પેલોસીએ ચાંપેલા પલીતાથી ચીન ભડક્યું

Wednesday 10th August 2022 09:40 EDT
 

વિશ્વ અનેક પડકારોથી ઘેરાયેલું છે ત્યારે જગત જમાદાર અમેરિકા અને વિસ્તારવાદી ચીન વચ્ચે નવું ડીંડવાણું ઉભું થયું છે જે આગળ જતા નવા યુદ્ધમાં ફેરવાઈ શકે છે. જેમ ભારતના અરુણાચલ પ્રદેશની અથવા તિબેટિયન ધર્મગુરુ દલાઈ લામાની વાત છેડાય ત્યારે ચીન ધૂંઆપૂંઆ થઈ જાય છે તેમ તાઈવાનની વાત આવતા જ ચીનના તેવર બદલાઈ જાય છે કારણકે ચીન હોંગ કોંગની માફક તાઈવાનને પણ પોતાની જાગીર જ સમજે છે અને તાઈવાન તેનું ખંડિયુ બનવા રાજી નથી. આથી, અમેરિકાના હાઉસ ઓફ રેપ્રિઝેન્ટેટીવ્ઝના સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાનની મુલાકાતથી ડ્રેગનનો પારો ચઢી ગયો છે અને ચીને યુદ્ધની પૂર્વતૈયારી કરાતી હોય તેમ તાઈવાનની આસપાસના વિસ્તારોમાં ૧૦૦થી વધુ યુદ્ધવિમાનો તૈનાત કરવા સાથે યુદ્ધાભ્યાસ તેજ કરી દીધો છે અને હવામાં જ ફયુલ ભરાવી શકતા અત્યાધુનિક YU-20 વિમાનોનો કાફલો પણ તૈયાર રાખ્યો છે.

હકીકત એવી છે કે ચીનની હાલત અત્યારે ‘ખિસિયાની બિલ્લી ખંભા નોંચે’ જેવી થઈ છે. નેન્સી પેલોની તાઈવાનની મુલાકાત લેવાના છે તેવી જાહેરાત થતાંની સાથે જ પેલોસી તાઈવાનમાં પ્રવેશે ત્યારે તેમનું વિમાન ફૂંકી મારવાની ધમકી આપી હતી. આવી ધમકીઓ કે વાતોથી ટેવાયેલા પીઢ રાજકારણી પેલોસીએ કોઈ પ્રતિભાવ જ આપ્યો નહિ અને અમેરિકાના નેવી તથા એરફોર્સના ૨૪ ફાઈટર જેટના કાફલા સાથે વટભેર તાઈવાનની મુલાકાત લઈ જ લીધી. ચીન મોઢું વકાસતું રહી ગયું છે. તેને પણ ખબર હતી કે અમેરિકી સ્પીકરના વિમાનને ફૂંકી મારીશું તો શું પરિણામ આવી શકે. આ તો તીર નહિ તો તુક્કો લગાવી જોયો પરંતુ, તે તો તુક્કો પણ સાબિત નથી થયો.

સામ્યવાદી ચીન પહેલેથી જ તાઈવાન પર દાવો કરી રહ્યું છે અને નકશાઓમાં પણ પોતાના પ્રાંત તરીકે જ દર્શાવે છે, ચીન ગમે તે ભોગે તાઈવાનને પોતાની સાથે જોડવા મથી રહ્યું છે જ્યારે તાઈવાન સ્વતંત્રતા જાળવી રાખવા તેટલું જ મક્કમ છે. તાઈવાન સામુદ્રધુનીમાં ચીનનો કહેવાતો યુદ્ધાભ્યાસ અને નાકાબંધી તદ્દન આંધળુકિયા અને ચીનનું તાકાત પ્રદર્શન જ છે. તાઈવાન પર છોડેલાં મિસાઈલ્સમાંથી કેટલાક તો જાપાનની ભૂમિ પર પડ્યા છે અને તેથી જાપાન પણ રોષે ભરાયું છે. ચીનની આ અવળચંડાઈથી તાઈવાનને પણ તેની મિસાઈલ સિસ્ટમ સક્રિય કરવાની ફરજ પડી છે. ચીનની આ ગતિવિધિ જોઈ ક્વાડ ગ્રૂપના સભ્યો યુએસ, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ ચીનને યુદ્ધાભ્યાસ તત્કાળ બંધ કરવા અનુરોધ કર્યો છે પરંતુ, ફૂંગરાયેલું ચીન હવે પારોઠના પગલાં ભરવા તૈયાર નથી. આંતરરાષ્ટ્રીય તખ્તા પર પોતાનું નાક વઢાઈ જાય તે ચીનને પસંદ ન પડે તે સ્વાભાવિક છે કારણકે તે માને છે કે પેલોસીની મુલાકાતથી તાઈવાનની સ્વતંત્રતા ઉપર સિક્કો લાગી જશે અને સ્વતંત્ર તાઈવાનને આંતરરાષ્ટ્રીય સમર્થન પણ મળી જશે.

વિશ્વના બે સરમુખત્યાર સામ્યવાદી દેશો સમગ્ર દુનિયા માટે આફત બની ગયા છે. યુક્રેન પર રશિયાના આક્રમણ પછી વિશ્વમાં અનાજ અને તેલની કટોકટી સર્જાઈ છે. જો ચીન હુમલો કરી તાઈવાનને કબજે કરવાનો પ્રયાસ કરશે તો દુનિયામાં મોબાઈલ અને ઓટો ઈન્ડસ્ટ્રીમાં ચિપ કટોકટી સર્જાઈ જશે કારણકે વિશ્વના 90 ટકા અદ્યતન સેમિકન્ડક્ટર તાઇવાનમાં જ બને છે. અમેરિકાએ ટેકનોલોજીમાં આગળ રહેલા તાઈવાનને આર્થિક રીતે પગભર થવામાં ભરપૂર મદદ પણ કરી છે. તાઈવાન દક્ષિણ ચીન સમુદ્રમાં આવેલું હોવાથી ચીન અને અમેરિકા બંને માટે વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. ચીનને અંકુશમાં રાખવા આ સમુદ્ર પર કબજો જરૂરી છે. તાઈવાન મુદ્દે ચીનની હવા નિકળી ગઈ છે. ચીન તાઈવાનને ધમરોળી નાંખે કે ગમે તેટલા ધમપછાડા કરે તો પણ ગયેલી આબરૂ પાછી આવવાની નથી.

આ તણાવનો પલીતો તો પેલોસીએ ચાંપી દીધો છે. પેલોસી અમેરિકા પરત ફરી ગયા પછી પણ ચીનની લશ્કરી ગતિવિધિ કે યુદ્ધાભ્યાસ અને હવાઈહુમલા થઈ રહ્યા છે. આ સ્થિતિ વધુ ગંભીર બની શકે, તણાવ પણ વધી શકે છે. અમેરિકાએ ચોક્કસપણે તાઈવાનને મદદ અને સુરક્ષા આપવાની ખાતરી પણ ઉચ્ચારી છે. અમેરિકાએ તાઈવાનમાં લશ્કરી થાણાં તથા દરિયાઈ સીમામાં નેવી ખડક્યું હોવાથી ચીન કાબૂમાં રહે છે.જોકે, રશિયા અને યુક્રેનના યુદ્ધમાં થઈ રહ્યું છે તેમ અમેરિકા અને યુકે સહિતના પશ્ચિમી દેશોએ યુક્રેનને ‘ચડ જા બેટા શુલી પર’ની હાલતમાં મૂકી દીધું છે. આના કારણે તાઇવાન પણ અમેરિકા પર આંધળો વિશ્વાસ મૂકશે કે તેમ તે પણ યક્ષપ્રશ્ન છે. જોકે, હવે શું થશે તે સમય જ કહેશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter