્લંઘનની ૨૯૯ તેમજ ગત વર્ષે ૫૧૩૩ ઘટનાઓ નોંધાઈ હતી. આ ઉપરાંત, ૨૦૧૯માં પણ પાકિસ્તાને ૩૨૩૩ વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. જોકે, ભારતીય દળો વળતો પ્રહાર કરવામાં જરા પણ પાછીપાની કરતા નથી તે પણ હકીકત છે.
ત્રાસવાદીઓનું મનપસંદ આશ્રયસ્થાન પાકિસ્તાન આતંકવાદી સંગઠનોને અમર્યાદ ફંડ આપે છે તે હકીકત જગજાહેર છે. કાસ્મીરને કહેવાતા સમર્થનના નાતે આતંકવાદીઓને સમર્થન એ જ ભારત-પાકિસ્તાન વચ્ચે સંબંધો વણસવાનું મુખ્ય કારણ છે. આ પાકિસ્તાન ચીનની નાણાકોથળી પર મુસ્તાક રહે છે. આજે દેવાના મોટા ડુંગર તળે દબાયેલા પાકિસ્તાનના અર્થતંત્રની હાલત ગંભીર છે અને વડા પ્રધાન ઇમરાન ખાને કબૂલ્યું છે કે પાકિસ્તાને જૂનું દેવું ચૂકવવા માટે નવું દેવું કરવું પડે છે. ટેરર ફંડિંગ પર નજર રાખતી સંસ્થા ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) દ્વારા પણ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં યથાવત્ રખાયું છે કારણકે આતંકવાદની ફેકટરી ચલાવતા હાફિઝ સઇદ જેવા આતંકવાદીઓ પાકિસ્તાનમાં બેરોકટોક સામાન્ય જીવન જીવી શકે છે અને મોટા સંગઠનો પણ ચલાવી શકે છે. પાકિસ્તાનના સૌથી મોટા મદદગાર અમેરિકાએ પણ આતંકવાદી ગતિવિધિઓમાંથી ઊંચા નહિ આવતા પાકિસ્તાનને અપાતી આર્થિક મદદ ઉપર મનાઇ લગાવી દીધી છે. યૂ.એન. સહિતના વૈશ્વિક મંચો ઉપર પાકિસ્તાન વિરુદ્ધ અવાજ ઊઠી રહ્યાં છે. ફ્રાન્સે પણ અત્યાધુનિક રાફેલ અને મિરાજ લડાયક વિમાનોના વેચાણ કે ટેકનોલોજી પાકિસ્તાનને નહિ અપાય તેવી સમજૂતી ભારત સાથે કરી છે.
પાકિસ્તાનની નાપાક હરકતો પાછળ ચીનની શતરંજની ચાલ રહી છે. ભારતને બંને દિશા તરફથી સકંજામાં રાખવાની ચીનની નીતિએ પાકિસ્તાનને પ્યાદું બનાવેલું છે. ચીને પેગોન્ગમાં સૈન્ય ખસેડ્યું પરંતુ સિક્કીમ અને અરુણાચલની સરહદો પર જમાવડો કર્યો છે. આમ, તેની મુરાદ પણ છૂપી નથી. ‘મુખ મેં રામ બગલ મેં છૂરી’ની નીતિ ધરાવતા ચીનના દબાણ હેઠળ જ પાકિસ્તાનનું આ નવું નાટક હોઈ શકે છે. ભારતે જ્યારે પણ સંબંધો સુધારવાની દિશામાં પહેલ કરી ત્યારે પાકિસ્તાને ઉત્તરમાં ઉરી, પઠાનકોટ, ગુરદાસપુર જેવા મોટા આતંકવાદી હુમલાઓ કર્યા છે અને દુનિયાને ગેરમાર્ગે દોરવા તે ખુદ આતંકવાદથી પીડિત હોવાના ઢોંગ પણ કરે છે. ભારતનું વલણ સ્પષ્ટ છે કે પાકિસ્તાન આતંકવાદીઓને સમર્થન આપવાનું બંધ કરે અને સરહદ પારથી આતંકવાદીઓને ઘૂસાડવાનું બંધ કરે તો જ બંને દેશો વચ્ચે મંત્રણા શક્ય છે. જોકે, પાકિસ્તાન સુધરે કે સખણું રહે તેવી આશા રાખવી પણ અસ્થાને છે. ભારતે જ સજાગ રહેવાની આવશ્યકતા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter