આવજો, ઈશા કુન્દનિકા!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 04th May 2020 07:42 EDT
 
 

વલસાડથી ધરમપુર જતાં આ નાનકડું રમણીય સ્થાન આવે, નામ ‘નન્દીગ્રામ’.

આપણે ત્યાં સરસ્વતીચંદ્રકાર ગોવર્ધનરામ તેમની નવલકથાનો અંત, નગરજીવનથી દૂર એક આશ્રમમાં દોરી લાવ્યા હતા. પશ્ચિમના મોટા ભાગના લેખકો મહાનગર છોડીને અંતરિયાળ ગામનાં કોઈ ખેતરની સાથે જોડાયેલાં નિવાસને પસંદ કરે છે. આપણા કેટલાક ગુજરાતી લેખકો પણ પ્રકૃતિની સાથે નેહનાતો કેળવતા રહ્યા. પન્નાલાલ તો મૂળે ગામડાંના જ જીવ. ઉમાશંકરનો ઈડરિયો માહૌલ કાયમ રહ્યો. દેવશંકર મહેતાની તળભૂમિની સુગંધ ધરાવતી નવલકથાઓ તેમના સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામનિવાસેથી સર્જાઈ. દિલીપ રાણપુરા રહેતા ગાંધીનગર, પણ રઝળપાટ ઝાલાવાડમાં. મોહમ્મદ માંકડ અને ભૂપત વડોદરિયા પણ બોટાદ-ધ્રાંગધ્રાથી વિમુખ ના રહ્યા. મેઘાણી તો જીવ્યા જ રાણપુર-બોટાદમાં. આવાં બીજાં ઉદાહરણો પણ ઓછાં નહીં.

તેમાં એક અલગ પ્રકારનો અંદાજ આપણા સર્જકોએ આપ્યો તે મકરંદ દવે અને કુન્દનિકા કાપડિયાએ. ‘નન્દીગ્રામ’માં તેમને બંનેને જેમણે નિહાળ્યા હશે, તેમને ‘નન્દીગ્રામ’નો પર્યાય તેમનામાં મળ્યો હશે. ‘નન્દીગ્રામ’ પૂર્વે મુંબઈમાં પણ તેમના નિવાસસ્થાને મળવાનું થયું. કુન્દનબહેનને તો ‘નવનીત-સમર્પણ’ને લીધે ઘણી વાર મળ્યો. આગ્રહપૂર્વક તેઓ લખાવતા. નિબંધો, રાજકીય નોંધ અને ઈતિહાસના ઘણાં લેખો તેમને કારણે લખ્યા, છપાયા.

અંધેરીમાં તેમનો અને મકંરદભાઈનો નિવાસ. આ ઊંચા, પડછંદ, સ્નેહસિક્ત મકરંદભાઈને ભેટવુંઃ એ અ-સામાન્ય અનુભવ! અનરાધાર એક જ અનુભૂતિઃ નન્દીગ્રામમાં ૨૦૦૫માં મળ્યો ત્યારે હીંચકે બેઠાં અલકમલકની વાતો કરી. તાત્યા ટોપે, તુલસીદાસ, અમૃતલાલ નાગરની ‘માનસ કા હંસ’, જેલવાસ, જય પ્રકાશ... આમ અલગ અલગ વિષયો! કુન્દનિકાબહેને ત્યારે માર્મિક સ્મિત સાથે કહ્યુંઃ આજે તમારો પુરાણો આત્મા સળવળ્યો અનુભવાય છે...

હા, મકરંદભાઈનો પત્રકારનો જીવ પણ ખરો. ભાષાના ફલક પર તેમની કલમે પ્રભાવી રીતે વિહાર કર્યો તેનું એક કારણ પત્રકારત્વ, બીજું અગમ્યની શોધ અને ત્રીજું સર્જકતાનો પિંડ. કુન્દનિકાબહેનનો સંગાથ તેમાં ઉમેરાયો તેની અનેક કથા - દંતકથાઓ જાણીતી છે. ગોંડલના અધ્યાત્મનિષ્ઠ નાથાભાઈએ આ પ્રસન્ન દામ્પત્યનાં ભવિષ્યનો સંકેત આપ્યો હતો તેવો પણ પ્રસંગ છે.

એ જે હોય તે, પણ બંનેનો આત્મીય તંતુ એક મજબૂત સ્નેહગાંઠથી બંધાયેલો હતો. કોઈ સમયે હિન્દીના એક ખ્યાત કવિ સાથે કુન્દનિકાબહેનનો સુહૃદ પરિચય પરિણામ તરફ જઈ શકે તેમ હતો પણ બહેનની સામાજિક જાગૃતિના સ્વભાવે પાછાં વાળી દીધાં હતાં. આ વાત હિન્દીનાં એક કવયિત્રીએ મને જણાવી હતી.

કુન્દનિકા જન્મ્યા ઝાલાવાડમાં. લીંબડીમાં પિતા નરોત્તમદાસ અને માતા ઈશાને ત્યાં. (પછીથી તેમણે પોતાને ‘ઈશા કુન્દનિકા’ નામથી ઓળખાવાની શરૂઆત કરી.) ૧૧ જાન્યુઆરી ૧૯૨૭ જન્મદિવસ, એટલે ૩૦ એપ્રિલ ૨૦૨૦ની મધ્યરાત્રિએ તેમણે દેહ છોડ્યો ત્યારે ૯૪ વર્ષનાં હતાં.

હજુ હમણાં જ ૨૦૨૦ના જાન્યુઆરીમાં તેમનો સત્સંગ થયો હતો. ઘણા વર્ષો વીતી ગયાં એટલે મળવાની તીવ્ર ઈચ્છા હતી. નન્દીગ્રામ એ સમાન પ્રકૃતિપ્રેમ ધરાવતાં મિત્રોનું નિવાસસ્થાન છે. ખેતર, વૃક્ષો, સમૂહ રસોડું, પરિશ્રમ અને સત્સંગ. મકરંદભાઈના સમાધિસ્થાને અલગ પ્રકારની અનુભૂતિ થાય. (હવે ત્યાં કુન્દનિકાબહેનની સમાધિએ પુષ્પ અર્પણ કરવાનું રહેશે.)

એ જ સ્મરણીય ઝૂલો, અંતેવાસીઓની અવરજવર અને એક ખુરશી પર મધુર વાતાવરણમાં વાર્તાલાપ કરી રહ્યાં છે. પ્રેમપૂર્વક તેમણે કેટલાંક પુસ્તકો આપ્યાં અને સ્વ-હસ્તાક્ષરે લખ્યુંઃ ‘મારા નાનાભાઈને સ્નેહપૂર્વક.’

નેતાજી સુભાષચંદ્ર બોઝના અંતિમ દિવસોની ડોક્યુ-નોવેલથી તેઓ રાજી થયાં અને કહ્યું કે આ તો હું રોજ એક પ્રકરણ અહીં અંતેવાસીઓની સાથે વાંચીશ!

કુન્દનિકાબહેનની પસંદગીનું એક નગર ભાવનગર હતું! શામળદાસ કોલેજમાં તે ભણતા ત્યારે સનત મહેતા પણ આ કોલેજના જ વિદ્યાર્થી હતા! ગોધરામાં પ્રાથમિક શિક્ષણ થયું. મુંબઈમાં સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં રાજ્યશાસ્ત્ર ભણ્યા.

શરદબાબુનો તેમના પર ગાઢ પ્રભાવ. કૃષ્ણમૂર્તિનું ચિંતન ગમે. સંપાદક તરીકે મકરંદભાઈની કવિતા છાપતા પછી પરિચય પરિણયમાં પળોટાયો. ૧૯૬૮માં લગ્ન થયાં. મુંબઈ બંનેએ છોડ્યું અને આદર્શ ગ્રામ સ્વરૂપે નન્દીગ્રામ વસાવ્યું. કુન્દનિકા કાપડિયા જાણીતાં ‘સાત પગલાં આકાશમાં’થી થયાં. ‘જનસત્તા’ના ‘ચાંદની’માં ૧૯૮૬માં મેં ચર્ચા માટે પાનાં રોક્યાં અને ગુજરાત - ગુજરાત બહારથી સેંકડો લેખો આવ્યા એટલી તે લોકપ્રિય નવલકથા. પણ ‘અગન પિપાસા’ સર્જક્તાની દૃષ્ટિએ અગ્રતાક્રમે આવે. તેનો આસ્વાદલેખ તે સમયના ‘નિરીક્ષક’માં લખ્યો ત્યારે મોટા ભાગે રાજી ન થતા દુરારાધ્ય સુરેશ જોશીએ પત્ર લખીને મને જણાવ્યું કે ‘મારે આ નવલકથા વાંચવી પડશે!’

કુન્દનિકા કાપડિયા કે ઈશા કુન્દનિકા તેમના લેખ, વિચાર અને જીવનદર્શન માટે સદૈવ જીવંત રહેશે!


comments powered by Disqus